સાય-ફાયની અસરો : કૌન કિતના ‘ફિલ્મી’ હૈ?!

Facebooktwitterredditpinterestlinkedinmail

જ્વલંત નાયક

ભારતીય પ્રજાએ સદીઓ સુધી ગુલામી વેઠી. એના કારણે એક આડઅસર એવી થઇ કે આપણને બીજી પ્રજાઓ આપણા કરતાં વધુ બુદ્ધિશાળી, વધુ શક્તિશાળી અને વધુ સમજદાર હોવાનો ડીપ્રેસીવ વહેમ ઘુસી ગયો. એક પ્રકારનું માનસિક પછાતપણું. હકીકત એવી છે કે વિશ્વની લગભગ તમામ પ્રજાઓ આપણા જેટલી જ બુદ્ધિશાળી કે બુદ્ધિહીન, સમજદાર કે અણસમજુ છે. શ્રદ્ધા-ધાર્મિકતામાં ય એવું જ! આપણે ભારતીય પ્રજાને અંધશ્રધ્ધાળુ અને બીજી પ્રજાઓ કરતા પછાત ગણીએ છીએ. પણ જ્યારે ચોક્કસ પ્રકારના સર્વે હાથ ધરવામાં આવે ત્યારે મળનારા પરિણામોથી સાબિત થાય છે કે પશ્ચિમના વિકસિત દેશોની પ્રજા ય બુદ્ધિનું દેવાળું કાઢવા બાબતે આપણી હારોહાર ચાલે છે!


ફિલ્મોનું જ ઉદાહરણ લો. સુજ્ઞજનો ઘણીવાર જાહેરમાં હૈયા વરાળ કાઢતા રહે છે, કે આપણી બુદ્ધિહીન પ્રજા ફિલ્મોની અસર હેઠળ જીવે છે. એમની વાતમાં તથ્ય છે જ. બીજી તરફ, દોઢ-બે સદી સુધી આપણા ઉપર રાજ કરનાર બ્રિટીશ પ્રજા ય આ બાબતમાં આપણા જેટલી જ (કે થોડી વધારે) ‘ફિલ્મી’ છે!

બ્રિટનના બર્મિંગહામ અને વેસ્ટમિડલેન્ડમાં પબ્લિક-પ્રાઈવેટ સહયોગથી ‘બર્મિંગહામ સાયન્સ સિટી’ નામની સંસ્થા કામ કરે છે. (વેબસાઈટ : http://www.birminghamsciencecity.co.uk) આ સંસ્થાનો મુખ્ય હેતુ વૈજ્ઞાનિક આવિષ્કારો અને ટેકનોલોજીને ઉત્તેજન આપી, એ દ્વારા બિઝનેસ ગ્રોથ મેળવવાનો અને ક્વોલીટી ઓફ લાઈફમાં સુધારો કરવાનો છે. આ સંસ્થાએ સાયન્સ ફિક્શન ફિલ્મોની સમાજ ઉપર અસર અંગે એક સર્વે કર્યો, જેમાં ચોંકાવનારા (અને રમૂજી) પરિણામો સામે આવ્યા! જરા નજર ફેરવો જનાબ!

‘સ્ટારવોર્સ’ સિરીઝની ફિલ્મોમાં દેખાતી ટ્યુબલાઈટ જેવી તલવારો ‘લાઈટ સેબર’ તરીકે ઓળખાય છે. સર્વેમાં ભાગ લેનારા ૨૦% લોકો એવું માનતા હતાં કે આવી લાઈટ સેબર તલવારો ખરેખર અસ્તિત્વ ધરાવે છે! એ વાત સાચી કે ખરેખર આ પ્રકારનું સાધન વિકસાવવા પ્રયત્નો થઇ રહ્યા છે, પણ દિલ્લી અભી કાફી દૂર હૈ! લાઈટ સેબર અત્યારે તો અસ્તિત્વમાં નથી જ!

‘આયર્નમેન’ સહિતની ફિલ્મોમાં પાત્રો એક ગ્રહ ઉપરથી બીજા ગ્રહ ઉપર એટલી સહજતાથી કૂદાકૂદ કરતાં જોવા મળે, જાણે છોકરાઓ સ્કુલની એક બેંચ પરથી બીજી બેંચ પર કૂદતા હોય! વળી આ મુસાફરી કોઈ પણ જાતના માધ્યમ કે વાહન વિના – માત્ર એકાદ કાચી સેકન્ડમાં થઇ જતી દેખાડાય! સાયન્સ ફિક્શન ફિલ્મોમાં દેખાડાતા આવા ટાઢા પહોરના ગપ્પાને ‘ટેલી-ટ્રાન્સપોર્ટેશન’ અથવા ‘ટેલીપોર્ટ’ તરીકે ઓળખવામાં આવે છે. અને સર્વેમાં ભાગ લેનારા પૈકી ૨૪% લોકોનું માનવું હતું કે આ રીતે માનવોને ‘ટેલીપોર્ટ’ કરવાનું વાસ્તવમાં શક્ય છે!! (નો કમેન્ટ્સ પ્લીઝ!!)

અમેરિકન સાય-ફાય કોમેડી ફિલ્મ “બેક ટુ ધી ફ્યુચર” ઘણાએ જોઈ હશે. (આ ત્રણ ફિલ્મોની આખી શ્રેણી છે.) આ ફિલ્મમાં ‘હોવરબોર્ડ’ દર્શાવાયા છે. હોવર બોર્ડ એટલે પાણી કે બરફ પર સરકવા માટેના સ્કી-બોર્ડ જેવું પાટિયું, જે જમીનથી અધ્ધર રહીને હવામાં ઉડતું હોય. “બેક ટુ ધી ફ્યુચર” રીલીઝ થઇ એ સમયે ફિલ્મના ડિરેક્ટર રોબર્ટ ઝેમેકીસે એવી અફવા ઉડાડેલી, કે હોવરબોર્ડ સાચેસાચ વિકસાવાઈ ચૂક્યા છે, પરંતુ સરકાર આવા સાધનને મંજૂરી નથી આપતી! આજની તારીખે ૪૦% લોકો આ ગપગોળાને સાચો માને છે!

આ ઉપરાંત, સર્વેમાં ભાગ લેનારા લોકો પૈકી ત્રીજા ભાગના લોકોનું માનવું હતું કે માત્ર ‘માઈન્ડ પાવર’ – દિમાગની અમાપ શક્તિઓનો ઉપયોગ કરીને તમે કોઈ ચીજવસ્તુને એક સ્થાનેથી બીજા સ્થાને ખસેડી શકો છો! (બહુ બધી મોટીવેશનલ બુક્સ વાંચી નાખનાર આપણા ગુજ્જુ યુવાનોમાં ય ઘણા આવા ‘માઈન્ડ પાવર’માં વિશ્વાસ રાખતા હશે.) ૨૫ % લોકોનું માનવું હતું કે ‘હેરી પોટર’ સિરીઝની ફિલ્મોમાં દેખાય છે એવા Invisibility Cloaks (જેને પહેરીને અદ્રશ્ય થઇ શકાય એવો ઓવરકોટ) વાસ્તવમાં અસ્તિત્વ ધરાવે છે. ૧૮% લોકોએ તો હદ કરી નાખી, એમના માનવા મુજબ ગુરુત્વાકર્ષણ બળ (Gravity), એ “નરી આંખે જોઈ” શકાય એવી ચીજ છે! (આટલી હમ્બગ વાત કઈ ફિલ્મમાં દેખાડી છે ભાઈ?!) અને કેટલીક ઓવર ફિલ્મી પાર્ટીને એવું લાગતું હતું કે વૈજ્ઞાનિકો ખાસ પ્રકારની પ્રયોગશાળામાં ‘એક્સ્ટ્રા આંખ’ શરીર પર “ઉગાડી” શકે છે!

સાય-ફાય, એટલે કે સાયન્સ ફિક્શન આધારિત ફિલ્મોમાં દર્શાવાતી ક્રિએટીવ કલ્પનાઓ કે ગપ્પાબાજીને આટલી હદે સાચી માની લેનારા માણસો વિષે શું કહેવું? શું લોકો એટલા મંદબુદ્ધિ હોય છે, કે આ બધી કપોળ કલ્પિત વાતો સાચી માની લે! કે પછી હોલીવુડની ફિલ્મોમાં દર્શાવાતી સ્પેશિયલ ઈફેક્ટસ એટલી પાવરફુલ હોય છે, જેનાથી તમે જે જુઓ તે વાસ્તવિક લાગે છે? જો આ સાચું હોય તો સરકારે એક હદ કરતા વધુ સ્પેશિયલ ઈફેક્ટસ દર્શાવવા પર પ્રતિબંધ મુકવો જોઈએ, એમ નથી લાગતું? આમાં તો આખી પ્રજા ‘તરંગી’ બની જવાનો ડર રહે!

જો કે આ સર્વે કન્ડક્ટ કરનાર બર્મિંગહામ સાયન્સ સિટીના મહિલા ડિરેક્ટર ડૉ પેમ વેડલ (Dr. Pam Waddell) માને છે કે આમાં કંઈ ખોટું નથી. ઉલટાનું ઘણી બધી એવી સાયન્ટિફિક શોધખોળો છે, જેના વિષે પહેલા સાહિત્યમાં કલ્પનાઓ કરવામાં આવી, ત્યાર બાદ સમય જતા એ ખરેખર અસ્તિત્વમાં આવી. દાખલા તરીકે જુલે વર્ને દરિયાના પેટાળમાં ચાલતી સબમરીનની કલ્પના કરી તેનાં સો વર્ષ પછી સમબમરીન ખરેખર બની ચૂકી![i]

clip_image004
clip_image005
મૂળ ‘નૉટીલસ’નું કલ્પનાચિત્ર (ઉપર) અને આધુનિક સબમરીનની સફરે બીટલ્સ (નીચે)

જે હોય તે, લોકો ‘રિયાલીટી શોઝ’ જોઈને મગજ બગાડે, એના કરતાં સાય-ફાઈ જોઈને થોડા તરંગી બનતા હોય તો વાંધો નહિ!


જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઈ શકે છે


નોંધઃ
અહીં મૂકેલ તસવીર સંદર્ભ સ્પષ્ટ કરવા પૂરતી નેટ પરથી સાભાર લીધેલ છે. તેના પ્રકાશાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે.


[i]

1 comment for “સાય-ફાયની અસરો : કૌન કિતના ‘ફિલ્મી’ હૈ?!

  1. June 23, 2017 at 12:36 pm

    જ્વલંત ભાઈ,
    ૧૮૬૩ – અમેરિકાની પહેલી સબમરીન ( કદાચ વિશ્વની પણ ) !
    તમને આ વાંચવાની મજા આવશે.
    https://en.wikipedia.org/wiki/H._L._Hunley_(submarine)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *