માબાપ પણ ખોટાં હોઇ શકે !

Facebooktwitterredditpinterestlinkedinmail

આરતી નાયર

માબાપ તરીકે સંતાનને તમે જન્મ આપ્યો એટલે એ મોટું થાય ત્યારે તેનાં તન, મન, ઈચ્છાઓ, અપેક્ષાઓ, સ્વપ્નો, સહમતિઓ-અસહમતિઓ પર તમારો માલિકી હક્ક બની શકે?

મોટાં થતાં સંતાનની આ બધી બાબતો પર તમારૂં નિયંત્રણ નથી – ન હોઈ શકે -એવું કોઈ કહે ત્યારે તમને દુઃખ થતું હશે એ હું સમજી શકું છું. તમે એના માટે કંઈકેટલાય ભોગ આપ્યા છે. તમારો પૂરેપૂરો પ્રેમ તમે તેને જ ફળવ્યો છે એ પણ સાવ સાચું. પણ તેના બદલામાં બાળકની લાગણીઓને બાનમાં લેવાનો સોદો થોડો કરાય ! માબાપ તરીકેનો આપણો અહં બાળકની ખુશીઓ પર હાવી ન થવા દેવાય.

પરંતુ વાસ્તવિક જીવનમાં આ રીતે થતું નથી હોતું. ન કાયદાથી કે ન તો તર્કથી. તમને તમારી આસપાસના સમાજની ચિંતા હશે કે લોકો શું કહેશે? આપણે એ સવાલોના જવાબ શું આપીશું? ખરી વાત છે, લોકો છે એટલે લોકો તો સવાલ પૂછશે અને તમારે એ સમાજ સાથે રહેવું છે માટે જવાબ પણ આપવા પડશે. ચીલાચાલુ રીતથી વિચારવા કે વર્તવાના સહેલા ઢાળ પર દોડીને ઉતરી જવા કરતાં ખરો જવાબ શું હોવો જોઈએ તેની આંતરખોજનો સામો ઢાળ ચડવાની તૈયારી કરી રાખો.

સમાજ ! કોણ છે સમાજ? તમારાં સગાંસંબંધીઓમાંની કોઈ એક બે વ્યક્તિઓ? તેમની ચાલ સાથે ચાલ મેળવવા માટે આપણે એટલાં બેતાબ શા માટે થવું જોઈએ? આ સમાજ તમને દરેક જન્મ દિવસે ભેટસોગાદો આપે છે કે વહેલી સવારે ઉમળકાથી ‘કેમ છો?” પૂછીને સવાર ખુશનુમા કરી દે છે કે તેમના અંગત ખુશીના પ્રસંગોમાં તમને પણ ભાગીદાર કરે છે? તમે આજે કે નહીં, શું જમ્યાં, કેમ એ જમ્યાં એ સવાલો પૂછવા એ સમાજ આવે છે? જ્યારે તમે માંદાં હો છો ત્યારે તમારી સાથે ડૉક્ટર પાસે એ સમાજ તમારી સાથે આવે છે? કડવી દવા ખાઈ ન લ્યો ત્યાં સુધી તમારા માટે પાણીનો ગ્લાસ પકડીને ઊભો રહે છે એ એ સમાજ? દરરોજ સવારે ચાલવા જવા જવા માટે છ વાગે તમારે ઘરે ટકોરા મારે છે એ સમાજ? તમારી લાગણીઓ આળી બની ગઈ હતી ત્યારે તમારે બરડે હુંફનો સુંવાળો હાથ એમણે કેટલી વાર ફેરવ્યો હશે? ખરાં દિલથી તમારી પાછળ આંસુ સારનારાં એ સમાજમાંથી કેટલાં હશે ?

તમારાથી જે શક્ય બન્યું તે બઘું જ તમે તમારાં સંતાનને આપ્યું છે – સારામાં સારૂં ભણતર, મોજમજા, રમકડાં, સાધનો, પ્રેમ, હુંફ, જ્યારે પણ જરૂર હતી ત્યારે તેમની સંભાળ.તેમનાં ભીનાં બાળોતીયાં પણ તમે હસતે મોઢે બદલાવ્યાં છે. તેની માંદગી વખતે તમે રાતોના ઉજાગરા પણ કર્યા છે. તમે પૂજ્ય છો, દેવતુલ્ય પણ છો, પણ એટલે તમે તેમની નિયતિના વિધાતા, ભગવાન તો ન બની જાઓ ને?

સામે શું વળતર મળશે એ અપેક્ષાથી માબાપ તરીકે તમારે ફાળે આવેલાં કામો તો તમે નહોતાં કરી રહ્યાં ને? તમારાં સંતાન તેમની જિંદગી તમારી ઈચ્છા મુજબ જીવે એટલા માટે આ બધું કર્યું હતું? તમે કહો તે એ ભણે, તમે કહો  તેની સાથે એ પરણે, તમે કહો તેમ એ તેમનો સંસાર ચલાવે એ માટે આ બધું કર્યું હતું?

તમે એમ ઈચ્છો છો કે સમયની સાથે કદમ મિલાવીને સફળતાથી ચાલી શક્યાં હોય તેવાં માબાપ તરીકે તમને લોકો યાદ કરે? તેમની પરીક્ષાના માર્ક્સ તમે હંમેશાં સમાજનાં બીજાં બાળકો સાથે સરખાવ્યા છે. તમારાં સંતાન હંમેશાં અવઢવમાં જ રહ્યાં કે કેટલા માર્ક આવશે તો મારાં માબાપ ખુશ થશે? પહેલાં કરતાં ગમે એટલું સારૂં કર્યું હોય, પણ સરખામણી તો બીજાં છોકરાંએ, કેવું કર્યું તેની સાથે જ થતી હોય છે. એક એવો તબક્કો આવે છે જ્યારે તેઓ એ બધી બાબતોની પરવા કરવાનું છોડી દે છે.

જ્યારે એ કમાતાં થાય ત્યારે તેમની આવકની પણ સરખામણી બીજાં સાથે થવાની. એ કેટલું કમાય છે એના કરતાં એને શેમાં ખુશી મળે છે એ કદી પૂછ્યું? ફલાણી ઢીકણી કાર હોવી જોઈએ એવું જ સ્વપ્ન શા માટે હોવું જોઈએ? જેમની પાસે ગાડીઓ નથી એ બધાં શું દુઃખમાં જ સબડતાં હશે?

પક્ષીનું બચ્ચું ઉડતાં શીખે પછી એ ક્યાં ક્યાં જાય છે એ જોવા તો બચ્ચાંની મા તેની પાછળ પાછળ નથી જતી. પણ તમે તો એવી અપેક્ષા જરૂરથી રાખશો કે તમારાં સંતાને લગ્ન તો કરવાં જ જોઈએ, કેમકે બીજાં બધાં કરે છે. અને એ પણ એ વ્યક્તિ સાથે જે તમારી મર્યાદીત પહોંચની દૃષ્ટિમાં યોગ્ય હોય. જ્યારે તમારૂં સંતાન કોઈ બીજાં સાથે પ્રેમમાં પડે છે ત્યારે તમને બહુ અજુગતું લાગે છે ! અને એમાં પણ જો એ વ્યક્તિ તેની જ જાતિની હોય તો તો આવી બન્યું!.

તમને ખબર છે કે ‘Finding Nemo‘ની ક્લાઉનફિશ તેનાં જીવન દરમ્યાન જ્યારે ધારે ત્યારે પોતાની જાતિ બદલી શકે છે ? જન્મે તો બધી જ ક્લાઉનફિશ નર જ હોય છે, પણ જ્યારે વડી માદા ક્લાઉનફિશ મૃત્યુ પામે છે ત્યારે વડો નર ખૂબ ખાઈ પીને પોતાની જાતને માદામાં ફેરવી નાખે છે. એટલે નીમોનો બાપ ખરેખર તો તો તેની મા હતો ! જાતિ અને જાતીયતા બહુ જટિલ વિષયો છે. એટલે એમાં કંઈ ક સાવ જૂદું હોય તો હળાહળ અજૂગતું કેમ કહી શકાય? તમારાં સંતાન ભલે તમારાં કરતાં જૂદું વિચારતાં હોય, જૂદી રીતે વર્તતાં હોય એથી શું તમારાં પોતાનાં સંતાન નથી રહ્યાં?

સંતાનો જ્યારે તમને બીજાં માબાપ સાથે સરખાવે છે ત્યારે તમને ખૂંચે છે ને? સાચી વાત તો એ છે તમારાં સંતાન માટે તમે જ શ્રેષ્ઠ માતા પિતા છો. તમારાથી વધારે પ્રેમ એમને બીજું કોઈ ન આપી શકે. એટલે આ બધી સરખામણીઓ અટકાવી દેવી જોઈએ. પહેલવહેલી વાર તમે તેને હૉસ્પીટલમાં જોયું ત્યારે એ જેટલું તમારે માટે ખાસ હતું, કે એણે જ્યારે તમને પહેલી વાર ઓળખવાનું શરૂ કર્યું ત્યારે તમે તેના માટે જે ખાસ હતાં, એ ઘડી ફરી ક્યારેય આવી શકવાની છે? એ ઘડીએ તમે બન્ને એકબીજાં માટે દેવનાં દીધેલ હતાં એ વાત ક્યારે પણ હતી ન હતી નથી થઈ શકવાની.

સંતાનો આખરે તો માણસ છે. એટલે ભૂલો તો તેમનાથી થવાની. તેમને વાગશે, ફીટશે, નુકશાન થશે. માબાપ તરીકે તમે કેટલી જગ્યાએ હાથ આડા દેવા જઇ શકશો? માદા કાંગારૂને ભગવાને કોથળી આપી છે તેથી તે પોતાનાં બચ્ચાંને જીંદગીભર તેમાં રાખીને પોતાની સાથે ફેરવે છે?

આપણી ભારતીય સંસ્કૃતિમાં માબાપને દેવઆસન અપાયું છે. પરંતુ એ માત્ર ભાવનાત્મક સ્વરૂપ જ છે. હકીકતે તમે પણ માણસ જ છો. એટલે તમારી ઉમર, અને એ ઉમર સાથે સાથે થયેલા બધા જ અનુભવોનાં જ્ઞાનથી પરિપક્વ થયા હોવા, છતાં તમે પણ, ક્યાંક તો, ભૂલ ન કરી બેસી શકો ? તમારાં સંતાનને ધ્યાનથી સાંભળો. તેમની પરેશાનીઓ શું છે, આશાઓ અરમાનો શું છે તે જાણવા સંન્નિષ્ઠ કોશીશ કરો.

છે ને વાત ગંભીરતાથી વિચાર કરવા યોગ્ય?


સુશ્રી આરતી નાયરનો સંપર્ક rtnair91@gmail.com વીજાણુ સરનામે થઈ શકશે.

3 comments for “માબાપ પણ ખોટાં હોઇ શકે !

  1. Nilam Doshi
    June 28, 2017 at 2:30 am

    Very much true,nice article

  2. June 28, 2017 at 7:00 am

    ખરેખર સરસ લેખ છે. ધન્યવાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *