વ્યંગ્યચિત્રોમાં ગાંધી : ૭ : રાજઘાટ પર ગાંધી

– બીરેન કોઠારી

જેને હૈયે સદાય આમ માણસ વસેલો હતો એવા ગાંધીજીની સમાધિનું નામ ‘રાજઘાટ’ હોય એ પણ એક યોગાનુયોગ છે. ગાંધીજી સાદગીને જીવનપર્યંત અપનાવી, પણ તેમની સ્મૃતિમાં બનેલા રાજઘાટને ભવ્ય બનાવવાની પૂરતી કાળજી લેવામાં આવી. કેમ કે, આખરે એ રાષ્ટ્રપિતાની સમાધિ હતી. આ આખા વિસ્તારમાં વિવિધ વડાપ્રધાનોની સમાધિઓ આવેલી છે, જેને દિલ્હીના કેટલાક ટેક્સીવાળા મજાકમાં ‘સમશાનઘાટ’ તરીકે ઓળખે છે.

અલબત્ત, રાજઘાટનું મહત્ત્વ પહેલેથી વિશેષ અને આગવું રહ્યું છે. વિદેશના કોઈ પણ મહાનુભાવનું ભારતમાં આગમન થાય એટલે તેમની ઈચ્છા આ સ્થળના દર્શન કરવાની હોય એ સ્વાભાવિક છે. પછી એમ પણ બને કે તેમની ઈચ્છા હોય કે ન હોય, આ સ્થળની મુલાકાત એક વિધિનો ભાગ બની જાય. આ સિવાય દેશના મહાનુભાવો માટે અહીંની મુલાકાત લેવા માટે વર્ષના બે દિવસ નક્કી જ હોય- 30 જાન્યુઆરી આવતો ગાંધી નિર્વાણ દિન અને 2 ઓકટોબરે આવતી ગાંધી જયંતિ.

દેશમાં અને વિદેશમાં ત્રાસવાદનો વ્યાપ વિસ્તર્યો તેને પગલે સુરક્ષા તેમજ સલામતીના પ્રશ્નો વધ્યા. રાજઘાટ પર ગાંધીજીને અંજલિ અર્પવા માટે અવારનવાર આવનારા વી.આઈ.પી.ની સુરક્ષા અનિવાર્ય પરિબળ બન્યું. આવી અનેક પરિસ્થિતિઓને લઈને ઊભા થતા સંજોગો અને ખાસ તો વિરોધાભાસ કાર્ટૂનિસ્ટોને ન આકર્ષે તો જ નવાઈ.

આ કડીમાં એવાં કાર્ટૂનો જોઈએ કે જેમાં રાજઘાટ પર ગાંધીજી દર્શાવવામાં આવ્યા હોય. નોંધપાત્ર બાબત એ છે કે આ વિષયને કાર્ટૂનિસ્ટ સુધીર તેલંગ સિવાય કોઈ કાર્ટૂનિસ્ટના ધ્યાનમાં આવ્યો નથી. તેને કારણે અહીં મૂકાયેલાં બધાં કાર્ટૂન સુધીર તેલંગનાં જ છે. એ પણ યોગાનુયોગ ગણવો રહ્યો કે આ કાર્ટૂનોમાં જ્યાં પણ વડાપ્રધાનો દર્શાવવામાં આવ્યા છે એ બધા કોંગ્રેસી વડાપ્રધાનો છે.

મૃત્યુ પછી ગાંધીજીનું સત્તાવાર રહેઠાણ રાજઘાટ છે એ ધારી લેવાયું છે. આ સ્થિતિમાં અહીં આવતા વિવિધ લોકો સાથે ગાંધીજીની કે ગાંધીજી સાથે લોકોની પ્રતિક્રિયાઓ જોઈએ.

**** **** ****

ગાંધીજી અજમાવેલાં વિવિધ શસ્ત્રોમાંનું સૌથી અસરકારક અને અનુકરણીય શસ્ત્ર ઉપવાસનું હતું. ‘ગાંધીચીંધ્યા માર્ગે ઉપવાસ’ અથવા ‘પ્રતીક ઉપવાસ’નું શસ્ત્ર કઈ હદે વપરાઈને બુઠ્ઠું થઈ ગયું છે એ કહેવાની ભાગ્યે જ જરૂર છે.

આ કાર્ટૂનમાં ગાંધીજીની ઝપટે રાજીવ ગાંધી ચડ્યા છે. રાષ્ટ્રીય એકતા માટે રાજઘાટ પર બાર કલાકના ઉપવાસ કરવાની તેમણે ઘોષણા કરી હતી, જે કેવળ એક ગતકડું ગણાવી શકાય એવું હતું. આ કાર્ટૂનમાં રાજીવ ગાંધીની સાથે તેમના વફાદાર હરકિશનલાલ ભગત પણ દેખાય છે, જેમણે ‘રાજીવ ગાંધી ઝિંદાબાદ’નું પાટિયું પકડ્યું છે. ભગત બે જ ગાંધીને ઓળખે છે. પહેલાં ઈન્દિરા ગાંધી અને પછી રાજીવ ગાંધી.

પણ રાજીવ ગાંધીને આમ અકાળે- અન્ય દિવસે આવેલા જોઈને રાજઘાટ પર બેઠેલા ગાંધીજી નવાઈ પામી જાય છે અને પૂછે છે, ‘આજે નથી 30 જાન્યુઆરી કે બીજી ઓક્ટોબર. છતાં તું કેમ આવ્યો છે?’ રાજીવ ગાંધીએ સાદગીના પ્રતીકરૂપે કેવળ ખુલ્લા પગ રાખ્યા છે. એ સિવાય તેમના મોંઘા વિદેશી ગ્લાસ અને કપડાં ગાંધીજીનાં વસ્ત્રો સાથે સાવ વિરોધાભાસ રચે છે.

****

વિવિધ મહાનુભાવોના સતત આગમનને લઈને રાજઘાટ સુરક્ષાકર્મીઓનું પણ થાણું બની રહે એ સ્વાભાવિક છે. સુરક્ષાકર્મીઓ બિચારા પોતાની ફરજથી બંધાયેલા હોય. સ્થળ કોઈ પણ હોય, તેમણે એક જ ફરજ બજાવવાની હોય અને તે એ કે ‘સુરક્ષા’ના કારણોસર એ સ્થળેથી સૌને હટાવવા. એ ‘સૌ’માં ખુદ ગાંધીજીનો પણ વારો ચડી જાય.

આ કાર્ટૂનમાં ગાંધીજી સુરક્ષાકર્મીને કહે છે, ‘સુરક્ષાના કારણોસર (મને હટવાનું કહો છો) ? અરે, હું અહીં જ રહું છું.’ કાર્ટૂનિસ્ટે અહીં સુરક્ષાકર્મીનો જોશ બતાવ્યો છે એમ તેની હેલ્મેટને પણ આંખ ઉતરી આવેલી બતાવી છે, જે આદેશના અમલ સિવાય બીજું કશું જોઈ શકતી નથી. ગાંધીજીનો ગભરાયેલો ચહેરો પણ સુરક્ષાકર્મીની કડકાઈને વધુ ઉજાગર કરે છે.

****

બીજા કાર્ટૂનમાં પણ આ જ વાત કહેવાઈ છે, પણ આ વખતે સુરક્ષાકર્મી ભારતીય નથી, અમેરિકન છે. અમેરિકન પ્રમુખની કોઈ પણ સ્થળની મુલાકાત અગાઉ અમેરિકન સિક્રેટ સર્વિસના એજન્ટો જે તે સ્થળને તપાસી જાય છે અને તેને ખાલી કરાવે છે. ઠસ્સાદાર અને કરડા દેખાવવાળા આ ગનધારી એજન્ટો ગાંધીજીની વાત સાંભળે છે, પણ કહે છે, ‘ભલે તમે અહીં રહેતા હો, પણ તમારે આ સ્થળ ‘સુરક્ષા’ના કારણોસર ખાલી કરવું પડશે.’ વિદેશી શાસન સામે કોઈ શસ્ત્ર કે સુરક્ષાની પરવા કર્યા વિના ઝઝૂમતા રહેલા ગાંધીજીની સમાધિના દર્શને આવનારને સુરક્ષાની ફિકર હોય એ ગાંધીજી સમજી શકતા નથી અને તેથી એમના ચહેરા પર ભાગ્યે જ જોવા મળે એવા અકળામણના ભાવ બતાવવામાં આવ્યા છે.

****

નરસિંહરાવના વડાપ્રધાન તરીકેના કાર્યકાળમાં ઉદારીકરણની નીતિનો અમલ શરૂ થયો. તેને પગલે અનેક નવા શબ્દો ચલણી બન્યા. આઈ.એમ.એફ. (ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ), વર્લ્ડ બેન્ક જેવી સંસ્થાઓનાં નામ અખબારોમાં રોજેરોજ દેખા દેવા માંડ્યા. દેશની તિજોરીએ પણ કદાચ નવું તળિયું જોયું. આ સંજોગોમાં રાજઘાટ પર ગાંધીજીને પુષ્પમાળા અર્પણ કરવા માટે ગયેલા વડાપ્રધાન બબ્બે ફૂલડાં અર્પણ કરતાં કહે છે, ‘બાપુ, આ આઈ.એમ.એફ. વતી, આ વર્લ્ડ બેન્ક વતી, અને આ ….’ સાર એટલો કે દેશની તિજોરી ખાલી થઈ ગઈ છે, એટલે જે કઈ ખર્ચાઈ રહ્યું છે એ કોઈકની સહાય જ સમજવી. રાજઘાટ પર ગાંધીજીનાં અન્ય કાર્ટૂનોમાં સામાન્ય રીતે ગાંધીજીને બેઠેલા બતાવાયા છે, જ્યારે આ કાર્ટૂનમાં તેઓ ચરખો કાંતી રહ્યા છે. સ્વાવલંબનના પ્રતીક સમા ચરખાની સામે કાર્ટૂનીસ્ટે વિદેશી સહાય મેળવતા વડાપ્રધાન બતાવીને વિરોધાભાસને સ્પષ્ટ કર્યો હોય એમ જણાય છે.

****

બધું બરાબર, પણ એ હકીકત હતી કે સુધીર તેલંગના સૌથી પ્રિય વડાપ્રધાન મનમોહન સિંહ હતા. તેમણે પ્રકાશિત કરેલા પુસ્તક ‘નો, પ્રાઈમ મિનીસ્ટર’માં માત્ર ને માત્ર મનમોહન સિંહ પર બનાવાયેલાં જ કાર્ટૂનોનું સંકલન હતું. આ બંને કાર્ટૂનો એ પુસ્તકમાંથી લીધા છે.

પોતાની અંગત છબી સ્વચ્છ હોવા છતાં મનમોહન સિંહના કાર્યકાળમાં અનેક અને અભૂતપૂર્વ કૌભાંડો બહાર આવ્યાં. એ બધા સામે તેમની એક જ પ્રતિક્રિયા હતી- મૌન. સ્વીસ બેન્કના ખાતેદારોનાં નામો આવ્યાં ત્યારે રાજઘાટ પર બાપુને શ્રદ્ધાંજલિ આપવા ગયેલા સિંહસાહેબ બાપુને પોતાની મજબૂરી જણાવતાં કહે છે, ‘એમનાં નામ જાહેર નહીં કરી શકાય, બાપુ! એમ કરવાથી આંતરરાષ્ટ્રીય કાનૂનનો ભંગ થશે.’ બાપુ સાથેની વાતમાં કાનૂનભંગની વાત કરીએ તો એ સમજશે એવું કદાચ સામેવાળા માનતા હોય. સિંહસાહેબની આ મુલાકાત વખતે બાપુ પોતાની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ વાંચી રહ્યા છે અને ‘સત્ય’નો આ એકરાર સાંભળીને તેમના ચહેરા પર મૂંઝવણના ભાવ દેખાડાયા છે. મનમોહનસિંહના હાથમાં સ્વીસ બેન્કના ગુપ્ત ખાતેદારોનાં ખાતાંની વિગતોનો ચોપડો છે.

****

અનિશ્ચિત મુદતના ઉપવાસ ગાંધીજીનું અમોઘ શસ્ત્ર હતું. તેમણે તેનો સફળતાપૂર્વક ઉપયોગ કર્યો અને દેશમાંથી વિદેશી શાસનનો અંત લાવવામાં તેનું પ્રદાન મહત્ત્વનું બની રહ્યું. પણ પોતાના અવસાન પછી દેશની સ્થિતિ જોઈને ગાંધીજીને અનેક વાર વિરોધ પ્રદર્શિત કરવા માટે આ શાસ્ત્રનો ઉપયોગ કરવાનું મન થઈ આવ્યું હશે. સંભવત: મનમોહનસિંહના કાર્યકાળ દરમ્યાન બહાર આવેલાં કૌભાંડોના વિરોધમાં તેઓ અનિશ્ચિત મુદતના ઉપવાસ પર બેઠા હશે. આ સમયે મનમોહન સિંહ તેમજ પી. ચિદમ્બરમ તેમણે કાયદો બતાવતાં ચેતવે છે અને કહે છે, ‘એ દિવસો અલગ હતા, બાપુ! હવે આપણે સ્વતંત્ર દેશ છીએ. શાંતિપૂર્વક ઉપવાસ કરવા ગેરકાનૂની છે.’

આ સાંભળીને ગાંધીજીને કેવો આઘાત લાગ્યો હશે એ કાર્ટૂનમાં જોઈ શકાય છે. મનમોહન સિંહના મુખભાવ હંમેશ મુજબ સ્થિતપ્રજ્ઞ જેવા જ છે, જ્યારે ચિદમ્બરમના ચહેરા
પર હાસ્ય જણાય છે.

****

ગોળ ફ્રેમવાળા ચશ્મા ગાંધીજીની ઓળખ સમા હતા. અનેક સંગ્રહાલયોમાં તે સંઘરાયેલા હશે. પણ 2011માં વર્ધાના સેવાગ્રામ આશ્રમમાંથી તે ચોરાઈ ગયા હતા. આ સમાચાર પર આધારીત કાર્ટૂન અનેક કાર્ટૂનિસ્ટોએ ચીતર્યા હતા. દેશભરમાં બની રહેલી બળાત્કાર, લૂંટ, હત્યા, ભૂખમરો, અત્યાચાર જેવી ઘટનાઓથી ગાંધીજી વ્યથિત છે. આવા સમયમાં પોતાના ચશ્મા ચોરાઈ જાય ત્યારે તેઓ દૂ:ખી થવાને બદલે રાજી થઈને કહે છે, ‘બહુ સરસ! હવે હું કશું જોઈ શકતો નથી.’ બીજી રીતે કહીએ તો ‘દેખવુંય નહીં ને દાઝવુંય નહીં’ની સ્થિતિને કારણે તેઓ ખુશ થઈ ગયા છે.

અહીં જોવા જેવું એ છે કે આ સિવાયનાં તમામ કાર્ટૂનોમાં ગાંધીજી મૂંઝાયેલા, ગુસ્સે થયેલા કે ગૂંચવાયેલા બતાવાયા છે, જ્યારે આ કાર્ટૂનમાં તેઓ ખુશખુશાલ દેખાય છે.

****

ભ્રષ્ટાચાર વિરુદ્ધ અણ્ણા હજારેનું આંદોલન, અને તેનો ફિયાસ્કો બહુ વિશિષ્ટ ઘટનાઓ છે. ગાંધીજી પોતે ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલન આદરીને બેઠેલા બતાવાયા છે. અણ્ણા પોતાના અનુભવને આધારે બાપુને ચેતવતા હોય એમ લાગે છે, જેના પ્રતિભાવમાં બાપુ કહે છે, ‘એટલે કે ડી.ડી.એ. તરફથી ગમે ત્યારે મને ખાલી કરવાની નોટિસ મળશે એમ?’

અહીં સુધીર તેલંગે અણ્ણાના ચહેરા પર એક અનુભવીનું સ્મિત અને બાપુના ચહેરા પર નવા નિશાળીયા જેવા ભાવ દર્શાવીને કમાલ કરી છે. ઉલ્લેખનીય છે કે અણ્ણાને સૌ આધુનિક ગાંધી માનતા હતા.

****

રાજઘાટ પર ગાંધી વિષય પરનાં આ કાર્ટૂનો માણ્યા પછી હવે આવતી કડીમાં વધુ એક નવા વિષય પર ગાંધીનાં કાર્ટૂનો માણીશું.

(ક્રમશ: )


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Facebooktwitterredditpinterestlinkedinmail

1 comment for “વ્યંગ્યચિત્રોમાં ગાંધી : ૭ : રાજઘાટ પર ગાંધી

  1. Piyush
    July 1, 2017 at 7:31 am

    અંગત રીતે આ શ્રેણીનો સૌથી મોટો ફાયદો એ થયો કે કાર્ટૂન જોવાની અને એની બારીકીઓ સમજવાની દ્રષ્ટિ કેળવાઈ રહી છે. જેમ કે પહેલા કાર્ટૂનમાં ભગતને કદમાં નાનો ચિતરી, એ એક વ્હેંતીયો અને કનિષ્ટ કક્ષાનો ગુંડો હતો એ તેલંગે સિફતથી બતાવ્યું છે. આ બાબત આ શ્રેણીને માણતો થયો માટે નજરે પડી. નવા હપ્તાની રાહ રહેશે એ કહેવાની જરૂર છે ખરી?

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.