





–વીનેશ અંતાણી
રણ પ્રત્યક્ષ જોયું તે પહેલાં રણ વિશે સાંભળ્યું હતું. કચ્છમાં જન્મ થયો અને ત્યાં જ ઊછર્યો, એથી કચ્છના રણ વિશેની વાતો છેક નાનપણથી સાંભળવા મળે તે સ્વાભાવિક હતું. મોટા થયા પછી જાણવા મળ્યું હતું કે કચ્છના રણને અંગ્રેજીમાં પણ રણ જ કહેવાય છે – ડેઝર્ટ નહીં. સામાન્ય રીતે રણમાં ધૂળ-રેતીના ઢગલા હોય, પણ કચ્છના રણમાં રેતી નથી. આખેઆખો દરિયો ધરતીમાં સમાઈ ગયો છે અને ત્યાં ખારોપટ ઊપસી આવ્યો છે. હજીય દૂર ખેંચાઈ ગયેલો દરિયો રણને મળવા આવે છે.
રણ પહેલી વાર ક્યારે જોયું? યાદ નથી આવતું. ખરેખર તો ધરતીના કોઈ હિસ્સા સામે આંગળી ચીંધીને ‘આ રણ છે’ તેવું સ્પષ્ટ રીતે કહી શકાય તેવું સહેલું પણ ક્યાં હોય છે! કચ્છનું રણ સૂરજના પ્રખર તાપમાં આખો દિવસ ધખે અને રાતે ઠંડુંગાર થઈ જાય. કચ્છના લોકો તો મજાકમાં કહે પણ ખરા કે પહેલી રાતે માણસ ખાટલા પર સૂએ ત્યારે માણસ લાંબો હોય અને ખાટલો ટૂંકો, પણ રણપ્રદેશમાં રાતે જેમજેમ ઠંડી વધતી જાય તેમતેમ માણસ ટૂંટિયું વાળતો-વાળતો) ટૂંકો થઈ જાય અને ખાટલો મોટો થાય!
કદાચ રણ પહેલી વાર કચ્છના કાળા ડુંગર પરથી જોયું હતું. પછી તો આકાશવાણી માટે કચ્છ-પાકિસ્તાનની સરહદ પર ફરજ બજાવતા બી.એસ.એફ.ના જવાનો વિશે રેડિયોરૂપક લખવા માટે સીમાની છેક છેલ્લી છાવણી સુધી ગયો ત્યારે રણને સોંસરવું પાર કર્યું હતું. એક વાર બન્ની જવાનું થયું, ત્યાંથી પાછળથી રણમહોત્સવને લીધે સુપ્રસિદ્ધ થયેલા કચ્છના શ્વેત-રણને જોવાનો લાભ પણ મળ્યો હતો.
દરિયો ‘જોવા’ની જેમ જોયો તે પહેલાં સ્વ. ગુણવંતરાય આચાર્યની અને ચંદ્રશંકર બુચ ‘સુકાની’ની સાગરકથાઓમાં વાંચ્યો હતો. કચ્છના વતનીને રણ અને દરિયાની નવાઈ ન જ હોય – છતાં લાગે છે કે દરિયાકાંઠે ઊભા રહીને જોયેલો દરિયો – દરિયા વિશેનો જરાસરખો પણ અનુભવ કરાવતો નથી. દરિયાને સામી છાતીએ ખેડતા દરિયાખેડૂઓ પણ તેઓ દરિયાને ‘જાણી’ શક્યા છે તેવો દાવો કરી શકે નહીં. ગેબ્રિયલ ગાર્સિયા માર્ક્વેઝ નામના મહાન સાહિત્યસર્જક નાનકડા હતા ત્યારે એમના નાનાજી એમને સમુદ્ર પાસે લઈ ગયા. સમુદ્રની અફાટ જળરાશિ જોઈને બાળમાર્ક્વેઝે નાનાજીને પૂછ્યું હતું કે દરિયાના સામે કાંઠે શું આવેલું હશે? નાનાજીએ જવાબ આપ્યો હતો: દરિયાના સામા કાંઠે દરિયા સિવાય બીજું કશું આવેલું હોતું નથી. દરિયાના સામા કાંઠે કોઈ કિનારો હોતો નથી.” દરિયો માત્ર દરિયો જ હોય છે એનો કોઈ અંત હોતો નથી.
હું એક વાર ગોવાના એક બીચ પર ઊભો હતો. અસ્ત પામતો સૂરજ સમુદ્રજળને અડકવાની તૈયારીમાં હતો. દરિયાની વચ્ચે ચકચકિત લાંબો પટ્ટો દેખાતો હતો. તે ક્ષણે મને એકાએક લાગ્યું કે દરિયો – આ બાજુ અને પેલી બાજુ – બે ભાગમાં વહેંચાઈ ગયો છે. થયું હતું – દરિયાની આ બાજુ શું આવેલું છે તે તો હું જાણું છું, પણ દરિયામાં દેખાતા સૂરજની પેલી તરફ શું આવેલું છે તેની તો મને ક્યારેય ખબર પડવાની જ નથી. તે અનુભૂતિ પરથી મેં ‘સૂરજની પાર દરિયો’ નામની લઘુનવલ લખી હતી.
નાનપણમાં ઘણા ડુંગરો પર રખડવાનું બન્યું હતું. તે ઉંમરે જે ડુંગરો ઊંચા પહાડો જેવા ભાસતા તે મોટા થયા પછી ટેકરી જેવડા બની ગયા હતા. મને આરંભમાં પહાડો વિશેની અનુભૂતિ નિર્મલ વર્માની હિન્દી નવલકથા ‘લાલ ટીન કી છત’ વાંચતાં થઈ હતી. હું ૧૯૯૩માં ચંડીગઢ ગયો તે વખતે હિમાચલ પ્રદેશના પહાડોમાં વારંવાર ફરવાનું બન્યું ત્યારે પહાડો વિશેની અનુભૂતિ જાતઅનુભવમાં પલટાઈ હતી. ઘણા પહાડો જિંદગીમાં આવ્યા. ઊટીના પહાડોએ મને ‘ પલાશવન’ નવલકથા આપી. ડલહાઉસીના ગિરિમથક પર થોડા દિવસો રહેવાનું થયું તો તેના પરથી ‘અહીં સુધીનું આકાશ’ નવલકથા લખી શક્યો.
પહાડો ચઢતાં-ઊતરતાં સમજાયું હતું કે રણ અને દરિયામાં દેખીતા વળાંક જેવું કશું હોતું નથી – જ્યારે પહાડોમાં તો ક્ષણેક્ષણે વળાંકો જ આવેલા હોય છે. પહાડો પોતાની ભીતર અનેક રહસ્યો છુપાવી રાખે છે. દરેક નવા વળાંક પછી જોવા મળતાં નવાં અને જુદાં દ્રશ્યો જાણે પહાડોનાં રહસ્યો હોય છે. રણ અને દરિયામાં આપણે પાડેલી બૂમ વિખેરાઈ જાય છે, જ્યારે પહાડ પર પાડેલી બૂમ પડઘો બની જાય .છે
પછી એક ઉંમર એવી આવે છે જ્યારે માણસે બૂમોની વચ્ચે નહીં પણ પડઘાઓની સાથે જીવવું પડે છે. તે પડઘા સ્મૃતિઓના હોય છે. તે વખતે માણસ પોતાના જીવન દરમિયાન જે રણોમાંથી પોતે પસાર થયો ,છે હોય જે દરિયા તેણે ખેડ્યા હોય છે, પહાડોના વળાંકેવળાંકે તેણે નવાં રહસ્યો ઉકેલવાની મથામણ કરી હોય છે – તે બધું જ તેની સ્મૃતિમાં જાગવા લાગે છે. કોઈ જગ્યાએ સૂરજ નમવાની તૈયારી થઈ ચૂકી હોય છે અને છેવાડાની પાળી પર બેઠેલા માણસને ખબર હોતી નથી કે અસ્ત પામી રહેલા સૂરજના ચકચકિત પટ્ટાની પાછળ શું આવેલું હશે!
***
શ્રી વીનેશ અંતાણીનું વીજાણુ સંપર્ક સરનામું: vinesh_antani@hotmail.com