શ્રી લેણ્યાદ્રીના ગિરિજાત્મજ વિનાયક

Facebooktwitterredditpinterestlinkedinmail

પૂર્વી મોદી મલકાણ

मायासा भुवनेश्वरी शिवसती देहाश्रिता सुंदरी ।
विघ्नेशं सुतमाप्मुकाम संहिताडड कुर्वेतपो दुष्करम ।।
तखयाडभूत्प्रकट प्रसन्नवरदो तिष्ठतया स्थापित् ।
वंदेडह गिरिजात्मज परमजं ते लेखनाद्रिस्थितम् ।।

માયારૂપી જગતજનની, શિવસંગિની પાર્વતી જેમણે પોતાના તનમાં સંસારના સમસ્ત સૌંદર્યને આશ્રય આપ્યો છે, જેમણે કઠોર તપ સાધના કરી વરદાન રૂપે શ્રી ગણેશ જેવા પુત્રને પ્રાપ્ત કર્યો છે એ જ માતા ગિરિજા પાર્વતીને નમન કરીએ જેમના પુત્ર શ્રી ગણેશનું સ્થાપન લેખનાદ્રિ અથવા લેણ્યાદ્રી પર્વત પર થયું છે.

મહારાષ્ટ્ર સ્થિત રહેલા અષ્ટવિનાયકમાં કેવળ એક જ વિનાયક એવા છે જેઓ માતા ગિરિજા પાર્વતી સંગે લેણ્યાદ્રી પર્વત પર બૌધ્ધ ગુફાઓની સામીપ્યમાં બિરાજેલ છે. લેણ્યાદ્રી વિનાયકની યાત્રા કરવા માટે સૌ પ્રથમ જુન્નર જવું પડે છે. જુન્નરથી આ સ્થળ ૫ કિ.મી.ની દૂરી પર કુકડી નદીના તટ પર આવેલ છે. શાસ્ત્રોમાં આ સ્થાન લેખનાદ્રિ, લેણ્યાદ્રી પર્વત અને જીર્ણપુરને નામે પ્રસિધ્ધ છે.

ઇતિહાસ:-

મહાદેવી પાર્વતીએ શ્રી ગુણેશને પુત્રરૂપે પામવા માટે લેણ્યાદ્રી પર્વતની ગુફામાં વર્ષો સુધી તપશ્ચર્યા કરી. માતા પાર્વતીના તપથી પ્રસન્ન થઈ ધર્મસ્વરૂપ શ્રી ગજાનનજીએ આશીર્વાદ આપતા માતા પાર્વતીને કહ્યું કે તેઓ માતા પાર્વતીની ગોદમાં પુત્ર રૂપે ખેલવા માટે પધારી તેમની ઈચ્છાને પણ પૂર્ણ કરશે અને માતાની આસપાસ રહેલ સૌ ભક્તજનોની મનોકામનાને પણ પૂર્ણ કરશે. ત્યારબાદ ભાદ્રપદ સુદ ચતુર્થીના દિવસે પાર્વતીજીએ પોતાના તન પર લગાવેલ ઉબટનનાં મેલમાંથી શ્રી ગણેશની પ્રતિમા બનાવી તેની પ્રાણપ્રતિષ્ઠા કરી, ત્યારે શ્રી ગણેશે આવી તે પ્રતિમામાં આત્મા સ્વરૂપે બિરાજયા અને સ્વયં બટુક રૂપે પાર્વતીજીની સમક્ષ પ્રગટ થયાં. તે સમયે સર્વ દેવતાઓએ ત્યાં પધારી તે બટુક સ્વરૂપ ચૈતન્યને શ્રી ગણેશ નામ આપ્યું અને આશીર્વાદ આપી કહ્યું કે સત્વ, રજ, તમ હંમેશા શ્રી ગણેશને આધીન રહેશે.

દેવતાઓના આ વરદાનથી લેણ્યાદ્રી પર્વત પર બિરાજી રહેલા માતા ગિરિજાના આત્મજ એવા શ્રી ગણેશને ગિરિજાત્મજ તરીકે ઓળખવામાં આવે છે. અહીં બે માન્યતાઓ કે મહત્વતાઓ બહુ પ્રચલિત છે. પ્રથમ માન્યતા એ છે કે આ પર્વત પર માતા પાર્વતી શ્રી ગણેશ સાથે પંદર વર્ષ સુધી બિરાજયા તે સમયે માતા ગિરિજાનાં સમસ્ત વાત્સલ્યના અને બાલ ગણેશની સમસ્ત ક્રીડાનાં લેણ્યાદ્રી પર્વત સાક્ષી બન્યાં. અહીં બીજી મહત્વની વાત એ છે કે આ પર્વત પર ગૌતમ ઋષિએ શ્રી ગણેશજીને જનોઈ આપેલી તેથી બાલ્યકાળથી લઈ કિશોરાવસ્થા સુધીના સમય દરમ્યાન શ્રી ગણેશનો વિદ્યાભ્યાસ પણ અહીં થયેલો.

મંદિર:-

લેણ્યાદ્રી પર્વત પરની આ બૌધ્ધ ગુફાઓ અને મંદિર ભારતીય પુરાતત્વ વિભાગને આધીન છે. આ સમસ્ત ગુફાઓમાંની આઠમી ગુફામાં શ્રી ગિરિજાત્મજ વિનાયકજીનું મંદિર છે. લેણ્યાદ્રીની આ ગુફાઓને “ગણેશગુફા” તરીકે ઓળખવામાં આવે છે. લેણ્યાદ્રીની ગિરિમાળની ગુફા સુધી પહોંચવા માટે ૩૦૭ પગથિયાં ચડવા પડે છે. પર્વત ચઢ્યા બાદ ઉપરની તરફ જતાં મીઠા પાણીનાં કુંડ છે. આ મંદિરની વિશેષતા એ છે કે આ આખું મંદિર કેવળ એક પથ્થરમાં કોતરાયેલ છે અને બીજી વિશેષતા એ છે આ મંદિરમાં એકપણ લાઇટ ન હોવા છતાં રોજ પ્રભાતનાં સમયથી સૂર્યાસ્ત સુધી સૂર્યનાં કિરણો શ્રી વિનાયકજીનાં મુખારવિંદ પર પડતા રહે છે. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી કેવળ સૂર્યના પ્રકાશ સાથે ઝળહળતી આ મૂર્તિ એ રીતે દીવાલમાં રહેલી છે કે જેને કારણે અહીં પરિક્રમા થતી નથી. આ મંદિરનું મુખ્ય દ્વાર દક્ષિણાભિમુખી છે અને શ્રી વિનાયકજીની મૂર્તિનું મુખ ઉત્તરાભિમુખી છે. મંદિરનાં સભાખંડની ઊંચાઈ ૫૩ ફૂટ છે. જ્યાં ગિરિજાત્મજ બિરાજી રહેલ છે તે સભાખંડને કોઇપણ પ્રકારના ટેકા અને થાંભલા વગર ઉભેલા જોઈ શ્રી વિનાયકજીની કૃપા દેખાયા વગર રહેતી નથી. આ મંદિરનુ ગર્ભગૃહ અત્યંત નાનું છે તેથી ભક્તજનો શ્રી વિનાયકજીની મૂર્તિ પાસે ઊભા રહી સ્વહસ્તે તેમનું પૂજન કરી શકે છે.

લેણ્યાદ્રી પર્વત પર શ્રી વિનાયકજીની આ ગુફા સિવાય અહીં બીજી ૧૮ ગુફાઓ આસપાસમાં આવેલી છે. આ ગુફાઓમાં એક સમયે બૌધ્ધ સાધુઓ નિવાસ કરતાં હતાં, પરંતુ આજે આ ગુફાઓ ખાલી પડેલી છે. લેણ્યાદ્રી પર્વત પર આવતાં યાત્રીઓ આ ગુફાઓમાં મેડિટેશન કરતાં જોવા મળે છે. ગણેશગુફાની પશ્ચિમે આવેલ એક અન્ય ગુફામાં એક વિશાળ સ્તૂપ જોવા મળે છે જેને ભીમની ગદા તરીકે ઓળખવામાં આવે છે. આ ગુફામાંથી નિરંતર પડઘો ગુંજતો રહે છે તેથી સમસ્ત ગુફાઓમાં આ ગુફા સૌથી વધુ જીવંત લાગે છે.

દૈનિક ઉત્સવો:-

રોજ પ્રાતઃકાલે ગિરિજાત્મજજીનું પંચામૃત પૂજન થાય છે. ભાદ્રપદ અને મહા શુક્લની ચતુર્થીને દિવસે અહીં બે મોટા ઉત્સવ ઉજવવામાં આવે છે. ખાસ કરીને મહા મહિનાની ચતુર્થી આવે તે અગાઉ આખું અઠવાડિયું ઉત્સવ ચાલે છે અને અખંડ હરિનામ ચાલે છે, જેમાં અનેક લોકો જોડાઈ જાય છે.

આસપાસનાં દર્શનીય સ્થળો:-

લેણ્યાદ્રી પર્વતની મોટાભાગની ગુફાઓ એક સમયે ત્યાં વસેલા બૌધ્ધ ધર્મને પ્રસ્તુત કરે છે, પરંતુ હાલમાં આ ગુફાઓમાંથી અમુક ભારતીય પુરાતત્વ વિભાગને આધીન છે અને અમુક ટ્રસ્ટ અને મંદિર પાસે છે. અહીં આવતા ભક્તજનો માટે રહેવાની અને ખાવાપીવાની સારી વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ એકાંત હોય સલામતી કેટલી તે બાબતનો વિચાર કરી લોકો રહેવાનુ પસંદ નથી કરતાં. પરંતુ કુદરતપ્રેમીની વાત અલગ છે. કુદરતપ્રેમીઓ અહીં આવે ત્યારે કિંમતી વસ્તુઓ ન લાવે તો તેઓ શાંતિથી રહી શકે છે, પણ તેમ છતાં યે ધ્યાન રાખવા જેવુ તો ખરું જ.

ચોમાસામાં આ સ્થળ અત્યંત રમણીય બની જાય છે. ચોમાસા દરમ્યાન નાના બાળકની જેમ પર્વત પરથી છલાંગ પડતાં ઝરણાઓ હિમાલયની પુત્રીઓ સમાન અનેક નદીઓની યાદ આપી જાય છે. આ સમયે લેણ્યાદ્રી પર્વત માથાથી લઈ પગ સુધી એટલે કે ટોચથી લઈ તળેટી સુધી હરિયાળીથી એટલો ખીલી ઊઠે છે કે જાણે અચાનક કોઈ યુરોપીયન સ્થળ પર આવી ગયાનો અહેસાસ થાય છે. આ વરસાદી ઋતુ અને ગણેશ ઉત્સવ દરમ્યાન આસપાસના અનેક ગ્રામ્ય લોકો આ સમયે પર્વતની આજુબાજુ ડેરા લગાવી રહે છે. આનંદ સાથે પીડાની વાત એ પણ છે કે ગ્રામ્યજનો આ સમયે પર્વતને ગંદો પણ એટલો જ કરે છે, તેથી ઠેર ઠેર સરકારે સ્વચ્છતા માટે બોર્ડ મૂકેલા છે. પરંતુ આ બોર્ડ પરથી હજુ ગ્રામ્યજનો કે યાત્રાળુઓ શીખ્યા નથી તેથી કુદરતની અને ધર્મની આ મોંઘી જણસ ગંદી, વધુ ને વધુ ગંદી થતી જાય છે.

આસપાસ જોવા જેવા સ્થળો:-

બૌધ્ધ ગુફાઓને બાદ કરતાં ગિરિજાત્મજજીની આજુબાજુ જોવા લાયક સ્થળોમાં મુખ્યતઃ શિવાજી મહારાજનો શિવનેરીનો કિલ્લો છે. આ કિલ્લામાં શિવાજી મહારાજનો જન્મ થયો હતો. આ સ્થળ લેણ્યાદ્રીથી કેવળ ૫-૬ કી.મી ની દૂરી પર આવેલ છે.

કેવી રીતે જવું:-

લેણ્યાદ્રી પર્વત પર વિનાયકજીની યાત્રા કરવા માટે પૂના અને તળેગાંવથી રેલમાર્ગથી જવાય છે, આ ઉપરાંત ખાનગી વાહન દ્વારા કે મહારાષ્ટ્ર સરકાર સંચાલિત બસ સેવા ઉપલબ્ધ છે.

ખાસ નોંધ:-

મંદિર કે ગુફાઓ પર જવા માટે પર્વત કે પગથિયાં ન ચડી શકનાર યાત્રાળુઓ માટે ડોળીની વ્યવસ્થા છે. આ વ્યવસ્થાનો લાભ લેવા માટે તળેટીમાં રહેલ ભોઇ લોકોનો સંપર્ક સાધવો.

સરનામું:-

Lenyadri Ganapati Road, Junnar, Maharashtra 410502, India


પૂર્વી મોદી મલકાણ, યુ.એસ.એ : purvimalkan@yahoo.com

1 comment for “શ્રી લેણ્યાદ્રીના ગિરિજાત્મજ વિનાયક

  1. Pravina
    July 4, 2017 at 3:37 am

    બહુ સરસ માહિતી છે. શબ્દો દ્વારા અષ્ટ વિનાયકની યાત્રા થતી હોય તેવું દર મહિને લાગે છે. અત્યારે ચોમાસું ચાલે છે ઈન્ડિયામાં તો આ પર્વત ચોક્કસ ખીલી ગયો હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *