સૂક્ષ્મ જીવોની સૃષ્ટિ :૩ : વાઈરસ

Facebooktwitterredditpinterestlinkedinmail

પીયૂષ . પંડ્યા

ગયા હપ્તામાં આપણે માઈક્રોબાયોલોજીને એક સ્વતંત્ર વિદ્યાશાખા તરીકે વિકસાવવામાં અનન્ય ફાળો આપનારા વૈજ્ઞાનિકોની વાત કરી. એ લોકોની વિશિષ્ટ દ્રષ્ટી, સુઝ તેમ જ તેઓએ વિકસાવેલી વિવિધ કાર્યપધ્ધતિઓને ઉપયોગે લઈ ને આ ક્ષેત્રમાં કામ કરી રહેલા અન્ય ઉત્સાહી જીવશસ્ત્રીઓએ સુક્ષ્મ જીવોની સૃષ્ટીના નવા અને નવા સભ્યોને શોધી, તેમનાં ખાસ લક્ષણો તેમ જ ગુણધર્મોનો વિધિસરનો અભ્યાસ કરી, દુનીયાને નવા અને નવા સુક્ષ્મ સજીવો વિશે માહિતગાર કરી. વધારે પડતી શાસ્ત્રીય બાબતોને ન ચર્ચતાં આપણે એટલું જાણીએ કે સુક્ષ્મ સજીવો પાંચ મુખ્ય વિભગોમાં વહેંચાયેલા છે…..

૧) વિષાણુઓ/ Viruses.

૨) જીવાણુઓ/ Bacteria

૩) શેવાળ/ Algae,

૪) ફુગ/ Fungi,અને

૫) પ્રજીવો/ Protozoa,

આજની કડીમાં આપણે ‘વાઈરસ’ તરીકે ઓળખાતી સુક્ષ્મ હસ્તીઓ વિશે પ્રાથમિક માહિતી મેળવીએ…….

સને ૧૮૯૨માં દ’ મિત્રી આઈવાનૉસ્કી clip_image002

નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે તમાકુનાં પાનને થતા(અને પરિણામે પાકને વ્યાપક નૂકસાન કરતા) ‘ટોબેકો મોઝેઈક ડીઝીઝ’ના નામથી પ્રચલીત રોગના કારણ્રરૂપ સજીવો તે અરસા સુધીમાં શોધાઈ ચુકેલા સુક્ષ્મ સજીવો કરતાં પણ સુક્ષ્મ હોવા જોઈએ. ત્યારે વૈજ્ઞાનિક પધ્ધતિએ બનાવેલી એવી ખુબ જ સુક્ષ્મ છીદ્રો ધરાવતી ગળણીઓ ઉપલબ્ધ થઈ ચૂકેલી. આવી ગળણીઓનો ઉપયોગ રોગિષ્ટ પેશીઓમાંથી જલીય દ્રવ્ય મેળવી, એમાંથી રોગકારક સુક્ષ્મ સજીવને અલગ પાડવા માટે વ્યાપક પ્રમાણમાં થતો હતો. આપણે અગાઉની કડીમાં જોઈ ગયા તેમ તે સમયે રોબર્ટ કૉચ ‘રોગોના જીવાણુવાદ’/’Germ theory of diseases’ બાબતે સમજણ આપી ચૂક્યા હતા. આથી ‘ટોબેકો મોઝેઈક ડીઝીઝ’ માટે જવાબદાર કોઈ સુક્ષ્મ સજીવ હોવો જ જોઈએ એ બાબતે વૈજ્ઞાનિકો સ્પષ્ટ હતા. પરંતુ આ રોગના કારક સુક્ષ્મ સજીવો આવી રીતની ગાળણક્રિયાના અનેક પ્રયત્નો પછી પણ મળતા ન હતા. આથી એમને માટે આઈવાનૉસ્કીએ ‘વાઈરસ’ એવુ નામકરણ સુચવ્યું, કે જેનો અર્થ ‘ઝેરી/રોગકારક ગુણધર્મ ધરાવતું પ્રવાહી’ એવો થતો હતો. તેઓએ સુચવ્યું કે અતિ સુક્ષ્મ એવાં બેક્ટેરિયાને પણ આરપાર જવા ન દે એવાં બારીક છીદ્રો ધરાવતી ગળણીમાં પણ ન ઝડપાતા હોય એ રોગકારક સજીવો તો સુક્ષ્માધિક સુક્ષ્મ હોવા જોઈએ.

લગભગ છ વર્ષ પછી સને૧૮૯૮માં માર્ટીનસ બેયરીન્ક

clip_image004નામના વૈજ્ઞાનિકે વધારે આધારભૂત ધારાધોરણથી અભ્યાસ કરીને આઈવાનૉસ્કીના કામને પુષ્ટી આપી. એ જ અરસામાં પ્રાણીઓને થતા કેટલાક રોગોમાં પણ આ રીતના ગાળણક્ષમ/Filterable કારકો જવાબદાર હોવાનું પ્રસ્થાપિત થયું. લાંબા સમયગાળા પછી ફ્રેડરીક ટ્વોર્ટ(૧૯૧૬) અને ફ્રાંસીસ ડી’ હેરેલ (૧૯૧૭) નામના બે વૈજ્ઞાનિકોએ એકબીજાથી સ્વતંત્રપણે ચોક્કસ પ્રકારનાં વાઈરસ બેક્ટેરિયામાં પણ રોગ કરી શકે તેમ દર્શાવ્યું. ત્યાર પછીના સમયમાં લગભગ દરેક પ્રકારના સજીવના શરીર/કોષમાં મળી આવતાં વિવિધ પ્રકારનાં વાઈરસ શોધાયાં છે.

આમ, જીવસૃષ્ટીના ત્રણ અલગ અલગ ઘટકો _ પ્રાણીઓ, વનસ્પતિ તેમ જ સુક્ષ્મ જીવો _ માં ચેપ લગાડી અને રોગ ઉત્પન્ન કરી શકે એવા સુક્ષ્માધિક સુક્ષ્મ સજીવોના અસ્તિત્વ વિશે જાણકારી મળી. જો કે હજી તેમને જોઈ શકાય તેવાં સુક્ષ્મદર્શકો ઉપલબ્ધ નહોતાં થયાં. છેવટે વીસમી સદીના ચોથા દાયકાના અંતમાં મેક્સ નૉલ અને અર્નસ્ટ રસ્કા નામના બે ભૌતિકશાસ્ત્રીઓએ સ્વતંત્રપણે ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપ વિકસાવ્યાં, જે માઈક્રોબાયોલોજીના અભ્યાસુઓ માટે એક ક્રાંતિકારી કુદકો હતો. હવે દરેક પ્રકારના સજીવોની કોષરચના એના બારિકતમ સ્તરે કરવાનું શક્ય બન્યું. એ જ રીતે વિવિધ પ્રકારનાં વાઈરસને પણ જોઈ શકાયાં અને આવા અભ્યાસો વડે વાઈરસનું બંધારણ પણ સમજાયું. એમ જાણવા મળ્યું કે વાઈરસ લાક્ષણીક કોષરચના નથી ધરાવતાં. તેઓ માત્ર DNA અથવા RNA એ બેમાંથી કોઈ પણ એક પ્રકારનો કેન્દ્રીય એસિડ અને એની ફરતે આવેલા પ્રોટીનનું બનેલું આવરણ _ એટલી સાદી રચના ધરાવે છે. વાઈરસ બાબતે અન્ય એક શકવર્તી શોધ વેન્ડેલ સ્ટેનલી નામના વૈજ્ઞાનિકે કરી, જેમાં તેમણે દર્શાવ્યું કે, આ કહેવાતા સજીવોનું તો સ્ફટિકીકરણ થઈ શકે છે ! વળી એ પણ જાણવા મળ્યું કે એ સ્ફટિકો પોતાનો રોગકારકતાનો ગુણધર્મ જાળવી રાખે છે !

અહીં સજીવસૃષ્ટીની આપણી સમજણ સામે એક પડકાર ઉભો થાય છે. કોઈ પણ હસ્તિ સજીવ ત્યારે ગણાય, જ્યારે તે નીચે જણાવેલાં લક્ષણો ધરાવતી હોય.

૧) તેનો બંધારણીય ઘટક કોષ હોય. એક આદર્શ/લાક્ષણિક કોષની રચનામાં જેની સપાટી ઉપર DNA વીંટળાયેલ હોય એવાં રંગસુત્ર ધરાવતું કોષકેન્દ્ર, વિવિધ પ્રકારની કાર્યશીલ અંગીકાઓ ધરાવતો કોષરસ અને કવચ રૂપી કોષરસપટલ તેમ જ કોષદિવાલ હોવાં જરૂરી છે. વળી સમય સમયે વિવિધ પ્રકારના RNA તેમ જ હજારો પ્રકારનાં પ્રોટીન બનાવવાની ક્ષમતા કોષ ધરાવતો હોવો જોઈએ.

૨) લાક્ષણિક સજીવ વાતાવરણ સાથે સતત પ્રક્રિયા કરતો રહેતો હોવો જોઈએ, વાતાવરણમાંથી ઉપયોગી ઘટકો મેળવી, તેના વડે કોષીય કક્ષાએ ચયાપચયની પ્રક્રીયાઓ ચલાવી, તે દરમિયાન બનતા બિન ઉપયોગી પદાર્થો કોષની બહાર, વાતાવરણમાં મોકલી દેવા બહુ જરૂરી છે.

૩) લાક્ષણિક સજીવ પ્રજનન ક્ષમતા ધરાવતો હોવો જોઈએ. વળી તેનું મૃત્યુ થવું પણ આવશ્યક છે.

હવે આ સંદર્ભે આપણે જો વાઈરસનો વિચાર કરીએ તો આમાંની એક પણ શરત કોઈ જ વાઈરસ સંપૂર્ણપણે સંતોષી નથી શકતું. આપણે હમણાં જ જોયું એમ, વાઈરસ લાક્ષણિક કોષીય બંધારણ નથી ધરાવતાં. વિશેષમાં, તેઓની પાસે ચયાપચયની ક્ષમતા છે જ નહીં. હવે પ્રશ્ન એ થાય કે તો પછી તેઓનુ જીવન ચક્ર શી રીતે ચાલતું હશે? આનો જવાબ એ છે કે, આજ સુધીમાં મળી આવેલ બધા જ પ્રકારનાં વાઈરસ સંપૂર્ણપણે પરોપજીવી હોય છે. દરેક વાઈરસને પોતાનો ચોક્કસ યજમાન હોય છે, જેના કોષમાં/શરીરમાં જ તેનું જીવનચક્ર ચાલુ રહી શકે છે. એ યજમાન પછી પ્રાણી/વનસ્પતિ/સુક્ષ્મ સજીવોમાંથી કોઈ પણ હોઈ શકે. જેવું વાઈરસ યજમાનના શરીર/કોષમાંથી બહાર આવે કે તે સુષુપ્ત બની જાય છે. કોઈ રાસાયણિક ગુણધર્મો ધરાવતા પદાર્થની જેમ તેના સ્ફટિક પાડી શકાય છે અને તે વિશિષ્ટ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓમાં ભાગ પણ લઈ શકે છે. જેવી તક મળે કે યોગ્ય યજમાન શરીર/કોષમાં દાખલ થઈ, પોતાનું જીવનચક્ર શરૂ કરી દે છે, જ્યાં તેની વૃધ્ધિ થઈ, નવા વાઈરસ બને છે.

અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે, આવી પ્રકૃત્તિ ધરાવતા વાઈરસને સજીવ સૃષ્ટીના સભ્યપદે ગણવા કે નહીં. દસકાઓથી ચાલી આવતી અને અંતહીન જણાતી ચર્ચાઓનો નિવેડો એ રીતે લાવવામાં આવે છે કે, વાઈરસને સજીવો અને નિર્જીવોને જોડતી કડી તરીકે સ્વીકરવાં. જો કે આ પ્રકારનો યુધ્ધ વિરામ બધા જ જીવશાસ્ત્રીઓને માન્ય નથી, આથી વાઈરસ સજીવ છે કે નિર્જીવ એ દ્વંદ્વ કદાચ સદાકાળ ચાલતું રહેનારું વૈજ્ઞાનિક શીતયુધ્ધ બની રહે એવું ભાસે છે. આવતી કડીમાં આપણે આ બેવડું નાગરિકત્વ ધરાવતી હસ્તિઓ બાબતે વધુ ચર્ચા કરીશું.


શ્રી પિયૂષ પંડ્યાનું વીજાણુ સંપર્ક સરનામું: piyushmp30@yahoo.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *