વોટર રિસાઈકલીંગ માટે વૈશ્વિક સિદ્ધિ પરંતુ ઘરઆંગણે શું?

Facebooktwitterredditpinterestlinkedinmail

જ્વલંત નાયક

થોડા સમય પહેલા આ સ્થળેથી ચૈતન્ય કરમચેડુ નામના ભારતીય મૂળના વિદ્યાર્થીની વાત કરેલી, જેણે દરિયાના પાણીને પ્રોસેસ દ્વારા નજીવા દરે પીવાલાયક પાણીમાં રૂપાંતરિત કરવાની પદ્ધતિ શોધેલી. ચૈતન્યની આ શોધની નોંધ દુનિયાભરના વિજ્ઞાનીઓએ લીધી અને અનેક સંસ્થાઓએ એની કદર કરી! હવે બીજી એક ભારતીય કન્યા પાણીના શુદ્ધિકરણ મામલે સમાચારોમાં છે. બારમાં ધોરણમાં ભણતી બેંગ્લોર નિવાસી કન્યા સહિતી પીંગળીએ જળાશયોની કાળજી માટે લેક મોનીટરીંગ કિટ આધારિત મોબાઈલ ફોન એપ વિક્સાવીને ‘ક્રાઉડસોર્સિંગ’ આધારિત કાર્યક્રમ કઈ રીતે અમલમાં મૂકી શકાય, એ અંગે દુનિયાની સૌથી મોટી ગણાતી પ્રિ-કોલેજ સાયન્સ કોમ્પિટીશનમાં (ઈન્ટરનેશનલ સાયન્સ એન્ડ એન્જિનીયરીંગ ફેર – આઈએસઈએફ) પોતાનું રિસર્ચ પેપર રજુ કર્યું. સહિતીના રીસર્ચ પેપરને પ્રથમ ક્રમાંક મળ્યો, એટલું જ નહિ, જેની પાસે આકાશગંગાના લઘુગ્રહોના નામ પાડવાના હક છે, એ ‘મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી’ નામક સંસ્થાએ એક લઘુગ્રહનું નામ સહિતીના નામ ઉપરથી રાખવા-નું નક્કી કર્યું છે!

યુવા ભારતીયો જો પાણીના શુદ્ધિકરણ માટે આટલું ધ્યાનાકર્ષક કામ વૈશ્વિક ફલક ઉપર કરી શકતા હોય, તો દેશના શહેરોની સુધરાઈઓ પોતાના જળાશયો માટે શું કરી રહી છે, એ જાણવું રસપ્રદ થઇ પડે! ધારણા મુજબ જ આપણી સ્વદેશી સુધરાઈઓ આ બાબતે સાવ ‘દેશી’, એટલે કે ગમાર જ સાબિત થઇ છે! ગુજરાતીઓ માટે આશ્વાસન એટલું જ કે આખા દેશમાં એક માત્ર સુરત મહાનગર પાલિકાએ પાણીના શુદ્ધિકરણ માટે અપ-ટુ-ડેટ ગણાય એવી ‘ટર્શરી ટ્રીટમેન્ટ’ અમલમાં મૂકી છે.

આમ તો પાણીનું રીસાયક્લિંગ કરવાનો વિચાર સૌપ્રથમ વાર સિંધુ ખીણની સંસ્કૃતિ ધરાવતાં આપણા પૂર્વજોએ અને મેસોપોટેમીયાના લોકોએ અમલમાં મૂકેલો. જો કે એમનું રીસાયકલીંગ એક વાર વપરાયેલા પાણીનો ખેતીનાં કામ માટે ફરીથી ઉપયોગ કરવા પૂરતું જ સીમિત હતું. પણ ઔદ્યોગિક ક્રાંતિ બાદનાં આધુનિક સમયમાં પ્રદૂષણનો પ્રશ્ન વિકરાળ બનતા પાણીના શુદ્ધિકરણ માટે બહુસ્તરીય પદ્ધતિઓ વપરાવા માંડી. સાદી ગુજરાતીમાં ટર્શરી (tertiary) ટ્રીટમેન્ટ એટલે ત્રિસ્તરીય -ત્રણ તબક્કાઓમાં વહેંચાયેલી પ્રક્રિયા! ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં લવાયેલા સુએઝ વોટરને ત્રણ તબક્કે શુદ્ધ કરીને ફરીથી વાપરવાલાયક (કે પીવાલાયક) બનાવવામાં આવે છે.

પ્રાયમરી ટ્રીટમેન્ટ :

સૌપ્રથમ સુએઝ વોટરને પ્રિ-સેટલીંગ બેઝિન તરીકે ઓળખાતી કોંક્રીટની બનેલી મોટી ટેંકમાં લાવવામાં આવે છે. અહી કીચડ (sludge) અને બીજા ભારે પદાર્થોરૂપી કચરો તળિયે બેસી જાય છે અને ઓઈલ કે ગ્રીસ જેવા પાણીથી હલકા પદાર્થો સપાટી ઉપર તરતા રહે છે. ટેન્કમાં તળિયે ભેગા થયેલા કીચડ અને ઘન કચરાને, સતત કાર્ય કરતા મિકેનિકલી ઓપરેટેડ સ્ક્રેપર્સ વડે સ્લજ ટ્રીટમેન્ટ સિસ્ટમ સુધી પહોંચાડવામાં આવે છે. ગ્રીસ અને ઓઈલ જેવા પદાર્થોને પાણીમાંથી દુર કરવા માટે ‘સેપોનીફીકેશન’ની પ્રક્રિયા કરવામાં આવે છે.

સેકન્ડરી ટ્રીટમેન્ટ :

આ તબક્કામાં બાયોલોજીકલ વેસ્ટ, ડીટર્જન્ટ કે બીજા ઓર્ગેનિક કચરાની ટ્રીટમેન્ટ થાય છે. આ બધો કચરો સામાન્યપણે ‘બાયોટા’ તરીકે ઓળખાય છે, જેને વૃદ્ધિ પામવા માટે ઓક્સિજનની જરૂર રહે છે. એરોબિક બાયોલોજીકલ પ્રોસેસ દ્વારા ઓક્સિજન પુરો પાડીને તમામ ઓર્ગેનિક વેસ્ટને તળિયે ભેગો કરવામાં આવે છે અને ત્યારબાદ તેનો પાણીમાંથી નિકાલ કરવામાં આવે છે.

ટર્શરી ટ્રીટમેન્ટ :

સૌથી મહત્વના અંતિમ તબક્કા દરમિયાન સૌપ્રથમ સેન્ડ ફિલ્ટરેશન દ્વારા પાણીમાં બાકી બચેલા પાર્ટીકલ્સ દુર કરવામાં આવે છે. એ ઉપરાંત આપણે વર્ષ દરમિયાન માથાદીઠ ૫૦૦ ગ્રામ જેટલું ફોસ્ફરસ મળ-મૂત્ર તરીકે છોડીએ છીએ. એ સિવાય ઔદ્યોગિક એકમોએ છોડેલું ફોસ્ફરસ અલગ! સુએઝ વોટરમાં ફોસ્ફરસની જેમ જ નાઈટ્રોજન હોવાની શક્યતા પણ ખરી જ! શુદ્ધિકરણના અંતિમ તબક્કા દરમિયાન પાણીમાં ઓગળેલા નાઈટ્રોજન અને ફોસ્ફરસને ખાસ પ્રકારની પ્રક્રિયાઓ દ્વારા દુર કરવામાં આવે છે. (આ રીતે પાણીમાંથી દુર કરાયેલા ફોસ્ફરસમાંથી ખાતર પણ બનાવી શકાય છે.) આ બધી પ્રક્રિયાઓને અંતે પાણીને સંપૂર્ણપણે ‘ડીસ-ઇન્ફેક્ટેડ’ કરવા માટે કલોરીનેશન કરવામાં આવે છે. કેટલીક વાર અલ્ટ્રાવાયોલેટ કિરણોનો ઉપયોગ પણ થાય છે. કેટલાક ઓર્ગેનિક મટિરિયલને ઓકસીડાઈઝ કરવા માટે હાઈ-વોલ્ટેજમાં ઓક્સિજન વાયુ પસાર કરવામાં આવે છે. આ તમામ પ્રક્રિયાઓને અંતે રંગ-ગંધ વિહીન શુદ્ધ પાણી પ્રાપ્ત થાય છે.

ઔદ્યોગીકરણને પગલે પાણી પ્રદુષિત તો થાય જ, ઉપરાંત ઉદ્યોગોને વપરાશ માટે ખુબ મોટા પ્રમાણમાં શુદ્ધ પાણીની જરૂર પડે! આજની તારીખે સુરત મહાનગર પાલિકા જેટલું પાણી શુદ્ધ કરીને ‘પીવાલાયક’ બનાવે છે એમાંથી ૮૦ એમએલડી જેટલું પાણી તો ઉદ્યોગો જ વાપરી નાખે છે. આથી દુકાળમાં અધિકમાસ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. જો આવી પરિસ્થિતિ લાંબો સમય ચાલુ રહે તો પાણીની અછતને કારણે ઉદ્યોગો તો ઠપ્પ થાય જ, જનજીવન પર પણ અવળી અસર પડે. લગભગ ૮૫ કરોડ રૂપિયાને ખર્ચે સુરતમાં તૈયાર થયેલો ટર્શરી પ્લાન્ટ જીઆઇડીસીનાં ઉદ્યોગોને શરૂઆતમાં ૧૦ અને બાદમાં ૪૦ એમએલડી જેટલું ટર્શરી ટ્રીટેડ પાણી પૂરું પાડે એવી વ્યવસ્થા છે. સુએઝ વોટરનો એક મોટો હિસ્સો ટર્શરી પ્લાન્ટ દ્વારા ઉપયોગમાં લેવાવાને કારણે પ્રદુષિત પાણીની સમસ્યા કંઈક અંશે હળવી થશે. સુરત મહાનગર પાલિકાએ ઉદ્યોગોને આપવા પડતા પાણીમાં અડધોઅડધ ઘટાડો થશે. ઉપરાંત પાણીની ટ્રીટમેન્ટ કોસ્ટમાં પણ ઘટાડો થશે.

…અને જેમની પાસે ૮૫ કરોડનું બજેટ ન હોય, એવી સુધરાઈઓએ ચૈતન્ય કરમચેડુ અને સહિતી પીંગળી જેવા યુવાન વિજ્ઞાનીઓની સેવા લેવી જોઈએ!

આપનું શું માનવું છે?!


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.


નોંધઃ

અહીં રજૂ કરેલ ચિત્ર એક ટીપીકલ ટર્શરી પ્લાંતનું રેખાચિત્ર છે. જે નેટ પરથી લેખના વિષયને સમજવામાં મદદરૂપ થવા માટે પ્રતિકાત્મક જ લીધેલ છે. એ ચિત્રના પ્રકશાનાધિકાર મૂળ સર્જકના રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *