





દીપક ધોળકિયા
૧) ઍનોફિલિસ મચ્છર પ્રકાશમાં શિથિલ થઈ જાય છે!
ફ્રાસની નોત્ર દમ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એક પ્રયોગ કરીને દેખાડ્યું છે કે ઍનોફિલિસ મચ્છરને દસ મિનિટ પ્રકાશમાં રાખવાથી એની કરડવાની અને ઊડવાની શક્તિ કુંઠિત થઈ જાય છે. આ મચ્છર મેલેરિયાનાં વિષાણુ આપણા શરીરમાં પહોંચાડે છે. આફ્રિકામાં તો મેલેરિયાનો ભારે ઉપદ્રવ છે. દિવસે એ ખાય છે, ઈંડાં મૂકે છે અને ઊડે છે, પણ રાતે એ કરડવાનું કામ કરે છે. તમે દવાવાળી મચ્છરદાનીમાં સૂઓ પણ સાંજે કે વહેલી સવારે ઊઠો ત્યારે એ કરડે તો શું કરી શકો? આમ પણ આ મચ્છરો આવા ઉપાયોથી ટેવાવા લાગ્યા છે.
વૈજ્ઞાનિકોએ મચ્છરોને બે જૂથમાં વહેંચી નાખ્યા. એક જૂથને અંધારામાં રાખ્યું અને બીજા જૂથેને દસ મિનિટ માટે પ્રકાશ આપ્યો. આમ કરવાથી એ ઊડવામાં ઢીલા પડી ગયા. બીજા મચ્છરો પહેલાંની જેમ જ મઝા કરતા રહ્યા. પછે એમણે બીજો પ્રયોગ કર્યો. દર બે કલાકે દસ મિનિટ માટે પ્રકાશમાં રાખ્યા. આમ કરવાથી દર બે કલાકે એ શિથિલ થઈ જવા લાગ્યા. વૈજ્ઞાનિકો કહે છે કે મચ્છરો પ્રકાશથી ટેવાઈ જાય તે પછી એમના પર અસર નથી થતી. એટલે એમને પ્રકાશ આપો અને વળી બંધ કરી દો. આથી એ ટેવાશે નહીં અને આખી રાત ઢીલાઢફ પડ્યા રહેશે. એમની કરડવાની ઇચ્છા ને શક્તિ મોટા ભાગે શિથિલ થઈ જાય છે.
(૨) ધ્યાન અને યોગાસન દ્વારા ડિપ્રેશન ઘટે છે.
ધ્યાન, યોગાસન,તાઈ ચી, ક્વીગોંગ કે પ્રાણાયમ દ્વારા આપ્ણે હળવાશ તો અનુભવીએ જ છીએ પણ એનાથી વધારે મોટી અસર પણ થાય છે. આપણે કોઈ કટોકટીનો સામનો કરતા હોઈએ ત્યારે આપણી મનોવૃત્તિ “લડો કાં ભાગો”ની સ્થિતિમાં હોય છે. આપણી ‘સિમ્પૅથેટિક નર્વસ સિસ્ટમ’ (SNS) આ પ્રતિભાવ પેદા કરે છે. પરિણામે ‘ન્યૂક્લિઅર ફેક્ટર કપ્પા B’ (NF-kB) નામના અણુનું ઉત્પાદન વધી જાય છે. એ આપણા જીન કેવો પ્રતિભાવ આપે છે તેના પર એની ઘણી અસર થાય છે. NF-kB કટોકટીની સ્થિતિનું અર્થઘટન કરીને સાઇટોક્લાઇન નામના પ્રોટીનનું ઉત્પાદન કરે છે, જેને કારણે કોશ પર સોજો આવે છે. “લડો કાં ભાગો”ની વૃત્તિ પ્રાગૈતિહાસિક કાળમાં બહુ કામની હતી કારણ કે એ વખતે માણસ સામે જોખમો વધારે હતાં, હવે એવું નથી પણ એનું સતત ઉત્પાદન થયા કરતું હોય તો કૅન્સરનું જોખમ વધી જાય છે. પરંતુ આજે તો સ્ટ્રેસ માનસિક બીમારી છે એટલે એનું ઉત્પાદન કોઈ પણ કારણે થાય છે. યોગાસન, ધ્યાન વગેરે પદ્ધતિઓ NF-kB અને સાઇટૉક્લાઇનનું ઉત્પાદન ઘટાડે છે. આથી કટોકટીની સ્થિતિનો અનુવાદ આપણે “લડો કાં ભાગો”ની ભાષામાં નથી કરતા. જો કે હજી આ દિશામાં વધારે કામ કરવાની જરૂર છે કારણ કે સંશોધકો માત્ર ૧૮ જુદા જુદા અભ્યાસો એકત્ર કરી શક્યા. એમનું કહેવું છે કે વ્યાયામ અને પૌષ્ટિક આહાર પણ સ્ટ્રેસ ઘટાડવામાં મદદ કરે છે, એટલેએમની સરખામણીમાં યોગાસનો વગેરે પારંપરિક ઉપાયોમાં ખરેખરી શી પ્રક્રિયા થાય છે તે જાણવા માટે વધારે અધ્યયન જરૂરી છે.
સંદર્ભઃ અહીં
(૩) હેપૅટાઇટિસ-Bના ઇલાજની દિશામાં મહત્ત્વનું ડગ
કોઈ પણ રોગનો ઇલાજ કરતાં પહેલાં એ રોગ થવાનાં કારણો સમજવાનું બહુ જરૂરી છે. લીવરમાં સોજો થતો રોકવાની રસી તો છે, પણ એ લાગુ પડે તે પછી એનો કોઈ ઇલાજ નથી. વૈજ્ઞાનિકોએ એનું વાયરસ કેમ કામ કરે છે તે સમજવામાં સફળતા મેળવી છે. યૉર્ક યુનિવર્સિટી અને લીડ્ઝ યુનિવર્સિટીના સંશોધકોએ હેપૅટાઇટિસ- Bના વાયરસના જીન્સમાં એક ‘ઍસેમ્બ્લી કોડ’ જોયો. એટલે કે આ વાયરસમાં કંઈ એવું છે કે એ પોતાના જેવાં જ બીજાં ચેપી વાયરસનું નિર્માણ કરી શકે. એ એક એવું ખોખું બનાવે છે, જેમાં બીજાં વાયરસ જન્મ લે છે. સંશોધકો કહે છે કે આમ તો આવું થઈ ન શકે. પરંતુ આ ‘એન્જીનિઅરિંગ પ્રૉબ્લેમ’નો રસ્તો કાઢવામાં RNA (રિબોન્યુક્લિઈક ઍસિડ) મદદ કરે છે. એ એક સંકેત આપે છે, વાયરસના પ્રોટીન સાથે જોડાય છે. સંશોધક ટીમના નેતા પ્રોફેસર રેઇદુન ત્વારોક કહે છે કે સાઇકલમાં ચેન ઊતરી જાય તો તમે પૅડલ ન મારી શકો અને સાઇકલ ન ચાલે. ચેન ચડાવો એટલે પૅડલ પૈડાં સાથે જોડાય છે. એ જ રીતે, RNAનો સંકેત પણ ચેનનું કામ કરે છે. એ ઍસેમ્બ્લી કોડ અને પ્રોટીનને જોડીને સક્રિય બનાવે છે. એ પ્રોટીન એક ખોખું બનાવે છે, જેમાં વાયરસ પોતાના જેવું જ DNA બનાવી શકે છે. એ પણ એના નિર્માતા વાયરસ જેવું જ ચેપી હોય છે.
આમ જો RNAના સિગ્નલ અને પ્રોટીન વચ્ચે કોઈ અવરોધ ઊભો થાય તો ઍસેમ્બ્લી કોડ કામ ન આવે અને ખોખું ન બની શકે. હવે આ દિશામાં કામ થશે કે જેથી હેપૅટાઇટિસ જડમૂળથી નાબૂદ થાય.
સંદર્ભઃ અહીં
(૪) ગ્રહ બનવા માટે ૪૦૩૪ ઉમેદવાર!
નાસાની કૅપ્લર સ્પેસ ટેલીસ્કોપ ટીમે આપણી સૂર્યમાળાની બહાર ૨૧૯ નવા અવકાશી પિંડો (Exoplanets)ની યાદી બહાર પાડી છે. આ બધાને ગ્રહનો દરજ્જો આપી શકાય તેમ છે. આમાંથી ૧૦ પૃથ્વીના કદના છે અને એમના તારાની આસપાસ ભ્રમણ કરે છે. હવે કુલ ૪૦૩૪ પિંડો ગ્રહ બનવાના ઉમેદવાર છે. કૅપ્લર દ્વારા મળેલી માહિતીનું પૃથક્કરણ કરીને વૈજ્ઞાનિકોએ લગભગ પૃથ્વીના કદના ૫૦ પિંડો અલગ તારવ્યા છે અને એમાંથી ૩૦નાં બધાં પરીક્ષણો પૂરાં થયાં છે. આના પછી પૃથ્વીની બહાર જીવનની શોધખોળ.વધારે સઘન બનશે. હાલમાં જ ગ્રહોની બે જુદી જુદી વસાહતોની પણ ભાળ મળી છે એમાંથી અડધામાં વાતાવરણ જ નથી એટલે ત્યાં જીવન શક્ય નથી. ૧૯મી તારીખે નાસાના ઍમિસ રીસર્ચ સેંટરમાં એક પત્રકાર પરિષદમાં આ માહિતી આપવામાં આવી હતી.
સંદર્ભઃ અહીં
શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો
ઈમેલઃ dipak.dholakia@gamil.com
બ્લૉગઃ મારી બારી
Science સમાચાર : અંકમાં ખુબ સરસ માહિતીસભર લેખ આપવામાં આવે છે.
આભાર વ્યક્ત કરી રહ્યો છું.
આ સાથે આપણે શુભેચ્છા.
હળવા મિજાજે….
મછરાંવને શિથિલ કરવા લાઈટ ઓટોમેટિક ચાલુ/ બંધ થાય એવી સ્વિચ તો બનાવી શકાય. પણ…
માંડ આવતી આપણી ઊંઘનું શું ?