સચિન દેવ બર્મન અને તલત મહમૂદ

Facebooktwitterredditpinterestlinkedinmail

સંકલન અને રજૂઆતઃ અશોક વૈષ્ણવ

ડાબેથી: બિમલ રોય, તલત મહમૂદ, મોહમ્મદ રફી અને એસ ડી બર્મન – ‘સુજાતા’નાં રેકર્ડીંગ સમયે

૧૯૫૧ પહેલાંની ફિલ્મોમાં એસ ડી બર્મન જૂદા કલાકારો માટે જૂદા જૂદા ગાયકોનો પ્રયોગ કરતા જોવા મળે છે. જેમ કે ૧૯૪૭ ની ‘દિલકી રાની’ અને ૧૯૫૦ની ‘પ્યાર’ માં રાજ કપૂર માટે કિશોર કુમાર, ૧૯૪૮ની ‘વિદ્યા’ અને ૧૯૫૧ની ‘બાઝી’માં દેવ આનંદ માટે અનુક્રમે મૂકેશ અને કિશોર કુમાર તો ૧૯૪૯ની ‘શબનમ’માં દિલીપ કુમાર માટે મૂકેશ.

સમાંતરે તલત મહમૂદની કારકીર્દી પર નજર કરીએ,છેક ૧૯૪૧માં બિન ફિલ્મી ગીતો કે કલકત્તામાં ૧૯૪૫માં ફિલ્મોનાં ગીતોથી શરૂ થયેલ કારકદીમાં તસવીર તેરી દિલ મેરા બહલા ન સકેગી જેવાં ગીતોથી તલત મહમૂદ પોતાનું આગવું સ્થાન ઊભું કરી ચૂક્યા હતા. પણ તેમને લોકપ્રિયતાનું અદકેરું સ્થાન મળ્યું ૧૯૫૦ની ફિલ્મ ‘આરઝૂ’નાં અય દિલ મુઝે ઐસી જગ લે ચલ થી.આ ગીતે તલત મહમૂદને કેટલાક સમય માટે દેવ આનંદ તેમ જ દિલીપ કુમારના સ્વર તરીકે સ્થાન પણ અપાવ્યું હતું. એ પછીના વિવિધ પ્રવાહોને કારણે લગભગ ભારતની ૧૨ ભાષાઓમાં ૭૪૭ ગીતોમાં પ્રસરેલી તલત મહમૂદની કારકીર્દીની વિગતો સુજ્ઞ ભાવકોને જાણ હશે જ.

ગીતના ગાયક તરીકે પોતાની પસંદગીની બાબતમાં એસ ડી બર્મન માટે તેમની ધૂનની માંગ મહત્ત્વનું પરિબળ મનાતું રહ્યું છે. વાણિજ્યિક પ્રભાવોની અસરને બાજૂમાં રાખીને જોઈએ, તો જે કોઇ ગાયકનો તેમણે બહુ પસંદગી પ્રમાણે ઉપયોગ કર્યો છે એ ગાયકનાં ગીતો, સંખ્યાની દૃષ્ટિએ ઓછાં રહેવાં છતાં, સમગ્ર ફિલ્મ સંગીત વિશ્વમાં સદાબહાર સ્થાન મેળવી ચૂક્યાં છે. એસ ડી બર્મન – તલત મહમૂદ સાયુજ્ય પણ આ પ્રવાહને જ અનુસરે છે.

એસ ડી બર્મનની સંગીત શૈલીમાં બંગાળી સંસ્કૃતિની સૌમ્યતા અને સંગીતની અસરનું પ્રાધાન્ય રહ્યું હતું એ દૃષ્ટિએ ગાયકીની મૂળભૂત મૃદુતાને કારણે તલત મહમૂદનું સ્થાન બહુ આગળ પડતું રહેવું જોઈએ એમ માનવા પ્રેરાવું અસ્થાને ન કહી શકાય. પરંતુ આંકડાઓ કંઇક જૂદું જ ચિત્ર રજૂ કરે છે. એસ ડી બર્મનની તલત મહમૂદ સાથેની ભાગીદારીનું ખાતું ૧૯૫૧થી ખૂલે છે અને ૧૯૫૯માં બંધ થઈ જાય છે. આ વર્ષો દરમ્યાન એસ ડી બર્મને, માત્ર ૧૧ ફિલ્મોમાં જ તલત મહમૂદ સાથે કામ કર્યું, જેના પરિપાક રૂપે તલત મહમૂદનાં ૧૦ સૉલો અને ૪ યુગલ ગીતો હિંદી ફિલ્મ સંગીત જગતને મળ્યાં.

એસ ડી બર્મનની ૧૯૫૧માં છ ફિલ્મો આવી, પણ તેમાં તલત મહમૂદનાં ગીતોને ચાર ફિલ્મોમાં સ્થાન મળ્યું.

આ જા આ જા તેરા ઈન્તઝાર હૈ, તુઝે ઢૂંઢ રહા મેરા પ્યાર હૈ

– સઝા (૧૯૫૧) – લતા મંગેશકર સાથે – ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ -પરદા પર પુરુષ કલાકાર: દેવ આનંદ

આ ફિલ્મનાં હેમંતકુમાર- સંધ્યા મુખર્જીનાં યુગલ ગીત આ ગુપ ચુપ પ્યાર કરેં જેટલું પ્રસ્તુત ગીત કદાચ જલદી યાદ ન આવે. હેમંત-સંધ્યાનાં યુગલ ગીત જેટલું જ તલત-લતાનું આ યુગલ ગીત પણ તેમનાં ઉત્કૃષ્ટ યુગલ ગીતોમાંનું એક ગણાય છે.

 

લૂટા દે અપની ખુશી ખુશી કે અય દિલ યે કિસ્મત હૈ ઈશારા
કે તેરી નૈયા કે ડુબને સે જિસી કિ મિલ જાયેગા કિનારા…..
યે આંસુ ખૂશી કે આંસુ હૈ…દિલ ખુશીકે મારે રોતા હૈ
યે કિસીકી ખાતર બહતા હૈ…વો આંસુ મોતી હોતા હૈ જો કિસીકી ખાતીર….

– એક નઝર (૧૯૫૧) – તલત મહમૂદ (સૉલો) – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ – પરદા પર પુરુષ કલાકાર: કરણ દિવાન

ફિલ્મમાં પુરુષ સ્વરમાં બીજાં બે ગીત છે – એક છે મોહમ્મદ રફી-લતાનું યુગલ ગીત જે પરદા પર ફિલ્મના નાયક રહેમાન અને નલીની જયવંત પર ફિલ્માવાયું છે અને બીજું છે કિશોર કુમારના સ્વરમાં ગવાયેલું, જે ગોપ પર ફિલ્માવાયું છે. ત્રણે ત્રણ ગીત અલગ અલગ ભાવનાં છે અને ત્રણે ત્રણ ગીતની પોતપોતાની ખૂબીઓ છે, જેમાંની કેટલીક ખૂબીઓ ગાયકના સ્વરની ખાસીયત સાથે સંકળાયેલ છે. પ્રસ્તુત ગીતમાં વણાયેલું સ્વાભાવિક દર્દ તલત મહમૂદના સ્વરમાં આપણાં દિલને સ્પર્શી જાય છે.

 

ડર લાગે દુનીયા સે… બલમા ઉલ્ફત ના બને અફસાના
ગ઼મ ક્યું હો, ગ઼મ ક્યું હો..તેરે સાથ તેરા દિવાના

– બૂઝદિલ (૧૯૫૧) – લતા મંગેશકર સાથે – ગીતકાર: કૈફી આઝમી – પરદા પર પુરુષ કલાકાર: પ્રેમનાથ

પ્રેમનાથની કારકીર્દીની શરૂઆત એ-ગ્રેડની ફિલ્મોના નાયક તરીકે થઇ હતી.રોમેન્ટીક સૉલો કે યુગલ ગીતો ગાવાનું તેમને ભાગે આવતું અને લગભગ એ બધાં જ ગીતો યાદગાર ગીતોની કક્ષાનાં પણ રહેતાં, જેમકે પ્રસ્તુત ગીત. તલત-લતાનાં અન્ય કોઈ પણ ઉત્કૃષ્ટ રોમેન્ટીક યુગલ ગીતની બરોબરીમાં ઊભું રહે એવું આ ગીત આજે પણ સાંભળવું એટલું જ ગમે છે.

 

અય ઝીંદગી કે રાહી હિમ્મત ન હાર જાના, બીતેગી રાત ગ઼મકી બદલેગા યે ઝમાના

– બહાર (૧૯૫૧) – તલત મહમૂદ સૉલો ગીત – ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ – બેકગ્રાઉન્ડમાં ગવાતું ગીત

ફિલ્મના પરદા પરના કલાકારની મુંઝવણના સમયે તેને સધિયારો મળે તેવા વિચારો કલાકારના મનમાં ચાલી રહ્યા છે તેવી સ્થિતિ ફિલ્મમાં પરદા પર સમજાવવા માટે બેકગ્રાઉન્ડમાં ગવાતાં ગીતો એક બહુ જ મહત્ત્વનો પ્રકાર રહ્યો છે.

‘બહાર’ મૂળ તો તમિલમાં બની હતી. એકથી વધારે ભાષામાં ફિલ્મ બનાવવાનું ચલણ પણ ફિલ્મ જગત માટે નવું નહોતું. પ્રસ્તુત ફિલ્મનું અન્યથા મહત્ત્વ એ છે કે વૈજયંતિમાલાની એ સૌથી પહેલી હિન્દી ફિલ્મ હતી.

૧૯૫૨માં એસ ડી બર્મનની બે ફિલ્મો આવી હતી. તેમાં ‘જાલ’માં દેવ આનંદ અને ‘લાલ કુંવર’માં (દિલીપ કુમારના નાના ભાઈ) નાસીર ખાન નાયકની ભૂમિકામાં હતા. ‘સચિન દેવ બર્મન અને હેમંત કુમાર’ લેખમાં જોયું હતું તેમ ‘જાલ’માં દેવ આનંદ માટે એસ ડી બર્મને હેમંત કુમારના સ્વરનો પ્રયોગ કર્યો હતો. ‘લાલ કુંવર’માં તો પુરુષ સ્વરનો જ ઉપયોગ નહોતો કરાયો.

 

એ પછી ૧૯૫૩માં સચિન દેવ બર્મનની ચાર ફિલ્મો આવી.

ભરમ તેરી વફાઓ કા મિટા દેતે તો ક્યા હોતા

તેરે ચેહરે સે હમ પરદા, ઊઠા દેતે તો ક્યા હોતા

– અરમાન (૧૯૫૩) – તલત મહમૂદ (સૉલો) – ગીતકાર: સાહિર લુધ્યાનવી – પરદા પર પુરુષ કલાકાર: દેવ આનંદ

તલત મહમૂદનાં ગીતોમાં બહુ ઓછાં સાંભળવા મળતાં ગીતો પૈકી એક ગીત.

ચાહે જિતના મુઝે તુમ બુલાઓગે, નહીં બોલુંગી

બોલ ન બોલ અય જાનેવાલે, સુન તો લે દિવાનોકી..
અબ નહીં દેખી જાતી હમસે યે હાલત અરમાનોકી

– અરમાન (૧૯૫૩) – આશા ભોસલે સાથે – ગીતકાર: સાહિર લુધ્યાનવી – પરદા પર પુરુષ કલાકાર: દેવ આનંદ

ગીતનો મુખડો આશા ભોસલેના સ્વરમાં છે જે તેમણે ગાયેલાં સૉલો વર્ઝનમાં પણ છે. અંતરામાં નાયક પોતાના પ્રતિભાવ જણાવે છે. અહીં પણ સાહિર લુધ્યાનવી કવિ તરીકે પૂરેપૂરા નીખર્યા છે.

 

જગ મે આયે કોઈ કોઈ જાયે રે

– બાબલા (૧૯૫૩) – તલત મહમૂદ (સૉલો) – ગીતકાર: સાહિર લુધ્યાનવી – પરદા પર પુરુષ કલાકાર: ગીત માત્ર ઑડીયો સ્વરૂપે જ મળેલ છે એટલે પરદા પર કોણે ગાયું હશે તે નથી જાણી શકાયું.

પ્રમાણમાં ઓછું જાણીતું ગીત. અંતરાની રજૂઆત તો કાવ્યપઠનની શૈલીમાં કરાયેલ છે. શબ્દોના ભાવ અને ગાયકી દ્વારા તેની કરાવાતી અનુભૂતિ એ બન્નેને તલત મહમૂદ સ્વાભાવિકપણે જ પૂરો ન્યાય કરે છે.

 

નાઝો કે પલે કાંટો પે ચલે ઐસા ભી જહાંમેં હોતા હૈ

તક઼દીર કે ઝાલીમ હાથોં સે દિલ ખૂન કે આંસુ રોતા હૈ

-શહેનશાહ (૧૯૫૩) – તલત મહમૂદ (સૉલો) – ગીતકાર: સાહિર લુધ્યાનવી – પરદા પર પુરુષ ગાયક: રંજન

‘શહેનશાહ’ કોસ્ચ્યુમ ડ્રામા તરીકે ઓળખાતા પ્રકારની ફિલ્મ છે. કંઇક દ્રુત લયમાં ગીતની સજાવટના એસ ડી બર્મનના પ્રયોગને તલત મહમૂદે ભલીભાંતી રજૂ કરેલ છે.

૧૯૫૪માં પણ સચિન દેવ બર્મનની ચાર ફિલ્મો આવી. જેમાંની એક ફિલ્મ નાયિકા પ્રધાન હતી. બીજી ફિલ્મ કામિની કૌશલે ખુદ નિર્માણ કરી હતી પણ મહદ અંશે નાયિકા પ્રધાન જ કહી શકાય. એમાં પુરુષ અવાજમાં એક જ ગીત હતું, જે કિશોર કુમારે લતા મંગેશકર સાથે તોફાની અંદાજમાં ગાયું હતું. એ સિવાયની બન્ને ફિલ્મોનાં તલત મહમૂદને ફાળે આવેલાં ગીતો અનોખી ભાત ચીતરે છે.

 

તેરે સાથે ચલ રહે હૈં યે જમીં ચાંદ તારે

યે જમીં ચાંદ તારે તેરી એક નજ઼ર પે વારે

– અંગારે (૧૯૫૪) – લતા મંગેશકર સાથે – ગીતકાર: પી એલ સંતોષી – પરદા પર: નાસીરખાન સાથે નરગીસ

વિરહ પછી મિલનની આવી રહેલી ઘડીઓની ઉત્સુકતા ગીતમાંથી છલકે છે.

 

ડૂબ ગયે આકાશ કે તારે, જાકે તુમ ના યે

તકતે તકતે નૈના હારે, જાકે તુમ ન આયે

– અંગારે (૧૯૫૪) – તલત મહમૂદ (સૉલો) – ગીતકાર: પી એલ સંતોષી – પરદા પર કલાકાર: નાસીર ખાન

પ્રિયતમા સાથે મળવાનું હતું, પણ રાહ જોતાં જોતાં હવે ઊંડે ઊંડે મનમાં ગુસ્સો ઘુંટાય છે.ગીતમાં દર્દ સાથે આ ગુસ્સાના ભાવને તલત મહમૂદે બખૂબી રજૂ કરેલ છે.

 

૧૯૫૪ની ‘ટેક્ષી ડ્રાઈવર’ ક્લાસ અને માસ બન્નેની દૃષ્ટિએ સફળ રહી હતી. ફિલ્મનાં લતા મંગેશકરનાં કે આશા ભોસલેનાં ગીતો પણ એસ ડી બર્મનની કારકીર્દીનાં સીમાચિહ્ન ગીતોમાં સ્થાન પામે છે.

જાએ તો જાએ કહાં સમજેગા કૌન યહાં દર્દ ભરે દિલકી જુબાં…

-ટેક્ષી ડ્રાઈવર (૧૯૫૪) – તલત મહમૂદ અને લતા મંગેશકરનાં અલગ અલગ સૉલો વર્ઝન – ગીતકાર સાહિર લુધ્યાનવી – પરદા પર કલાકાર દેવ આનંદ

આ ગીત એટલી હદે લોકચાહના પામ્યું હતું કે હવે પછી દેવ આનંદ માટે તલત મહમૂદ જ એક માત્ર પાર્શ્વ ગાયક ન બને તો જ નવાઈ કહેવાય ! એસ ડી બર્મનને પહેલ વહેલો ફિલ્મ ફેર ઍવૉર્ડ પણ આ ગીત માટે જ મળ્યો. અને, તેમ છતાં, હિંદી ફિલ્મ જગતની ફટકિયા નિયતિની કમાલ પણ એ જ રહી કે એસ ડી બર્મનનાં સંગીતમાં તલત મહમૂદના સ્વરમાં, દેવ આનંદ માટે ગવાયેલું આ છેલ્લું ગીત બની રહ્યું!

 

૧૯૫૫ની દિલીપકુમારની ‘દેવદાસ’ તો અનેક દૃષ્ટિએ પડકાર હતી, પરંતુ સંગીતની દૃષ્ટિએ તેની હરિફાઈ સીધી જ આ પહેલાં ૧૯૩૫માં આવેલ કે એલ સાયગલનાં ગીતો સાથે હતી. આવી કપરી સરખામણીમાં પણ ઊણાં ન ઉતરે એવાં પુરુષ સ્વરનાં ગીતો આ ‘દેવદાસ’પાસે ગવડાવવાનાં હતાં

કિસકો ખબર થી કિસકો યકીં થા ઐસે ભી દિન આયેંગે

જીના ભી મુશ્કિલ હોગા ઔર મરને ભી ન પાયેંગે

હાયે…કિસકો ખબર થી

– દેવદાસ (૧૯૫૫) – તલત મહમૂદ (સૉલો)- ગીતકાર સાહિર લુધ્યાનવી – પરદા પર દિલીપ કુમાર

સાહિરે તેમની કવિ તરીકેની બધી જ કાબેલિયત દેવદાસની પ્રેમભગ્ન દશાના મનોચિતારને વર્ણવવામાં કામે લગાડી દીધી છે. ઓછામાં ઓછાં વાદ્યોની સાથે બનાવેલી ધુન અને તલત મહમૂદના અવાજની સ્વાભાવિક માર્દવતા દેવદાસની હતાશા ગીતનાં દર્દને ઘુંટે છે.

 

મીતવા…મીતવા લાગી રે કૈસી યે અનબુઝ આગ…

– દેવદાસ (૧૯૫૫) – તલત મહમૂદ (સૉલો)- ગીતકાર સાહિર લુધ્યાનવી – પરદા પર દિલીપ કુમાર

જેમ જેમ તે ભૂલવા માગે છે તેમ તેમ દિલમાંથી પેલા પ્રેમની યાદ જરા પણ હટવાનું નામ નથી લેતી… જે વ્યક્તિની કોઈ જ કારી કામ નથી આવી રહેતી તેની વ્યથાને શબ્દો દ્વારા તે વ્યક્ત ક્યાંથી કરે ? ગીતની સીચ્યુએશન આદર્શ સીચ્યુએશન છે. પણ જો તેમાં પરંપરાગત સ્વરૂપનું કરૂણ ભાવનું ગીત લખ્યું હોત તો આપણે દેવદાસની એકલતાને સમજી ન શકત ! સાહિરે જેટલા ઓછા શબ્દોથી કામ લીધું છે, એટલા જ ઓછાં વાદ્યો અને લયની મદદથી એસ ડી બર્મને દેવદાસનાં દર્દને બહાર લાવી મૂક્યું છે.અને તેમને તલત મહમૂદ જેવું આદર્શ માધ્ય્મ મળ્યું આ હેતુને બર લાવવામાં…. ગીત પૂરૂં થઈ ગયા પછી આપણે પણ થોડા સમય માટે સુન્ન થઇ જઈએ છીએ.

 

આટઆટલી ઊંચાઈઓ સર કર્યા પછી પણ હવે એસ ડી બર્મન માટે તલત મહમૂદ પસંદગીનો અવાજ નહોતો રહ્યો. ભલે બાહ્ય પરિબળોએ વધારે ભાગ ભજવ્યો હશે, પણ એસ ડી હવે મોહમ્મદ રફી કે કિશોર કુમારના સ્વરમાં જ એમનાં પુરુષ ગીતોની રચના કરતા રહેવા લાગ્યા હતા..

પણ દરેક નિયમને એક અપવાદ તો હોય જ.

જલતે હૈ જિસકે લિયે તેરી આંખો કે દિયે
ઢૂંઢ લાયા હું બહી ગીત મૈં તેરે લિયે

– સુજાતા (૧૯૫૯) – તલત મહમૂદ (સૉલો) – ગીતકાર મજરૂહ સુલ્તાનપુરી – પરદા પર ગાયક સુનીલ દત્ત

કહેવાય છે કે ગીતને પોતાની અપેક્ષા પ્રમાણે ગવડાવવા એસ ડી બર્મન મોહમ્મદ રફી સાથે રિયાઝ પર રિયાઝ કરાવી રહ્યા હતા, પણ વાત જામતી નહોતી. એ સમયના તેમના સહાયક જયદેવે એસ. ડી.ને તલત મહમૂદ માટે સમજાવ્યા. બસ, એ પછી તો ઈતિહાસ જ બની ગયો

સચિન દેવ બર્મન અને તલત મહમૂદનાં સાયુજ્યનાં આ સ્વાન સોંગને તેમનાં સૌથી વધારે લોકચાહના મળેલ ગીત તરીકે સર્વસ્વિકૃતિ મળતી રહી છે.

આડવાત :

તલત મહમૂદને આવી જ બીજી એક તક ૧૯૬૪ની ફિલ્મ ‘જહાં આરા’ વખતે પણ મળી હતી. એ ફિલ્મનાં ગીતો પણ તલત મહમૂદ જ ગાય એ માટે પણ ફિલ્મના સંગીતકાર મદન મોહનનો ખાસ્સો એવો આગ્રહ હતો, અને એ ગીતો પણ તલત મહમૂદનાં અમર ગીતોની યાદીમાં ઇતિહાસને પાને કંડારાઈ ગયાં છે. જોકે તલત મહમૂદની કારકીર્દીને આ ગીતોની અપ્રતિમ સફળતાને કારણે બહુ લાભ ન થયો એ હિંદી ફિલ્મ જગતની નિયતિની વક્ર ખૂબી છે !

સચિન દેવ બર્મનની ગાયકો સાથેની સફરના હવે પછીના મુકામમાં આપણે તેમણે રચેલાં મૂકેશનાં ગીતો સાંભળીશું.

2 comments for “સચિન દેવ બર્મન અને તલત મહમૂદ

 1. Piyush Pandya
  June 24, 2017 at 9:12 am

  અત્યંત રોચક શૈલી, જાણે સામે બેસીને આ વિષયે વાત કરી રહ્યા હો અને વચ્ચે વચ્ચે ગીતો સંભળાવતા જતા હો! આવાં અને આટલાં ગીતો સાંભળીને સવાર સુધરી ગઈ.

  • June 24, 2017 at 1:01 pm

   અને આટલા પ્રોત્સાહજનક પ્રતિભાવથી મારો દિવસ બની ગયો…..

   દિલથી આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *