ફિર દેખો યારોં : માણસ અને વાઘમાં કશો ફરક ખરો?

Facebooktwitterredditpinterestlinkedinmail

-બીરેન કોઠારી

‘અમે બે, અમારાં બે’, ‘નાનો પરિવાર, સુખી પરિવાર’ જેવાં સૂત્રો અને તેની સાથે દોરાયેલા લાલ રંગના ઉંધા ત્રિકોણના ચિહ્નથી મોટા ભાગના લોકો પરીચીત હશે. સરકારે અપનાવેલા ‘પરિવાર નિયોજન’ કાર્યક્રમ અંતર્ગત અનેક જાહેરખબરો અને પ્રચાર એક સમયે જોરશોરથી કરવામાં આવતો હતો. મહિલાઓના સ્વાસ્થ્યસંબંધી સમસ્યાઓની સાથેસાથે દેશના વસતીવધારાને નિયંત્રણમાં લાવવાનો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ હતો. વડાંપ્રધાન ઈન્દીરા ગાંધીના શાસનકાળ દરમિયાન લાદવામાં આવેલી કટોકટી વખતે તેમના મોટા પુત્ર સંજય ગાંધીએ બળજબરીપૂર્વક કરી કાઢેલી કેટલાય લોકોની નસબંધી કટોકટી પછી ચર્ચાનો વિષય બની હતી. આ કાર્યક્રમ કેટલો સફળ થયો કે નહીં એ ખબર નથી. આ હકીકતની સામે સરકાર દ્વારા એમ કહેવામાં આવે કે તમારે પરિવાર નિયોજન કરવાનું નથી અને એમ કરવા ઈચ્છો તો અમારી મંજૂરી લેવી પડશે, તો આપણા માન્યામાં આવે ખરું?

માન્યામાં આવે કે ન આવે, આ વિગત જાણવા જેવી છે. સરકારે કેટલીક પ્રજાતિઓને ‘પી.વી.ટી.જી.’માં વર્ગીકૃત કરી છે. ‘પી.વી.ટી.જી.’ એટલે ‘પર્ટીક્યુલરલી વલ્નરેબલ ટ્રાઈબલ ગ્રૂપ’, જેનો અર્થ થાય છે ‘વિશેષ રીતે જોખમગ્રસ્ત જનજાતિ સમૂહ’. અગાઉ આ વર્ગીકરણ ‘પી.ટી.જી.’ એટલે કે ‘પ્રીમીટીવ ટ્રાઈબલ ગ્રૂપ’ તરીકે ઓળખાતું હતું, જેનું નામ બદલીને પછી ‘પી.વી.ટી.જી.’ કરવામાં આવ્યું. વિવિધ રાજ્યોમાં વસવાટ કરતી આદિજાતિઓના અમુક સમૂહ બહુ ઝડપથી લુપ્તતાને આરે આવી ઊભા છે. જેમ કે, ગુજરાતમાં કાથોડી, ઓરિસ્સામાં જુઆંગ, રાજસ્થાનમાં સહરીયા, બિહારની બિરહોર, મધ્ય પરદેશની બૈગા વગેરે. અલગ અલગ રાજ્યોમાં બધું મળીને પંચોતેર જેટલા આદિજાતિ સમૂહો આ શ્રેણીમાં આવે છે. મધ્ય પ્રદેશની સરકારે 1979 માં આ જનજાતિના રક્ષણ માટે એક મૌલિક પગલું લેવાનું વિચાર્યું, જેને લઈને આ જાતિ લુપ્ત ન થાય, એટલું જ નહીં, તેની વસતિ વધતી રહે. તત્કાલીન મધ્ય પ્રદેશ સરકારના જન સ્વાસ્થ્ય તેમજ પરિવાર કલ્યાણ મન્ત્રાલયે એક હુકમ બહાર પાડી દીધો. એ મુજબ ‘પી.વી.ટી.જી.’ સમૂહની કોઈ પણ સ્ત્રીએ કુટુંબ નિયોજન કરાવવું નહીં. તે એમ કરાવવા ઈચ્છે તો તેણે સંબંધિત અધિકારીની પરવાનગી લેવી જરૂરી છે. મધ્ય પ્રદેશમાંથી ઈ.સ. 2000માં અલગ કરાયેલા છત્તીસગઢ રાજયમાં પણ આ હુકમ યથાવત રાખવામાં આવ્યો. આ હુકમ જારી કર્યે સાડા ત્રણ દાયકા જેટલો ગાળો વીતી ગયો.

હવે છત્તીસગઢની બૈગા જનજાતિના દસ લોકો તેમજ ‘જનસ્વાસ્થ્ય સહયોગ’ તથા ‘જનસ્વાસ્થ્ય અભિયાન’ નામની બે સ્વૈચ્છિક સંસ્થાઓએ મળીને જનહિતની અરજી દાખલ કરી છે અને આ કાયદાને રદ કરવાની માગણી કરી છે. આ કાયદો કેટલો તરંગી, અર્થહીન અને અવિચારી છે એ જાણવા માટે બહુ ઊંડા અભ્યાસની જરૂર નથી. એક તો આ જોગવાઈ કેવળ બૈગા મહિલાઓને જ લાગુ પડે છે, પુરૂષોને નહિં. આ મહિલાઓ પોતાના હાથ તેમજ પીઠ પર પરંપરાગત છૂંદણા ધરાવે છે. તેને લઈને તેમની ઓળખ છતી થઈ જાય છે. પુરુષો મોટે ભાગે આજીવિકા માટે બહાર જતા હોય છે, મોટા ભાગના બૈગા પરિવારો જંગલમાં, અભયારણ્યમાં વસવાટ કરે છે. આથી મર્યાદિત આવકને કારણે તેમનું જીવનધોરણ સાવ નીચું હોય છે. આ સંજોગોમાં આ જનજાતિની મહિલાઓ ઉપરાઉપરી બાળકોને જન્મ આપતી રહે છે. સાવ ઓછી આવક અને સ્વાસ્થ્યની ટાંચી સુવિધાઓ વચ્ચે થતી રહેતી પ્રસૂતિઓને કારણે આ મહિલાઓ પર શી વીતતી હશે એ કલ્પના કરવી પણ મુશ્કેલ છે.

માત્ર છવ્વીસ વરસની રાણીચંદ બૈગા બે જ શબ્દોમાં પોતાની યાતના વર્ણવતાં કહે છે, ‘થક ગઈ’. ફક્ત પંદર વર્ષની વયે લગ્ન થયા પછી તેને કુલ આઠ સંતાનો જન્મ્યાં. તેમાંથી બેનું બીમારીને કારણે મૃત્યુ થયું. છત્તીસગઢના અચાનકમાર વાઘ અભયારણ્યના અંતરિયાળ વિસ્તારમાં રહેતી રાણીચંદની વ્યથા કેવી કહેવાય! તે જ્યાં રહે છે એ વિસ્તારમાં વાઘની વસતીની જાળવણી કરવામાં આવે છે. અને અહીં વસતા બૈગાઓને પણ એવા ગણવામાં આવે છે. બાળકોને શાળાએ મોકલવાનું તો દૂર, તેમણે ખવડાવી શકવાના પણ ફાંફા છે. આ પરિવારની માસિક આવક છે માત્ર પાંચસો રૂપિયા, જે મુખ્યત્વે વન્ય પેદાશો પર આધારીત છે. આવકમાં ખાસ વધારો થતો નથી, અને તેમાં ભાગ પડાવનારાની સંખ્યા વધતી રહે છે. આ પરિસ્થિતિથી ત્રાસીને કેટલીક મહિલાઓ ગર્ભપાત માટે ‘ઝાડફૂંક વાલા’નું શરણું શોધે છે. સળી પર કોઈક મલમ લઈને સ્ત્રીઓના ગુપ્તાંગમાં તે લગાવી દે છે, જેના ઉપચારની કોઈ ખાતરી હોતી નથી. તેને બદલે ઘણા કિસ્સામાં સ્ત્રી ચેપનો કે આની બીમારીનો ભોગ બને છે.

આ વિસ્તારના અન્ય બૈગા પરિવારોની કહાણી પણ આનાથી અલગ નહીં હોય. સરકારી હુકમ એટલો જ છે કે સંતાનો પેદા કર્યા પછી તેમણે ખવડાવી શકાય કે નહીં એ ચિંતા જનજાતિની છે. બસ, કોઈ પણ ભોગે તેમની વસતિ વધવી જોઈએ અને એ જાતિ લુપ્ત ન થઈ જવી જોઈએ. કેમ કે, તે આપણા સાંસ્કૃતિક વારસાનો હિસ્સો છે અને તે કોઈ પણ ભોગે જળવાવો જોઈએ.

બિલાસપુરમાં હોસ્પિટલ ચલાવતા ડો. યોગેશ જૈન ‘જન સ્વાસ્થ્ય સહયોગ’ સાથે સંકળાયેલા છે. તેમના જણાવ્યા મુજબ, ‘પ્રતિ એક લાખ મહિલાઓએ બે હજાર મહિલાઓનો અહીં મૃત્યુદર છે. દરેક પ્રસૂતિ અહીંની સ્ત્રીઓ માટે જીવનમરણનો સવાલ હોય છે. કુપોષણને કારણે વારંવાર થતી પ્રસૂતિઓ જોખમી બની રહે છે.’

છત્તીસગઢ સરકારનાં એક વરિષ્ઠ અધિકારી રીના કંગાલેએ આ બાબતે સરકાર વિવિધ બાબતોનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરી રહી હોવાનું જણાવ્યું છે. જે તે સમયે આ હુકમ યોગ્ય હશે, પણ હવે તે પ્રસ્તુત ન પણ હોય એમ તેમણે કહ્યું છે. આ મુદ્દાની વધુ ચર્ચા ‘ટ્રાઈબલ એડવાઈઝરી કાઉન્સીલ’ની જુલાઈ કે ઓગસ્ટની મીટીંગમાં કરવામાં આવશે. એ થાય, તેનો કોઈ નિર્ણય લેવાય અને કશું નક્કર પરિણામ આવે ત્યારની વાત ત્યારે.

અજબ પરિસ્થિતી અને ગજબ સંજોગો છે. સરકારનો વટહુકમ હોય, સાંસ્કૃતિક પરંપરા હોય, અગવડજનક પરિસ્થિતિ હોય કે સ્વાસ્થ્યની સમસ્યા હોય, આ તમામમાં કશું પણ સામ્ય હોય તો એટલું જ કે તેનો ભોગ બનવાનું મહિલાઓને ભાગે જ આવે છે. આ સ્થિતિ અને માનસિકતા ક્યારે બદલાશે એની કશી ખબર પણ નથી અને ખાતરી પણ નથી.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફીર દેખો યારોં’માં ૧-૬-૨૦૧૭ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *