યોજના હિતસંબંધીઓ (Project Stakeholders)

Facebooktwitterredditpinterestlinkedinmail

ચિરાગ પટેલ(સ્ત્રોત: http://www.listfulpm.com/blog/2015/9/27/identifying-and-managing-project-stakeholders)

દરેક પ્રૉજેક્ટમાં અનેક લોકોનાં હિત સમાયેલાં હોય છે. ઉપર બતાવેલી આકૃતિ આ બાબતે અછડતો ખ્યાલ આપે છે. જે લોકો કે સંસ્થા પ્રોજેક્ટસાથે સંકળાયેલા હોય એ દરેકને હિતસંબંધીઓ (સ્ટૅકહૉલ્ડર) કહેવાય. ઉપરની આકૃતિમાં દર્શાવ્યા ઉપરાંત પણ અનેક લોકો/સંસ્થા કે સરકારનું હિત પણ જે-તે પ્રોજેક્ટમાં સમાયેલું હોય છે. (સ્વાર્થી બનવું સંપૂર્ણપણે ખોટી બાબત નથી હોતું એ અહીં સમજી શકાય એમ છે!)

થોડાંક ઉદાહરણો જોઈશું.

૧) સ્પૉન્સર કે પ્રવર્તક

સ્પૉન્સર કંપનીની બહારની વ્યક્તિ કે સંસ્થા હોઈ શકે છે. આંતરિક વ્યક્તિ કે સંસ્થા પણ સ્પૉન્સર હોઈ શકે છે. સ્પૉન્સર પ્રોજેક્ટ માટે સાધન, સંપત્તિ અને કાર્યકરો પુરા પાડે છે. (મોટેભાગે મધ્યમવર્ગીય માનવી સદૈવ એક સ્પૉન્સરની શોધમાં હોય છે જે ગર્દભ આગળ લટકેલા ગાજરની જેમ દૂર-સુદૂર જ રહે છે!)

સ્પૉન્સર અમુક નિર્ણયો લેવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે. સામે, સ્પૉન્સર પોતાના હિત પુરા થાય એ માટે જે-તે પ્રોજેક્ટ સાથે સંકળાય છે.

૨) ગ્રાહક કે ઉપભોક્તા

કોઈ વ્યક્તિ કે સંસ્થા પ્રોજેક્ટની ફલશ્રુતિરૂપ પેદાશ, સેવા કે પરિણામનો વપરાશકર્તા હોય છે. (જેમ કે, વાચકમિત્રો વેબગુર્જરીના ઉપભોક્તા છે. તમને જે રૃચિરૂપ હોય એ વાચનસામગ્રી આપવા અમે બંધાયેલા છીએ.)

3) વિક્રેતા

કોઈ પણ ઉત્પાદન કે પરિણામ કોઈ વિક્રેતા કે વેચાણકર્તા કે કોઈ બાહ્ય સંસ્થા ઉપભોક્તાને ઉપલબ્ધ કરાવે છે. (વેબગુર્જરી માટે ફેસબુક કે ઈમેલ વિક્રેતાનું કામ કરે છે જે લેખ વાચકો સુધી પહોંચાડે છે.)

૪) ભાગીદાર

પ્રોજેક્ટ સંભાળતી કંપની/સંસ્થા સાથે કોઈ બીજી સંસ્થા પણ ભાગીદારીથી સંકળાયેલી હોઈ શકે છે જે પ્રોજેક્ટના પરિણામ અંગે નિર્ણય લે. (વેગુના કોઈ ભાગીદાર નથી. પરંતુ અંશતઃ લેખકો વેગુના ભાગીદાર છે.)

૫) વ્યવસ્થાપક મંડળ

સંસ્થાના વિવિધ અંતરંગ વિભાગો જેમ કે, પ્રોજેક્ટ મૅનેજમેન્ટ , પ્રોડક્ટ મૅનેજમૅન્ટ, કાર્યકર્તાઓ વગેરે જેવા અનેક મંડળો પણ પ્રોજેક્ટના હિતૈષીઓ છે. (દરેકના સ્વાર્થ જો કે ઓછા-વત્તા હોય છે.)

૭) વહીવટદારો

માનવ સંસાધન, નાણાં, હિસાબ, ઉપલબ્ધી વગેરે વિભાગના વ્યવસ્થાપકોના હિત પણ અનેક પ્રોજેક્ટ સાથે સંકળાયેલાં હોય છે. (જમવામાં જગલો અને રમવામાં રામલો એવું ના થાય.)

૮) સરકાર

(સરકાર માઈ-બાપની રહેમ નજર વગર કોઈનું ભલું થાય ખરું?) સરકારના ઘણા પ્રોજેક્ટ અમુક કંપનીઓમાં થતા હોય છે. વળી, બિન-સરકારી પ્રોજેક્ટમાં પણ સરકારી કાયદાનું પાલન થવું જરૂરી હોય છે. ઉત્પાદનમાં લાગતી -વળગતી સરકારી સંસ્થાનું સર્ટિફિકેટ લેવું પડતું હોય છે.

આપણે પ્રોજેક્ટના સ્ટૅકહૉલ્ડરો વિષે અછડતી માહિતી મેળવી એ વાચકોને લાભકારી બને એવી અપેક્ષા છે. જેના હિત સંકળાયેલા હોય એ દરેકનું ધ્યાન રાખી ઉત્પાદન કે પરિણામ પર કામ કરવાથી અવરોધોનો ઓછો સામનો કરવો પડે છે.


શ્રી ચિરાગ પટેલનાં સપર્કસૂત્રઃ

· નેટજગતનું સરનામું: ઋતમંડળ

· ઈ-પત્રવ્યવહારનું સરનામું: chipmap@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *