





નિરંજન મહેતા
માની મમતાની મમતા અને લાગણીને દર્શાવતું એક રૂપ એટલે હાલરડાં. નાના બાળકને સુવડાવવા સદીઓથી આ ગવાય છે. હિન્દી ફિલ્મોમાં પણ કઈ કેટલાય હાલરડાં મૂકાયા છે અને તે બધા પ્રચલિત અને કર્ણપ્રિય બની ગયા છે જેમાના મોટાભાગના હાલરડાં સ્ત્રી કંઠે ગવાયા છે.
પણ આ લેખમાં સ્ત્રી કંઠે ગવાયેલા હાલરડાની વાત નથી. અહી વાત છે પુરૂષ કંઠે ગવાયેલ કેટલાક હાલરડાની જે કર્ણપ્રિય છે અને તો કેટલાક દર્દભર્યા પણ છે.
લગભગ ૮૦ વર્ષ પર ૧૯૪૦મા આવેલ ફિલ્મ ‘ઝીંદગી’નું આ હાલરડું કોણ ભૂલી શકશે?
सो जा राजकुमारी सो जा
सो जा मै बलिहारी सो जा
અમર ગાયક કે.એલ.સાયગલના હલક્ભર્યા કંઠે આ હાલરડું જૂની પેઢી માટે એક અવિસ્મરણીય ગીત છે. કેદાર શર્માના આ ગીતને સંગીત આપ્યું છે પંકજ મલિકે અને પડદા પર છે ખુદ સાયગલસાહેબ.
એક અન્ય અવિસ્મરણીય હાલરડું યાદ આવે છે ૧૯૫૧ની ફિલ્મ ‘અલબેલા’નું..
धीरे से आजा रे अँखियन में
निंदिया आजा रे आजा
આમ તો એકવાર તે લતાજીના સ્વરમાં છે જે બિમલાકુમારી અને ભગવાનદાદા પર ફિલ્માવાયું છે. પરંતુ આ જ ગીત થોડાક શબ્દોના ફેરફાર સાથે ભગવાનદાદા અને ગીતાબાલી પર ફિલ્માવાયું છે જે કાર ચલાવતા ચલાવતા ભગવાનદાદા ગીતાબાલીને સંબોધીને ગાય છે. આ ગીતના ગાયક અને સંગીતકાર છે સી. રામચંદ્ર ઉર્ફ રામચંદ્ર ચિતલકર. શબ્દો છે રાજીન્દર કૃષ્ણના. વળી આ ગીત જુદા જુદા દ્રશ્યોમાં વહેચાયું છે જ્યાં લતાજીએ પણ સ્વર આપ્યો છે.
૧૯૫૪ની ફિલ્મ ‘શબાબ’નું બહુ જ મંદ અવાજમાં ગવાયેલ આ હાલરડું સાચા અર્થમાં ઊંઘ લાવી શકે.
चन्दन का पालना रेशम की डोरी
जुला ज़ुलाउ निंदिया को तोरी
પડદા પર ભારતભૂષણ આ હાલરડું નૂતન માટે ગાય છે. ગીતકાર છે શકીલ બદાયુની. સંગીતકાર નૌશાદ અને સ્વર હેમંતકુમારનો.
ફિલ્મમાં ગીતનું એક વર્ઝન છે જેમાં સાથ પુરાવ્યો છે લતાજીએ.
ત્યાર પછી ૧૯૬૪મા આવેલ ફિલ્મ ‘ઝીંદગી’માં પણ આવું જ એક માણવાલાયક હાલરડું છે
मुस्कुरा लाडले मुस्कुरा
कोई भी फुल इतना नहीं खुबसूरत
है जितना ये मुखड़ा तेरा
રાજેન્દ્રકુમાર પર ફીલ્માવાયેલ આ ગીતમાં શરૂઆતમાં તે એક બાળકને રમાડતા રમાડતા આ ગીત ગાય છે અને ગીતના અંતિમ ચરણમાં તે બાળકને ખભે રાખી, થાબડીને સુવડાવે છે. આ ગીતને સુમધુર સ્વર આપ્યો છે મન્નાડેએ. ગીતકાર શૈલેન્દ્ર અને સંગીતકાર શંકર જયકિસન.
૧૯૬૮ની ફિલ્મ ‘બ્રહ્મચારી’નું આ હાલરડું પણ હજી દર્શકો અને શ્રોતાઓ માણે છે.
मै गाऊ तुम सों जाओ
सुख सपनोमे खो जाओ
અનાથ બાળકોની સારસંભાળ લેતા શમ્મીકપૂર તેમને આ ગીત ગાઈને સુવડાવવા પ્રયત્ન કરે છે જેમાં તેને સાથ આપ્યો છે રાજશ્રીએ. ગીતના રચયિતા છે શૈલેન્દ્ર અને સંગીત છે શંકર જયકિસનનું. સ્વર છે રફીસાહેબનો.
આ ગીત ફિલ્મમાં બે વખત આવે છે. એકવાર ખુશીના સ્વરમાં જેમાં દરેક અનાથ બાળકને જુદી જુદી રીતે તે સુવડાવે છે
બીજીવાર દર્દભર્યા અવાજે આવે છે જ્યારે શમ્મીકપૂરને બાળકો સાથે જ્યાં રહે છે તે ઘર ખાલી કરવાની ફરજ પડે છે. આ બીજા ગીતમાં એક વધુ કડી પણ ઉમેરાઈ છે.
૧૯૭૦ની ફિલ્મ ‘મસ્તાના’નું આ હાલરડું પણ એટલું જ કર્ણપ્રિય છે:
सोई जा सोई जा तारा :
हो सोई जा तारा
ले के अपने खिलौने
सपने सलोने
બાળકલાકાર બોબીને સંબોધતા મહેમુદ પર આ ગીત રચાયું છે. આ ગીતના રચયિતા છે આનંદ બક્ષી અને સંગીતકાર લક્ષ્મીકાંત-પ્યારેલાલ. સ્વર આપ્યો છે કિશોરકુમાર અને હેમલતાએ.
આ ગીત હાલરડાંનાં ઢાળમાં બીજીવાર પણ મુકાયું છે પણ તે બોબીને સુવાડવા માટે નહિ પણ બોબીને જગાડવા માટે. એ જ કારણે તેના શબ્દો પણ બદલાયા છે અને દર્દભર્યા છે.
जागी जा तारा जागी जा तारा
टूटे खिलौना सपने सलोने
गलियों में रोये एक बनजारा
મહેમૂદ ઉપર એક વધુ હાલરડું નોંધાયું છે ફિલ્મ ‘કુવારા બાપ’નું. ૧૯૭૦ની આ ફિલ્મનું આ હાલરડું ખરેખર દર્દભર્યા અવાજે કિશોરકુમારે ગાયું છે જેને કારણે સાંભળનારની કદાચ આંખ પણ ભરાઈ આવે.
आ री आ जा, निंदिया तू ले चल कही
उड़न खटोले पे, दूर दूर यहाँ से दूर
મજરૂહ સુલતાનપુરીના શબ્દોને સ્વરાંકિત કર્યા છે રાજેશ રોશને.
તો ૧૯૮૩ની ફિલ્મ ‘સદમા’નું આ હાલરડું પણ માણવાલાયક છે તેના સ્વરાંકનને કારણે.
सुरमयी अंखियो में नन्हा मुन्ना
ऐक सपना दे जारे
निंदिया के उड़ते पाखी रे
अंखिया में आजा साथी रे
યાદદાસ્ત ગુમાવેલ શ્રીદેવીનો ભેટો કમલાહાસન સાથે થાય છે અને જ્યાં સુધી તેના માતાપિતાનો પત્તો ન મળે ત્યાં સુધી કમલાહાસન તેને પોતાને ત્યાં રાખે છે. તેને ત્યાં રહીને શ્રીદેવી નાની બાળાની જેમ વર્તે છે અને હરકતો કરે છે. એ જ સંદર્ભમાં ઉપરનું હાલરડું ગવાયું છે. આને કંઠ સાંપડ્યો છે યેસુદાસનો તો ગુલઝારના સુંદર શબ્દોને સંગીતમાં ઢાળ્યા છે ઈલયારાજાએ.
આશા છે સુજ્ઞ વાચકો ઉપર જણાવેલ હાલરડાંઓને જરૂર માણશે. અન્ય આવા કોઈ પુરૂષ સ્વરમાં હાલરડાં કોઈની સ્મૃતિમાં હોય અને જણાવશે તો આનંદ.
નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta <nirumehta2105@gmail.com>
બહુ જ સરસ વિષય પરનો લેખ.
એક ફિલ્મ ‘જવાબ’ માં તલતના કંઠે ગવાયેલું હાલરડું, જેનો ઉલ્લેખ કદાચ શરતચૂકથી રહી ગયો લાગે છે. શબ્દો છે – સો જા તું સો જા રાજ દુલારે સો જા રાજ દુલારે સો જા. જસ્ટ માહિતી માટે.
https://www.youtube.com/watch?v=YCZJdvDRKto
વાહ…
It is indeed a matter of appreciation that you have given such nice songs that give innocent pleasure again and again…Hearty congrats and pl. carry on this type of Rath Yatra on vivid topics…
નિરંજનભાઇ, બહુ સરસ માહિતી સભર લેખ માટે હાર્દિક અભિનંદન.
Excellent songs of yester years !!!!!