ડેમીંગની ૧૪ મુદ્દાની ગુણવત્તા ફિલોસોફી

Facebooktwitterredditpinterestlinkedinmail

હિરણ્ય વ્યાસ

ઉદ્યોગસાહસિક માટે ગુણવત્તા એ સૌથી અગ્રતમ અને મહત્વપુર્ણ કાર્ય ગણાય. ગુણવત્તાનાં ધોરણો જળવાઇ રહે તે માટે સંચાલનમાં વિવિધ અભિગમ તથા વિધવિધ સિધ્ધાંતો પ્રચલીત છે. અત્રે આપણે ડેમીંગની ૧૪ મુદ્દાની ફિલોસોફી રજુ કરેલ છે જે અપનાવવી સરળ છે સુગમ છે.

૧. સુધારા પ્રત્યે સતત પ્રતિબધ્ધતા ઉભી કરો. ગુણવત્તા માટે લાંબા ગાળાનું આયોજન કરો. ટુંકા ગાળાનાં નિરાકરણો એ લાંબા ગાળાનાં આયોજન સાથે સુસંગત હોય તેવી જ પ્રતિક્રિયા મળે તેવી માનસીકતા કેળવો. એનાં એ જ ચીલા ચાલુ કાર્ય ન કરો. નવીન-સારાં-અલગ જ કામ શોધી કાઢો. ભવિષ્યનાં પડકાર અંગે અનુમાન કરો. તે અંગે તૈયારી કરો અને અધિક સારી સ્થિતી બની રહે તે માટે ધ્યેયબધ્ધ રહો.

૨. નવી ફીલોસોફી અપનાવો:

સમગ્ર સંસ્થામાં ગુણવત્તા જાળવો. હરિફાઇનાં દબાણના બદલે ગ્રાહકની જરુરીયાતને સૌ પ્રથમ અગ્રતા આપો. જે રીતે ધંધા ચાલી રહ્યા છે તે જોતાં મોટાં પરિવર્તન માટે તૈયાર રહો. પરિવર્તન સંચાલનમાં જરૂર મુજબ લોકોને સામેલ કરવા ઉપરાંત લોકો પણ પરિવર્તનને દિલથી સ્વીકારે તે માટે સજ્જ બનો.

તમારી ગુણવત્તા સભાનતા અંગેનું ચિત્ર ઉભું કરો અને તેનો અમલ કરો.

૩. નિરીક્ષણ પર નિર્ભર રહેવાનું ટાળો/અટકો:

નિરીક્ષણની પ્રક્રિયા ખર્ચાળ છે તેમજ અવિશ્વનીય પણ છે વળી તેનાથી ગુણવત્તા સુધરતી નથી. તે માત્ર ગુણવતાની ઉણપ શોધે છે. પ્રક્રિયાના આરંભથી તે અંત સુધી ગુણવત્તા ઉભી કરો. માત્ર એ જ ન શોધો કે તમે શું ખોટું કર્યું પરંતુ જે ખોટું થયું છે તે દુર કરો. પ્રક્રિયા અસરકારકપણે ચાલે તે માટે માત્ર ભૌતિક નિરીક્ષણ જ નહી પરંતુ આંકડાકીય નિયંત્રણ પધ્ધતિનો ઉપયોગ કરો.

૪. કોઇ એક ચીજ માટે એક જ સપ્લાયરનો ઉપયોગ રાખો:રાખો: પ્રક્રિયા કરવા માટે જે કરવું પડે, તેનાં મૂળથી જ તેમાં ઓછામાં ઓછી ભિન્નતા જળવાય તે માટે સુઆયોજિત વ્યવસ્થા ગોઠવો. પ્રવિષ્ટિના તબક્કે વિવિધતાની માત્રા જેટલિ ઓછી હશે તેના જ પ્રમાણમાં નિપજમાં પણ વિવિધતા ઓછી પરિમણશે.ગુણવત્તા અર્થે સપ્લાયર્સને ભાગીદારની જેમ જ ગણો. તેઓ તેમની ગુણવત્તા સુધારણા અર્થે સમય આપે તે માટે તેમને પ્રોત્સાહીત કરતા રહો. માત્ર ભાવને આધારીત રહી તેઓ તમારા ધંધાની હરિફાઇને લક્ષ્ય ન લે એ જરુરી છે. પ્રોડક્ટની માત્ર આરંભનીજ પડતર નહી બલ્કે કુલ પડતરનું મુલ્યાંકન કરતા રહો. સપ્લાયર્સ તમારી ગુણવત્તાનાં ઉત્કૃષ્ટ સ્તરને પહોંચી વળે તે માટે આંકડાકીય ગુણવત્તા પધ્ધતિનો ઉપયોગ કરો.

૫. સતત તથા કાયમ સુધારા કરતા રહો: તમારી વ્યવસ્થા તેમજ પ્રક્રિયા સતત સુધારતા રહો. ડેમીંગ દ્વારા વિકસીત પી.ડી.સી.એ. Plan-Do-Check-Act આયોજન – કાર્ય – ચકાસણી – ક્રિયા ખ્યાલ રજુ થયો કે જે થકી ટ્રેનીંગ તથા શિક્ષણને મહત્વ આપીએ કે જેથી દરેક પોતાનું કાર્ય અધિક સારી રીતે કરી શકે.

નાની સુધારણાઓ તમારાં વ્યક્તિગત શીખવાનાં આયોજનને વધારે સશક્ત કરવાની સાથે નાના નાના વ્યય ઘટાડીને ઉત્પાદકતા, અસરકારતા અને સુરક્ષા વધારે છે.

૬. કાર્ય પર તાલિમનો ઉપયોગ કરો:

સાતત્યતા માટે તાલિમબધ્ધ બનો. તેનાં ફલસ્વરુપ ઉત્પાદનમાં વિવિધતાની માત્રા ઘટી રહેશે. વ્યવસ્થા તંત્રમાં સામાન્ય જ્ઞાનનાં ફોરમનું સર્જન કરો. કર્મચારીઓને તેમની ભુમિકાનાં વિશાળ દ્રશ્યની સમજ સારુ ઉત્સાહિત કરો. કર્મચારીઓ એક બીજા પાસેથી શીખતા રહે તે માટે પ્રોત્સાહિત કરો તથા સાંસ્કૃતિક અને પર્યાવરણીય જાગરુક્તા પુરી પાડો કે જેથી અસરકારક જુથ-કાર્ય સંભવી શકે.

૭. અસરકારક નેતૃત્વ દાખલ કરો:

તમારા સુપરવાઇઝર તથા મેનેજર પોતાના કર્મચારીને ઓળખે અને તેઓ જે પ્રક્રિયાનો ઉપયોગ કરે છે

તે સમજે. માત્ર સાદુ નિરીક્ષણ જ ન કરો, સહયોગ અને સાધનો પણ પુરા પાડો કે જેથી સંસ્થાનાં દરેક કર્મચારી તેમની ભુમિકા ઉત્તમ રીતે ભજવી શકે. પોલીસ મેનનાં બદલે કોચની ભુમિકા ભજવાય એ ઇચ્છનીય છે. એ નક્કી કરો કે હરેક કર્મચારી ખરેખર શું શ્રેષ્ઠ કરવા ઇચ્છે છે. સહભાગી સંચાલન અને પરિવર્તનશીલ નેતૃત્વનાં મહત્વ પર ભાર મુકો. પુર્ણ કાર્યક્ષમતા વિકસી રહે તે માટેનાં રસ્તા શોધી કાઢો માત્ર મીટીંગ અને લક્ષ્યાંક પર જ અટકી ન જાવ.

૮. ડર દુર કરો:

લોકો તેમનું શ્રેષ્ઠ યોગદાન, વિના સંકોચ કે ડર, આપતાં રહે તેવો તેમનો ભરોસો આપો. તેમના વિચારો તથા નિસ્બતની અભિવ્યક્તિમાટે મુક્ત વાતાવરણ પૂરૂં પાડો. એ વાત દરેકને જાણ હોવી જોઈએ કે તેમણે થોડું વધારે કરીને અધિક ગુણવત્તા સિધ્ધ કરવામાં યોગદાન આપવાનું છે. એમ કરવામાં જો તેમનાથી શુધ્ધ દાનતથી ભૂલ થશે તો તમને દોષારોપણ કરવામાં રસ નથી.સહકર્મચારીઓને ખાત્રી થતી રહેવી જોઈએ કે તેઓ સંસ્થામાટે મહત્ત્વનાં છે. ભયમુકત વાતાવરણ પેદા કરવા માટે મુક્ત સંવાદોનાં આદાનપ્રધાન બહુ જ મહત્ત્વનાં બની રહે છે.

૯.આંતરિક વિભાગો વચ્ચેના અંતરાયો દૂર કરો

“આંતરિક ગ્રાહક”નો અભિગમ ઉભો કરો દરેક વિભાગ યા કાર્યની નિપજ અન્ય વિભાગ માટે ઉપયોગી છે તેવી સમજનું વાતાવરણ પેદા કરો. એક વિભાગ બીજા વિભાગ સાથે અન્યોન્યના સહકાર અને પૂરક થવાની ભાવનાથી કામ કરે તો જ સમગ્રતયા ટીમ વર્કનું વાતાવરણ જામી શકે, સંબંધોમાં વૈમનસ્ય દુર થાય. સહભાગીતા અને સંબંધોમાં સ્પર્ધા ઘટે. સમાધાનને બદલે સહકાર્ય તથા સર્વસંમત્તિ પર ધ્યાન અપાય.

૧૦. અસ્પષ્ટ સુત્રોમાંથી બહાર આવો:

લોકો વાકેફ રહે કે ખરેખર તમે શું અપેક્ષા રાખો છો, તમે શું ઈચ્છો તેની ધારણામાં જ ન રહેવાં જોઈએ.. “સેવામાં ઉત્કૃષ્ટતા” બહુ ટુંકું અને યાદ રહી જાય એવું સૂત્ર છે, પણ તેને રોજબરોજનાં કામમાં અમલમાં શી રીતે લાવવું એ સમજાવું જોઈએ. આને બદલે એમ પણ કહી શકાય – આપણે જે કરીએ તે શ્રેષ્ઠ જ કરીએ

માત્ર શબ્દો અને સારી લાગતી વાતોથી નેતૃત્વની અસરકારકતા નથી લાવી શકાતી. તમારી અપેક્ષાઓ નિર્દિશ કરી રાખો અને તમારી અપેક્ષાઓ લોકોને સમજમાં આવે તેવી સ્પષ્ટતાથી જણાવો. તેઓ જે સારૂં કામ કરે તેને યથોચિત સ્વીકૃતી મળે એ રીતના વ્યવહારો રાખો..

૧૧. ઉદ્દેશ દ્વારા સંચાલન’ (Management by Objectives)ને શાબ્દિકપણે ન વળગી રહો સંચાલન દુર કરો:

નક્કી કરો કે પ્રક્રિયા કેવી રીતે હાથ ધરાય છે, માત્ર આંકડાકીય વિગત યા લક્ષ્યાંક પર જ ધ્યાન ન આપો. ડેમીંગ જણાવે છે કે ઉત્પાદન લક્ષ્યાંક માત્ર અધિક ઉત્પાદન તથા નીચી ગુણવત્તા તરફ દોરી જાય છે. સહયોગ તથા સંશાધનો પુરા પાડતા રહો કે જેથી ઉત્પાદનનું સ્તર તથા ગુણવત્તા ઉચ્ચ સ્તરે પહોંચે અને સિધ્ધ થઇ રહે. પ્રક્રિયાની સાથે સંકળાયેલ માણસનાં મુલ્યાંકન બદલે પ્રક્રિયાનું આંકન કરતા રહો. સલાહ: એવી પરિસ્થિતી હોય છે કે જ્યાં ઉદ્દેશ દ્વારા સંચાલનના અભિગમથી વ્યક્તિગત શીખનાં આયોજન યોગ્ય રહે છે, ઉદાહરણ તરીકે વેચાણ સ્ટાફને પ્રોત્સાહિત કરી શકાય છે. ક્ષમતાથી થોડા વધારે હોય એવા લક્ષ્યાંકો ટુંકે ગાળે તો ઉત્પાદન વધારી આપી શકે છે. જેમ કે વેચાણ ટીમ તેમનાં લક્ષ્યાંક સિધ્ધ કરવા પ્રોત્સાહિત હોય તો વર્ષ દરમ્યાન સારૂં વેચાણ જરૂર કરી શકાય. ડેમીંગ કહે છે કે એવી ઘણી પરિસ્થિતિઓ વિષે વિચારી શકાય જ્યાં લક્ષ્યાંકો ભણી ધ્યાન કેન્દ્રીત કરવાથી ગુણવત્તામાં પણ સુધાર લાવી શકાય છે તમારે પોતાના સારુ નક્કી કરવાનું રહે કે આ અભિગમનો ઉપયોગ કરવો યા નહી. જો તમે ઉપયોગ કરવાનું નક્કી કરો છો તો એ ખ્યાલ રહે કે તમે જે પરિણમતી વર્તણુક અંગે વિચારો છો તે તમારા ઉદ્દેશમાટે પ્રોત્સાહીક નીવડશે કે નહીં.

૧૨. કારીગરનાં કૌશલ્યનાં ગર્વને અવરોધતા વિઘ્નો દુર કરો:

સંસ્થામાં હરકોઇ પોતાના કામનું મુલ્યાંકન, સરખામણી વગર કરી શકે અને તે અંગે ગર્વ લઇ શકે તેવી મોકળાશ ઉભી કરો. કર્મચારી સાથે યોગ્ય વ્યવહાર કરો, તેઓની સાથે આર્થિક યા અન્ય વળતરથી સ્પર્ધા ન કરો. ગુણવત્તા વ્યવસ્થા સહજ રીતે દરેકનાં કાર્યની ગુણવત્તાનું ધોરણ ઉચ્ચ સ્તરે વધારશે.

૧૩.તાલિમ-શિક્ષણનો અમલ કરો તથા સ્વવિકાસ સાધો:

કારીગરોની હાલની આવડતમાં સુધાર લાવો. લોકોને ભવિષ્યના બદલાવ અને પડકાર માટે નવી આવડત કેળવવા-શીખવા પ્રોત્સાહન આપો. તમારા કાર્ય સંલગ્ન માનવ-બળ પરિવર્તન અંગે વિશેષ અનુકુળ થઇ રહે અને અધિક સિધ્ધિ હાંસલ કરી રહે તે પ્રકારનાં કૌશલ્ય વિકસાવો.

૧૪. પરિવર્તન દરેકની ફરજ બને:

તમારા દરેક કર્મચારી ગુણવત્તા સંદર્ભે યોગ્ય પગલાં ભરતા થાય તે મુજબ સંસ્થામાં સમગ્ર પણે સુધારા કરો. દરેક નાના નાના મુદ્દાનું મુલ્યાંકન કરો અને વિચાર કરો કે બૃહદ પરિસ્થિતિમાં આ પગલું કેવી રીતે ગોઠવાઈ શકે છે. નવીન વિચારધારા અને નવા વિચારો દાખલ કરવા માટે અસરકારક પરિવર્તન સંચાલનનાં નિયમોનો ઉપયોગ કરો. દરેક લાગતાં વળગતાંને પરિવર્તન પ્રક્રિયામાં સક્રિયાત્મક ભાગીદાર બનાવો.

—————

આ શ્રેણીના લેખક શ્રી હિરણ્ય વ્યાસનાં સંપર્ક સૂત્ર: મો.: 98254 33104

Email: hiranyavyas@gmail.com

Web. www.hiranyavyas.yolasite.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *