એકસો બેતાલીસ વર્ષ પહેલાના એક વરસાદની વાત..

Facebooktwitterredditpinterestlinkedinmail

રજનીકુમાર પંડ્યા

“અરે હટ બે લન્ડી, હટ બે લન્ડી,” ચીપિયા પછાડી પછાડીને સાત બાવા ટેકરીની ટોચ પર ચડીને બોલ્યા. બૂમો પાડીને બોલ્યા. કોને કહેતા હતા ? હિંદીમાં લૌન્ડી તો દાસીને કહેવાય. છતાં આ બાવા કોઈને દાસી કહેતા હતા તો પછી એનાથી ડરી ડરીને પાછા હટતા હતા શા માટે ? એમના ચહેરા ઉપર આટલી બધી ભયભીતતા શા માટે હતી ? એ બાવાઓને પોતાની ત્રાટક વિદ્યા ઉપર આટલો બધો ઘમંડ હતો, તે સામે કોણ હતું એમના આ ઘમંડને ન ગણકારનારું ?

“એ મા’ત્માજી” કોઈએ દૂરની ટેકરી પરથી બૂમ પાડી. “ઐસે ચીપિયે પછાડ્યે નદીયાં પીછું નહીં હટનેવાલી. ચડ જાઓ ઝાડ પર, વર્ના તુમ્હારી સબકી સમાત (સમાધિ) યે ટીલે પર હી બણેગી.”

ટેકરી પર મોટું ઝાડ હતું. પાંચ-સાત બાવા- લંગોટિયા ખાખી બાવા તરત જ પોતાના સાંઠીકડા જેવા, તો કોઈ પોતાના ધોકણિયા જેવા, તો કોઈ વાંકા વળી ગયેલા આકડાના થડ જેવા પગ લઈને દોડ્યા. મેલાદાટ-રાખોડી ઓઘરાળાવાળા પગ આ સતત બાર કલાકના વરસાદમાં ધોવાઈ ધોવાઈને સફેદ પડી ગયા હતા. પણ ઝાડ પર ટપોટપ વાંદરાની જેમ ચડ્યા પછી પણ એમનું “અરે, હટ બે લન્ડી, હટ બે લન્ડી”નું બૂમરાણ ચાલુ જ રહ્યું.

એ લોકો સાબરમતીના ચડતા પાણીને ઉદ્દેશીને કહેતા હતા. એ સૌ બાવાઓને એ છેલ્લી મરણાશા હતી કે પોતાનો હુકમ માનીને આ નદી પાછી હટી જશે.

પણ ૨૩-૯-૧૮૭૫, ભાદરવા વદ આઠમને બુધવારે એટલે કે એકસો બેતાલીસ વર્ષ પહેલાંના આ દિવસે ત્રમઝટ વરસાદ પછી આવેલી જળરેલ ઓસરવાનું નામ લેતી નહોતી. આ બાવાઓ જ્યાં હતા તે જગ્યા શાહપુર ચકલામાં આવેલી હતી. ત્યાં ટેકરી હતી અને નારસિંહની જગ્યા હતી. જગ્યામાં આશરો લેવા આવનારાઓ આ બાવાઓને છેવટે ઝાડ પર ચડી જવું પડ્યું અને છતાં એમનું રટણ ચાલુ હતું : “અરે હટ બે….”

************

“સાભ્રમતિ” નદી બન્ને કાંઠે ઉભરાઈને ઘોડાપુરે વહેતી હતી. “સા” એટલે તે અને ‘ભ્રમતી’ એટલે ભમતી. મતલબ કે સીધી નહી, પણ ભમતી ભમતી અમદાવાદના પાદરમાં આવી હતી એટલે સાભ્રમતિ નામ પડ્યું એમ એ વખતના લોકો માનતા હતા. અનરાધાર વરસાદ પછી બુધવારની સવારે લોકો સાભ્રમતિમાં પૂર આવ્યું છે એમ જાણીને ઊંઘમાંથી બેબાકળા થઈને ઉઠ્યા. સવારે જે લોકોને અમદાવાદથી ધોળકા જવું હતું તે જમાલપુર દરવાજે ગયા અને ત્યાં સાંભળ્યું કે નદીમાં ભારે પુર આવ્યું છે અને ગાડીઓ અટકી પડી છે. તેથી શહેરમાં પાછા આવ્યા. આને કારણે થોડી વધુ ચિંતા થઈ પડી.

પણ લોકો હજુ વધુ વિચારે એ પહેલાં તો સવારે દસ વાગ્યાના સુમારે પાણી બહુ ઝડપથી નદીનો કાંઠો તોડીને શહેરમાં પેસવા લાગ્યું. “બુદ્ધિપ્રકાશ” માસિકના નવેમ્બર ૧૮૭૫ના અંકમાં એનો અહેવાલ જણાવે છે તેમ ટ્રેનિંગ કોલેજની પાછળ એક નાનો સરખો વહેળો છે. જેમાં થઈને શહેરનું પાણી નદીમાં જાય છે. તે વહેળામાં થઈને નદીનું પાણી શહેરમાં પેઠું હતું. તે જોઈને લોકોના મનને ગભરાટ ઉત્પન્ન થયો હતો. અને લોકોના ટોળેટોળાં મળીને નદી ઉપર પૂર જોવા જતાં હતા. નદી ઉપર રાયખડ દરવાજાનો કિલ્લો છે તે ઉપર છોકરાં, બાયડીઓ અને પુરુષોની પૂર જોવા સારું એટલી ઠઠ મળી હતી કે પોલિસના લોકોને તેમને ખસેડતાં ઘણી મહેનત કરવી પડતી હતી.

બુદ્ધિપ્રકાશ આગળ લખે છે તેમ (તે વખતની ભાષા અને જોડણી જેમના તેમ રાખ્યા છે)

પંદર કલાકે પાણીનું જોર વધવા માંડ્યું અને સપાટાબંધ કારંજમાં આવી પહોંચ્યું અને બારેકના સુમારે તો હીમાભાઈ ઈન્સ્ટીટ્યુટના પગથિયાથી તે છેક ત્રણ દરવાજા સુધી પાણી ફેલાઈ ગયું હતું અને કારંજ વચ્ચેનો શેઠ મંચેરજીવાળો બંગલો તો ચારે બાજુથી પાણી વીંટાઈ વળવાથી દરીયામાં વહાણ તરતું હોય તેની માફક દેખાતો હતો. કારંજની દુકાનવાળાઓ પોતાનો જાનમાલ બચાવવાની ધાસ્તીમાં પડ્યા હતા. છઈયાંછોકરાંને બીજે ઠેકાણે મૂકીને પાછા આવીને જુએ છે તો દુકાનોમાં પાણી ભરાઈ ગયેલું. વળી કેટલાએક મકાનો ધળોધળ પડવા માંડેલા. બિચારા લોકો ઉતરી ગયેલે મહોડે કાળુપુરસારંગપુર કે રાયપુર વિગેરે જિલ્લાઓમાં જઈને રહ્યા. આસ્ટોડિયામાં બિચારા મુસલમાનો લુગડાભેર મશીદમાં જઈ ઉભા રહ્યા. રા. બા. બેહેચરદાસ અંબાઈદાસના ખાંચામાં પણ માથોડું માથોડું પાણી ભરાઈ ગયેલું. મહેરબાન કલેક્ટર બારડેલ સાહેબે એલિસબ્રિજ ઉપર આવી, પોલીસના સિપાઈઓ પાસે પૂલ ઉપર આવી, પોલીસના સિપાઈઓ પાસે પૂલ ઉપર થઈને કોઈ માણસ આવજા કરે નહીં તેને માટે પુલના રસ્તા ઉપર દોરડું બંધાવી અને પોલીસના માણસો ઉભા રાખ્યા હતા.

એ દિવસની તારાજીની વાત તો પછી આવે છે. પણ અમદાવાદ શહેરના શ્રેષ્ઠીઓ અને મહાજનોની પરિસ્થિતિ શી હતી ? એ દિવસની એમને ગતિવિધી કેવી હતી. એમના માલમિલ્કત, ઈમારતો અને મહાલયોને કોઈ જફા પહોંચેલી કે કેમ ? જવાબ એ લેખમાંથી જ મળી રહે છે :

શેઠ નવરોજજીનો કાચનો બંગલો જે કારંજને ઘણી રોણક (રોનક) આપતો હતો તે પાછળ પાણી ફરી વળવાથી પાયો કાચો હોઈને તૂટી પડ્યો. શેઠનો સત્તર વરસનો છોકરો અને વીસ વરસની દીકરી બન્ને ચગદાઈ મૂઆં. કુદરતના નિષ્પક્ષ વલણનું એક આ ઉદાહરણ.

બુદ્ધિપ્રકાશના લેખની એવી જ બીજી વિગતો જોવા જેવી છે : ગરીબ ગરબાં લોકોને રા. બા. ગોપાળ હરિએ સ્માલકાજ (સ્મૉલકૉઝ) કોર્ટના બંગલામાં લાવી રાખ્યા. મુસલમાન આબરૂદાર ઓઝલની રહેનારીઓને રાવસાહેબ મહીપતરામ રૂપરામે ટ્રેનીંગ સ્કુલના મકાનમાં ઉતારો આપી સારી બરદાસ લીધી.

આ ઉપરાંત જાહેર માલમિલ્કતની તારાજી કેવી થઈ ? વાંચો ;

એક વાગ્યાના સુમારે સાભ્રમતિનો રેલ્વેનો જે શાહીબાગ આગળ છે તે અને જે ઘણી મજબૂતીથી બાંધેલો હતો તે પૂલ પાણીના ધક્કાથી હાલવા લાગ્યો. તે જોઈને માણસો નાસભાગ કરવા લાગ્યા. એટલામાં તો પૂલ મૂળમાંથી ઉખડીને ઘસડાઈ ગયો.

આ દ્રશ્યની ભીષણતાની કલ્પના થઈ શકે છે. આખે આખો પૂલ ઉખડીને રમકડાની જેમ પાણીમાં તણાઈ જાય એ દ્રશ્ય જોનારા આજે એક્સો બેતાલીસ વરસ પછી કોણ હયાત હોય ? શબ્દો જીવ્યા કરે છે અને શબ્દો આ વાત કરે છે. “બુદ્ધિપ્રકાશ” આગળ લખે છે :

એક અને બે વાગ્યાની વચ્ચે એલિસબ્રીજ પૂલની હિંમત પણ છૂટી ગઈ. એ પણ થરથર ધ્રુજવા લાગ્યો. એટલે તે પરના પોલીસના સિપાઈઓ દોડાદોડ કરતા નાઠા. પણ તેમને (એટલે કે એ માણસોને) લઈને (તાણીને) એલીસબ્રીજ બન્ને તરફનો સરખો ભાગ મૂકીને વચમાંથી ત્રીજા ભાગે પાણીની સાથે ચાલતો થયોઈદરીયા દરવાજા (અત્યારે એ કયા નામે ઓળખતો હશે ?) બહારના માધવપરૂં, હઠીપરૂં, ફુલપરું, ફત્તેપરૂં અને બારડોલપરું વિગેરે પરાઓની પાછળથી આવીને પુરના પાણીએ ઘેરો ઘાલ્યો. શહેર બહારનો દેખાવ તો મધદરીયે વચ્ચે જેમ વહાણના કાફલાઓ સ્થંભી ગયા હોય તેની માફક આ દેખાવ દેખાતો હતો…. એમ કરતા સાંજ પડવા આવી. અમદાવાદ શહેરના માણસોના જાન પડીકે બંધાઈ ગયા હતા. લોકો કહેતા હતા કે આ તો જળપ્રલય આવ્યો. આફતમાંથી પરમેશ્વર બચાવે તો બચીએ…. શ્રાવક લોકોએ તથા સટ્ટાના વેપારીઓએ નિરાશ્રીત લોકોને ચવાણું, લાડવા વિગેરે ખાવાનું આપવાનું શરૂ કર્યું અને મહેરબાન કલેક્ટર બારોડેલ સાહેબ તથા ફોજદાર સાહેબ તથા મ્યુનિસિપાલીટીના આસિસ્ટંટ સેક્રેટરી વગેરે કેટલાએક લોકોના જાનમાલ બચાવીને સારી મહેનત કરતા નજરે દેખાતા હતા. એમ કરતાં કરતાં રાતે પાણી પાછું હઠ્યું. શેઠ કાવસજી બાવાએ પોતાના ઘર પછવાડે ચારે બાજુ પાણી ફરી વળેલું તે છતાં લોકોની બરદાસ લેવામાં પાછી પાની કહાડી નથી. બંગલાની અગાસી ઉપર અને દીવા અને મશાલો કરાવી કોઈ સંકટથી ઘેરાઈ ગયો હોય તેને પીપના તરાપે વળગાડી બંગલામાં આશરો આપતા હતા.

ધસમસતા પૂર વચ્ચે એલિસબ્રીજ

કોઈ ચિત્રકારે બંગલાની અગાશી ઉપર દીવા અને મશાલો, આજુબાજુ ચોમેર જળબંબાકાર અને કોઈ ડૂબતો માણસ પીપને વળગીને તરાપે તરતો બંગલા તરફ આવતો હોઈ તેવું દ્રશ્ય નિપજાવી કાઢવું જોઈએ.

આ હતો ૨૩મીની સાંજનો રિપોર્ટ. આખા દિવસના આ જીવનમરણના જળઝોલાં વચ્ચેથી લોકોએ રાતે માંડ શાંતિનો શ્વાસ લીધો. કારણ કે પાણી ઉતરવા માંડ્યા હતા. પણ આ રાહત કેવળ રાત્રી પૂરતી જ હતી. ૨૪મીની સવારના દસ વાગ્યે લોક ઉચાટભરી ઊંઘમાંથી માંડ ઉઠ્યું ત્યાં ફરી બૂમાબૂમ મચી કે ઉપરવાસ વરસાદને કારણે “સાભ્રમતિ”માં ફરી પાણી ચડવા માંડ્યું છે. જે ગઈકાલ કરતાં પણ વધારે જોરમાં છે. “બુદ્ધિપ્રકાશ” લખે છે :

કલેક્ટર બારોડેલ સાહેબે ભદ્રના કિલ્લા ઉપર ચઢીને દૂરબીન માંડીને જોયું તો પાણીનું જોર જીદે (જ્યાદા) દીઠું. લોકોની હિંમત છૂટી ગઈ. બંગલામાં પોટલાં મારી નાસભાગ કરવા લાગ્યા. કોઈ સરસપુર, કોઈ ગોમતીપુર તો ગોંસાઈજી મહારાજ પણ ઠાકોરજીને લઈને આચારજી (આચાર્યજી ?)ની બેઠકમાં જઈ રયાં.

માણસોનું આ તો વર્ણન, પણ પાણીનું માપ કેટલું હતું ? ચાલીસ ફુટ પાણી શહેરના મજબૂત કિલ્લાને મૂળમાંથી ખોદવા લાગ્યું હતું. લોકો ચિચિયારીઓ પાડીને નાઠા. બપોર થવામાં તો પાણી શહેરમાં ભરાયું. એટલું બધું ભરાયું કે ગાયકવાડની હવેલી આગળ કોટમાં ભાઠાં પાડીને અંદર પેઠું. રાવબહાદુર બેચરદાસ અંબાઈદાસના ઘરમાં તથા મહોલ્લામાં પાણી ફરી વળ્યું. ઈદરીએ (કદાચ દિલ્હી દરવાજો) થઈને દરીઆપુર, કાળુપુર, નવે દરવાજે થઈને સારંગપુર દરવાજામાં પણ પાણી પેઠું. ગોલવાડમાં થઈને ખાડીયા અને બીજી બાજું પંચભાયાની પોળે પાણી ફરી વળ્યું. ત્રણ દરવાજેથી જે પાણી વધ્યું તે કંદોઈ ઓળમાં થઈને નેક નામદાર સખાવતે બહાદુર શેઠાણી હરકોરબાઈની હવેલી આગળ ઢીંચણ સમાણું, માણેકચોકમાં કેડ સમાણું અને હીમાભાઈ ઈન્સ્ટીટયુટમાં સોળ ફુટ પાણી ચડ્યું.

1880 ના દાયકાના જમાલપુરની એક છબી

અને પેલા “હટ બે લંડી” બોલવાવાળા ખાખી બાવાઓની શી વલે થઈ ? બુદ્ધિપ્રકાશ જણાવે છે કે, શહેર બહાર માધવપરૂં, હઠીપરૂં ફુલપરૂં, બારડોલપરૂં પાણીમાં ડૂબાડૂબ હતાં. પેલા સાત બાવાઓ હતા તેમાંથી પાંચ તો ઝાડ સુદ્ધાં તણાઈ ગયાં. બે બાવાઓને બચાવવા મહેરબાન કલેક્ટર સાહેબે સારી મહેનત લીધી. આવરદા હતી તો કાંઠે ઘસડાઈ નીકળ્યા.

એકસો બેતાલીસ વરસ પહેલાંનો એક (રોકેલો) રૂપિયો વધીને આજે એંસી લાખ બની જાય એ કોઈપણ બેંકર સ્વીકારશે. તો એ સંદર્ભમાં એ બે દિવસો દરમ્યાન અમદાવાદની જાનમાલની ખુવારી કેટૅલી હતી ?

ચાર હજાર ઘર પડી ગયાં. દસ માણસો માર્યા ગયા, એમાં પેલા બે નિર્દોષ તરુણ – તરુણીનો અને પાંચ બાવાઓનો પણ સમાવેશ થાય છે. વીસ જણા ઘાયલ થયા. માધવપરૂ (માધુપુરા) તમામ રીતે તદ્દન નાશ પામ્યું. મોટા મોટા વેપારીઓની દુકાનોનો માલસામાન સમૂળગો તણાઈ જતા એકલા માધુપુરાનું જ નુકસાન દસ લાખનું (એ દિવસોના હિસાબે) થયું. રેલ્વેનો શાહિબાગવાળો પૂલ, અને એલિસબ્રિજ એ બન્નેના ઓછામાં ઓછા દસ દસ લાખ, પડી ગયેલા ચાર હજાર મકાનોના વીસ લાખ અને આજુબાજુ ધોળકા સુધીના ગામડાઓ વગેરે મળીને નુકસાન એ વખતના હિસાબે એક કરોડ રૂપિયાનું થયું. જો એ વખતનો એક રૂપિયો આજે એંસી લાખ થાય તો એ એક કરોડ રૂપિયાના આજે કેટલા થાય ?

અમદાવાદ શહેર ૧૪૧૨માં વસ્યું ત્યારથી આજ સુધીમાં આટલી ભયંકર રેલ સાબરમતીમાં આવી નથી. એ લેખમાં એક ટીપ્પણ છે : ઈતિહાસમાં લખી રાખવા જેવો આ બનાવ છે. હાલના (એટલે કે ૧૮૭૫ ની સાલના) બાળકો જ્યારે ઘરડાં થશે ત્યારે પણ વાતો કરશે કે સાબરમતિના પૂરનું પાણી નેકનામદાર સખાવતે બહાદુર શેઠાણી હરકોરબાઈની હવેલી સુધી આવ્યું હતું અને એમ કહીને આ રેલની વાતો એવી તો લાંબી લાંબી કરશે કે જે વાતો સાંભળીને તે વખતના લોકો ખૂબ આશ્ચર્ય પામશે.

આજે એ વખતના બાળકો નથી,એ વખતના ‘બાળકોની’ કોણ જાણે કેટલામી પેઢી ચાલતી હશે ? એમને સાંભળનારા પણ મરી પરવાર્યા અને નેકનામદાર હરકોરબાઈની હવેલીનો પણ પત્તો નથી. ભૂતકાળ ગયો. હવે વર્તમાનમાં રેલની નહીં, પણ સામાન્ય વરસાદની ચાતક નજરે રાહ જોવાના દહાડા આવ્યા છે..


(બંને તસવીરો પ્રતિકાત્મક છે અને નેટ પરથી લીધી છે.)


લેખક સંપર્ક-

રજનીકુમાર પંડ્યા.

બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦

મો.95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન-079-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com

20 comments for “એકસો બેતાલીસ વર્ષ પહેલાના એક વરસાદની વાત..

 1. Gajanan Raval
  July 3, 2017 at 9:23 am

  It’s a very nice article that give us us the idea of historical fact of Ahmedabad 142 years back…! Hearty congrats…
  dear Rajnibhai…

  • Rajnikumar Pandya
   July 3, 2017 at 11:38 am

   Thanks

 2. R.Aacharya, valsad.
  July 3, 2017 at 1:26 pm

  Hats Off,to recall the past.

 3. PH Bharadia
  July 3, 2017 at 4:12 pm

  શ્રી રજની કુમાર પંડ્યા સાહેબ,
  એક હેરત અને સાચેજ અજાયબી લાગે તેવા ‘સાભ્રમતિ’ નદીના ઘોડાપૂર ના ૧૪૩ વર્ષ જુના બનાવની વાત વાંચી એક રોમાંચક ઘટના જાણી.

  દેશમાં ચોમાસાની મોસમ માં અતિ વરસાદથી અવારનવાર જાનહાનિ,દુર્ઘટના અને લોકોને થતી પારવાર પીડા અને નુકસાની આજના સમયમાં પણ બનતી રહે છે પણ બહુત્તર ભુલાઈ પણ જાય છે.શહેરી વિકાસમાં નદી કાંઠે વસતા જતા વિસ્તારમાં સરકાર પણ એટલીજ બેદરકાર છે કોઈ બોધપાઠ નથી લેવાતો! જે લોકો ત્યાં વસતા હોય છે તેમની બેદરકારી પણ ઓછી નથી,બહુમાળી ઊંચા ઘરો,બંગલા બનાવીનેજ રહેવું. અતિપુર જેવા માઠા બનાવો બનવાના જ નથી એવું કેમ ધરી લેવાય?
  જયારે જયારે હવે થતો કમોસમી વરસાદ પણ લોકોને જાણે કોઠે પડી ગયો અને આગ લાગે ત્યારે કૂવો ખોદવો જેવી વાત છે.
  વરસાદ નાં પુરને વ્યવસ્થિત રીતે નદીના કાંઠાઓ પર નિયંત્રિત કરવાનું આજના સમયમાં શક્ય પણ છે પણ ત્યાંય ગંદા રાજકારણનું
  લુણ લાગી ગયું છે!
  તમારો આ ‘સાભ્રમતિ’ સંશોધનીય લેખ દાદ માંગી લ્યે છે! જાણકારી પણ મળી કે આવું પુર આજથી ૧૪૩ વર્ષ પહેલા અમદાવાદમાં આવેલું. આભાર.

 4. Prafull Ghorecha
  July 3, 2017 at 4:17 pm

  શ્રી રજનીભાઈ,
  ૧૪૨ વર્ષ પહેલાની વાત, ત્યારના શબ્દોની જોડણી, સાબરમતીનું ત્યારનું નામ ! આબેહુબ વર્ણન. .
  આ બુદ્ધિપ્રકાશ કોણ છે ?

  • Rajnikumar Pandya
   July 3, 2017 at 11:42 pm

   ‘બુધ્ધિપ્રકાશ’ એક જૂના માસિકનું નામ છે.

 5. Ishwarbhai Parekh
  July 4, 2017 at 1:46 am

  રજનીકુમાર પંડ્યા જી ૧૮૭૫ ની પૂરની હકીકતો આબાદ રીતે વ્યક ત કરી અડીખમ પુલ પણ તણાય ત્યારનું દ્રશ્ય કલ્પના થી પરલાગે ,ધન્યવાદ સાથે આપણીકલામ ને વંદન

 6. Pravina
  July 4, 2017 at 3:48 am

  ભાઈ, રૂંવાડા ઊભા થઈ ગ્યાં. અત્યારે જે રેલ આવે છે તેમાંથી ઊભા થતાં સમય નીકળી જાય છે, ને ગંદકીનો તો પાર નહીં. એ સમયમાં યે એવું થયું તું? આ ભાઈ બુધ્ધિપ્રકાશ વિષે વધુ માહિતી આપશો.

  • Pravina
   July 4, 2017 at 3:49 am

   ને માસિક ક્યાં વાંચવા મળે? એની કોઈ વેબસાઇટ ખરી કે?

   • Rajnikumar Pandya
    July 5, 2017 at 9:05 pm

    ગુજરાત વિદ્યાસભાનું આ માસિક છે એને માટે શ્રી મધુસુદન પારેખ ફોન નંબર 079-25462413 / એ -3 લિંકન એપાર્ટ્મેટ્સ ઉત્તમનગર ટાંકી પાસે, મણિનગર, અમદાવાદ-380 008 નોં સંપર્ક કરશો
    આભાર

 7. દાદુ શિકાગો..
  July 4, 2017 at 4:34 am

  સ્નેહાળ ભાઇશ્રી રજનીભાઇ,
  કુશળ ક્ષેમ,
  લેખ વાંચતા વાંચતા ખુરશી નીચે જોઇ લીધુ, સાભ્રમતિ ક્યાંક નીચે તો પધારી નથીને ??
  અતિ સુંદર શોધ….
  યાદ આવે છે,સાલ ૧૯૫૦ ની આસપાસ પણ સાબરમતી ગાંડી થયેલી અને લશ્કરની હોડી અસારવા, ચમનપુરા વિસ્તારમાં ફરેલી અને અસરગ્રસ્ત વિસ્તારમાં લોકોને પુરી શાક વહેંચેલા એવું યાદ આવે છે.
  જય હો..

 8. July 4, 2017 at 7:11 am

  સુંદર શબ્દચિત્ર

 9. રમણ સોની
  July 4, 2017 at 8:39 am

  સરસ લેખ રજનીભાઈ , તમે આ શોધી લાવ્યા ને આટલી અસરકારક રીતે રજૂ કર્યુ એ માટે અભિનંદન. “બુદ્ધિપ્રકાશ” સામયિક આજે પણ ચાલુ જ છે એવું વાચક મિત્રોને કહેવું જોઈએ.

  • Rajnikumar Pandya
   July 5, 2017 at 9:10 pm

   એને માટે સંપર્ક
   શ્રી મધુસુદન પારેખ ફોન નંબર 079-25462413 / એ -3 લિંકન એપાર્ટ્મેટ્સ ઉત્તમનગર ટાંકી પાસે, મણિનગર, અમદાવાદ-380 008
   જી, સાચી વાત. પૂછે છે એને અવશ્ય કરું છુ,

 10. આશિષ
  July 4, 2017 at 10:34 am

  વાહ.. રોમાંચક…
  ઇડરીયો દરવાજો એટલે પ્રેમદરવાજા હોઇ શકે. દીલ્લી દરવાજા અને કાળુપુરની વચ્ચે..

 11. Prafull Ghorecha
  July 4, 2017 at 10:41 am

  આભાર રજનીભાઈ.
  બુદ્ધિપ્રકાશ જો આજે પણ પ્રકાશિત થતું હોય તો તેની એક ઝલક, જો શક્ય હોય, તો.

  • Rajnikumar Pandya
   July 5, 2017 at 9:07 pm

   એને માટે સંપર્ક
   શ્રી મધુસુદન પારેખ ફોન નંબર 079-25462413 / એ -3 લિંકન એપાર્ટ્મેટ્સ ઉત્તમનગર ટાંકી પાસે, મણિનગર, અમદાવાદ-380 008

  • Rajnikumar Pandya
   July 7, 2017 at 11:56 pm

   એ નર્યું સાહિત્યનું અને પંડિતોનું સાવ પાતળું માસિક છે. આપને રસ નહિં જ પડે.

 12. P.R.Gandhi
  July 4, 2017 at 7:25 pm

  Very unusual to notice that such a terrible flood should ever be there in city like Ahmedabad. But very nice account of the situation prevailing then 143 years ago.

 13. September 14, 2017 at 5:15 pm

  Thanks Rajnibhai.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *