બાળઉછેરની બારાખડી (૨) : બાળકની આંખોની સંભાળ અને દૃષ્ટિ સુધાર

Facebooktwitterredditpinterestlinkedinmail

– અલીહુસેન મોમીન

આંખો એ માનવશરીરનું એક અતિ મહત્ત્વનું અંગ છે, જે આપણને દૃષ્ટિ આપે છે. દૃષ્ટિ, આપણા સંવેદનાતંત્રનું કદાચ સહુથી અગત્યનું પાસું છે જે આપણને સૃષ્ટિને નીરખવાની શક્તિ બક્ષે છે અને જેનાથી આપણે આપણી આસપાસની દુનિયાને જોઈ શકીએ છીએ. આપણી ચારે તરફ વસતી દુનિયાની દરેક વસ્તુ અથવા વ્યક્તિ કેવા આકારની છે, કેવા રંગની છે, એનું કદ કેટલું છે, એ આપણાથી કેટલા અંતરે રહેલી છે જેવાં કંઈ કેટલાંય પરિમાણોની સચોટ અનુભૂતિ આપણે આંખોથી જ કરતા હોઈએ છીએ. અને આપણા રોજિંદા જીવનની અનેક નાનીમોટી પ્રવૃત્તિઓમાં આપણી આંખો સતત આપણને મદદ કરતી રહે છે. 

આપણું રોજિંદુ જીવન નિર્વિઘ્ને ચાલતું રહે એ માટે અતિ આવશ્યક છે કે આપણી આંખોનું તેજ, આપણી દૃષ્ટિ સટીક હોય. આંખોનું ઝાંખું પડેલું તેજ અથવા નબળી દૃષ્ટિ અનેક રીતે આપણા માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને અને એથી આપણા દૈનિક જીવનને હાનિ પહોંચાડે છે. ખાસ કરીને ઉછરતાં બાળકોના વિકાસમાં તો એમની આંખોનું સ્વાસ્થ્ય અત્યંત મહત્ત્વપૂર્ણ છે. બાળક જન્મતાંની સાથે જ પોતાની આસપાસની દરેક વસ્તુનું નિરીક્ષણ કરતું થઈ જાય છે, એને રંગ અને આકારનો પરિચય આંખો જ કરાવી શકે છે. પરિચિત અને અપરિચિત વચ્ચેનો ભેદ સૌથી પહેલાં એ આંખો દ્વારા નિરીક્ષણથી પારખે છે. બાળકની ચપળતા, કાર્યદક્ષતા અને એના ચહેરાની સુંદરતા અને એથી એનો આત્મવિશ્વાસ; આ બધું જ એની સશક્ત અને સુંદર આંખો ઉપર જ નિર્ભર રહે છે; પરંતુ આજકાલ આપણે જોઈએ છીએ કે બાળકો ખુલ્લી હવા અને પ્રકાશવાળાં મેદાનો અથવા બગીચાઓમાં રમવાનું છોડીને મોબાઈલ, ટીવી અથવા બીજાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો ઉપર પુષ્કળ સમય વિતાવે છે; જે એમની આંખોને અકાળે જ થકવી નાખે છે અને એથી આજકાલ લગભગ બાળકો ખૂબ નાની ઉંમરથી જ નબળી દૃષ્ટિનાં શિકાર બની જવા લાગ્યાં છે.   

એવી ઘણી બાબતો છે જેનું ગર્ભાવસ્થાથી જ ધ્યાન રાખીને તમે તમારા બાળકને એની આંખોના ઉત્તમ સ્વાસ્થ્યની ભેટ આપી શકો છો. 

આહાર

માતાએ ગર્ભાવસ્થા દરમિયાન પૌષ્ટિક આહાર લેવો જોઈએ, વળી એ જ નિયમ જ્યાં સુઘી બાળક માતાના દૂધ ઉપર હોય ત્યાં સુધી ચાલુ રહેવો જોઈએ. પોતાના આહારમાં વિટામિન A ધરાવતો ખોરાક, જેમકે લીલાં શાકભાજી, ગાજર વગેરે; અથવા જો તમે માંસાહાર પણ કરતાં હોવ, તો બને એટલો માછલી અને ઈંડાનો ઉપયોગ કરવો; વળી, ખોરાકની એ જ રીતભાતને ઉછરતા બાળકની સામાન્ય આહાર પદ્ધતિ બનાવી લેવી જોઈએ .

નીચે જણાવેલ અમુક વિકલ્પ તમને તમારા બાળકની આંખોના અને સાથે સાથે તમારા પરિવારના સ્વાસ્થ્ય માટે લાભદાયી ખોરાક પસંદ કરવામાં ચોક્કસ મદદ કરશે .

લીલી તથા અન્ય શાકભાજી

તમારા શિશુની આંખોનું તેજ વધારવામાં લીલી શાકભાજી અત્યંત ઉપયોગી નીવડે છે. લીલી શાકભાજી મિનરલ્સ (ક્ષારતત્વ). વિટામિન A અને C તથા કેલ્શિયમ જેવાં પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે. ખાસ કરીને પાલક, બ્રોકોલી, ઝૂકીની જેવી શાકભાજીમાં રોગપ્રતિકારક તત્ત્વો રહેલાં હોય છે જે દૃષ્ટિ સુદૃઢ કરવાનું કામ કરે છે. વળી કોબીજ જેવી શાકભાજી આંખોને લગતી ઘણી બીમારીઓની સારવારમાં ઉપયોગી થાય છે. તેમાં રહેલું વિટામિન C  નારંગી અથવા સંતરાના ફળ કરતાં પણ અનેક ઘણું વધારે હોય છે. અને એમાં રહેલું વિટામિન E આંખોના સર્વાંગી સ્વાસ્થ્ય માટે અતિ મહત્ત્વનું છે. આ ઉપરાંત ગાજર, શક્કરિયાં, બીટ વગેરે આંખોનું તેજ વધારે છે તથા સૂર્યનાં હાનિકારક કિરણોથી આંખનું રક્ષણ કરવામાં કારગર સાબિત થાય છે. 

દ્રાક્ષ અને બ્લૂબેરી

દ્રાક્ષ અને બ્લૂબેરી અથવા જાંબુ જેવા ફળોમાં એન્થોસિયાનિન નામનું તત્ત્વ હોય છે જે આંખોને સતેજ બનાવે છે. થાકેલી આંખોને તરોતાજા કરવામાં પણ મદદ કરે છે. આવાં ફળોમાં રહેલાં રેસવેરેટરોલ, રાટિન, કર્સીટિન, સેલેસિયમ અને ઝીંક જેવાં પોષકતત્ત્વો આંખોને ઉત્તમ દૃષ્ટિ પ્રદાન કરે છે. દ્રાક્ષ અને બૅરી જેવાં ફળો નિશાદૃષ્ટિ (night vision)  સુધારે છે.  

ઓમેગા 3 ફેટી એસિડ ધરાવતો આહાર

ઓમેગા 3 ફેટી એસિડ ધરાવતો ખોરાક મગજમાં લોહીનું ભ્રમણ સુધારે છે અને આંખોની કાર્યક્ષમતા વધારે છે. આ પ્રકારનાં પોષકતત્ત્વો અખરોટ, ઘેરા લીલા રંગનાં શાકભાજી તથા ફળ, દરિયાઈ ખોરાક, અળશી, માછલીનું તેલ અને સોયાબીન જેવા ખોરાકમાં પુષ્કળ પ્રમાણમાં સંઘરાયેલાં હોય છે. 

ફળફળાદિ

નારંગી અથવા પીળા રંગનાં ફળ જેવાં કે નારંગી, કેળું, કેરી, જરદાળુ, પપૈયાં વગેરેમાં વિટામિન A ભરપૂર પ્રમાણમાં રહેલું હોય છે, જે રતાંધતાને દૂર કરવામાં પણ મદદ કરે છે. લીંબુ, ટામેટાં, જામફળ વગેરેમાં વિટામિન C હોય છે, જે ઘણી આંખ સંબંધી બીમારીઓના ઈલાજમાં કામ લાગે છે. જરદાળુમાં બીટા કેરોટીન અને લીકોપાઈન હોય છે જે આંખોનું તેજ વધારે છે. સૂર્ય પ્રકાશથી આંખને થતી હાનિને રોકવામાં ટામેટાં અગત્યનો ભાગ ભજવે છે. એવોકાડોમાં અનેક એન્ટિઓક્સિડન્ટ્સ રહેલાં છે તથા તેમાં લ્યુટિન નામનું તત્ત્વ બીજા કોઈ પણ ફળ કરતા વધારે પ્રમાણમાં હોય છે. 

સૂકામેવા અને તેલીબિયાં

બદામ, મગફળીના દાણા, કાજૂ જેવાં તેલીબિયાં અને સૂકામેવાને પોતાના આહારમાં સમાવવાથી આપણને ઓમેગા 3 અને ફેટી એસિડ મળે છે; પરંતુ એટલા પ્રમાણમાં નહિ જેટલાં કે આપણે માછલી અથવા બીજા દરિયાઈ ખોરાકમાંથી મેળવી શકીએ છીએ. પરંતુ આવા ખોરાકનો અતિરેક હંમેશાં ટાળવો જોઈએ, કારણ કે આવા ખોરાકનું વધારે પડતું પ્રમાણ શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટાડીને લોહીને જાડું બનાવી દે છે અને એથી બાળકની આંખોની દૃષ્ટિ નબળી પડી જાય છે. સૂકામેવા ખાવાનો યોગ્ય સમય સવારનો છે એટલે સવારના નાસ્તા સાથે થોડી માત્રામાં બાળકને આવો ખોરાક રોજ આપવો જોઈએ .

અન્ય સ્ત્રોત

ઈંડાં આંખોના સ્વાસ્થ્ય માટે આશીર્વાદરૂપ છે. ઈંડાની અંદરનો પીળો ભાગ આંખોની અનેક બીમારીઓને થતી અટકાવે છે. લસણનો ખોરાકમાં પૂરતો ઉપયોગ કરવાથી આંખોમાં મોતિયાની તકલીફ થતી અટકે છે. ડાર્ક ચોકલેટમાં રહેલું ફ્લેવેનોઈડ નામનું તત્ત્વ આંખોની રક્તવાહિનીઓનું રક્ષણ કરે છે.  

સૂર્યપ્રકાશ

સૂર્યનાં હાનિકારક અને સીધાં તીવ્ર કિરણોથી બાળકની આંખોનું હંમેશા રક્ષણ કરવું જોઈએ. વયસ્ક વ્યક્તિની સાપેક્ષે નવજાત શિશુઓની આંખોમાં પીગ્મેન્ટ નામનું તત્ત્વ, કે જે સૂર્યના પારજાંબલી કિરણોથી આંખની કીકીઓ અને નેત્રમણિનું રક્ષણ કરે છે, ઘણું ઓછું હોય છે; એટલે સૂર્યનો સીધો, તીવ્ર તડકો બાળકની આંખને નુકસાન પહોંચાડે છે. એટલે જયારે પણ બહાર નીકળવાનું થાય ત્યારે તડકામાં પહેરવાનાં ચશ્માં, છત્રી અથવા ટોપીનો ઉપયોગ કરવો સલાહભર્યો છે. બાળકો માટે આવાં ચશ્માં ખરીદતાં પહેલાં એના લૅન્સની ગુણવત્તાની ચકાસણી અચૂક કરવી. લૅન્સ પોલીકાર્બોનેટના બનેલા હોય એ ઇચ્છનીય છે, કારણ કે તે પારજાંબલી કિરણોથી આંખનું રક્ષણ કરે છે; તથા તેની ફ્રેમ વજનરહિત પ્લાસ્ટિકની હોય તો બાળકને સુગમતા રહે છે. 

સૌંદર્યપ્રસાધનોનો ઉપયોગ ટાળો

આંખની અંદર અથવા એની આસપાસ લગાવવામાં આવતાં સૌંદર્યપ્રસાધનોનો ઉપયોગ ટાળવો જોઈએ, કેમ કે એમાં હાનિકારક તત્ત્વો હોય છે જે ન ફક્ત આંખને જ પરંતુ મગજને પણ લાંબે સમયે મોટું નુકસાન પહોંચાડે છે. 

દૃષ્ટિ સતેજ કરતી કેટલીક પ્રવૃત્તિઓ

ઘૂંટણના બળે ચાલવાની પ્રવૃત્તિ હાથ અને આંખોના કાર્યના સમન્વયને સુધારે છે એટલે બાળક જયારે સાતેક મહિનાનું થાય ત્યારે એને ઘૂંટણને બળે ચાલવા માટે પ્રોત્સાહિત કરો. બાળકને ઓછા અંતરે વિવિધ જગ્યાએથી બોલાવો અને એની આંખોને તમારી દિશાનું અનુસરણ કરવા માટે પ્રેરિત કરો.  એથી એમની એક ચોક્કસ દિશામાં ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા વધશે. બાળકને ઘરની બહાર ખુલ્લી હવામાં, બાગ બગીચામાં નિયમિત લઈ જાઓ. વનસ્પતિની હરિયાળી મોટપણે બાળકને લઘુદૃષ્ટિની નબળાઈથી બચાવશે. બાહ્ય રમતગમતમાં ભાગ લેવા માટે બાળકમાં ઉત્સાહ જગાવો. આંખોના સ્વાસ્થ્ય માટે આવી રમતો ખૂબ લાભદાયી સાબિત થાય છે. આવી પ્રવૃત્તિઓ બાળકને મેદસ્વી બનતાં પણ અટકાવે છે અને એથી આંખોનું સ્વાસ્થ્ય પણ સુધરે છે. 

નીચે હજી વધુ પ્રવૃત્તિઓ સૂચવેલી છે જે તમારા બાળકની આંખો માટે લાભદાયી પુરવાર થશે. 

· હળવા વજનના દડાને ફેંકવું તથા ઝીલી લેવું.

· બાળકો સામે મોટેથી વાંચન કરવું અને એને તમારા હોઠ અને આંખોની હિલચાલનું અવલોકન કરવા માટે પ્રોત્સાહિત કરવું. 

· પાટી અને પેન આપી તેમને મુક્ત ચિત્ર બનાવવા પ્રોત્સાહિત કરવાં. આવી પ્રવૃત્તિ એકાગ્રતા વધારે છે. 

· બાળકની ઉંમરને અનુલક્ષીને યાદશક્તિવર્ધક માનસ રમતો (માઈન્ડ ગેમ્સ ) રમાડવી.. 

· સાઇકલ ચલાવવી અથવા તરવું.

· દૂર પડેલી વસ્તુને એના નિરૂપણના આધારે ઓળખી બતાવવાની રમતો બાળકમાં અવલોકન શક્તિ વધારે છે અને દીર્ઘદૃષ્ટિને સતેજ કરે છે. 

· આંખોની સામેથી ઝડપથી પસાર થઈ જતાં દૃશ્યો જેમ કે ટીવીમાંનાં કાર્ટુન્સ, પસાર થતાં વાહનો ઉપર એકધારું જોવાનું ટાળવું જોઈએ.

રમતગમતનાં સાધનો

પોતાનાં રમતનાં સાધનો અથવા રમકડાંથી કેટલીકવાર બાળકો પોતાને જ નુકસાન પહોંચાડી શકે છે એટલે એમનાં રમકડાંની પસંદગી સમજદારીપૂર્વક કરવી જોઈએ. ધ્યાન રાખવું જોઈએ કે રમકડાં ધારદાર કિનારીઓવાળાં ન હોય. બાળકને પોતાના રમકડાંનું નિરીક્ષણ જાતે કરવા દો. કોઈપણ વસ્તુને બાળક અતિ નજીકથી ના જુએ એનું ધ્યાન રાખો. ઓછામાં ઓછી 8 થી 10 ઇંચના અંતરે રાખીને જ દરેક વસ્તુ જોવી જોઈએ, એથી જ એમની એકાગ્રતા વધશે અને આંખો ઉપર તણાવ નહિ આવે. આજકાલ બજારમાં આંખોની દૃષ્ટિ સટીક બનાવે અને હાથ અને આંખોના કાર્યસમન્વયને વધારે એવાં અનેક રમકડાં ઉપલબ્ધ છે. જે તમે પસંદ કરી શકો છો.  જેમ કે,

· મોડલિંગ ક્લે (18 મહિના અને પછી)

· પઝલ્સ  (12 મહિના અને પછી)

· બિલ્ડીંગ બ્લોક્સ (6 મહિનાની ઉંમરથી જ બાળકોને આ રમત માટે પ્રોત્સાહિત કરી શકાય છે.)

· ચિત્રકામ ને લગતી સામગ્રી: (12 થી 18 મહિનાના બાળકને ચિત્રકળા તરફ આકર્ષી શકાય.) 

વાંચન અને ટીવી તથા અન્ય ઉપકરણોના ઉપયોગ માટે સમય મર્યાદા :

વાંચન એ બાળકની એક ઉત્તમ પ્રવૃત્તિ છે પણ બાળકને સૂતાં સૂતાં વાંચવાની ટેવ ક્યારેય ન પાડશો. વળી બહુ જરૂરી છે કે એમના વાંચન રૂમમાં પૂરતાં હવાઉજાસ હોય. બે વર્ષથી નાનાં બાળકોને ટીવી અથવા બીજા કોઈ પણ વીજાણુ ઉપકરણના સ્ક્રીનથી દૂર રાખો. અને બે વર્ષ પછી પણ આ સમય દિવસના બે કલાકથી વધુ ન જ હોવો જોઈએ. જો આ સમય એથી લાંબો હશે તો બાળકની આંખો સૂકી થઈ જવી, આંખો ઉપર તણાવ પડવો વગેરે તકલીફો થવા લાગશે; એટલે લાંબો સ્ક્રીન ટાઈમ ભવિષ્યમાં બાળકની દૃષ્ટિને નબળી કરી નાખશે. કમ્પ્યુટર અથવા ટીવી આગળ લાંબા સમય સુધી બેસતાં ખાસ ધ્યાન રાખવું કે બાળકના રૂમમાં પૂરતો પ્રકાશ હોય અને થોડા થોડા સમયના અંતરે બાળક જે તે સ્ક્રીન આગળથી વિરામ લે. વળી એ પણ ખૂબ મહત્ત્વનું છે કે જે તે સ્ક્રીન બાળકની આંખોથી યોગ્ય અંતરે અને યોગ્ય ઊંચાઈએ મુકેલ હોય; બહુ નજીક, દૂર, ઉપર કે નીચે ન હોય. વળી બાળક સ્ક્રીનની સામે બેઠાં બેઠાં બને એટલું આંખ ઝપકાવવાનું રાખે. એકધારી નજરે સ્ક્રીન ઉપર જોઈ રહેવું બહુ હાનિકારક હોય છે. થોડીવાર માટે આંખો બંધ કરીને આંખોને આરામ આપવો, થોડી થોડી વારે રૂમમાંથી બહાર જઈ ખુલ્લા અજવાળામાં ચાલવું વગેરે આદતોથી ટીવી અથવા કમ્પ્યુટરના સ્ક્રીનથી થતા નુકસાનને ઘટાડી શકાય છે. અંતે ટીવી અને કમ્પ્યુટર ઉપર બને એટલો ઓછો સમય વિતાવવા માટે હંમેશાં બાળકને અભિનંદન આપો. 

આંખોનું તબીબી પરીક્ષણ ક્યારે જરૂરી બને છે?

6 થી 12 મહિનાની ઉંમરના બાળકની આંખોનું આંખના ડોક્ટરની પાસે અચૂક પરીક્ષણ કરાવો અને ફરી પાછું 3 વર્ષની વયે પરીક્ષણ કરાવો. જો એમની દૃષ્ટિમાં કંઈપણ વાંધાજનક જણાય અને ડોક્ટર તેમને ચશ્માં પહેરવાની સલાહ આપે તો દર વર્ષે ભૂલ્યા વગર આંખોનું પરીક્ષણ કરાવો તથા ડોક્ટરે સૂચવેલી દરેક બાબતનું ધ્યાન રાખો. ડાયાબિટીસ, બ્લડપ્રેશર જેવી તકલીફોમાં આંખોના નિયમિત પરીક્ષણનું પણ ખાસ ધ્યાન રાખો. ઉછરતી ઉંમરથી જ બાળકનું મગજ દૃષ્ટિ સાથે સાતત્ય કેળવી લે છે, એટલે જો બાળકની નબળી પડતી દૃષ્ટિનું યોગ્ય સમયે નિદાન ન કરવામાં આવે તો બાળકનું મગજ એ નબળી દૃષ્ટિ સાથે સમન્વય સાધી લે છે અને એવી પરિસ્થિતિમાં આંખોને લગતી તકલીફોની સારવાર કરવાની તક પણ ઓસરતી જાય છે, જે ખૂબ ગંભીર પરિસ્થિતિ ગણાય.

બાળકની નબળી પડી રહેલી દૃષ્ટિના સંકેતો

દરેક માતાપિતાએ બાળકના વર્તનનું નીચે વર્ણવ્યા મુજબ નિરીક્ષણ કરીને એની આંખો સંબંધી તકલીફોના સંકેતો સમજવા પ્રયત્ન કરવો જોઈએ.

· ટીવીથી અતિ નજીક બેસવું

· વાંચતી વખતે પુસ્તકને આંખની બહુ નજીક રાખવું

· શાળામાં ઘટતી જતી એકાગ્રતા

· આંખો ઉપર જણાતો સતત તણાવ

· કોઈ વસ્તુના નિરીક્ષણ માટે વધુ પડતું ઝૂકીને જોવું

· આંખમાં અથવા માથામાં નિયમિત થતો દુખાવો

· વારંવાર આંખો ચોળવી

· ઘટતી જતી એકાગ્રતા

· આંખમાંથી પાણી આવવું

· આંખમાં અનુભવાતી સ્થાયી ઝાંખપ (lazy eyes) 

· પ્રકાશ પ્રત્યે અતિસંવેદનશીલતા

· આંખોનો શરીર અને હાથના હલનચલન સાથે ઘટતો જતો સમન્વય

આપાતકાલીન સ્થિતિમાં શું કરવું?

તમારા બાળકની આંખોનું નિયમિત તબીબી પરીક્ષણ કરાવો, આંખોની કીકીઓનું નિયમિત અવલોકન કરતા રહો, જો બાળકની આંખો ઉપર સતત તણાવ, આંખમાંથી પાણી આવવું, આંખનો દુખાવો, દરેક વસ્તુનું એકથી વધુ દૃશ્યમાન થવું જેવી કોઈ પણ ફરિયાદ જણાય તો તાત્કાલિક આંખના ડોક્ટરનો સંપર્ક કરો. આંખમાંથી જો લોહી નીકળતું જણાય અથવા કોઈ પણ પ્રકારની ઈજા અથવા ઘા થાય કે તરતજ ડોક્ટર પાસે જાઓ. વળી એ દરમિયાન આંખોને ઠંડા સ્વચ્છ કપડા અથવા પેડથી દાબી રાખો.

જો તમારા બાળકની આંખમાં કંઈ જોખમી પ્રવાહી પડી જાય તો તરત જ આંખને ઠંડા અને સાફ પાણીથી ધોવાનું શરૂ કરી દો, સાથે સાથે તાત્કાલિક તબીબી સારવાર માટે જાઓ. જો આંખમાં કોઈ ધારદાર વસ્તુ લાગી જાય તો આંખને બહુ દબાવો નહિ, ફક્ત એ ધારદાર વસ્તુને આંખથી દૂર કરો, કાગળના કપની નીચેનો ભાગ કાપી એનાથી આંખ ઢાંકી દો જેથી આંખ ઉપર કોઈ દબાણ ન આવે અને તાત્કાલિક ધોરણે આંખના ડોક્ટરને બોલાવો. આવી આપાતકાલીન સ્થિતિમાં ફક્ત અને ફક્ત આંખના નિષ્ણાત તબીબની જ મદદ લેવી. એક સારા આંખના ડોક્ટરનો ફોન નંબર નોંધી રાખવો એ સલાહભર્યું છે. આંખને લગતી કોઈ પણ તકલીફમાં જાતે સારવાર ન કરતાં આંખના ડોક્ટર પાસે જવું જ હિતાવહ છે. કોઈ પણ પ્રકારનાં આંખનાં ટીપાં ડોક્ટરની સલાહ વગર વાપરવાં નહિ. વળી આંખનાં ટીપાંની શીશી એકવાર ખોલ્યા બાદ એક મહિનામાં જ વાપરી નાખવી. એ ઉપરાંત એ ટીપાંનો ઉપયોગ કરવો હિતાવહ નથી.

બાળકો સતત મોટાં થાય છે, એમની આદતો બદલાય છે, એમની દૈનિક ક્રિયાઓ અને ખોરાક બદલાય છે; પરંતુ એમને પોતાની આંખોનું જતન કરવાની આવશ્યકતા સમજાવવી જોઈએ, આંખોને લગતી સ્વાસ્થ્યવર્ધક આદતો એમનામાં કેળવવી જોઈએ. આંખોની દૃષ્ટિ જીવનના વિકાસ, સુખ અને સુંદરતા માટે કેટલી જરૂરી છે એ બાબતે બાળકોને સભાન કરવાં જોઈએ. પોતાની આંખોને જીવન અને વ્યક્તિત્વના વિકાસ માટે પાંખો સમજીને એની જાળવણી કરવાનું બાળકને બાળપણથી જ સમજાવવું જોઈએ.

આંખો માણસના આત્માનો અરીસો છે. બાળકની આંખોને સ્વચ્છ અને સ્વસ્થ રાખી એમના આત્માની ઝલકને ઉજાળવાનો પ્રયાસ સતત થતો રહેવો જોઈએ.

 

* * *

નોંધઆજ આર્ટિકલ ને અંગ્રેજી માં વાંચવા માટે વિઝિટ કરો : http://in.parentingnations.com/childrens-eye-care-and-vision-improvement/

* * *

સંપર્કસૂત્રો :-

Alihusen Momin <ali@parentingnations.com>

Mob. +91 99250 41865

Blog : Parenting Nations – www.parentingnations.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *