ફિર દેખો યારોં : ઝેર પણ શું કરી લેશે અમને? કૈંક નકલી દવાઓ લીધી અમે

Facebooktwitterredditpinterestlinkedinmail

– બીરેન કોઠારી

‘માથું દુ:ખે, શરીર દુ:ખે, સ્ટોપેકની એક ગોળી લો, શરદી-ફ્લૂનો તાવ ચડે તો સ્ટોપેકની એક ગોળી લો’ જેવું જિંગલ એક સમયે ઠીક ઠીક લોકપ્રિય બનેલું. એ જ રીતે ‘એનાસિન’, ‘વિક્સ એક્શન 500’ જેવી ઘણી ગોળીઓની જાહેરખબર સિનેમા થિયેટરોમાં દેખાડાતી. આનો એક અર્થ એ પણ ખરો કે આ પ્રકારની ગોળીઓ કેમિસ્ટની દુકાને સીધી જ સુલભ છે અને તેના માટે ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શનની કશી જરૂર નથી. આ નામની ગોળીઓ હવે બંધ થઈ હશે, પણ તેને બદલે બીજી ગોળીઓ ઉપલબ્ધ છે. ટૂંકમાં કહીએ તો, ઘણા બધા કિસ્સામાં લોકો ડોક્ટરની સલાહ વિના કેમિસ્ટ પાસેથી બારોબાર ગોળીઓ ખરીદે છે, જે મોટે ભાગે સામાન્ય બીમારીઓ માટેની હોય છે. ઘણા કિસ્સામાં કેમિસ્ટો પોતે જ અડધા ડોક્ટર બની જાય એવું પણ જોવા મળે છે. આવા સંજોગોમાં એક સમાચાર જાણવા જેવા છે.

‘આથી તમને વિનંતી કરવામાં આવે છે કે તમારા અધિકારક્ષેત્ર હેઠળના તમારા કર્મચારીગણને તમારા રાજયમાં આ દવાની ગતિવિધિ અંગે ચાંપતી નજર રાખવાની સૂચના આપવામાં આવે. આ દવા બાબતે કશી પણ હિલચાલ નોંધાય તો તે બાબતે જરૂરી પગલાં લેવામાં આવે અને એ અંગેની માહિતી વહેલામાં વહેલી તકે આ કાર્યાલયને પહોંચતી કરવામાં આવે.’ આ સૂચના જારી કરવામાં આવી છે કે. બંગારૂરાજન દ્વારા, જેઓ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (સી.ડી.એસ.સી.ઓ.)ના પશ્ચિમ ઝોનના ડેપ્યુટી ડ્રગ્સ કન્ટ્રોલર છે. પશ્ચિમ ઝોનમાં આવતાં રાજ્યો- છત્તીસગઢ, ગોવા, ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, દમણ તેમજ દીવની ઝોનલ તથા સબ-ઝોનલ ઓફિસોમાં તેમજ રાજ્યના લાયસન્સિંગ સત્તાવાળાઓને આ મુજબની સૂચના આ વર્ષની 16 માર્ચના પત્ર દ્વારા પાઠવી દેવામાં આવી હતી.

કઈ દવા બાબતે અને શા કારણે આ સૂચના આપવામાં આવી એ જાણવાનું કુતૂહલ આપણને થાય એ સ્વાભાવિક છે. ‘કોમ્બીફ્લેમ’થી ઓળખાતી, મુખ્યત્વે દર્દશામક તરીકે વપરાતી ‘સનોફી’ કંપનીની ગોળીની એક બેચ ‘સી.ડી.એસ.સી.ઓ.’ની વિઘટન કસોટીમાં નાપાસ થઈ. આ કસોટીમાં તપાસવામાં આવે છે કે નિર્ધારીત સમયમાં ગોળી રકતપ્રવાહમાં વિઘટીત થઈ જાય છે કે કેમ. 10 માર્ચે હાથ ધરવામાં આવેલી આ કસોટી આ ગોળીની બેચ નં. એ 151195 પર કરવામાં આવી હતી. આ બેચનું ઉત્પાદન ઓક્ટોબર, 2015માં કરવામાં આવ્યું હતું. આ પ્રકારે ‘કોમ્બીફ્લેમ’ સહિત કુલ સાઠ દવાઓ આ કસોટીમાં નિષ્ફળ નીવડી હતી.

‘કોમ્બીફ્લેમ’ ઈબુપ્રોફેન અને પેરાસીટામોલનું મિશ્રણ ધરાવે છે. એક અભ્યાસ મુજબ, ભારતીય બજારનો અડધોઅડધ હિસ્સો તેના વ્યાપમાં આવરી લેવાયેલો છે અને વર્ષેદહાડે તેનું વેચાણ 169.2 કરોડ રૂ.નું છે. સંબધિત સત્તાવાળાઓએ કસોટી કરી, તેમાં આ દવા નિષ્ફળ ગઈ પછી શું?

‘ઈન્ડીયન એક્સપ્રેસ’ દ્વારા કરવામાં આવેલી પૃચ્છાના જવાબમાં કંપનીના પ્રવક્તાએ કબૂલ્યું અને જણાવ્યું, ‘અમે આ મુદ્દાને હાથ પર લીધો છે અને તેની પર જરૂરી કાર્યવાહી કરી રહ્યા છીએ. જો કે, ત્યાર પછી અમે સી.ડી.એસ.સી.ઓ. તરફથી અમને એવી કોઈ સૂચના મળી નથી, જે તમે કહો છો.’ કંપનીએ એ પણ સ્પષ્ટ કર્યું નથી કે ખામીગ્રસ્ત દવાને તેઓ બજારમાંથી પાછી ખેંચશે કે કેમ. ઉલ્લેખનીય છે કે ગયે વર્ષે પણ ‘કોમ્બીફ્લેમ’ આ જ કસોટીમાં ત્રણ ત્રણ વાર નિષ્ફળ ગઈ હતી.

ગોવાના એક લાયસન્સિંગ અધિકારીએ એમ પણ જણાવ્યું હતું કે તેમને ‘જરૂરી પગલાં’ લેવાની સૂચના મળી છે, પણ ચોક્કસપણે કયાં પગલાં લેવાં એ સ્પષ્ટ નથી. ભારતમાં હજી સાર્વત્રિક ઔષધ નીતિ અમલી બની નથી. આ સંજોગોમાં સી.ડી.એસ.સી.ઓ. તેમજ રાજ્યના ઔષધ નિયામકો પોતાની નિર્ધારીત કાર્યપદ્ધતિને અનુસરે છે. આ પદ્ધતિ અનુસાર તેઓ કંપનીને ક્ષતિયુક્ત દવાની બેચ બજારમાંથી પાછી ખેંચી લેવા માટે નોટિસ પાઠવે છે. નોટિસ પાઠવવામાં આવે એટલે ઉત્પાદકે પોતાની દવાની દરેક બેચની એકેએક વિગત રજૂ કરવી પડે. એટલે કે ઉત્પાદક પાસેથી દવા ક્યારે બજારમાં ગઈ, તે ક્યારે મોકલવામાં આવી, કોણે તે ખરીદી, કયા વિતરક પાસેથી તે છૂટક વિક્રેતા પાસે વેચાઈ વગેરે. ઉત્પાદક દ્વારા આ માહિતી પૂરી પાડવામાં આવે ત્યાર પછી નિયામક સંદેહાત્મક દવાના પ્રત્યેક ‘સ્ટોક કીપીંગ યુનિટ’નું પગેરું મેળવે અને બજારમાંથી તેને પાછી ખેંચાવી લે. ત્યાર પછી આ સંપૂર્ણ જથ્થાનો નાશ કરી દેવામાં આવે.

અલબત્ત, આ પ્રક્રિયા નિર્ધારીત એટલે કે કાગળ પર ઠરાવાયેલી છે. તેનો અમલ કરવો વ્યાવહારિક રીતે કેટલો મુશ્કેલ છે એ આપણા જેવા સામાન્ય લોકોને પણ સમજાય એવું છે. જાહેર સ્વાસ્થયના ક્ષેત્રના કર્મશીલ તેમજ ‘મેડએશ્યોર ગ્લોબલ કોમ્પ્લાયન્સ કોર્પોરેશન’ના ચેરમેન દિનેશ ઠાકુર આ મુદ્દે વિશેષ પ્રકાશ પાડતાં જણાવે છે, ‘સી.ડી.એસ.સી.ઓ.’ની આંતરિક પ્રકિયાઓ વિષે મને જાણકારી નથી, તેથી ‘ચાંપતી નજર’નો શો મતલબ થાય છે એ સમજવો મુશ્કેલ છે. ઠાકુરે એ બાબતે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે આ ચોક્કસ દવાને નિરીક્ષણ હેઠળ રાખવાનું કારણ શું? ઊતરતી ગુણવત્તા હોવાને કારણે તમામ બેચને તેઓ બજારમાંથી પાછી ખેંચી લેવા માંગે છે કે પછી સત્તાવાળાઓને ડર છે કે ઉત્પાદકો એ સ્ટોક ફાર્માસિસ્ટો સુધી પહોંચાડી દેશે?

આ આખો મામલો સમજવો ભલે પેચીદો હોય, એક બાબત તરત સમજાય એવી છે. લેખના આરંભે જણાવ્યું એમ દવાઓના છૂટક વિક્રય પર સત્તાતંત્રનું ભાગ્યે જ કશું નિયંત્રણ છે. આ ચોક્કસ કિસ્સામાં બન્યું છે એમ દવા ક્ષતિગ્રસ્ત હોવાની જાણ થવા છતાં બજારમાંથી તે શી રીતે પાછી ખેંચાશે, અથવા તો ખરેખર તે પાછી ખેંચાશે કે કેમ એ સવાલ અનુત્તર છે. તંત્રે આ દવાની ગતિવિધિ પર નજર નાંખતા રહેવાની સૂચના આપી છે, તે જૂના જમાનાના પેલા પતિ-પત્નીના ટુચકાની યાદ અપાવે એવી છે. પતિને પત્ની ગેસ પર મૂકેલા દૂધનું ‘ધ્યાન રાખવાનું’ કહીને બહાર જાય છે. તે પાછી આવીને જુએ છે તો દૂધ ઉભરાઈ ગયું હોય છે. અકળાઈને તે પતિને ઠપકો આપે છે ત્યારે પતિ શાંતિથી કહે છે, ‘મેં બરાબર ધ્યાન રાખેલું. છ ને વીસ મિનીટે દૂધ ઉભરાયું હતું.’

આ તેમજ અન્ય દવાઓમાં ક્ષતિના મુદ્દે સત્તાતંત્રની ભૂમિકાનું પરિણામ અત્યારે તો આ ટુચકામાંના પતિની ભૂમિકા જેવું જણાય છે. સામાન્ય નાગરિકોના જીવનમાં આના કરતાં અનેકગણા મોટા પડકારો અને જોખમો હોય છે. આવી બે-ચાર ક્ષતિગ્રસ્ત દવાઓ તેમનું શું બગાડી લેવાની?


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફીર દેખો યારોં’માં ૧૫-૬-૨૦૧૭ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)


નોંધ : અહીં મૂકેલ કાર્ટૂન નૅટ પરથી સાભાર લીધેલ છે અને માત્ર સાંકેતિક છે. તેના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *