ખેડૂતોની વ્યથા અને આપણી સંવેદના

Facebooktwitterredditpinterestlinkedinmail

કિશોરચંદ્ર ઠાકર

દેશના જુદા જુદા ભાગોમાં ખેડૂતોનાં આંદોલનો ચાલતા હોવાના સમાચાર આપણે વાંચીએ છીએ અને આવડા મોટા દેશમાં આવાં આંદોલનો તો ચાલતાં જ રહે તેમ માનીને નજરઅંદાજ કરીએ છીએ. આપણામાંના સરકારના ચુસ્ત ટેકેદારો આને વિરોધ પક્ષોનાં કે સરકાર વિરોધી તત્વોનાં કાવતરાં તરીકે જુએ છે, તો અંધ વિરોધીઓ આ બાબતે સરકાર વિરોધી વાતાવરણ ઊભું થયાનો આનંદ પણ માણતા હશે. પરંતુ આ વર્ષે આપણે સસ્તાં શાકભાજી, ફળો, અને અનાજ ખાધાનો આનંદ માણી લીધો અને તેને પેદા કરનાર ખેડૂતોની વ્યથા જે આ આંદોલનના મૂળમાં રહેલી છે, તે સમજવામાં એક સમાજ તરીકે નિષ્ફળ ગયા છીએ.

વધારે સારું જીવન જીવવા માટે શહેર પ્રત્યે આકર્ષણ થતાં પેઢીઓથી ખેતી કરતા લોકોને ખેતી બંધ કરવાની ઈચ્છા થાય તે સ્વાભાવિક છે, પરંતુ આ વ્યવસાય બદલવા માટેનાં અન્ય કારણોમાં એક કારણ ખેતીમાંથી જે આવક થતી તેમાંથી ઘણો ખરો હિસ્સો ખેતી અંગેના ખર્ચ માટે લીધેલા દેવાની ચૂકવણીમાં તેમ જ ખેતમજૂરોને મજૂરી ચુકવવામાં જતો. કેટલીક વખત એવું બનતું કે ખેડૂતની પોતાની આવક કરતાં ખેતમજૂરોની આવક વધારે થતી. સૂકા પ્રદેશના કેટલાક ખેડૂતોને એમ પણ વિચારતા જોયા છે કે, તેઓ પોતાના ખેતરમાં અનાજ વાવવાને બદલે ગાંડો બાવળ વાવે તો કિંમત વધારે ઉપજે. નહિ પાણી આપવાનું કે નહિ ઢોરઢાંખરથી રક્ષણ કરવાનું! ખરીદનાર જાતે જ કાપીને કિંમત આપી જાય. જો કે કોઈએ એમ કર્યું નહિ, પરંતુ કેટલાક લોકોએ જાતે ખેતી કરવાનું ચાલુ રાખ્યું અને બાકીનાઓએ જેઓ ખેતમજૂર જ છે તેમને જ -આવક અને ખર્ચ બન્ને નક્કી કરેલા હિસ્સામાં વહેંચીને નક્કી કરી, જમીન ખેડવા આપી દીધી.

હવે પરિસ્થિતિ એ થઈ છે કે ખેતપેદાશોના પૂરતા ભાવ ખેડૂતોને મળતા નથી. પરિણામે ખેડૂતોએ ખેતીના ખર્ચ ઉપરાંત પોતાનું ગુજરાન ચલાવવા માટે પણ દેવું કરવું પડે છે. આ દેવું બેંકો જેવી ઔપચારિક નાણાસંસ્થાઓ ઉપરાંત શાહુકારો પાસેથી લીધેલાં નાણાનું હોય છે. વર્ષોવર્ષ આ દેવું વધતું જાય છે અને લેણદારનું દબાણ વધતું જાય છે. પરિણામે ખેડૂતોની આત્મહત્યાનું પ્રમાણ વધતું જાય છે.

સરકારના Make In India ના સૂત્રનો સૌથી વધારે પ્રતિસાદ મધ્યપ્રદેશના ખેડૂતોએ આપ્યો છે. ત્યાં ખેત ઉત્પાદનની વૃદ્ધિ 9.7 ટકા જેટલી એટલે કે લગભગ બે આંકડામાં થઈ. પરંતુ ઉત્પાદનના ભાવ તળિયે બેસી ગયા. પરિણામે ખેડૂતોને કાંઈ મળતર રહ્યું નહિ અને દેવું ચૂકવવાની વાત જેમની તેમ રહી. પરિણામે વિપુલ ઉત્પાદન કરનારા આ ખેડૂતોએ જ દેવા માફી અંગે આંદોલન કરવું પડ્યું જેમાં ૬ જેટલા ખેડૂતો પોલીસ ગોળીબારથી માર્યા ગયા.(અત્રે નોંધીએ કે ૬ માંથી એક પણના નામે જમીન ન હતી પરંતુ તેઓ કામ તો ખેતીનું જ કરતા હતા).

આપણે સૌએ હંમેશા નોંધ્યું છે કે પોતાના ઘેર તો ઠીક પરંતુ કોઈ જમણવારમાં પણ ખેડૂત કે તેના જેવો શ્રમજીવી, જમ્યા પછી થાળીમાં અનાજનો એક પણ કણ છાંડતો નથી. (એ તો ઉપલા વર્ગનો વિશેષ અધિકાર છે.) જેમને અનાજના એકે એક કણની કિંમત છે તેવા આ ખેડૂતો ટામેટા, ડુંગળી બટાટા કે દૂધ જ્યારે રસ્તા પર ઢોળી દે છે ત્યારે તેમને કેટલી વેદના થતી હશે? પરિસ્થિતિ કેટલી વણસી ગઈ હશે તે આપણને સમજાવું જોઈએ.

જુદા જુદા નિષ્ણાતોએ આ આંદોલન થયા પછીથી વર્તમાનપત્રોમાં અભ્યાસ લેખો લખ્યા છે, તો એકાદ ટીવી ચેનલે પણ ચર્ચાની શ્રેણી યોજી. પરંતુ વ્યાપક સમાજે તે બાબતે સંવેદનશીલતા બતાવી હોય તેમ જણાતું નથી. ઉલ્ટાનું એવા સૂરો પણ ઊઠે છે, કે ખેડૂતોને બધું મફતમાં લઈ લેવું છે. લોન માફીની માગણીને કેટલીક વખત આ રીતે પણ જોવામાં આવે છે. તો બિચારી સરકાર પર કરોડોનો બોજો પડશે તેવી દયા પણ પ્રગટ કરવામાં આવી છે.

સરકાર પરના બોજની વાત કરીએ તો એવો કયો વર્ગ છે કે જે સરકાર પર બોજો નથી સિવાય કે શ્રમજીવી વર્ગ? બહુ ચર્ચિત કોર્પોરેટ હાઉસો સિવાય પણ ઘણો મોટો વર્ગ છે કે જે સરકાર પર (આખરે તો જનતા પર) બોજ છે. રાજકીય પક્ષોના કાર્યકરોથી માંડીને લેભાગુ નેતાઓ, મોટા ધર્મગુરૂઓ કે સરકારી સંતો જેમને ઝેડ પ્લસ જેવી સુરક્ષા આપવામાં આવે છે, શું એ સરકાર પરનો બોજ નથી? ધર્મ કે સંસ્કૃતિના નામે પર્યાવરણના સંદર્ભમાં નદીને ભરપાઈ ન થાય તેવું નુકસાન કરવા માટે સરકારી તંત્રનો ઉપયોગ કરવા ઉપરાંત લશ્કરના જવાનોને પણ મજૂર બનાવવા એ સરકાર પરનો બોજ નથી? કોઈ મોટા સંપ્રદાયના વડાનું અવસાન થાય ત્યારે સરકારી તંત્રનો એક હિસ્સો દૂરનાં ગામડામાં થાણાથપ્પા થઈને ત્રણ ત્રણ દિવસ પડી રહે એને શું કહીશુ?

જેને રાષ્ટ્રીય તહેવાર જેવું મહત્વ અપાયું છે, તે યોગદિનની પ્રસિદ્ધિ માટે પ્રમાણ ભાન ભૂલીને જે નાણા ખર્ચાયાં તે સરકાર પરનો બોજ જ છે.

નિવૃત્તિ પછી સશક્ત અને સંપન્ન હોવા છતાં કશું જ કામ નહિ કરતા સરકારી કર્મચારીને દર મહિને પેન્શન મળવું એ કાયદેસર ભલે હોય, પરંતુ જે દેશમાં કરોડો ગરીબીમાં સબડતા હોય ત્યાં તે નૈતિક નથી અને સરકાર પરનો બોજ જ છે. આર્થિક રીતે સક્ષમ હોવા છતાં રેલ્વે કે અન્ય જ્યાં પણ મળતા હોય ત્યાં વરિષ્ઠ નાગરિક તરીકેના લાભ લેવા એ શું સરકાર પરનો બોજ નથી? નોકરી દરમ્યાન પણ સરકાર પર બોજો બની રહેનાર સરકારી કે જાહેર સાહસોના કર્મચારીઓની સંખ્યા પણ નાનીસુની નથી.

આખરે તો આ બોજ શ્રમજીવીઓ કે ગરીબો પર જ પડતો હોય છે જેમાંથી ખેડૂત પણ બાકાત નથી.

પરંતુ આ બધુ આપણે સગવડપૂર્વક ભૂલી જઈને ખેડૂતની દેવામાફી કે અન્ય રાહતને (જે તેમની કામચલાઉ માગણી છે. કાયમી માગણી તો ખેતપેદાશોનું વાજબી વળતર મેળવવાની છે) સરકાર પરના બોજ તરીકે જ જોઈએ છીએ. નવા યુગમાં સરહદના મોરચે કે આતંકવાદ સામે લડતા શહીદોનું ગૌરવ થઈ રહ્યું છે તેમાં કાંઈ ખોટું નથી. પરંતુ આ સમયે આપણે ભૂલી જતા હોઈએ છીએ કે આ જવાનો દેશને આપનાર ખેડૂતો જ છે. તેઓ જ્યારે બૂમો પાડીને કે આત્મહત્યા કરીને કશું કહેતા હોય ત્યારે તેની પાસે કાન માંડવાને બદલે ગૌરક્ષાના નામે હિંદુ મુસ્લિમ તરીકેના ભેદમાં આપણે સરી પડીએ છીએ અને શ્મશાન વિરુદ્ધ કબ્રસ્તાનની લડાઈ લડીએ છીએ.

જવાનોને તો લડાઈમાં જ જોખમ હોય છે. પરંતુ ખેડૂતોને તો પોતાના વ્યવસાયમાં હંમેશા ડગલે અને પગલે જોખમ હોય છે. અંધારી રાતે ખેતરમાં સાપ વીંછીનો ભય તો હોય છે, ઉપરાંત કેટલાક વિસ્તારોમાં હિંસક જાનવરોનો પણ ભય હોય છે. પાણી માટેના કૂવા‌‌-બોરમાં પડી જવાનું તેમ જ પંપ ચલાવવા માટે વીજળીના કરંટનું પણ જોખમ હોય છે. ખેતરમાં દવા છાંટતાં મરણ પામનાર ખેડૂતોની સંખ્યા પણ ઓછી નથી. ખેતરમાં ભેળાણ થતું હોય ત્યારે ઢોર માલિક સાથે મારામારી થવાની શક્યતા પણ હોય છે.

બી એસ એફ. ના એક જવાનના ખોરાકની ગુણવતા બરાબર ન હતી તે આખા દેશે જાણ્યું. પરંતુ આપણો આ ખેડૂત રોજ શું જમે છે તેની આપણામાંથી કોણે નોંધ લીધી હશે?

જય જવાન, જય કિસાન એમ ભલે રટીએ પણ કિસાન એ જવાનનો બાપ છે, જૈવિક(biological) રીતે અને પોતાના વ્યવસાયની ઉપયોગિતાની રીતે પણ. જવાનને ભાગે સંહારનું કામ આવ્યું છે, કિસાન તો જીવાડવાનું કામ કરે છે.


શ્રી કિશોરચંદ્ર ઠાકરનું ઇ-પત્રવ્યવહાર સરનામું: kishor_thaker@yahoo.in

2 comments for “ખેડૂતોની વ્યથા અને આપણી સંવેદના

 1. July 6, 2017 at 3:38 am

  ખૂબ જ સરાહનીય લેખ. અભિનંદન.

  • Kishor Thakr
   July 6, 2017 at 3:27 pm

   આભાર વલીદા, ગાંધીજીએ કપડાને ઇસ્ત્રી કરી અને ગોખલેએ કહ્યું ” ખરેખર તેં સરસ રીતે ઇસ્ત્રી કરી છે.” આ બાબતે ગાંધીજીનું માનવું હતું કે હવે મારે બીજા કોઈના સર્ટીફિકેટની જરૂર રહી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *