ફિર દેખો યારોં : દવા લખવામાં પસંદગી હોઈ શકે, પણ લેવામાં હોય?

Facebooktwitterredditpinterestlinkedinmail

બીરેન કોઠારી

આપણો દેશ જેમ સાંસ્કૃતિક વૈવિધ્ય ધરાવે છે એમ ભોજનવૈવિધ્ય પણ ધરાવે છે. તેમાં સામિષ તેમજ નિરામિષ એ બે મુખ્ય વિભાજન ગણીએ તો સામાન્ય રીતે નિરામિષાહારીઓ સામિષાહાર પ્રત્યે સૂગ રાખે છે. એ અલગ વાત છે કે નિરામિષાહારમાં પણ કેટલોક વર્ગ ડુંગળી, લસણ ધરાવતા તમોગુણપ્રધાન ખોરાક પ્રત્યે સામિષાહાર જેવી જ સૂગ રાખે છે. એમ તો ઈંડાનો સમાવેશ સામિષમાં કરવો કે નિરામિષમાં એ પણ વિવાદનો મુદ્દો રહ્યો છે. આપણા દેશમાં આ બાબત જરૂરિયાત કે ખાનપાનની આદત કરતાં વધુ ધર્મ સાથે સંકળાયેલી છે. અંગ્રેજોએ વિરુદ્ધ 1857માં છેડાયેલા આપણા દેશના પહેલવહેલા સ્વાતંત્ર્યસંગ્રામ પાછળ પણ આ પરિબળ મહત્ત્વનું બની રહ્યું હતું એ ઈતિહાસમાં નોંધાયેલી હકીકત છે. ત્યારથી કે તે પહેલાંથી લઈને છેક આજ સુધી આ મુદ્દો એક યા બીજી રીતે ચર્ચાતો રહે છે. અલબત્ત, છેલ્લા થોડા વરસોમાં અનેક વૈજ્ઞાનિક સંશોધનો અને તેને પગલે આવેલી જાગૃતિને કારણે હવે તેની ચર્ચા આરોગ્યના સ્તરની સાથેસાથે જીવદયાના સ્તરે પણ થવા લાગી છે.

આજની આપણી જીવનશૈલી એવી છે કે દવાની ગોળીઓ લીધા વિના ભાગ્યે જ કોઈને ચાલે. પોષણ માટે પણ હવે ગોળીઓ ગળવામાં આવે છે. ગોળીઓના વિવિધ પ્રકાર હોય છે, જેમાં એક પ્રકાર કેપ્સૂલનો છે. બે નળાકાર અડધિયાની અંદર જરૂરી દવા ભરવામાં આવે છે અને પછી બંને અડધિયાંઓને બંધ કરી દેવામાં આવે છે. સૌ જાણે છે એમ આમાં અડધિયાંનું મહત્ત્વ કેવળ વચ્ચેની દવાને ધારણ કરવા જેટલું જ હોય છે. એ હકીકત પણ મોટે ભાગે જાણીતી છે કે કેપ્સૂલનો આ નળાકાર જીલેટીનનો બનેલો હોય છે અને આ જીલેટીન એક પ્રાણીજ પદાર્થ છે, જેને પ્રાણીની ત્વચા, તેનાં અસ્થિઓ તથા તેની સાથે જોડાયેલી સ્નાયુપેશીઓને ઉકાળીને પ્રાપ્ત કરવામાં આવે છે.

જીવદયાના ક્ષેત્રે નક્કર કાર્ય કરવામાં અગ્રેસર એવાં કેન્દ્રીય મહિલા અને બાળવિકાસ ખાતાનાં મંત્રી મેનકા ગાંધીએ સ્વાસ્થ્ય મંત્રાલય સમક્ષ એક રજૂઆત કરી છે. આ રજૂઆતમાં તેમણે પ્રાણીજન્ય જીલેટીનની બનેલી કેપ્સૂલને સ્થાને વનસ્પતિજન્ય પદાર્થમાંથી બનેલી કેપ્સૂલનો ઉપયોગ કરવાનું સૂચન કર્યું છે. એક અહેવાલ મુજબ ભારતના ઔષધિય ઉદ્યોગના 98% ઉદ્યોગો દ્વારા પ્રાણીજન્ય જીલેટીનનો ઉપયોગ કરવામાં આવે છે. ‘એઓસીએટેડ કેપ્સૂલ્સ’ અને ‘અમેરિકન કેપ્સૂજેલ’ નામના બે ઉત્પાદકો જ વનસ્પતિજન્ય પદાર્થમાંથી કેપ્સૂલ બનાવે છે. મેનકા ગાંધીએ પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે ધાર્મિક લાગણીઓ સંકળાયેલી હોવા ઉપરાંત જીલેટીનની કેપ્સૂલ કરતાં વનસ્પતિજન્ય પદાર્થની કેપ્સૂલ પાચનમાં સરળ છે. આમ છતાં, એની એ કેપ્સૂલનો ઉપયોગ આપણે શા માટે ચાલુ રાખીએ છીએ? મેનકા ગાંધીએ આ રજૂઆત સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગતપ્રકાશ નડ્ડા સમક્ષ કરી હતી. નડ્ડાએ આ બાબતની ચર્ચા ‘ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડીયા’ (ડી.સી.જી.આઈ.) જી.એન.સીંઘ તથા તત્કાલીન સ્વાસ્થ્ય સેક્રેટરી ભાનુ પ્રતાપ શર્મા સાથે કરીને એ અંગે યોગ્ય પગલાં બને એટલી ત્વરાએ લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેને પગલે સ્વાસ્થ્ય મંત્રાલયે દરખાસ્ત મૂકી હતી કે વનસ્પતિજન્ય પદાર્થમાંથી બનેલી કેપ્સૂલના પેકિંગ પર લીલું ટપકું દર્શાવવામાં આવે. અલબત્ત, દેશની સર્વોચ્ચ ડ્રગ કમિટી ગણાતી ‘ડ્રગ ટેકનિકલ એડવાઈઝરી બોર્ડ’ (ડી.ટી.એ.બી.) દ્વારા આ આરંભિક દરખાસ્તને ફગાવી દેવામાં આવી હતી, જેના કારણમાં જણાવાયું હતું: ‘ખોરાકની જેમ દવાઓ કોઈ પસંદગીથી લેતું નથી. ડોક્ટરો દ્વારા સૂચવવાથી તે લેવામાં આવે છે. આ સંજોગોમાં તેને શાકાહાર કે માંસાહાર તરીકે દર્શાવવી યોગ્ય ન ગણાય. આ કમિટીની મીટીંગમાં એમ પણ ચર્ચાયું હતું કે કેટલાક સભ્યોના માટે કેટલીક કેપ્સૂલો હાઈડ્રોક્સીપ્રોપાઈલ મીથીસેલ્યુલોઝ (એચ.પી.એમ.સી.) ની બનેલી છે, જે એક કૃત્રિમ પદાર્થ છે. તેથી તેને ખોરાકની જેમ તદ્દન સામિષ ન ગણાવી શકાય. જો કે, સ્વાસ્થ્ય મંત્રાલયે આ અહેવાલથી વિચલિત થવાને બદલે મીટીંગ બોલાવીને આ મુદ્દાને આગળ વધાર્યો. ડી.સી.જી.આઈ.એ ત્યાર પછી સ્વાસ્થ્ય મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરીને મોકલેલા એક ઈ-મેલમાં વનસ્પતિજન્ય પદાર્થમાંથી બનેલી કેપ્સૂલના ત્રણ લાભ ગણાવ્યા. એક તો નિરામિષ સમાજ માટે નિરામિષ કેપ્સૂલ હોવી જોઈએ. બીજું, તે અંદર રહેલી દવાને ભેજ સામે સુરક્ષા આપે છે. અને ત્રીજું, તેમાં કોઈ પ્રક્રિયા થતી નથી. અલબત્ત, તેમણે એ બાબતનો પણ ઉલ્લેખ કર્યો કે આ કેપ્સૂલ માટે કોઈ ધારાધોરણ હજી નિર્ધારીત કરવામાં આવ્યાં નથી. તેથી ભારતીય તેમજ ખાસ કરીને વિદેશના બજાર માટે આવી કેપ્સૂલનાં સુયોગ્ય ધોરણો નિર્ધારીત કરવાં રહ્યાં.

સ્વાસ્થ્ય મંત્રાલયે આ બાબતે આગળ વધવાનું નક્કી કરી લીધું છે ત્યારે ઔષધિય ઉદ્યોગના નિષ્ણાતોને ડર છે કે અચાનક આ પરિવર્તનને અમલી બનાવવાથી દવાઓની કિંમતમાં વધારો થશે. કારણ સીધું છે. આ પ્રકારની કેપ્સૂલની ઉત્પાદનક્ષમતા વિકસાવવી પડશે, જે હજી પૂરેપૂરી વિકસી નથી. તેની સામે લાંબા ગાળાનો લાભ એ ગણાવાય છે કે વનસ્પતિજન્ય પદાર્થની બનેલી કેપ્સૂલના ઉપયોગથી વૈજ્ઞાનિક પરિવર્તનની સાથેસાથે મોટા પાયે સામાજિક, આર્થિક પરીવર્તન પણ આવશે. કિંમતમાં થતાં વધારાને દવા બનાવટી વિવિધ કંપનીઓ, કેપ્સૂલ ઉત્પાદકો, સરકાર તેમજ ગ્રાહકોમાં વિભાજીત કરી દેવામાં આવે તો ખાસ વાંધો નહીં આવે એવી પણ એક દલીલ છે.

ઔષધિય કંપનીઓનાં અગ્રણી સંગઠન એવા ‘ઈન્ડીયન ફાર્માસ્યુટીકલ એલાયન્સ’ (આઈ.પી.એ.)ના સેક્રેટરી જનરલ ડી.જી.શાહે એક પૃચ્છાના જવાબમાં જણાવ્યું હતું કે જીલેટીનયુક્ત કેપ્સૂલના ઉપયોગ બાબતે નિરામિષાહારીઓના કોઈ સંગઠન દ્વારા પોતાની સભ્યકંપનીઓમાંથી કોઈની પણ સમક્ષ કોઈ પ્રકારની રજૂઆત કરવામાં આવી નથી.

આ તમામ બાબતોને એકસાથે જોતાં એક બાબત સ્પષ્ટ થાય છે કે જીલેટીનયુક્ત કેપ્સૂલને સ્થાને વનસ્પતિજન્ય પદાર્થની બનેલી કેપ્સૂલ વપરાશમાં આવે તો એ આવકાર્ય છે. પણ વર્તમાન સ્થિતિ જોઈએ તો સરેરાશ ગ્રાહકને એની અસરને લઈને કોઈ મોટો ફરક પાડવાનો નથી. પણ એ રીતે દવાની કિંમતમાં વધારો થશે તો તેનાથી ગ્રાહકો અવશ્ય અસરગ્રસ્ત થશે. ખરું પૂછો તો સરેરાશ ગ્રાહકને મુખ્ય નિસ્બત દવાની કિંમત સાથે જ હોય છે. ડોક્ટર દ્વારા લખી આપવામાં આવેલી દવામાં તત્વો કયા છે એ સરેરાશ ગ્રાહક ભાગ્યે જ જાણે છે કે જાણવાની દરકાર રાખે છે. તેને એક જ ફિકર હોય છે કે પોતાના ખિસ્સામાં જે રૂપિયા છે એટલામાં દવા આવી જશે કે નહીં.

અત્યારે લાગે છે કે આ પહેલાનો મૂળભૂત ઉદ્દેશ્ય શુભ છે. તેનો અમલ થાય, તે વ્યવહારમાં આવે ત્યાર પછી પણ તે જળવાઈ રહે એટલે બસ.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફીર દેખો યારોં’માં ૨૨-૬-૨૦૧૭ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

1 comment for “ફિર દેખો યારોં : દવા લખવામાં પસંદગી હોઈ શકે, પણ લેવામાં હોય?

  1. July 6, 2017 at 9:40 am

    કેપ્સૂલનો આ ફર્ક મારી પુત્રીએ થોડા વર્ષો પહેલા દર્શાવ્યો ત્યારે મને આશ્ચર્ય થયેલ અને મેં વનસ્પતિજન્ય કેપ્સૂલમાં શરૂ કરેલ વિટામીન ડી હજુ ચાલુ છે ઘણા લોકોને કહીએ તો પણ ફેર પડતો નથી છતાં એ અંગેની જાગૃતિ માટેનો આ લેખ ગમ્યો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *