ગુપ્ત પાષાણ ઉદ્યાન

Facebooktwitterredditpinterestlinkedinmail

રૂપાંતરકાર – સુરેશ જાની

નેક ચંદ સૈની! તમે એક ભેજાંગેપ જણ હતા. હાલ પાકિસ્તાનના ગુરદાસપુર જિલ્લામાં આવેલા શકર ગઢમાં તમે ૧૯૨૪ની સાલમાં જન્મ્યા હતા. ૧૯૪૭ માં ભાગલા બાદ તમારાં માવતર સાથે તમે ચંદીગઢ ખાતે સ્થળાંતર કર્યું. જીવન સંઘર્ષ માટે જાતજાતની કામગીરીઓ કરતાં કરતાં, છેવટે તમે ૧૯૫૧ ની સાલમાં પંજાબ/ હરિયાણાના નવા બની રહેલા પાટનગર ચંદીગઢમાં, સરકારી રોડ ઈન્સ્પેક્ટર તરીકે જોડાયા હતા. ધીમે ધીમે તમે તમારા કામથી માહેર થતા ગયા, પણ તમારી અંદર બેઠેલો કલાકાર કાંઈક કલાત્મક શોખની તલાશમાં સતત રહેતો હતો.

૨૦૧૫ની સાલમાં આ ફાની દુનિયાનો ત્યાગ કરીને તમે લાંબી યાત્રાએ નીકળી પડ્યા છો, પણ છેક ૧૯૫૭ ની સાલમાં તમે કોઈ આશય વિના કરેલી એક નાનકડી સફરે તમારું નામ વિશ્વ ભરમાં રોશન કરી દીધું હતું.

૧૯૫૭

તમારી નિમણૂંક ચંદીગઢ ખાતે થઈ છે. આમ તો તમે સરકારી સેવામાં સ્થાયી બની ગયા છો, પણ તમારા અફલાતૂન ભેજાંને એ જીવનથી સંતોષ નથી. તમે એક રવિવારે સાયકલ પર ચંદીગઢના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ‘સુખના’ તળાવની ઉત્તર બાજુએ અવાવરૂ અને ઊંચાણ પર આવેલા જંગલ વિસ્તારમાં ખાલી સમય પસાર કરવા નીકળ્યા છો. આ જગ્યા સરકાર દ્વારા પૂર્ણ રીતે આરક્ષિત છે. અહીં કોઈ પણ વિકાસ કામ પર મનાઈ છે. ચંડીગઢ શહેરની ઉત્તર પૂર્વ બાજુના આ વિસ્તારનું પ્રાકૃતિક સૌંદર્ય શહેરીકરણની પ્રક્રિયાથી બચે, એ ઉદ્દેશ એ સરકારી હુકમ પાછળ છે.

ત્યાં કાચા રસ્તાની બાજુમાં તમારી નજર એક ઊંડા કોતર તરફ જાય છે. એક બાજુથી એમાં એક નાનકડા ઝરાનું પાણી ધોધ રૂપે પડી રહ્યું છે, અને નાનકડી તળાવડી બનીને બીજી એક દિશામાં આવેલી ઊંડી ફાટમાંથી રસ્તો કરીને સુખના તળાવમાં ઠલવાઈ રહ્યું છે.

તમારી સાયકલ રસ્તાની બાજુમાં પાર્ક કરીને તમે એ કોતરમાં ગરકી જાઓ છો. જેમ જેમ તમે નીચે ને નીચે જતા જાઓ છો, તેમ તેમ દૃશ્ય વધારે ને વધારે રમણીય બનવા લાગે છે. તમે છેક નીચે એ તળાવડીના કિનારે મુગ્ધ બનીને બેસી જ પડો છો. કોઈ માણસનો પગ ત્યાં પડ્યો હોય તેવા કોઈ સગડ ત્યાં નથી. આ સાવ નિર્જન જગ્યાનું સૌંદર્ય તમારું મન મોહી લે છે. કોઈક અકળ પળે તમારા મનમાં એક ઝબકાર થાય છે; એક તરોતાજા, નવો નક્કોર સંકલ્પ જન્મ લે છે –

અહીં હું મારી કળા અજમાવીશસૌથી છાની.’

એ સંકલ્પ તમને એક સાવ સામાન્ય માનવીમાંથી વિશિષ્ઠ અને જગપ્રસિદ્ધ પ્રતિભામાં પરિવર્તિત કરવાનો છે. તમારા ભેજામાં સ્ફૂરેલો એ ફળદ્રુપ વિચાર ચંડીગઢને એક મહાન સર્જનની બક્ષિસ આપવાનો છે. ભાવિના ગર્ભમાં સૂતેલા એ સુભગ ભવિતવ્યનાં બારણાં તમારા આ શુભ સંકલ્પે ફટ્ટાબાર ખોલી દીધાં છે.

હવે આખા ચંડીગઢમાં ફરતાં ફરતાં તમે જાત જાતના કચરા ભેગા કરવા લાગો છો – તોડફોડ કરતાં પડી રહેલા, કાટ ખાતા, વાંકા ચૂંકા લોખંડના સળિયા, નવા શહેરનું બાંધકામ કરવા તોડી પડાયેલા જૂના ગામડાંઓના ઘરોના અવશેષો, જાતજાતના રંગ, આકાર અને કદના પથ્થરો, ટૂટેલા ટાઈલ્સના ટૂકડાઓ અને એવું બધું જ તો! શનિ -રવિના સમયમાં, નાના બાળકે એકઠી કરી હોય તેવી, આ બધી ‘સોગાત’(!) તમારી સપન ભોમકામાં તમારી જીવનસાથી જેવી સાયકલ પર લાદીને તમે ખસેડવા માંડો છો. એને જાતજાતનાં આકારોમાં ગોઠવી, ગાંઠનાં ગોપીચંદન કરી ખરીદેલા સિમેન્ટ વાપરીને તમે અવનવાં શિલ્પો બનાવવા માંડો છો. તમારાં કુટુમ્બી જનો તમારી આ હરકત ઉદાર દિલથી ખમી ખાય છે.

તમને કોઈ જાતનું કળાનું શિક્ષણ આ તેત્રીસ વર્ષમાં મળ્યું નથી. પણ કોઠા સૂઝથી તમારી અંદર રહેલો કલાકાર વાસંતી ફાગની કની મ્હોરવા લાગે છે. તમારી આ ઊભરી રહેલી કળા, કૌશલ્ય અને મહેનત તમે દિલ દઈને આ ઉદ્યાનમાં ઠાલવતા રહો છો. આમ ધીમે ધીમે તમારો એ ગુપ્ત પાષાણ ઉદ્યાનઅવનવા આકાર લેવા માંડે છે. સરકાર દ્વારા આરક્ષિત આ વિસ્તારમાં બીજું કોઈ પગ પણ મુકવાની હિમ્મત કરતું નથી. એના કારણે તમારું આ સર્જન ઓગણીસ ઓગણીસ વર્ષ ગોપિત રહી શકે છે. માત્ર તમારા કુટુમ્બીજનોને તમે અવાર નવાર આ ઉદ્યાનાની સહેલ કરાવતા રહો છો. તમારો દીકરો અનુજ પણ મોટો થતાં તમારા આ શોખ અને ભેખમાં તમને મદદ કરાવવા લાગે છે.

૧૯૭૬

ઓગણીસ ઓગણીસ છાનું રાખેલું તમારું આ કામ છેવટે સરકારી ઇન્સ્પેક્ટરોના ધ્યાન પર આવે છે. તમારા આ ગેરકાનૂની ભેલાણ માટે તમને શિક્ષા કેમ ન કરવી? – તેનું કારણ દર્શાવવા નોટિસ ફટકારવામાં આવે છે. તમારી આ સપન ભોમકાને બુલડોઝર વડે તહસ નહસ કરી નાંખવા સરકારી હુકમો વહેતા થાય છે.

નેકચંદ ! તમારો કલાકાર આત્મા આ હાદસાથી કકળી ઊઠે છે. બાવન વર્ષની ઉમરે તમારી પણ થોડીક વગ છે જ. તમે મિત્રોનો સહારો લઈ , સ્થાનિક અખબારોની સહાયથી આ સરકારી અસહિષ્ણુતા સામે બગાવનો બુંગિયો ફૂંકો છો.

છેવટે ઊભરી રહેલા પ્રજામતને માન આપવા, પંજાબના શહેરી વિકાસ ખાતાના પ્રધાન અને ચંડીગઢના મેયર તમારા ગુપ્ત ઉદ્યાનની મુલાકાત લે છે. પહેલી જ નજરે એ બન્ને મહાનુભાવો અને તેમની સાથેના અધિકારીઓ તમારી આ સાધના પર ઓવારી જાય છે અને’ જંગલમાં મંગલ’ જેવા તમારા રોક ગાર્ડનના પ્રેમમાં પડી જાય છે. બધા નકારાત્મક સરકારી હુકમો પાછા ખેંચવામાં આવે છે. એક જ મહિનો અને ખાસ સરકારી કાયદા વડે તમારા આ બાળકને ચંડીગઢ મ્યુનિ. દ્વારા દત્તક લેવામાં આવે છે. બઢતી સાથે તમારી નિમણૂંક આ પાષાણ ઉદ્યાનના ક્યુરેટર તરીક કરવામાં આવે છે. મસ મોટું સરકારી બજેટ પણ થોડાક જ મહિનાઓમાં પસાર થાય છે. હવે ચાળીસ માણસોની સેના તમારો હુકમ પાળવા ખડે પગે તમારી સાથે છે.

તમારો બાગ હવેબાગબાગબનવા લાગે છે.

૨૦૧૬

ચાળીસ વર્ષ પછી…

સ્વ. નેકચંદ સૈનીએ ગુપ્ત રીતે સર્જેલ એ પાષાણ ઉધ્યાન ચંડીગઢનું ઘરેણું બની ગયો છે. હવે તે ચાળીસ એકર વિસ્તારમાં પથરાયેલો છે. ભારત તેમ જ વિદેશથી પ્રતિવર્ષ ૨.૫ લાખ કરતાં વધુ લોકો અહીં આ કલાકૃતિ જોવા આવે છે, જેની ટિકિટોના વેચાણથી આશરે રૂપિયા ૧.૮ કરોડની વાર્ષિક આવક થાય છે.

ભારત સરકારે પણ નેકચંદના આ નેક ભેખની કદર કરી છે, અને નીચેની ટપાલ ટિકિટ એમની યાદમાં બહાર પાડી છે.

વિડિયો


નેક ચંદની વેબ સાઈટ

http://nekchand.com/

સંદર્ભ

https://en.wikipedia.org/wiki/Nek_Chand

https://en.wikipedia.org/wiki/Rock_Garden_of_Chandigarh

http://nekchand.com/about-nek-chand-0

https://gu.wikipedia.org/wiki/%E0%AA%B0%E0%AB%8B%E0%AA%95_%E0%AA%97%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A1%E0%AA%A8

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=165091


તેમના અવસાન પ્રસંગે ’મુંબાઈ સમાચાર’ માં પ્રગટ થયેલ અહેવાલ …..

ચંડીગઢ: વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને પોતાની અનોખી કલાકૃતિઓ વડે લોકોને દંગ કરનારા અને અહીંના પ્રતિષ્ઠિત રૉક ગાર્ડનનું નિર્માણ કરનારા નેક ચંદનું હાર્ટ એટેકને લીધે શુક્રવારે ચંડીગઢની એ હૉસ્પિટલમાં નિધન થયું હતું. તે ૯૦ વર્ષના હતા.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, તે બીમાર હતા અને છેલ્લા અમુક દિવસોથી ચંડીગઢની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ થયેલા હતા. એમને ગુરુવારે સાંજે પીજીઆઇએમઇઆરમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં હાર્ટ એટેકનો હુમલો આવતાં મધરાતે એમનું નિધન થયું હતું. કેન્દ્રશાસિત પ્રદેશ ચંડીગઢ પ્રશાસને શુક્રવારે પોતાનાં કાર્યાલયોમાં રજા જાહેર કરી હતી.

ચંડીગઢના વધારાના ગૃહ સચિવ એસ. બી. દીપક કુમારે જણાવ્યું હતું કે, એમનું પાર્થિવ શરીર શુક્રવારે રૉક ગાર્ડનમાં રાખવામાં આવશે, જેથી લોકો એમનાં અંતિમ દર્શન કરી શકે. એમણે વધુમાં કહ્યું હતું કે, એમના પરિવારના સભ્યો એમનાં દીકરી વિદેશથી આવવાની રાહ જોઇ રહ્યા છે. એમનો અંતિમ સંસ્કાર શનિવારે કરવામાં આવશે. ચંડીગઢ પ્રશાસન અને શહેરીજનોએ પદ્મશ્રી પુરસ્કૃત નેક ચંદનો ગયા વર્ષે ૧૫ ડિસેમ્બરના રોજ ૯૦મો જન્મદિવસ ઊજવ્યો હતો.

નેક ચંદે રૉક ગાર્ડનમાં ચીની માટીનાં તૂટેલાં વાસણો, વીજળીનો સામાન, તૂટેલી બંગડીઓ, સ્નાનઘરની ટાઇલ્સો, વૉશ બેસિન અને સાઇકલની ફ્રેમ જેવા બેકાર સામાનનો ઉપયોગ કરીને પુરુષો, મહિલા, જાનવરો અને ભગવાનની મૂર્તિઓ બનાવી છે. આ ગાર્ડનનું ઉદ્ઘાટન ૧૯૭૬માં થયું હતું. નેક ચંદની અનોખી કલાને વૉશિંગટનના નેશનલ ચિલ્ડ્રન્સ મ્યુઝિયમ સહિત વિદેશમાં કેટલાંય સંગ્રહાલયોમાં પ્રદર્શિત કરવામાં આવી છે.


શ્રી સુરેશભાઈ જાનીનાં સંપર્કસૂત્રઃ

· નેટજગતનું સરનામું: ‘ગદ્યસૂર’ અને ‘કાવ્યસૂર’નો સમન્વય – સૂરસાધના

· ઇ-પત્રવ્યવહારનું સરનામું: sbjani2006@gmail.com

5 comments for “ગુપ્ત પાષાણ ઉદ્યાન

 1. June 25, 2017 at 11:21 pm

  આ કથા શી રીતે મળી – એની પાછળની પણ એક મજાની કથા છે. મારી દીકરીના દીકરાની, ગયા વર્ષની જૂની ચોપડીઓ અને નહીં વપરાતી થોડી વિડિયો ગેમ ‘અડધી કિમ્મતની ચોપડીઓ/ માટેની દુકાનમાં પાછી આપવા અમે ગયા હતા. ત્યાં અમારો વારો આવે, તેની રાહ જોતાં અમે બેઠા હતા, ત્યારે બાજુના ટેબલ પર એક સરસ છપાઈ વાળી, પાકા પુંઠાની અને ભારે કિમ્મતની એક ચોપડી પર સમય પસાર કરવા નજર ગઈ. શિર્ષક પર ‘નેક ચંદ નો રોક ગાર્ડન’ લખેલું જોઈ ભારતેનું કાંઈક લાગે છે, તેમ લાગતાં વધારે રસ પડ્યો. પાનાં ઉથલાવતાં આ અદભૂત કથાની પ્રારંભિક માહિતી મળી. ઘેર આવીને ઈંન્ટરનેટ પર ખાંખાં ખોળાં કરતાં ઘણી બધી સામગ્રી હાથવગી થઈ ગઈ. અને મારા સંઘેડા પરથી આ વાર્તાનો જન્મ થયો !

  અમેરિકા જેવા દેશમાં પણ ભારતના અણમોલ મોતી જેવા અને નેક માણસ નેક ચંદ સૈની આવી કદર થતી જોઈ, ભારતીય દિલ ખુશખુશાલ બની ગયું.

 2. June 26, 2017 at 2:08 am

  amazing story behind the rock garden! I have that stamp for some 25 years now.

 3. samir dholakia
  June 26, 2017 at 2:12 pm

  Amazing story of a genius who had guts and determination to implement his vision and how !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *