





દર્શા કિકાણી
હું બધા સંજોગને અપનાવતો ચાલ્યો ગયો,
જિંદગીને એ થકી શોભાવતો ચાલ્યો ગયો,
મારો પાલવ હું બધે ફેલાવતો ચાલ્યો ગયો,
દોસ્ત દુશ્મન સર્વને અજમાવતો ચાલ્યો ગયો!
– સગીર
માણસને આ પૃથ્વી-લોકમાં જીવન મળે છે જીવવા માટે. આ પર્વતો, નદીઓ, જંગલો, આટલી સરસ હરિયાળી, આવા રૂપાળા ફળ-ફૂલ, આટલાં બધાં પશુ-પક્ષીઓ અને પ્રાણીઓ…….! દેવોને પણ દુર્લભ છે આ મનુષ્ય-જીવન. પણ માણસ તો અહીં પૃથ્વીલોક પર આવી કાળો કેર વર્તાવવા લાગ્યો છે. પર્વતોને ભેદી રસ્તાઓ બનાવે છે, નદીઓને નાથી નહેરો બનાવે છે, પુષ્પોને ચૂંટી અત્તર બનાવે છે. ચોમેર યુદ્ધ, ભાગદોડ અને વિનાશનું વાતાવરણ ફેલાવી દીધું છે એણે તો! પાણીનું પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ અને માનવના મનમાં પણ પ્રદૂષણ! તે તો બસ કુદરતનો નાશ કરવા બેઠો છે અને પશુઓનો સંહાર કરવા બેઠો છે. માણસે અહીં આવી પૃથ્વીલોકનું જાણે નિકંદન કાઢી નાખ્યું છે.
માણસે કુદરતનો વૈભવ જાણે પોતાના માટે જ છે એમ માની લીધું છે. કુદરતને સાચવવાને બદલે તેનો ઉપભોગ કરવા લાગ્યો છે. જે તેને સહજતાથી મળ્યું છે તેનો આભાર માનવને બદલે, ‘Attitude of Gratitude’ ને સ્થાને તે ઘમંડી બની કુદરતને રંજાડી રહ્યો છે, બગાડી રહ્યો છે.
પ્રકૃતિનો લાડકો માનવ આ બધાં ખેપાનો છોડી શાંતિથી જીવશે ત્યારે જ તે પોતાની માનવતાની ગરિમાને ઉજાળશે. કુદરતનું રક્ષણ કરશે, બીજાં જીવોને શાંતિથી જીવવા દેશે, બીજાં માણસોને પણ સુખથી પોતાનું જીવન જીવવા દેશે ત્યારે તે પ્રકૃતિનો ખરો લાડકવાયો કહેવાશે.
અને આ માટે એવું મોટું તો એણે શું કરવું પડશે ? કંઈ નહીં. કવિ કહે છે તેમ, ઈશ્વર કે ભગવાન તેને જે સંજોગોમાં મૂકે તે તેણે અપનાવી લેવાં જોઈએ. કોઈ પ્રતિકાર નહીં, કોઈ વિરોધ નહીં. ફક્ત સ્વીકાર. હા, બોલવામાં તો સહેલું છે, પણ કરવામાં કદાચ અઘરું છે! કોઈ પ્રતિકાર કે વિરોધ વગર જો સંજોગોને અપનાવશો તો જાતને પણ શોભાવશો અને જિંદગીને પણ શોભાવશો.
કોઈ વિરોધ ન હોય તો ગુસ્સો કોના પર હોય? કોઈ પ્રતિકાર ના હોય તો આક્રમણ કોના પર હોય? કોઈની સાથે દુશ્મની જ ના હોય તો દુશ્મન કોણ હોય? બધાં જ દોસ્ત, બધાં જ મિત્ર! અને બધાં જ મિત્રો હોય તો કોને અજમાવવાના? બધું જ સ્વીકાર્ય હોય, બધું જ અપનાવી લીધું હોય તો કોઈને અજમાવીને કરવાનું શું? બસ, માણસે માણસ બનવાનું, માણસાઈ બતાવવાની, પ્રેમ કરવાનો અને પ્રેમનો પાલવ ફરકાવવાનો! જીવન જીવવાનું અને બધાંને જીવન જીવતાં શીખવવાનું. આવું કરતાં કરતાં ક્યારેક કંઈક ખોવું પડે, કંઈક ખરચવું પડે અને ક્યારેક કંઈક મળે પણ ખરું. બધાનો સ્વીકાર અને માત્ર સ્વીકાર. કવિ શ્રી મનહર મોદી એટલે જ કહે છે કે :
ઘણું પામ્યો, ઘણું ખોઈ દીધું, ક્યારેક હસવામાં, હવે, મનમાં ઊગે છે એ બધું, રાખું છું ગજવામાં.
હું માણસ છું અને તેથી જ રાખું છું મને તરતો, ખબર છે કે બીજા પથ્થર બન્યા ઊંડે ઊતરવામાં.
સુશ્રી દર્શા કીકાણીનો સંપર્ક darsha.rajesh@gmail.com સરનામે થઈ શકશે
સરસ સમજણ આપી છે.મુળ તો માનવ મનના પ્રદુષણ નો જ ફેલાવ છે આ સઘળી સમસ્યાઓ.
Thanks Nagji bhai!