ગીતઃ પલના પલકારે

– દેવિકા ધ્રુવ

રોજ રોજ નજરોની સામે જ દિવસ ને રાત, કેવું હરતું ને ફરતું .
સાવ કાચી માટીનું સજેલું આ પૂતળું, ક્યારે કાયાને બદલતું.

કાલ તો કરતી’તી રેતીની નાની શી ઢગલી
ને ફરતી’તી આંગણ લઈ મખમલી પગલી.
ક્ષણ મહીં સરતા આ ક્ષણ તણા વ્હેણમાં
એકાએક જાત તો યુવાન થઈ ઉછળતી.
પૂછો તો પૂછો, કોઈ કોને કે કેવી રીતે ને કોણ કરતું?
કોની કરામત ને કેવા યે તારથી જાદૂઈ ખેલ બધા રચતું.

પાનખર-વસંત ને ઋતુઓની રીત સમી
ચડતી જવાનીના પૂર જાય ઓસરી.
એક દિન દર્પણ દેખાડે કરચલીનાં જાળાં
ને અંગો સહુ માંગતા સમારકામ આળાં
ત્યારે દેહમાં પુરાયેલ એક નાનકડું હંસલુ ભીતર ને ભીતર ફફડતું.
ઊડી જઈ પંખીની જેમ એમ પાછું, કોઈ નવા પિંજરમાં જઈ વસતું.

આ નર્તન અનંતનું પલના પલકારે, ક્યારે ને કોણ હશે કરતું?
સાવ કાચી માટીનું સજેલું આ પુતળું ક્યારે કાયાને પલટતું.


દેવિકા ધ્રુવ : સંપર્કસૂત્રો :-
ઈ મેઈલ :  ddhruva1948@yahoo.com  ||બ્લોગ : શબ્દોને પાલવડે

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *