લ્યો, આ ચીંધી આંગળી : આ પણ એક ઉમાશંકર !

Facebooktwitterredditpinterestlinkedinmail

– રજનીકુમાર પંડ્યા

ખાસ સૂચના :

આપણાં સગાસંબંધીઓ તેમ જ મારી પ્રજાની ભૂલો મને દેખાઈ આવી હોય અગર સાંભળ્યા પ્રમાણે આ બુકમાં લખી છે તેથી તેમની ભૂલોનું વેર લેવું નહીં, પણ ક્ષમા વીરસ્ય ભૂષણમ ! ક્ષમા આપી તેમના ઉપરથી વ્યવહારમાં બોધપાઠ લેવા માટે જ મેં લખ્યું છે. દોષગ્રાહી ન થતાં ગુણગ્રાહી બનવું.

                 લિ. શુભેચ્છક ગિરજાશંકર કલ્યાણજી રાજ્યગુરુના આશિષ

                                                                   તા. 2-4-44.

સાડી બેતાલીસ વરસ ઉપર એ વખતે ચોપન વરસના અને ત્રણ દીકરા, બે દીકરીઓના બનેલા વસ્તારી કુટુંબના વડા એવા સૌરાષ્ટ્રના ગારિયાધારના ગિરજાશંકર શુક્લને સોલો ચડ્યો કે લાવ, સૌ સ્વજનની “ચારિત્ર્યબુક” લખીએ, અને એમાં સૌના ગુણાવગુણ લખીએ, જેથી કરીને ભાવિ “પ્રજા” એટલે કે સંતાનોને એમાંથી બોધપાઠ મળે.

“મારા બાપા માસ્તર હતા.” ઉમાશંકર રાજ્યગુરુ બોલ્યા : “એટલે એમને બોધપાઠ આપવાના વિચારો સતત આવ્યા કરતા. એના પરિણામે આ ચારિત્ર્યબુક.”

આમ બોલનારા ઉમાશંકર ગિરજાશંકર રાજ્યગુરુ પણ ત્યારે સિત્તેરના. છતાં કથ્થઈ રંગના સફારી સૂટમાં સજ્જ થઈને ગિરનાર સ્કૂટર પર મારે ત્યાં આવેલા. માથે દોઢ વેંતની ચોટલી, એમણે સફેદ ટોપી ઉતારી કે તરત જ સ્પ્રિંગની જેમ ઊછળીને પછી એમની ગરદન સરસી થઈ ગઈ.

ઉમાશંકર પોતાના ગિરનાર સ્કૂટર પર

એ ચાણક્ય-દ્રશ્યની કળ હજુ મને વળે એ પહેલાં તો એ પાછા બોખા મોંએ ખડખડાટ હસ્યા અને પૂછ્યું : “ચોગઠું પહેરી આવું ?”

“ના.” મેં કહ્યું : “આપણે ખાવું નથી. વાતો કરવી છે.”

“પણ દયાને હું ચોગઠા વગરનો નહીં ગમું.”

“કોણ દયા ?”

“મારી ભાર્યા.” એ બોલ્યા : “કેમ, એમનું નામ લીધું એ તમને ના ગમ્યું ?”

“તમે તમારી ભાર્યાનું નામ લો એમાં મને શો વાંધો ?”

“હોય છે. હોય છે.” એમણે એમના પિતાએ લખેલી જર્જરિત ચારિત્ર્યબુકનું બાણું નંબરનું પાનું સાચવીને ખોલ્યું. સાચવીને એટલા માટે કે એ કાગળની આવરદાનો હવે ઓવરડ્રાફ્ટ હતો. કોઈ પણ ઘડીએ ભરભર ભૂકો થઈ જાય તેવું હતું.

“હોય છે.” એ ફરી બોલ્યા અને વાંચી સંભળાવતાં પહેલાં બોલ્યા : “ઘણાંને હોય છે. મારા પિતાએ આ પ્રકરણ મારી માતા વિષે લખ્યું છે. એનું શીર્ષક એમણે આપ્યું છે : ‘ચિ. ઉમાશંકરનાં માતુશ્રી.’ નામ લખ્યું નથી.”

“પણ કૌંસમાં પાછું નામ તો લખ્યું છે, જેકુંવરબા.”

દાંતના પેઢાં દેખાય એમ એ વળી હસ્યા : “એટલું એમણે મારી બેન મંગળા પાસે લખાવ્યું છે. જુઓ, બાજુમાં લખ્યું છે, લિ. બેન મંગળા, ખરું ? બાકી એ જાતે તો નામ બોલે નહીં-લખે પણ નહીં !”

હતું તે હતું જ. ના કેમ કહેવાય ? મેં કાન પકડ્યો. ઉમાશંકર પ્રસન્ન થઈ ગયા. જાડા કાચનાં ચશ્માંમાંથી પિતાની કેફિયત વાંચવા માંડ્યા : “મારો એટલે કે ગિરજાશંકર શુક્લનો જન્મ અટકળે સંવત 1949( સને 1883)માં ટીંબામાં. તેણીના પિતાનું નામ પંડ્યા ગૌરીશંકર જગજીવન. તેમની તમામ મિલકત સાંભળવા પ્રમાણે તેમનો મોટો દીકરો કેશવલાલ લઈ ગયો…તેની મા શિવકોર ગતાગમ વિનાનાં છે. આ બાઈ( પોતાનાં પત્ની)એ ધ્રાંગંધ્રામાં ફક્ત પહેલા ધોરણનો જ અભ્યાસ કરવા છતાં વાચનબળ સારું છે. પૂજાપાઠમાં તેનું ધ્યાન વધારે છે. તેવા કામમાં દરરોજ બે કલાક થાય છે. તેમાં તેને કોઈએ વિઘ્ન કરવું નહીં.”

“આ સૂચના શા માટે ?” મેં પૂછ્યું.

“મારાં બાએ સગાસંબંધીઓની ઠોકર બહુ ખાધેલી. મારા પિતાએ પણ પોતાનાં માબાપનું નામ રાખવા એમનું મન ઘણીવાર દૂભવેલું. જુઓ, મારા પિતા લખે છે; ‘અનેક વખત મેં ગેરવાજબી રીતે તેણીનું મન દૂભવ્યું છે. તેનો જવાબ મારે પ્રભુ પાસે દેવો પડશે.’ લખ્યું છે ને ? જોયું ને ?”

”છે. છે.” મેં કહ્યું : “બીજાંઓ તરફથી મળેલા ત્રાસની વાતો પણ આ ‘ચારિત્ર્યબુક’માં હશે ને?”

“નમૂનો પાના 58 પર વાંચો.” એમણે વળી જીભ પર આંગળી ભીની કરીને એનાં પાનાં ફેરવ્યાં. પ્રકરણનું શીર્ષક હતું: “આપણા કાકા અંબાશંકરના કુટુંબની આપણે કરેલ સેવાનો બદલો-ઉપકારનો બદલો અપકાર અને કાકા અંબાશંકરનાં કર્મો તથા તેની પ્રજા.”

“બહુ જ કડવું મથાળું છે.” મેં કહ્યું : “એમાં પીરસેલી વાનગીનો સ્વાદ સમજાય છે. છતાં વાંચો.

ઉમાશંકર વાંચવા માંડ્યા : “તેઓ એટલે કે અંબાશંકર કૃતઘ્ની, જૂઠાબોલા, સ્વાર્થી, તમોગુણી વગેરે દોષ (વાળા) હોવા ઉપરાંત તેમના પેટમાં કોઈની ખાનગી વાત રહી શકે તેવું સ્થાન નથી. તેઓ (તેથી) બધે ‘ચંદ્રકોપ’ નામથી ઓળખાય છે. માટે ખાતરી કર્યા સિવાય તેમની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખવા જેવો નથી.”

“આ બોધપાઠનો તમે અમલ કર્યો ?” મેં પૂછ્યું.

ઉમાશંકર મારી સામે ટગરટગર જોઈ રહ્યા. જાણે કે જવાબ મારે આપવાનો હોય ! મેં ફરી અકળાઈને પૂછ્યું : “કરેલો ?”

“એમણે પોતે પણ નહીં કરેલો.” એ બોલ્યા : “જુઓ, લખે છે, એમનો દીકરો શાંતિલાલ પ્લેગમાં ગુજરી ગયો અને કારજમાં ત્રયોદશા શ્રાદ્ધને દિવસે લીલ પણ મેં તથા ચિ. ઉમાશંકરનાં માતુશ્રીએ પરણાવેલાં. એ વખતે વિદ્યાબેન (દીકરી) પેટમાં હોવાથી તેની બાએ આ કામમાં ભાગ લેવા ના પાડેલી, પણ શરમને લીધે અમારે કરવું પડ્યું. અને પરિણામે (આવા અશુભ કાર્યમાં પોતે ગર્ભવતી હોવા છતાં ભાગ લેવા બદલ, એ પુત્રીસંતાન જનમ્યા પછી અને તે પણ છેક એનાં યથાયોગ્ય ઉંમરે લગ્ન કર્યા પછી પણ !) સૌ. વિદ્યાબેનને એનાં સાસરિયાં તેડતાં નથી તેવો વહેમ છે, માટે “…. ઉમાશંકરે ચશ્માંમાંથી આંખ ચમકાવી : “મારા પિતા લખે છે : માટે આવાં કામ કોઈનાં કરવાં નહીં.”

“મતલબ કે પોતાના ગર્ભવાસ દરમ્યાન માતાએ કરેલાં કાર્યોનાં ફળ સંતાનને છેક પોતાના લગ્નજીવનમાં પણ ભોગવવાં પડતાં હોય છે. એમ તમારા પિતા માનતા હતા. બરાબર ?”

“આવી તો એમની અને એમના યુગની અનેક માન્યતાઓ હતી.” એ બોલ્યા : “જુઓ, અંબાશંકરની બીજી પુત્રી નબુ વિષે એ શું લખે છે ? લખે છે, ‘એનો જન્મ સંવત 1958 (ઈ.સ. 1902)માં ગ્રહણ વખતે હોવાથી તેના કુટુંબમાં આપણને એનાં સગાંસંબંધી સર્વને ભારરૂપ છે. નબુ ગાંડી તરીકે ઓળખાય છે… તેના પેટમાં કોઈની વાત ટકતી ન હોવાથી તેનો સગો ભાઈ નાથો તેને ‘જાણીતો કાકો’ કહે છે. અને તેને મારે પણ છે. સંવત 1989માં મારી ભાર્યાને જગદીશ પેટમાં હતો, ત્યારે નબુને અડાય તેમ ન હોવાથી આપણી ઓસરીની કોર પાસે લૂગડાં ધોતાં આપણે પાણિયારે છાંટા ઊડવાથી બીજે ઠેકાણે ધોવાનું કહેતાં નબુએ મારી ભાર્યાને છૂટો ધોકો મારેલ…વળી ખોટા આક્ષેપો નાખે તેવી હોવાથી તેને સુધરતા સુધી આપણા ફળિયામાં પણ ઊભી રહેવા દેવાથી નુકસાન છે.’ વળી આગળ મારા પિતા લખે છે : ‘અંબાશંકરની બીજી દીકરી પ્રભા પણ જુવાનીનું લોહી હોવાથી માબહેનની જેમ આપણને ગાળો ભાંડે છે. તે વિધવા અને જુવાન હોવા છતાં તેને બારોટોની સાથે ધર્મશાળામાં જૈનોની રસોઈ કરવા મોકલતા. આમ કરવા મારા પિતાશ્રીએ ના પાડતાં તેમને ઘણી ગાળો ખાવી પડી છે. નજીવાં કારણોસર ચિ. ઉમાશંકરની બાને વાડો વહેંચવાને બહાને સંવત 1999 (1942)ના વરસમાં એક દિવસ આ પ્રભાએ પથ્થર મારીને દાઢ પાડી નાખવાથી બેશુદ્ધ થઈ જવાયું. ઘણું લોહી નીકળ્યું. પણ ખેર, પરમાત્મા તેમને સદબુદ્ધિ આપે.”

“ચારિત્ર્યબુક”નાં કેટલાંક પાનાં વાંચીએ ? હજુ તો આ ઉમાશંકર રાજ્યગુરુ નામના સિત્તેર વરસના અને ટ્રેક્ટર જેવા ધમધમિયા સ્કૂટર પર સવાર થઈને જુવાનજોધની જેમ આવેલા ઉમાશંકર વિષે જાણવાનું બાકી હતું. ને ત્યાં વળી એમના પિતાએ આલેખેલી ચારિત્ર્યબુકમાં ક્યાં ભૂલા પડ્યા !

અંતે મેં પાનાં ફેરવી ફેરવીને કેવળ મથાળાં વાંચવાનો બાયપાસ લીધો. તો મથાળાંય એવાં લલચાવનારાં નીકળ્યાં કે અંદર પેસવાનું મન થાય જ. એક મથાળામાં લખ્યું હતું ? “હોલાવિધાન.” એ વળી શું ? જરા પરદો ખસેડીને જોયું તો આઠસો વરસ પહેલાંની અદભૂત કથા નીકળી. ઉમાશંકરના ટોચના વડવાઓ પાસે રાજપાલ શાહ નામના રાજાએ હોલાવિધાન નામની વિધિ એટલા માટે કરાવેલી કે એનાથી માઠા શુકનનો દોષ ટળે. રાજાનો અસલ-ઓરીજીનલ-માન્ય પુરોહિત ગંગાધર સુવર્ણનો હોલો રાજાના મસ્તક પર મુકાવી યજ્ઞમાં હોમાવતો હતો, ( અને પછી સુવર્ણનો તે હોલો અગ્નિમાંથી કાઢીને પોતે ગુપચાવી જતો હતો) તેના બદલે ઉમાશંકરના વડીલશ્રેષ્ઠ શ્રી સોમેશ્વર ત્રવાડીએ અસલી જીવતો હોલો હોમાવી જીવતો બહાર કાઢ્યો ને રાજાની વાહવાહ મેળવી ગયા. ત્યારથી એ રાજગોર-રાજગુરુ થયા. કથા અવૈજ્ઞાનિક, છતાં ચાલી જાય એમાં ના નહીં.

આગળનાં શીર્ષક જોઈએ. “શાંતિની પટલાઈનાં ફળ” નામના પ્રકરણમાં ત્રિભોવન નામના રક્તપિત્તિયાની કથા છે. રક્તપિત્ત કેમ થયો ? તો તેના જવાબમાં સીધું ગણિત છે. ભાઈઓને બરાબર ભાગ નહોતો આપતો. એટલે ! એને સૌ જુદી ઓરડીમાં (આઈસોલેશનમાં) રાખતા. મર્યો ત્યારે બાળ્યો નહીં. કારણ કે બાળવાથી ચેપી ધુમાડાથી બીજાને ચેપ લાગે ! એટલે દાટ્યો. બીજા એક અંબાશંકરે પણ ભાઈઓને અન્યાય કર્યો તેથી કુદરતે સીધી સજા કરી. “તેનું શરીર કાળું કોઢવાળું થઈ ગયું અને તેની પ્રજા નિર્માલ્ય થઈ છે.” એક શીર્ષક “આહાર ત્યાં નહીં વ્યવહાર” નામનું છે, જેમાં જ્યાં ભોજન લેવાનો સંબંધ હોય ત્યાં નાણાકીય વ્યવહાર નહીં કરવાની “પ્રજા”ને શીખ છે. એક પ્રકારનું મથાળું “ઉપકારનો બદલો અપકાર” છે. આ પ્રકરણ દસ પાનાં વિસ્તર્યું છે. “વિઘ્નસંતોષી કાકા અંબાશંકરનો દુરાગ્રહ” નામનું પ્રકરણ વિગતોથી ભરપૂર છે. એક પ્રકરણનું શીર્ષક “મિથ્યાભિમાની નાથાને મળેલ મિલકત” આપ્યું છે. એકનું શીર્ષક ‘ટૂંકી બુદ્ધિનો ગણપત” છે ને બીજાનું “કેશવલાલની દશા પરથી બોધપાઠ” છે.

વાંચતા વંચાવતાં ઉમાશંકર એક જગ્યાએ સિત્તેર વર્ષના મટીને સાત વરસના બની ગયા હોય એમ કૂણા પડી ગયા. જોયું તો એ પ્રકરણમાં 16-4-21ના રોજ બાળપણમાં એમના વાળ વડા કરાવવા પ્રાચી ગયાની યાત્રાનું વર્ણન હતું.

“ઉમાશંકરભાઈ,” મેં પૂછ્યું, “તમારી ચારિત્ર્યબુકમાં તમારા પિતાએ તમારા માટે શું લખ્યું છે, જોઈશું ?”

“કેમ નહીં ?” એ બોલ્યા, અને “ખાદીધારી ચિ. ઉમાશંકરની ચારિત્ર્યબુક વાંચો,” શીર્ષકવાળા પાને પહોંચી ગયા. એમાં એમના જન્મની તારીખ 25-7-16 વજન સાડા ત્રણ મણ અને ઊંચાઈ પાંચ ફૂટ ત્રણ ઈંચ લખી હતી. બીજી બધી લાંબી વિગતો ઉપરાંત એ પણ લખ્યું હતું કે “પીઠબળ ન હોવાથી સાચી હકીકત હોવા છતાં કોઈ કોઈ વખત પડતી મૂકવી પડે છે તેમ તે (ઉમાશંકર) કરતો નથી.”

“સાચી વાત ?” મેં એમને પૂછ્યું : “આ ઉંમરેય આવા સરકસના ડાગલાના સ્કૂટર પર રોજની બસોબસો કિલોમીટરની ખેપ કરવાનું પડતું મૂકતા નથી ? છોકરાઓ ના પાડતા નથી ?”

હું વઢ્યો, છતાં એ જાડા હોઠને કાનની બુટ્ટી સુધી પહોળા કરીને હસ્યા. બોલ્યા : “અમારે ક્યાં છોકરાં છે ?….અમે બે તો છડેછડાં છીએ…મારાં છોકરાં ગણો તો, હા. મારી ચોપડીઓ જ મારાં છોકરાં સમાન છે. નથી જાણતા ?”

મારી સાથેની વાતચીતમાંથી ચિત્ત ખેંચી લઈને ફરી ઉમાશંકર રાજગુરુ પિતાએ લખેલી ચારિત્ર્યબુકનાં પોતાને લગતાં પાનાંઓ તરફ એવી રીતે લુબ્ધ થઈને જોઈ રહ્યા કે જાણે અરીસા સામે જોઈ રહ્યા હોય. ગમતી કવિતા મોટેથી વાંચવાનું કોઈને કહીએ તેમ એ મને કહે : “વાંચો તો !”

વાંચવામાં મને ઝાઝો રસ નહીં. ઠીક છે કે ઉમાશંકર જોશી જેવા કોઈની આત્મકથાનાં પાનાં વાંચવાજોગાં હોય તે વાંચીએ. પણ આ ઉમાશંકર રાજગુરુની એમના બાપાએ લખેલી “ચારિત્ર્યબુક’માં એવા તે કેવા નવરસ ઢોળેલા હતા કે વાંચીએ ? ‘ઓલ્ડ મૅન ઍન્ડ ધ સી’ બરાબર, પણ આ ઓલ્ડ મૅન ઍન્ડ સ્કૂટરની કહાણી કંઈ થોડી દિલચસ્પ હોવાની ? એમના ચરિત્રની બે-ચાર રેખાઓના જ લસરકા દોરે. એક તો એ કે આ સિત્તેર વરસની ઉંમરે પુસ્તકોનું પ્રકાશન કરે. ને તેય પાછું સોળ સોમવારની કથા અને સંતોષીમાનું વ્રત જેવાં પાવલીના એકવાળાંનું નહિ, પણ પ્રદ્યુમ્નરાય કંચનરાય દેસાઈ જેવા પક્ષીવિશારદના “પંખીજગત” જેવાં સો-દોઢસોની કિંમતનાં પુસ્તકોનું. આ ઉપરાંત એ પુસ્તકો રોજરોજ થેલામાં ભરીને હાંફતા હાંફતાં ડાબે પગે કિક મારીને સ્કૂટર પર સવારી કરીને સો-પોણો સો માઈલના પંથકમાં વેચવા જાય. ટાઢ, તડકા, વરસાદ ન જોયા. ન જોઇ પુસ્તકમેળાની કોઈ રાહ. કે ન કરવી વિક્રેતાઓની કદમબોસી. અમદાવાદથી નીકળે ત્યારે મનમાં નકશો દોરી રાખ્યો હોય એ પ્રમાણે જ લાઈનદોરીમાં ગાડી દોડે. – છેલ્લામાં છેલ્લું દૂરનું ગામ હોય એ. તે પછી પછીનું, તે પછી અને એમ કરતાં કરતાં સાવ નજીકનું ગામ છેલ્લું આવે. ને એમ કરતાં કરતાં પાછા અમદાવાદની સરહદમાં પેસે અને પછી ઘેર જઈને ભાર્યા દયાગૌરીના હાથના રોટલા ખાય. વળતે દિવસે વળી પાછા સવારના હાલ્ય ઘોડી હામે પાર.

હરતીફરતી પુસ્તકપરબ

આટલું ચિત્ર નવતર. પણ બીજું શું ?

“દયાગૌરી સાથે મારે સંસારનાં ઓગણપચાસ વરસ પૂરાં થયાં.” એ મૂરતિયા સરખું મોં કરીને બોલ્યા ને પછી વળી શરમાયા. વાતને વાળી દીધી. કહે, “સૉરી હો, આ તો વગર પૂછ્યે બોલાઈ ગયું. તમે તમારે મારી ચારિત્ર્યબુકનું પાનું વાંચો ને !”

મેં વાંચ્યું. એમના પિતા ગિરજાશંકર રાજગુરુએ એમના વિષે ન્યાયાધીશની કલમથી લખ્યું હતું : “ખાદીધારી ચિ. ઉમાશંકર.” મેં અટકીને પૂછ્યું : “તે તમે ખાદીધારી ?”

“હતો.” એ બોલ્યા : “હવે નથી. કાં ? તો ભાઈને કહું કે ત્રીસની સાલના ધારાસણા સત્યાગ્રહ વખતે હું ચૌદનો હતો. પાલિતાણામાં હૅરિસ હાઈસ્કૂલમાં ચોથા ધોરણમાં ભણતો હતો. ગાંધીજીનો રંગ એવો લાગેલો કે ગુલામી ભણતર ના ભણાય. નિશ્ચય કરેલો. એટલે પરીક્ષા પેપરમાં જવાબ લખવાને બદલે ફક્ત ‘ગાંધીજીની જે, ગાંધીજીની જે, ગાંધીજીની જે’ એટલું જ લખીને પાનાં ચીતરી મારેલાં. છેલ્લે લખેલું કે મહેરબાની કરીને મને પાસ કરશો નહીં. હું પાસ થઈશ તો મારી ખાદી પર ડાઘ પડશે. હું એ વખતે ખાદી પહેરતો. તે બહુ વખત પહેરી. પણ પછી વખત જતાં ખબર પડી કે ખાદી વસ્ત્ર મટીને અંચળો બની ગઈ છે. માણસો એ પહેરીને ખોટાં કામ કરીને પાછા પકડાય નહીં. એક આ. બીજું એ કારણ કે સ્કૂટર પર પુસ્તકો વેચવા બહારગામ ફરું, સવારની પહેરેલી ખાદી સાંજે ડુચ્ચો થઈ જાય. ક્યારેક ક્યારેક હું ત્રણ ત્રણ દિવસ સુધી ખેપમાં હોઉં. મારે કેટલીક જોડ કપડાં બનાવવાં ?”

“ખુદ ગાંધીજી ગોટે ચડી જાય એવી દલીલ.” હું બોલ્યો : “પણ એમને ના સમજાય. કારણ કે ગાંધીજી પુસ્તકો લખતા હતા. વેચતા નહોતા. ને તે પણ તમારી જેમ ટ્રેક્ટરના ધર્મબંધુ એવા સ્કૂટર પર તો નહીં જ.”

“આગળ વાંચો.” એમણે કહ્યું, મારી વાત પર દાટો મારી દીધો.

“ચા પીશો ?” મારો છટકવાનો આશય.

“જિંદગી ધરીને ચાનો સ્વાદ કેવો હોય એ ખબર નથી. નહીં ચા, નહીં કૉફી, નહીં સિગરેટ, પાન-બીડી, તમાકુ, નહીં પત્તાં, નહી પેગ.”

પુસ્તકો એ જ પરિવાર

“ઓહોહો, કરિશ્મા કુદરત કા !” મેં કહ્યું ને મેં જાતે જ પૂછ્યું : “આગળ વાંચું ?” એમણે હકારમાં ડોક હલાવી ને મેં આગળ વાંચવાનું શરૂ કર્યું : “ઉમો વિદ્યાર્થી હતો ત્યારથી જ ‘સાહસિક’ હતો. સત્યાગ્રહી. ખાવાપીવામાં ચાહ, પાન, સોપારી અને કેફી વસ્તુઓ ખવડાવવા આગ્રહ કરીએ તો ઉપવાસ કરે. અરે, એક વખત વાઘ-સિંહ, ચિત્તા અને દસપંદર હાથીઓનું મોટું સરકસ આવતાં તે પશુઓના ખોરાક માટે હિંસા થાય તેટલા દિવસ સુધી એટલે કે લગભગ દસ દિવસ સુધી ફક્ત જળ પર રહ્યો. ઉમાશંકરનાં વહુશ્રી દયાગૌરીએ અમદાવાદમાં તારીખ 27-9-44ના બુધવારના રોજ દીકરાને જન્મ આપ્યો. ટાઈમ પાંચ કલાક દસ મિનિટ. વજન 3.5 પાઉન્ડ. તેથી અમો સૌ પાલિતાણા રાજી થયાં. પણ તે બીજે દિવસે ગુજરી ગયો.”

ઉમાશંકર અને દયાગૌરી

અટકીને મેં અમસ્તું જ પૂછ્યું : “આગળ વાંચું ?”

ઉમાશંકર આંખો બીડી ગયા. કદાચ મનોમન એ દ્રશ્ય જોઈ રહ્યા હશે કે જ્યારે સફેદ પંચિયું ગળે વીંટાળેલા એવા પોતે બે હાથના અંકમાં તાજા જન્મેલા પોતાના પિંડને લઈને ભૂમિદાહ આપવા…

પણ પછી અચાનક એમણે દ્રશ્યને વિખેરી નાંખ્યું હશે. આંખો ખોલીને તરત બોલ્યા : “તમે માનતા હશો કે હું ઢીલો પડી ગયો. કાં ?…અરે…” એમણે ભીનું હસીને આંખના ખૂણા લૂછ્યા, “ના રે… ઢીલા પડે એ બીજા. મેં તો બાળકની કદી ઈચ્છા જ કરી નથી. એટલે તો ફરી પરણવાનું મનેય ના થયું ને ?”

હું એમને પૂછ્યા વગર જ આગળ વાંચવા માંડ્યો : “ઈ.સ. 1941માં અમદાવાદમાં હિંદુ-મુસ્લિમ ભયંકર હુલ્લડ વખતે ચિ. ઉમાશંકરે જિંદગીના જોખમે કરેલ અનેક કામો પૈકી (1) લોહીલોહાણ થયેલ ફેરિયા હીરાલાલને સાયકલ પર તેને ઘેર પહોંચાડેલ. (2) પટેલ રમણલાલની દીકરી સુનંદાને બિનપત્તા ઠેકાણેથી ત્રીજે દિવસે શોધીને તેને ઘેર પહોંચાડી. (3) નવચેતન સાહિત્યના મંદિરના ચોપડા તથા કૅશબૉક્સ શેઠ નટવરલાલને ઘેર પહોંચાડ્યાં વગેરે વગેરે…”

“સાચું ? ?” મેં પૂછ્યું : “આનો અર્થ એમ જ ને કે તમે ત્યારે પણ સાહિત્યનાં પુસ્તકોનું જ કામકાજ કરતા હતા ? મતલબ કે રોગ જૂનો છે.”

થોડીવાર પહેલાં આવેલો સણકો વિસારીને એ ફરીવાર બોખા મોંએ જોરથી હસ્યા. બોલ્યા : “તમારું નિદાન સાચું છે. હકીકતમાં હું તો મૂળથી જ સેલ્સમૅન. પણ એવી ગમ પડતાં થોડી વાર લાગી, એટલે શરૂશરૂમાં મને દરજીકામ શીખવાનો મોહ થયેલો. ભાવનગરમાં જઈને એના ક્લાસ પણ ભરેલા. કોર્સ પૂરો કરેલો. બે સંચા પણ લીધેલા. પણ પછી સમજાયું કે ‘આ આપણી લેન નહીં’, એટલે વેચાણવીર થયો. મારામાં એવો ખંત કે ધૂળ આપો તોય વેચી આવું. રૂપિયા પેદા કરી દઉં. ગમે ત્યાંથી રૂપિયા લઈ આવું. એટલે મારા દાદા મને ‘ખંપાળિયો ગણેશ’ કહેતા. ખંપાળી એટલે એક જાતનું ખેતીનું દાંતા જેવું પાવડાને મળતું આવતું સાધન. ઉકરડો એકઠો કરવાના કામમાં આવે. આ રીતે મેં પેટ ખાતર અગરબત્તી, રૂમાલ, કંકુ વેચ્યાં છે. અરે, ઘેર ઘેર ફરીને દૂધનાં દનિયાં પણ કર્યાં છે. ચોકલેટ, દંતમંજન અને ‘હોલ લાટ ચીજ બબ્બે આના’નો ધંધો પણ કર્યો છે. અલબત્ત, આ બધું લગ્ન પહેલાં. લગ્ન પછી તો નવચેતન સાહિત્ય મંદિર જ. છાપામાં આવેલી જાહેરખબર વાંચીને અરજી કરેલી. પસંદ થયો. એ પછી ચાલીસની સાલમાં રવાણી પ્રકાશનગૃહમાં નોકરીએ રહ્યો. આમ પુસ્તકપ્રકાશનના કીટાણુઓ આ ધંધામાંથી જ લાગુ પડ્યા. વચ્ચે વળી ભારતીય સાહિત્ય સંઘમાં પણ હતો.”

પૂછવું તો જોઈએ કે પછી સ્વતંત્ર ધંધાની આ છલાંગ શા માટે મારી ? માણસ નોકરીમાં આખી જિંદગી કાઢી નાખે. નોકરીમાં જ જીવે છે. નોકરીમાં જ મરે છે. પણ ઉમાશંકરને આવી વાત અપમાન લાગે તો ?

ત્યાં તો એ પોતે જ બોલ્યા : “એકવાર થયું કે સાલું કરી કરીને નોકરી ? થૂ ! ખંપાળિયો ગણેશ તે મધ્યમાં બેસીને પૂજાય કે પારકાના મંદિરમાં રખોપાં કરે ? લ્યો, આ વિચાર આવ્યો અને રહી પડ્યો. ને એનો આ વસ્તાર.”

વસ્તાર શું હતો ? કોઈ સેન્ટ્રલી ઍરકન્ડિશન્ડ શોરૂમ હતો કે રાજગુરુ (પોતે) ઍન્ડ રાજગુરુ (પત્ની) પબ્લિશિંગ હાઉસ હતું ? કશું જ નહોતું. નામ હતું પ્રકાશ સાહિત્ય ભંડાર, સરનામું સૂર્યનગર, જવાહર ચોક પાસે, મણીનગર, અમદાવાદ-380008. આ સૂર્યનગર પણ ટેનામેન્ટ કે એપાર્ટમેન્ટ નહીં, માત્ર ચાલી. એમાં માથેથી પુસ્તકો ધસી આવતાં હોય એવા એક રૂમમાં ઉમાશંકર અને એમનાં ભાર્યા દયાગૌરી પચાસ વરસથી સંસારલીલા ચલાવે. એક તરફ સ્ટવ, તપેલાં, સાણસી, કડછી, ચમચા, તો બીજી તરફ પુસ્તક ભરેલા ઘોડા. સામે ગાડીએથી છોડેલા ઘોડા જેવા, ખીચોખીચ પુસ્તકો ભરેલા થેલા ઠાલવેલા ઊંધે-કાંધ પડ્યા હોય. સવારે પાછા ભરાવા માટે.

“મૂળ તો.” ઉમાશંકર બોલ્યા : “વજુભાઈ દવેના પુસ્તક ‘પ્રવાસપ્રસાર’ની હજાર નકલો મેં ખરીદીને વેચી. એમાં સોલ એજન્ટ તરીકે મારું નામ. પછી ઠીક લાગ્યું એટલે બીજાં પુસ્તકો જાતે જ પ્રગટ કર્યાં. એમાં પુષ્કર ચંદરવાકરના ‘લીંબુડાં લેજો’ જેવાં પુસ્તકોને હું આજથી વીસ વરસ અગાઉ સાઈકલ પર થેલા ભરીને અમદાવાદની ગલીઓમાં નીકળું ને ઘેર ઘેર કે સંસ્થાએ સંસ્થાએ ફરીને વેચું. બંગલાઓવાળા કોઈ લે, કોઈ ના લે. સૌને નવાઈ લાગે કે હું જ પ્રકાશક ને હું જ ફેરિયો. છતાં ગાડું ગબડ્યું. પુસ્તકો વધ્યાં. મારું સૂચિપત્ર પણ લાંબું થવા માંડ્યું. હા, વાર્તા-નવલકથા, નાટક નહીં જ. કાં જ્ઞાન, ગમ્મત, ને કાં દેશભક્તિનાં. ગુજરાતના જાણીતા પક્ષીવિદ પ્રધ્યુમ્નરાય કંચનરાય દેસાઈની શ્રેષ્ઠ શિકારકથાઓ, માછલીઘરની માવજત, પરિન્દા-ઈ-બોસ્તાં (પૅરેડાઈઝ બર્ડ) જેવાં અનોખાં પુસ્તકો અને ઈશ્વરભાઈ પટેલ જેવાનાં વીર વિઠ્ઠલભાઈ, લાલા લજપતરાય, સરદાર પૃથ્વીસિંહ જેવાં ચારિત્ર્યપુસ્તકો પણ મેં જ પ્રગટ કર્યાં. ધીરે ધીરે સાઈકલના બરમાંથી હું બહાર નીકળ્યો. સ્કૂટર લીધું. પહેલાં રાજદૂત, પછી યામાહા અને પછી વાસ્પા અને હવે ગિરનાર. ચાર તરફ થેલા ભરાવ્યા હોય અને ધડ ધડ ધડ ધડ કરતી ગામ વચ્ચેથી મારી પુસ્તકયાત્રા નીકળે. આને ફેરી ગણો તો ફેરી અને સંસ્કારયાત્રા ગણો તો સંસ્કારયાત્રા. હું તો સ્કૂલે સ્કૂલે જાઉં, લાયબ્રેરીઓમાં જાઉં, જરૂર પડે તો બાળકોને ગમે તેવા નાનામોટા મિમિક્રી ખેલ કરું-ગેલ કરું, પણ પુસ્તક ખપાવું. પણ…”

એ અટક્યા, શ્વાસ ખાધો. બોલવાને બદલે દોડ્યા હોય એવો થોડાક થાક ચહેરા પર છવાઈ ગયો. મેં પૂછ્યું : “શું પણ ?”

“હવે તો ભાઈ, આવી રહ્યો છું સાવ. કાંઠેડે આવી ગયો છું. સ્કૂટર ક્યાંક અથડાયેલું તે હાથેપગે ફૅક્ચર થયું છે. ડાયાબિટીસે પણ ઘેરી લીધો છે. બહારનું ખવાતું નથી. પ્રવાસ થતો નથી. બે કલાકમાં તો લોથ થઈ જાઉં છું. એક વાર પેટ્રોલની નળી સાથે થેલા ઘસાવાથી આગ લાગી હતી. માંડ બચ્યો. એક વાર ધોરી માર્ગ પર એક ટ્રકે ટક્કર મારી હતી. આસમાનના તારા દેખાઈ ગયા. મોતનો ડર નથી. એના સામૈયાની તૈયારી કરી રાખી છે. મેં અને દયાએ સદવિચાર પરિવારને દેહદાનનો સંકલ્પ કરીને લેખિત આપી દીધું છે. આંખ જેવા કામના અવયવ અમારા શબમાંથી કાઢીને બાકીના શરીરને મેડિકલ કૉલેજને હવાલે કરી દેવું. એટલે મોતની બીક નથી. બીક બાકી રહેલા જીવનની છે. એ કેવું જશે ? મારા ગામ પાલીતાણામાં એકાદ લાખ દાન દઈને આઈ.ટી.આઈ. જેવી સંસ્થા મારા નામે સ્થાપવી છે. પણ રૂપિયા આ પુસ્તકોનો એક-દોઢ લાખનો સ્ટોક છે તેમાં બંધાઈ ગયા છે. અમારી આજીવિકાની તો જોગવાઈ છે. એટલે આનો કોઈ લેવાવાળો હરિનો લાલ મળી જાય તો એ તમામ રકમ લોકહિતમાં જ તરતોતરત દાનમાં આપી દેવી છે. સદવિચાર પરિવારને હવાલે બધું કરી દેવું છે. હવે થાય છે કે આ મોટપણે એક જુવાન સંતાન હોય તો કેવો ટેકો રહે ! પણ…” ફરી “પણ” આવ્યું ! જાણે કે એક ઠેસ આવી. આકાશમાંથી દ્રૌપદીનાં ચીર પૂરવાવાળો ઊતરી આવે, પણ કાંઈ લાખ-દોઢ લાખનાં પુસ્તકો ખરીદીને કોઈ નિઃસંતાનનો જીવતાજીવત મોક્ષ કરી આપનાર થોડો જ ઊતરી આવે ? આડે “પણ “નો પહાડ છે. કોણ હટાવે ? શા માટે હટાવે ?

**** **** *****

માણસો જાગતાં જાગતાં પણ સપનાંઓ જુએ છે. ઉમાશંકરે ઉપર જણાવ્યાં તેવાં સપનાંઓ જોતાં જોતાં જ આંખો કાયમને માટે મીંચી દીધી. થોડા જ વખત ઉપર મેડા ઉપરથી પુસ્તકો ઉતારવા જતાં પટકાયા અને બે દિવસનો ખાટલો ભોગવીને ચાલી નીકળ્યા. હવે પાછળ છતે સંતાને નિઃસંતાન એવાં એકલવાયાં દયાગૌરી ડોશી જીવે છે.

એકલવાયાં દયાગૌરી

એમના નિવાસસ્થાન, પ્રકાશ સાહિત્ય ભંડાર, સૂર્યનગર, જવાહર ચોક પાસે, મણીનગર, અમદાવાદ-380 008ના એમના જાહલ ઘરમાં. એમનો નિભાવ કેમ થતો હશે તે એ જ જાણે, એમની પાસે મૂડીમાં એમના પતિએ પ્રકાશિત કરેલાં પણ વણ-વેચાયેલાં રહેલાં એવાં શ્રેષ્ઠ શિકારકથાઓ, વીર વિઠ્ઠલભાઈ, માછલીઘરની માવજત, પરિન્દા-ઈ-બોસ્તાં (પક્ષીઓ વિષેનું અદભૂત પુસ્તક), શ્રેષ્ઠ શિકારકથાઓ ભાગ 1 થી3 અને એવાં અનેક અમૂલ્ય પુસ્તકોનો સ્ટૉક પડ્યો છે, જે રોજના પાન ખાવામાં, સિગરેટ-ચા કે દારૂમાં સેંકડો રૂપિયા વેડફતા જુવાનિયાઓના ધ્યાનમાં કદી નહીં આવે ? દયાગૌરી ડગુમગુ પગે એને વેચવા ક્યાં જાય ? વેચાય તો એની મૂડીના વ્યાજમાંથી એમનો નિભાવ થાય, પણ લેવાલ પ્રકાશકો- કે વાચકો સાથે એમનો સંબંધ કોણ જોડી આપે ?

પુસ્તકોની ગોઠવણી કરતાં દયાગૌરી

આ બંધ પટારો ખોલતી વખતે આ વેળા જૂના પતરાની ખીલી અંગૂઠામાં ખૂંચી હોય અને લોહી નીકળ્યું હોય એવી પીડા થાય છે.


(નોંધ:

આ લેખ ત્રીસ વર્ષ જૂનો છે. હવે તો દયાગૌરી પણ નથી. મારે ત્યાં રસોઇ કરતાં હંસામાસી એમનાં પાડોશી થાય. એમણે માહિતી આપી કે દયાગૌરી બિમાર છે. ત્યારે પુસ્તકો એક જૂના ફૂટપાથીયા પુસ્તક-વિક્રેતાને બોલાવીને થોડા રૂપિયામાં આપી દીધાં. જે એમના અંતિમ દિવસોમાં કામ આવ્યા

– લેખક)


લેખક સંપર્ક:

રજનીકુમાર પંડ્યા.

બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રોડ,અમદાવાદ-૩૮૦૦૫૦

મો.95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન-079-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com

7 comments for “લ્યો, આ ચીંધી આંગળી : આ પણ એક ઉમાશંકર !

 1. Ishwarbhai Parekh
  July 10, 2017 at 8:21 am

  juna jamana na manso raje raj ni nodhkarta ne eklax pramane vartata teno Namuno umashankar Rajyguru ,

 2. Piyush
  July 10, 2017 at 9:23 am

  ક્યાં ક્યાંથી વીણી લાવો છો, આવાં પાત્રોની કથાઓ! ખરેખર, એકદમ અણદીઠી દિશાઓ તરફ આંગળી ચીંધતા રહો છો.

 3. Prafull Ghorecha
  July 10, 2017 at 11:56 am

  સાવ ચીલાચાલુ જીવન છતા શૈલી એકદમ રસદાર.

 4. Hetal
  July 10, 2017 at 1:20 pm

  આ બંધ પટારો ખોલતી વખતે આ વેળા જૂના પતરાની ખીલી અંગૂઠામાં ખૂંચી હોય અને લોહી નીકળ્યું હોય એવી પીડા થાય છે. …..
  ખુબ જ કરુણ લેખ. અમને વાચતા પણ ખુબ જ પિડા થાઈ ્છે.

 5. Navin trivedi
  July 10, 2017 at 6:37 pm

  Shri Rajnikumarbhai = As far as possible I read almost all your articles but somehow I fail to send my appreciation everytime which I am supposed to send. The world has diamonds like Umashankerbhai which are still in the form of charcoal. I recall a sentence of Obama while meeting with Shri Narendra Modi =” He said that the 21st century will be known as a currency of knowledge” Our Lord Krishna had said this some 5000 years back. Instead of sitting on the throne of Mathura he preferred to attend the school of Sandipani with labour of collecting woods etc.
  This message must have been digested by Umashankerbhai in those days. Hats off to such diginitaries and let us hope, we should have more and more Umashankerbhai. We greet you Rajnikumarbhai for doing this streneous job.
  with regards – navin trivedi

 6. Medha Joshi
  July 11, 2017 at 12:57 pm

  Kaka, khub j saras aalekhan, aa bhutkaal aa je to kon samaji shake, tame ketla badha ne madad kari chhe…aashcharya pamaade tevu jivan.

 7. KRISHNA VYAS
  July 11, 2017 at 1:00 pm

  Whatsapp and other media are playing role in reducing books interest. your web site is doing best effort to create interest among people for books.Mostly your god gift art of presenting facts is a unique.HATS OFF TO YOUR THIS SKILL. जय श्री कृष्ण

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *