હૃદયની તંત્રીઓને છેડતા સર્જક

Facebooktwitterredditpinterestlinkedinmail

ડૉ.દર્શના ધોળકિયા

‘કલકત્તા શહેરની ધાંધલધમાલમાં ને કામકાજમાં ગળાડૂબ રહેલો હું જ્યારે લવટૂલિયા બઈબહાર કે આઝમાબાદનો એ અરણ્ય-ભૂ-ભાગ; એ જ્યોત્સ્ના; એ તિમિરમય સ્તબ્ધ રાત્રિ; ઘૂ ઘૂ કરતાં કાશનાં જંગલો; એ અપૂર્વ ને અનન્ય એવા શિલાખંડવાળા મેદાનમાં રંગબેરંગી વનફૂલોની શોભા…ની વાત વિચારું છું ત્યારે મનમાં થાય છે કે કોઈ દિવસ રજાના દિવસની સાંજે તંદ્રાભર્યો હું એક સૌંદર્યસભર જગતના સ્વપ્નને જોતો હતો. એવું જગત જે આ દુનિયામાં ક્યાંય છે જ નહીં…કેટકેટલાં ગરીબ બાળકો, નર-નારીઓ, ખૂની શાહુકારો, ગાયકો, ભિખારીઓની જીવનયાત્રાનો મને પરિચય થયો…આ બધા લોકોની વાત મારે કહેવી છે. આ દુનિયામાં જે માર્ગે સભ્ય માણસોની અવરજવર બહુ ઓછી છે એ માર્ગમાં કોણ જાણે કેટલીય અદભૂત જીવનધારાઓ અજાણ્યા મેદાન ને અરણ્યપ્રદેશમાંથી વહે છે. શાંતિથી, કશોય શોરબકોર કર્યા સિવાય…’

ભારતીય સાહિત્યની ગણમાન્ય, અનન્ય કહી શકાય તેવી કૃતિ ‘આરણ્યક’ની ભૂમિકામાં તેના સહૃદય, ઋજુ સર્જકની આ કૃતિમાં તેમને થયેલો આ સાક્ષાત્કાર વિભૂતિભૂષણ બંદોપાધ્યાયની પ્રથમ ને અંતિમ ઓળખનો નાન્દી છે. વર્ષો પહેલાં વિદ્યાર્થી અવસ્થામાં ને પછી શિક્ષક બન્યાનાં પ્રારંભિક વર્ષોમાં વિભૂતિભૂષણ-કૃત ‘આરણ્યક’માંથી રસળતાં-રસળતાં પસાર થવાનો આનંદ મેળવતાં જાતનું વિસ્મરણ થયાનુંય પછી સ્મરણ થયેલું ! ને વર્ષો પછી ‘આરણ્યક’ ભણાવતાં ભણાવતાં જીવનને પામવાના પ્રયત્નો કરવામાં આ કૃતિએ કેવો તો હાથ ઝાલેલો ! ને એ પછી વંચાઈ ‘આદર્શ હિન્દુ હૉટેલ’ ને ‘પાથેર પાંચાલી’. આ ત્રણ જ કૃતિના વાચને વિભૂતિભૂષણનાં સર્જક ને માનવીય વ્યક્તિત્વથી કૃતાર્થ થવાયું છે.

દેખીતી રીતે ‘આરણ્યક’ નિતાન્ત પ્રકૃતિકાવ્ય સમી નવલકથા છે. ‘આદર્શ હિન્દુ હૉટલ’ જીવનનિષ્ઠ, તંતોતંત ભલા માણસની જીવનયાત્રાનો આલેખ છે ને ‘પાથેર પાંચાલી’ બંગાળના તળ ગ્રામ્યપ્રદેશની, બાલમાનસને લક્ષમાં લઈને પ્રકૃતિના ઓઠા તળે લોકજીવનને વ્યક્ત કરતી નવલકથા છે. પણ આ ત્રણેય કૃતિમાં ઉપર તરી રહે છે તે છે લેખકની જીવનનાં રહસ્યોનો પાર ઉકેલવા મથતી અપાર્થીવ દ્રષ્ટિ, મનુષ્યમાત્ર પ્રત્યેનો ગાઢ પ્રેમ, જીવન પ્રત્યેની પ્રતિબદ્ધતા ને આ સૌને નિમિત્તે જીવનની અખિલાઈને પામવાની મથામણ, સાવ તળિયે બેસીને, જીવતરનાં ચરણોની ઉપાસના કરીને લેખક જાણે કોઈ કો’વિરાટ વિભુનું દર્શન પામી શક્યા હોવાનું સહૃદય અનુમાની શકે એ હદે સર્જકનું દર્શન અહીં અભિવ્યક્તિ પામ્યું છે. `

ઈ.સ.૧૮૯૪માં મૂરતીપુર મુકામે જન્મેલા વિભૂતિભૂષણે જીવનમાં અનેક વાળા-ઢાળા અનુભવ્યા. વર્ષો સુધી શિક્ષણમા વ્યવસાયમાં રહ્યા ને પછીથી બિહારના ભાગલપુર શહેરની નજીકના વનપ્રદેશમાં એસ્ટેટ મેનેજરનું પદ સંભાળ્યું. પિતાનો ભ્રમણશોખ તેમને વારસામાં મળેલો. જીવના આવા અનુભવોનું અર્થઘટન કરતાં વિભૂતિભૂષણને જે દર્શન સાંપડ્યું તેનો આલેખ ને ઉલ્લેખ તેમણે શ્રી દિલીપકુમાર રૉયને લખેલા એક પત્રમાં મળે છે. તેઓ લખે છે : ‘મોટી ઘટનાઓમાં મને શ્રદ્ધા નથી. રોજબરોજના જીવનમાંથી જાગતા સરળ આનંદ અને વિષાદમાંથી મને સાચું તત્વ મળી આવે છે. જે ગામડાંની સીમમાંથી વહેતા વોંકળાની જેમ ધીરે ધીરે પણ સ્થિરતાથી વહ્યે જાય છે જીવનની પૂર્ણ આસ્થા તરફ, એના આનંદ તરફ….’આવી સરળતાના ચાહક લેખક પાસેથી જ આપણને ‘આદર્શ હિન્દુ હૉટલ’નો હાજારી સાંપડી શકે કે ‘આરણ્યક’ના અનેક સામાન્ય મનુષ્યોમાંની અસામાન્યતા સહૃદયને અવાક્ કરી દે એ રીતે એના પતરાળામાં પીરસાય.

વિભૂતિભૂષણની આવી એક અનન્ય કૃતિ તે ‘આરણ્યક’. કલકત્તાની એક શાળાનો શિક્ષક તેની નોકરી ચાલી ગયા પછી મિત્રની મદદથી બિહારનાં જંગલોમાં ખેડૂતોને વસાવવાની કામગીરી બજાવવા માટે ગાઢ અરણ્યનો વાસી બને છે ને તેનું રૂપાંતર થાય છે ‘આરણ્યક’માં. આ ગાઢ જંગલમાં પ્રવેશતાંવેંત નાયકને થયેલી પ્રથમ અનુભૂતિમાં જ એની પર્યત્સુકતા પ્રગટ થઈ છે જેણે એની આંતરશ્રીને રણઝણાવવાનું કાર્ય પણ અનાયાસ બજાવ્યું છે : ‘વૃક્ષો ને છોડવાઓ ઉપર અસ્ત પામતો સૂર્ય સિંદૂર છાંટતો હોય, સંધ્યાસમયના પવનમાં જંગલી પુષ્પોની તથા ઘાસમાંથી મીઠી સુગંધ આવતી હોય…(ત્યારે) ઘણીયવાર હું ત્યાં બેસી આકાશ, સંધ્યા ને નિર્જનતાનો ઉપભોગ કરતો.’(પૃ.૨૩-૨૪) કૃતિમાં સાદ્યંત લેખકે પોતે જે શબ્દપ્રયોગ કર્યો છે તે મુજબ, માત્ર પ્રકૃતિનું ઉપરછલ્લું દર્શન નથી; છે નર્યો ઉપભોગ. જિસસ ને મીરાં જેવા આરાધકોએ જેમ પ્રભુને પીધો છે, આરોગ્યો છે બરોબર તેવી જ રીતે વિભૂતિભૂષણે પ્રકૃતિને આરોગી છે. પ્રકૃતિએ કંઈ એમ-ને-એમ પોતાનું મખમલી સૌંદર્ય લેખક સામે છતું કર્યું નથી. લેખકની પ્રકૃતિભ્ક્તિના બદલામાં એ વરદાનરૂપે તેમના સામે પ્રત્યક્ષ થઈ છે. આ ગુપ્ત રહસ્યને સહૃદય પ્રતિ ઉદઘાટિત કરતાં આથી જ લેખક નોંધે છે : ‘કુદરત પોતાના ભક્તને જે વરદાન આપે છે, તે અત્યંત અમૂલ્ય હોય છે. અનેક દિવસોથી જે તપ ન કર્યું હોય તો એ દાન મળતું નથી. પ્રકૃતિરાણી પણ એવી ઈર્ષાળુ હોય છે. જો તમે એને ચાહતા હો તો કેવળ એને જ ચાહતા રહો. જો બીજા કશા તરફ તમારી નજર ગઈ તો એ એનો ઘૂંઘટ ખોલશે જ નહીં.’

‘જો તમે કુદરતમાં જ નિમગ્ન રહેશો, તો એના સર્વ પ્રકારના આનંદનો, ને અનોખી શાંતિનો એ તમારા પર વરસાદ વરસાવશે, એવો વરસાદકે તમે પાગલ થઈ જશો…તમારા મનની શક્તિને તે તેજીલી બનાવશે ને અમરલોકનો આભાસ દર્શાવી, તમને અમરત્વ સુધી પહોંચાડશે.’ લેખકની પ્રકૃતિ ઉપાસનાને કરીને પ્રકૃતિએ પોતાનો ઘૂંઘટ ખોલીને લેખકને કેવા તો ધન્ય કરી દીધા તેનાં અનેક પ્રમાણો ‘આરણ્યક’નાં પાને પાને ભર્યા પડ્યાં છે. કેટલાંક દ્રષ્ટાંતો દર્શનીય છે : ‘કેવી અદભૂત હતી એ ચાંદની ! કૃષ્ણપક્ષનું ઝાંખું તેજ વન, પહાડો, મેદાન પર પથરાતું ત્યારે કોઈ અદભૂત, અપાર્થીવ સ્વપ્નલોકની રચના કરતું હતું. એ કાશનાં જંગલો, ઊંચાનીચા રસ્તા, પહાડોની સપાટી પર પીળા રંગનાં ફૂલોનો મેળો, એ બધાંથી એમ લાગતું હતું કે આપણે ઘણે દૂર નક્ષત્રલોકમાં છીએ. મૃત્યુ પારના અદ્રશ્યલોકમાં અશરીરી થઈને ઊડીએ છે, જાણે જઈએ છીએ બુદ્ધ ભગવાનના એવા નિર્વાણલોકમાં જ્યાં ચંદ્રનો ઉદય થતો નથી, પણ જ્યાં અંધકાર નથી.’ (પૃ.૧૦૯) પણ હા, આ રૂપ બધા માટે નથી : ‘સાચેસાચું કહું છું, જે લોકો નબળા પોચા છે તેમણે તો એ રૂપ જોવું જ ન જોઈએ, કારણ કે એ રૂપ સર્વનાશી છે. બધા એના આઘાતને સહી શકતા નથી.’ (૧૦૬) અહીં તો વિભૂતિરૂપી અર્જુનને પ્રકૃતિએ દીધેલ દિવ્યદ્રષ્ટિ જ કામ કરી ગઈ…બાકી આ વિરાટ રૂપદર્શન અશક્યવત્ !

પ્રકૃતિની લગોલગ અહીં શ્વસતી રહે છે તળ ભારતીય સંસ્કૃતિ. કેવા કેવા લોકનો અહી પરિચય છે ! અહીં ધારુતિયો નર્તક છે, આદિવાસીઓનો રાજા ને તેની પુત્રી ભાનુમતી છે, ગ્રામ્ય નારી મંચી છે તે ધાઉતાલ શાહુ છે જેને માટે લેખક નોંધે છે : ‘જો ધન તરફની ઉદાસીનતા એન બહુ મોટા નુકસાન પ્રત્યે લાપરવાહ વૃત્તિને દાર્શનીકતા કહેવાતી હોય તો ધાઉતાલ જેવો દાર્શનીક હજુ સુધી મેં ક્યાંય દેખ્યો નથી.’ (પૃ.૧૦૬) લેખકને મતે ‘આ પ્રદેશનાં મનુષ્યોનો વ્યવહાર પણ પ્રદેશનાં મેદાનો જેવો ખુલ્લો, ગિરિમાળાઓ જેવો મુક્ત ને ઉદાર છે. અરણ્ય અને પહાડોએ એમનાં મનને મુક્ત બનાવ્યાં હતાં ને દ્રષ્ટિ ઉદાર.’

લેખકને દુ:ખ છે આવી ખુલ્લી, મુક્ત અરણ્યચેતના ધીમે ધીમે વિલુપ્ત થતી હોવાનું. માણસે ઉન્નતિ મેળવીને આનંદ ગુમાવ્યાનું. ક્યાંક પોતે એવા હિસ્સેદાર હોવાનો વિષાદ અનુભવતા લેખક આથી જ અરણ્યના દેવની ક્ષમા યાચે છે. સમગ્ર કૃતિમાં પ્રકૃતિમાં સાદ્યંત ઉપાસના કરતા આરણ્યકને અરણ્યે આપેલું મહામૂલું વરદાન ક્યું છે ? અરણ્યને દિવસ-રાત આરોગતો નાયક આ દર્શનના આનંદથી પરિપ્લાવિત થઈને મીંચેલા નેત્રે પ્રકૃતિનું વરદાન કૃતકૃત્યતાથી સ્વીકારીને સ્વગતોક્તિ ઉચ્ચારતાં નોંધે છે : ‘જાણે આ નીરવ-નિર્જન રાત્રિઓ દેવતાગણ નક્ષત્રોમાં સૃષ્ટિની કલ્પનામાં લીન હતા, જે કલ્પના દૂર દૂરના ભાવિ નવાં પ્રાણોનો વિકાસ બીજરૂપે રહેલો હતો એના એ રહસ્યમય રૂપને જે આત્માઓ, જ્ઞાનની આકુળ પિપાસામાં, નિરલસ જીવન વ્યતીત કરે છે; જેમના પ્રાણ વિશ્વના વિરાટત્વને ક્ષુદ્રત્વ સંબંધે સચેતન આનંદથી ઉલ્લાસિત છે; જન્મજ્ન્માંતરનો પથ વટાવીને દૂરની યાત્રાની આશાથી જેમના શુદ્ર, તુચ્છ વર્તમાનનાં સુખદુ:ખ બિંદુની જેમ લુપ્ત થઈ ગયાં છે; તે આત્માઓને જ એ રહસ્યમય રૂપનાં દર્શન કરવાનું સૌભાગ્ય સાંપડે છે.

…જેઓ ઘેર બેસીને બીડી પીતાં પીતાં પાડોશીની દીકરીનાં લગ્ન કે એના ધોબી-હજામ વિશે વાતો કર્યા કરે છે, તેઓના ભાગ્યમાં એ રહસ્યને પામવાનું લખાયું નથી.’(પૃ.૧૭૬) આ છે આરણ્યકે કરેલી અંતિમ પ્રાપ્તિ ! પ્રકૃતિને ચરણે બેઠેલા આરણ્યકને ખબર છે કે ‘જેમને જંગલી ફૂલો પ્રત્યે પ્રેમ નથી, સુંદરતાનું જેને ભાન નથી, ક્ષિતિજરેખા જેને ઇશારાથી પોતાની પાસે બોલાવતી નથી, તેના હાથમાં કદીય આ દુનુયા આવવાની નથી.’ અલબત્ત, આરણ્યકે આ દુનિયાને તેના સદભાગ્યે મેળવી છે જેનો પરિતોષ કૃતિના પાને પાને સહૃદય વાંચી શકે છે. ‘આરણ્યક’માં જો નિતાંત પ્રકૃતિપ્રેમ ને એની પડછે પ્રગાઢ જીવનાભિમુખતા છે તો ‘આદર્શ હિન્દુ હૉટેલ’માં ‘સામાન્ય’ દેખાતા ને ગણાતા એવા, જણમાનાં ‘અસામાન્ય’ મનુષ્યની ગાથા છે. એનો નાયક હાજારી ઠાકુર રસોઈકળામાં નિષ્ણાત એવો ગરીબ રસોયો છે જેનું મહિમાગાન કરતાં શ્રી ગોપાલ હલદર નોંધે છે તેમ, ‘આવા માણસો જો હોય તો તે મળી આવશે ભારતીય પ્રજજનો, સામાન્ય નાગરિકોની વચમાં, બીજે ક્યાંય નહીં. સૌથી વધુ ઉપર તરી આવતું એ છે કે આવો અદનો આદમી પણ માત્ર પોતાની રાંધણકળા અને સચ્ચાઈના જોરે પોતાનું સ્થાન નક્કી કરી શકે છે. કોઈનાય પગનાં આંગળાં પીલ્યા સિવાય, હરિફાઈથી ભરપૂર એની દુનિયામાં એ પોતાને સ્થાયી શકે છે. પણ એની સફળતા એના માથામાં ઘૂસી જતી નથી, અને દૈનંદિની જીવન પ્રત્યેના એના વલણમાં તે કારણે ભાગ્યે જ કશો ફરક પડતો નથી.’ આવો હાજારી પોતાની કદર ક્યારેય ન કરી શકેલા શેઠની નોકરી પૂરી નિષ્ઠા ને ભરપૂર સચ્ચાઈથી કરતો ગયો છે ને તેને આવતી લાલચોને ખસેડીને અનાસક્ત સાબિત થતો રહ્યો છે. પોતાના ભાવિ વિકાસ તેના પાસે ચોક્કસ આયોજન છે. એ માટેનું સાફ દર્શન છે પણ પોતે ધારેલાં અંતિમ સોપાન પર પગ મૂકતી વેળાએ તે પ્રતિષ્ઠાની ટોચે પહોંચ્યાની વિરલ ક્ષણે તેની સ્વસ્થતા સહેજ પણ અળપાતી નથી. ભૂતકાળમાં એને વિઘ્નરૂપ બનેલાં સૌને સાથે રાખીને પોતાના વિકાસમાં એ સૌના નકારાત્મક ફાળાને તેણે વિધેયાત્મક અભિગમથી જોવામાં સફળતા મેળવી છે ને ગીતકથિત ‘નિર્મળ’ મનુષ્યની યાદીમાં સામેલ થઈ શકવાની ક્ષમતા પ્રમાણિત કરી છે. વિપત્તિઓના ઘોર જંગલની વચાળે શ્વસતો-વસતો આ જણ એકમાત્ર ઈશ્વરને આગળ ધરીને તે જાતને ખસેડીને અંજલિબદ્ધ બનતાં અંતે વદ્યો છે : ‘ભગવાન રાધાવલ્લભ, તમે તો જાગ્રત દેવતા છે, કોટિ કોટિ પ્રણામ તમારા ચરણે, તમે જ છો, બીજું કોઈ નથી. ને હોય તો મને એની જાણ નથી.’(પૃ.૧૯૪) દિલીપકુમાર રૉય પરના પત્રમાં લેખકે નાના વૉકળા તરફ ઢળતા સત્યનું જે દર્શન વ્યક્ત કરેલું તે માણસ એટલે આવો માણસ.

વિભૂતિભૂષણની અમર કૃતિ ‘પાથેર પાંચાલી’ બાળમાનસની, જનમાનસની કથા છે. તેમાં આમસમાજની વ્યથા છે, જીવનની કથા છે, પ્રકૃતિની ગાથા છે. કૃતિને અંતે વતન ભણી તલસતા નાયક અપુને પથદેવતા જે માર્મિક શીખ આપે છે તેમાં રહેલી વ્યાપકતા લેખકની વિશાળ દ્રષ્ટિની કેવી તો પરિચાયક બને છે ! પથદેવતા પ્રસન્ન હાસ્યે બોલ્યો, ‘મૂર્ખ બાળક, અમારો પથ કાંઈ તારા નિશ્ચિંદપુરના જંગલથી જ કે વીરુ રાયના ખખડધજ વડથી કે ખેયાઘાટની સીમા આગળથી જ પૂરો થતો નથી. અમારો રસ્તો તો જાય છે તારા સોનાડાંગા જંગલને, ઈચ્છામતિના જલને, પદ્મફૂલભર્યા મધુખાલી સરોવરને, વેત્રવતીનાં હાડકાંને વટાવીને આગળ આગળ કેવળ આગળ જ, દેશ છોડી વિદેશની દિશામાં, સૂર્યોદય છોડી સૂર્યાસ્તની દિશામાં, પરિચિતોના સમૂહને છોડી અઓઅરિચિતોને માટે….’

દિવસ-રાત પાર કરી, જન્મ-મરણ પારે કરી, માવર્ધ મન્વંતર અને મહાયુગોને પાર કરી આગળ જાય છે…તમારું મર્મર જીવનસ્વપ્ન શેવાળથી છવાઈ જશે છતાં મારો પથ ખૂટશે નહીં…આગળ…આગળ આગળ…જ ચાલ્યો જશે. વણઅટક્યા તારની વીણા સાંભળતાં, બસ અનંત કાલ, અનંત આકાશ…એ રસ્તાની અદભૂત આનંદયાત્રાનું તિલક તારે કપોલે કરી જ તો તને ગૃહત્યાગી બનાવ્યો છે ! ચાલ, આગળૅ જ જઈએ.’

પ્રકૃતિ, મનુષ્ય ને જીવનના અંશેઅંશને ચાહતા આ સર્જક જીવતરને તળિયે જઈને જાણે જીવતરનું મોતી પ્રાપ્ત કરી શક્યા હોવાનું સહેજે અનુભવી શકાય છે. તેમને મળેલું આ દર્શન એટલું તો સહજ ને છતાંય અદ્રશ્ય રીતે કૃતિમાં વહેતું રહે છે કે તેમનું વસ્તુ મોટું લે દર્શ એ નક્કી કરવાની સહૃદયની મૂંઝવણ અકબંધ રહે. વિભૂતિભૂષણનું યથાર્થ મૂલ્યાંકન કરતાં શ્રી કુમાર બંદોપાધ્યાય નોંધે છે : ‘… સૌથી વિશેષ આ પરિવર્તનશીલતાની વચ્ચે પણ એક સુગંભીર રહસ્યબોધ અવિચળ કેન્દ્રબિંદુની જેમ સ્થિર રહેલો છે તેનું (તેમની કૃતિમાં) દર્શન થાય.’

આવા એક સર્વશ્ર્લેષી આનંદધારાનાં સર્જકનું સર્જકત્વ સ્થળ:કાળને ભેદીને આજેય સહૃદયોને રોમાંચિત થવા નિમંત્રણ આપતું તત્પર ઊભું છે એ વિચારમાત્રથી હૃદયવિણાના તાર રણઝણી ઊઠે છે.

*****

ડૉ. દર્શના ધોળકિયાનાં સંપર્કસૂત્રઃ
• પત્રવ્યવહારનું સરનામું: ન્યૂ મિન્ટ રોડ, ભુજ (કચ્છ), ભારત ૩૭૦૦૦૧
• ઇ-પત્રવ્યવહારનું સરનામું: dr_dholakia@rediffmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *