‘ગળીનો ડાઘ’ દૂર કરવાનો સત્યાગ્રહ

Facebooktwitterredditpinterestlinkedinmail

મો. ક. ગાંધી

ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા(૧૯૧૫) પછી તેમનું અને તેમની ટુકડીનું દેશમાં સૌ પહેલું રોકાણ રવીન્દ્રનાથ ટાગોરના શાંતિનિકેતનમાં થયું. ગાંધીજી અને ટાગોર, બંને સાથે ઘનિષ્ઠતા ધરાવતા અંગ્રેજ પાદરી, સમાજસુધારક અને શિક્ષણકાર ચાર્લ્સ ફ્રિયર એન્ડ્રુઝે [1] જ્યારે ગાંધીભાઈને પૂછ્યું, ‘ભારતમાં સત્યાગ્રહ કરવાનો પ્રસંગ આવશે એમ તમને લાગે છે અને લાગતું હોય તો ક્યારે?’ તે અંગે ગાંધીજીનો જવાબ હતો, ‘મારા માટે આ પ્રશ્નનો જવાબ આપવો મુશ્કેલ છે. મારી ઇચ્છા એક વર્ષ સુધી ભારતભ્રમણ કરવાની છે અને આ ગાળામાં જાહેર વિષય પર કશું ન બોલવા અંગેનું વચન ગોખલેએ મારી પાસે લીધું છે. એટલે પાંચ વર્ષ સુધી સત્યાગ્રહનો પ્રસંગ આવે એમ નથી જણાતું.’ પરંતુ અંગ્રેજ સલ્તનતે આ સત્યાગ્રહીની ધારણા ખોટી ઠેરવી. માત્ર બે વર્ષમાં જ સત્યાગ્રહનો પ્રસંગ આવ્યો. એ સત્યાગ્રહ તે બિહારના ચંપારણમાં ખેડૂતોને પોતાના ખેતરના કેટલાક ભાગમાં ફરજિયાતપણે કરવા પડતા ગળીના વાવેતર અંગેની પ્રથાની નાબૂદી માટે. ૧૯૧૭ના વર્ષ દરમિયાન ગાંધીજી ઘણા દિવસો ચંપારણ આસપાસનાં ગામોમાં જ રહ્યા અને ‘ગળીનો ડાઘ’ દૂર કરાવ્યો. આ સત્યાગ્રહની કથા ગાંધીજીના શબ્દોમાં…

ગત પોસ્ટથી ચાલુ…

સંપાદન અને રજૂઆત : કેતન રૂપેરા

ગ્રામપ્રવેશ

મો. . ગાંધી

ઘણે ભાગે દરેક નિશાળમાં એક પુરુષ અને એક સ્ત્રી એમ ગોઠવણ થઈ હતી. તેમની મારફતે જ દવાનાં ને સુધરાઈનાં કામો કરવાનાં હતાં. સ્ત્રીઓની મારફતે સ્ત્રીવર્ગમાં પ્રવેશ કરવાનો હતો. દવાનું કામ બહુ સહેલું કરી મૂક્યું હતું. એરંડિયું, ક્વિનીન અને એક મલમ એટલીજ વસ્તુઓ દરેક નિશાળમાં રાખવામાં આવતી હતી. જીભ તપાસતાં મેલી જોવામાં આવે અને બંધકોશની ફરિયાદ આવે તો એરંડિયું પાઈ દેવું. તાવની ફરિયાદ હોય તો એરંડિયું આપ્યા પછી આવનારને ક્વિનીન પિવડાવવું, અને જો ગૂમડાં હોય તો તેમને ધોઈ તેમનીઉપર મલમ લગાડી દેવો. ખાવાની દવા કે મલમ સાથે લઈ જવાને ભાગ્યે જ આપવામાં આવતાં. ક્યાંય જોખમકારક કે ન સમજાય એવું દર્દ હોય તો તે દાક્તર દેવને દેખાડવા ઉપર મુલતવી રહેતું. દાક્તર દેવ જુદે જુદે ઠેકાણે નીમેલે વખતે જઈ આવતા. આવી સાદીસગવડનો લાભ લોકો ઠીક પ્રમાણમાં લઈ જતા હતા. વ્યાપક રોગો થોડા જ છે અને તેમને સારુ મોટા વિશારદોની જરૂર નથી હોતી એ ધ્યાનમાં રખાય, તો ઉપર પ્રમાણે કરેલી યોજના કોઈને હાસ્યજનક નહીં લાગે. લોકોને તો ન જ લાગી.

સુધરાઈનું કામ કઠિન હતું. લોકો ગંદકી દૂર કરવા તૈયાર નહોતા. પોતાને હાથે મેલાં સાફ કરવાની તૈયારી જેઓ ખેતરની મજૂરી રોજ કરતા તેમની પણ નહોતી. દાક્તર દેવ ઝટ હારે એવા નહોતા. તેમણે પોતે જાતે અને સ્વયંસેવકોએ એક ગામના રસ્તા સાફ કર્યા, લોકોનાંઆંગણાંમાંથી કચરા કાઢ્યા, કૂવાની આસપાસના ખાડા પૂર્યા, કાદવ કાઢ્યો. ને ગામલોકોને સ્વયં સેવકો આપવાનું પ્રેમપૂર્વક સમજાવતા રહ્યા. કેટલેક ઠેકાણે લોકોએ શરમને માર્યે કામ કરવાનું શરૂ કર્યું, ને કેટલેક ઠેકાણે તોલોકોએ મારી મોટર પસાર થવાને સારુસડકો પણ જાતમહેનતથી કરી. આવા મીઠા અનુભવની સાથે જ લોકોની બેદરકારીના કડવા અનુભવો પણ ભળતા હતા. સુધારાની વાત સાંભળી કેટલીક જગ્યાઓએ લોકોને અણગમો પણ પેદા થયેલો મને યાદ છે.

ચંપારણ અને ખેડા સત્યાગ્રહના અરસામાં કાઠિયાવાડી પોશાકમાં સજ્જ ગાંધીભાઈ અને ઇનસેટમાં ગળીનો આ ડાઘ દૂર કરવા ગાંધીજીનો કેડો પકડનાર ખેડૂત રાજકુમાર શુક્લ

આ અનુભવો દરમિયાન, એક અનુભવ જેનું વર્ણન મેં સ્ત્રીઓની ઘણી સભાઓમાં કર્યું છે, તે અહીં કરવું અસ્થાને નથી. ભીતિહરવા એક નાનકડું ગામડું છે. તેની પાસે તેનાથી પણ નાનકડું ગામડું છે. ત્યાં કેટલીક બહેનોનાં કપડાં બહુ મેલાં જોવામાં આવ્યાં. આ બહેનોનેકપડાં ધોવાબદલવાનું સમજાવવાનું મેં કસ્તૂરબાઈને સૂચવ્યું. તેણે બહેનોને વાત કરી. એમાંથી એક બહેન તેને પોતાની ઝૂંપડીમાં લઈ ગઈ ને બોલી : ‘તમે જુઓ, અહીં કંઈ પેટીકબાટ નથી કે જેમાં કપડાં હોય. મારી પાસે આ મેં પહેરી છે તે જ સાડી છે. તેને હું કઈ રીતેધોઈ શકું? મહાત્માજીને કહો કે તે કપડાં અપાવે એટલે હું રોજ નાહવા ને રોજ કપડાં બદલવા તૈયાર થઈશ.’ આવાં ઝૂંપડાં હિંદુસ્તાનમાં અપવાદરૂપે નથી. અસંખ્ય ઝૂંપડાંમાં રાચરચીલું, પેટીપટારા, લૂગડાંલત્તાં નથી હોતાં અને અસંખ્ય માણસો માત્ર પહેરેલાં કપડાં ઉપરપોતાનો નિર્વાહ કરે છે.

એક બીજો અનુભવ પણ નોંધવા યોગ્ય છે. ચંપારણમાં વાંસનો ને ઘાસનો તોટો નથી હોતો. લોકોએ ભીતિહરવામાં જે નિશાળનું છાપરું બાંધ્યું હતું એ વાંસનું અને ઘાસનું હતું. કોઈએ તેને રાતના બાળી મૂક્યું. શક તો આસપાસના નીલવરોના માણસો ઉપર ગયો હતો. ફરી વાંસ ને ઘાસનું મકાન બનાવવું એ યોગ્ય ન લાગ્યું. આ નિશાળ શ્રી સોમણ અને કસ્તૂરબાઈના તાબામાં હતી. શ્રી સોમણે ઇંટોનું પાકું મકાન બાંધવાનો નિશ્ચય કર્યો ને તેમની જાતમહેનતનો ચેપ બીજાઓને લાગ્યો, તેથી પળવારમાં ઇંટોનું મકાન ઊભું થયું. અને ફરીમકાન બળવાનો ભય ન રહ્યો.

આમ નિશાળો, સુધરાઈ અને દવાનાં કામોથી લોકોમાં સ્વયંસેવકોને વિશે વિશ્વાસ અને આદર વધ્યાં, ને તેમની ઉપર સારી અસર બેઠી.

પણ મારે દિલગીરીની સાથે જણાવવું જોઈએ કે આ કામ કાયમ કરવાની મારી મુરાદ બર ન આવી. સ્વયંસેવકો જે મળ્યા હતા તે અમુક મુદતને જ સારુ મળ્યા હતા. નવા બીજા મળવામાં મુશ્કેલી આવી અને બિહારમાંથી આ કામને સારુ યોગ્ય કાયમી સેવકો ન મળીશક્યા. મને પણ ચંપારણનું કામ પૂરું થયું તેવામાં બીજું કામ જે તૈયાર થઈ રહ્યું હતું, તે ઘસડી ગયું. આમ છતાં છ માસ લગી થયેલા કામે પણ એટલે લગી જડ ઘાલી કે એક નહીં તો બીજા સ્વરૂપમાં તેની અસર આજ લગી નભી રહી છે.

ઊજળું પાસું

એક તરફથી સમાજસેવાનું કામ, જે મેં ગયાં પ્રકરણોમાં વર્ણવ્યું છે, તે થઈ રહ્યું હતું, ને બીજી તરફથી લોકોનાં દુ:ખની કહાણીઓ નોંધવાનું કામ વધતા પ્રમાણમાં ચાલી રહ્યું હતું. હજારો લોકોની કહાણીઓ લખાઈ તેની અસર થયા વિના કેમ રહે? મારે ઉતારે જેમ જેમ લોકોની આવજા વધતી ગઈ તેમ તેમ નીલવરોનો ક્રોધ વધતો ચાલ્યો. મારી તપાસને બંધ કરવાના તેમની તરફથી થતા પ્રયત્નો વધતા ગયા.

એક દિવસ મને બિહારની સરકારનો કાગળ મળ્યો. તેનો ભાવાર્થ આ હતો : ‘તમારી તપાસ ઠીક લાંબી ચાલી ગણાય, અને તમારે તે બંધ રાખી બિહાર છોડવું જોઈએ.’ કાગળ વિનયી હતો પણ અર્થ સ્પષ્ટ હતો. મેં લખ્યું કે તપાસ તો લંબાશે, અને તે થયા પછી પણ લોકોનાં દુ:ખનું નિવારણ ન થાય ત્યાં લગી મારો ઇરાદો બિહાર છોડવાનો નથી.

મારી તપાસ બંધ કરવાને સરકારની પાસે યોગ્ય ઇલાજ એક જ હતો કે, તેણે લોકોની ફરિયાદ સાચી માની દાદ દેવી, અથવા ફરિયાદને માન આપી પોતાની તપાસસમિતિ નીમવી. ગવર્નર સર એડવર્ડ ગેઇટે મને બોલાવ્યો, ને પોતે તપાસસમિતિ નીમવાનો પોતાનો ઇરાદો જણાવ્યો અને તેમાં સભ્ય થવાનું મને નિમંત્રણ આપ્યું. બીજાં નામો જોઈને મેં સાથીઓની સાથે મસલત કરીને એ શરતે સભ્ય થવાનું કબૂલ કર્યું કે, મને સાથીઓની સાથે મસલત કરવાની છૂટ હોવી જોઈએ; ને સરકારે સમજવું જોઈએ કે, હું સભ્ય થવાથી ખેડૂતોનો હિમાયતી નથી મટતો અને તપાસ થઈ રહ્યા બાદ મને સંતોષ ન થાય તો ખેડૂતોને દોરવાની મારી સ્વતંત્રતા હું જતી ન કરું.

સર એડવર્ડ ગેઇટે આ શરતોને વાજબી ગણીને તેનો સ્વીકાર કર્યો. મરહૂમ સર ફ્રેંક સ્લાઈ તેના પ્રમુખ નિમાયા હતા. તપાસસમિતિએ ખેડૂતોની બધી ફરિયાદો ખરી ઠરાવી, નીલવરોએ ગેરવાજબી રીતે લીધેલાં નાણાંનો અમુક ભાગ પાછો આપવાની ને તીનકઠિયાનો કાયદો રદ કરવાની ભલામણ કરી.

આ રિપોર્ટ સાંગોપાંગ થવામાં ને છેવટે કાયદો પસાર થવામાં સર એડવર્ડ ગેઇટનો બહુ મોટો ભાગ હતો. તે દૃઢ ન રહ્યા હોત અથવા જો તેમણે પોતાની કુશળતાનો પૂરો ઉપયોગ ન કર્યો હોત, તો જે રિપોર્ટ એકમતે થઈ શક્યો તે ન થવા પામત અને જે કાયદો છેવટે પસાર થયો તે થવા ન પામત. નીલવરોની સત્તા બહુ પ્રબળ હતી. રિપોર્ટ થવા છતાં તેમનામાંના કેટલાકે બિલનો સખત વિરોધ કર્યો હતો. પણ સર એડવર્ડ ગેઇટ છેવટ સુધી મક્કમ રહ્યા ને સમિતિની ભલામણોનો સંપૂર્ણ અમલ કર્યો.

આમ સો વર્ષથી ચાલતો આવેલો તીનકઠિયાનો કાયદો તૂટ્યો ને તેની સાથે નીલવરરાજ્યનો અસ્ત થયો, રૈયતવર્ગ જે દબાયેલો જ રહેતો હતો તેને પોતાની શક્તિનું કંઈક ભાન થયું ને ગળીનો ડાઘ ધોયો ધોવાય જ નહીં એ વહેમ દૂર થયો.

ચંપારણમાં આરંભેલું રચનાત્મક કામ જારી રાખી લોકોમાં થોડાં વર્ષો સુધી કામ કરવાની અને વધારે નિશાળો કરવાની અને વધારે ગામડાંમાં પ્રવેશ કરવાની મારી ઇચ્છા હતી. ક્ષેત્ર તૈયાર હતું. પણ મારા મનસૂબા ઈશ્વરે ઘણી વાર પાર જ પડવા દીધા નથી. મેં ધાર્યું હતું કંઈક ને મને દૈવ બીજા જ કામમાં ઘસડી ગયું.

+++ (‘नवजीवनનો અક્ષરદેહ’, માર્ચ 2017ના અંકમાંથી લેવાયેલું આ પ્રકરણ મૂળે

સત્યના પ્રયોગો અથવા આત્મકથામાંથી,

ક્રમશઃ) +++

-.-.-.-.-

नवजीवनનો અક્ષરદેહના બધા અંકો ઓનલાઇન વાંચવા માટે લિંક

http://www.navajivantrust.org/news/house-magazine-navajivanno-akshardeh


ભાઈશ્રી કેતન રૂપેરાનો સંપર્ક ket.rupera@gmail.com  વીજાણુ સરનામે થઈ શકશે


[1] એમણે ઘણાં વર્ષો સુધી હિંદી લોકોના પ્રશ્નો અંગે ભક્તિભાવથી સેવા આપી હતી તેથી તેમને ‘દીનબંધુ’ની ઉપાધિ મળી હતી. તેથી દીનબંધુ એન્ડ્રુઝ નામે જાણીતા થયા. (ગાંધીજીનો અક્ષરદેહ -13) – સં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *