ફે‌ઇસબુક દેશે અને વોટ્સેપ પ્રદેશે

Facebooktwitterredditpinterestlinkedinmail

કિશોરચંદ્ર ઠાકર

મને પોતાને ખબર નથી કે ફે‌ઇસબુક કે વોટ્સેપ પર હું શું કરી રહ્યો છું, તો પણ જ્યારે આ પ્રકારનું મીડિયા ન હતું ત્યારે પણ હું જીવતો હતો તેને એક ચમત્કાર માનું છું. અન્ય લોકો પણ જેમની પાસે આ મીડિયા નથી તેઓ કઈ રીતે આ દુનિયામાં જીવી શકે છે, તે પણ એક રહસ્ય લાગે છે.

આપણી સામાન્ય દુનિયામાં મિત્રો અનાયાસે બની જાય છે. વળી મિત્ર પાસે જો વિનંતિ શબ્દનો ઉપયોગ કરીએ તો તેની ગાળ જ ખાવી પડે. પરંતુ ફે‌ઇસબુકનું ખાતું ખોલાવ્યા પછી ખ્યાલ આવ્યો કે અહીં તો ખાસ મિત્રને પણ મિત્ર બનાવવા માટે વિનંતિ (Request )નો જ આશરો લેવો પડે છે. આ રીતે મિત્રોને મિત્ર બનાવવા ઉપરાંત સગાવહાલાઓને પણ મિત્રો બનાવ્યા.

પછી તો ફે‌ઇસબુકનું પાનું ખોલતાં જ અવનવી માહિતીઓના ભંડારો ખૂલવા લાગ્યા. સાથે સાથે મારા અજ્ઞાનનું પણ ભાન થવા લાગ્યું. જેની છઠ્ઠી પણ આપણે જાણતા હોઈએ તે મિત્રો અને સગાઓ તરફથી મુકાયેલા નીતિ અને ધર્મના બોધ વાંચીને આશ્ચર્ય થયું. દુનિયા દુષ્ટ અને સ્વાર્થી લોકોથી ભરેલી છે તે માન્યતાનો ભુક્કો બોલી ગયો. કેટકેટલા લોકો મારા આરોગ્યની ચિંતા કરે છે તેનું ભાન વિવિધ પ્રકારની આરોગ્ય વિષયક પોસ્ટ જોતાં થયું. આદુથી માંડીને અફીણ સુધીની અને દાતણથી માંડીને દિવેલ સુધીની ચીજવસ્તુના આરોગ્ય વિષયક ગુણો જાણવા મળ્યા.

ગીતામાં ભલે ધર્મક્ષેત્ર અને કુરુક્ષેત્ર એક જ માનવામાં આવ્યાં હોય. પરંતુ અહીં તો બન્ને જુદાં જ જણાયાં. ધર્મક્ષેત્રની વાત કરીએ તો જાણે ગોકુળ વૃંદાવનમાં ફરતા હોય તેમ અનેક દેવોનાં મંદિરો અને મૂર્તિઓનાં દર્શન થવા લાગ્યાં. ચાર ધામ યાત્રા કરવાની પણ મારે હવે જરૂર જ ન રહી. કારણ કે મિત્રો જ્યારે પણ પ્રવાસે જાય છે ત્યારે યાત્રાધામોનાં મંદિરો તેમ જ જોવા લાયક સ્થળોની તસવીરો મૂકતા જ હોય છે.

કુરુક્ષેત્ર એટલે જ્યાં રાજકારણને લગતી પોસ્ટ મુકાય છે. અહીં બે સૈન્યોની લડાઈ સતત ચાલતી દેખાય છે. મેં પણ સેનયોરુભયોર્મધ્યે રથ સ્થાપ્યા પછી તરત જ અર્જુનથી વિપરીત, કોઈ વિષાદ અનુભવ્યા વિના વિશ્વયુદ્ધમાં જેમ કોઈ રાષ્ટ્રથી તટસ્થ ન રહી શકાય તેમ અહીં પણ એક પક્ષ તરફથી લડવાનું શરૂ કર્યું. પરંતુ કોઈ કૃષ્ણે મને હણાઈ જઈશ તો સ્વર્ગ ભોગવીશ અને જીતી જઈશ તો પૃથ્વી ભોગવીશ એવું વચન આપેલું નહિ, તેમ જ પૃથ્વી ભોગવવાની શક્યતા હતી જ નહિ અને હણાઈ જવાની શક્યતા પૂરેપૂરી લાગતાં મેદાન છોડી જવાનું પસંદ કર્યું.

પરંતુ “આ જગત તો દ્વંદ્વોથી જ ભરેલું છે” એવા શાસ્ત્રવચનની યથાર્થતા પુરવાર કરતી પરસ્પર ભિન્ન વિચારસરણીઓ તો રાજકારણ સિવાયનાં ક્ષેત્રોમાં પણ મોજૂદ હતી. છતાં અહીં સલામતી વિશેષ હોવાથી મેં આ પ્રકારનાં ક્ષેત્રોમાં વિદ્વત્તા પ્રગટ કરવાના હેતુથી લખાણો મૂકવાનાં શરૂ કર્યાં. એવામાં એક સવારે મારા એક લખાણમાં એક મિત્રે ‘લાઇક’ આપી અને બંદા ખુશખુશાલ થ‌ઈ ગયા. ઔપચારિકતા ખાતર મિત્રને ફોન કરીને મારા લખાણને વાંચીને લાઇક આપવા બદલ આભાર માન્યો. પ્રત્યુત્તરમાં મિત્રે કહ્યું, “અરે, તારા લખાણને લાઇક આપવા મારે વાંચવાની જરૂર પડે તો હું તારો મિત્ર શાનો!

જો કે કેટલાક એવા મિત્રો પણ હોય છે કે જે લખાણને લાઇક કરવા માટે વાંચતા પણ હોય છે! પરંતુ અભ્યાસ કરતાં ‘લાઇક’ના એવા અનેક પ્રકારો જોવા મળ્યા જેમાં લખાણને વાંચવાની જરૂર હોતી નથી જેના કેટલાક નમૂના અત્રે આપેલા છે.

કેટલીક ‘લાઇક’ વહેવારે કરવામાં આવતી હોય છે. કોઈ મિત્રના લખાણને તમે લાઇક કરો તો વળતા વહેવાર રૂપે તે પણ તમારા લખાણને લાઇક કરતા હોય છે.

કેટલીક લાઇક હોદ્દાની રૂએ મળતી હોય છે જેમાં ઓફિસના સાહેબને હાથ નીચેના કર્મચારીઓ તરફથી મળતી લાઇક તેમજ બનેવીને સાળા તરફથી મળતી લાઇકનો સમાવેશ કરી શકાય.

જાણીતી વ્યક્તિઓને મધુરાધિપતે અખિલમ્ મધુરમ્ ન્યાયે લાઇક મળી જાય છે. એક જાણીતા લેખકે એક સવારે ફે‌ઇસબુક પર લખ્યું કે પોતાને ડાયેરિયા થયો છે તો પાંચ મિનિટમાં ધડાધડ સો લાઇક આવી ગઈ!

બહેનોને ભાઈઓ તરફથી મળતી લાઇક સ્ત્રીદાક્ષિણ્યથી પ્રેરાઈને મળતી હોય છે.

આ બધાનો ખ્યાલ હોવા છતાં ‘લાઇક’ તેના અર્થને પુરવાર કરવા માટે દરેકને ગમતી હોય છે. લખાણ મૂક્યા પછી સામાયિકમાં લખેલા લેખના પુરસ્કારની રકમનો ઇંતેજાર કરવામાં આવે છે તેના કરતાં ‘લાઇક’નો ઇંતેજાર વધારે કરવામાં આવે છે. જેમ જેમ તેની સંખ્યા વધતી જાય તેમ તેમ જાણે બેંક બેલે‌ન્સ વધતું જતું હોય તેવો આનંદ થાય છે. કોઈ પ્રસિદ્ધ વ્યક્તિની લાઇક મળે તો નોબેલ પારિતોષિક મળ્યાનો આનંદ થાય છે.

જો કે ફે‌ઈસબુક પર મૌલિક લખાણ કરતાં share કરેલા લખાણો મોકલનારો વર્ગ મોટો છે. ફે‌ઇસબુકની એ આમજનતા છે. કવિ શ્રી મકરંદદાદાનો આત્મા આ ગમતાનો ગુલાલ કરતી આમજનતાથી ખૂબ પ્રસન્ન થતો હશે. જો કે કેટલીક વાર એ ગુલાલ જેના પર નાખવામાં આવે છે, એને કચરો ફેંકાયા જેવું લાગતુ હોય છે! આમ પણ તહેવારોની ઉજવણીમાં ફેંકાતો ગુલાલ ક્યાં દરેકને પસંદ આવે છે?.

જ્યાં સુધી સ્માર્ટ ફોનનો ઉપયોગ શરૂ થયો ન હતો ત્યાં સુધી ઉપરની બધી બાબતો સીમિત હતી. કારણ કે લૅપટૉપ કે કૉમ્પ્યુટર ચાલુ કરવામાં થોડી કડાકૂટ લાગતી. પરંતુ સ્માર્ટ ફોન આવ્યા પછી તો ટચ અંગૂલિ ને પટ પોસ્ટ. ઉપરાંત અહીં તો ફે‌ઈસબુક ઉપરાંત સડક છાપ રોમિયોની જેમ સિસોટી વગાડતું વોટ્સેપ પણ હાજર છે. મેસેજ પણ બહુ ટુંકાણમાં હોવાથી દરેક જણ વાંચશે તેવી ગણતરીથી પરોપકારી લોકો સતત મેસેજ મોકલતા જ હોય છે. વિષયોની વિવિધતા અહીં પણ જોવા મળતી હોય છે. પરંતુ સુવિચારો, પ્રેરક વચનો અને આરોગ્ય વિષેના મેસેજની ભરમાર જોવા મળે છે. આ બધા મેસેજ મોકલનાર તો ક્યાંકથી આવેલા મેસેજને ફોરવર્ડ કરવાનું કાર્ય જ કરતા હોય છે. અફવાઓ ફેલાવવા તેમ જ રાજકીય પક્ષોના સાચાખોટા પ્રચાર માટે આ ફોરવર્ડિયાઓ હાથવગું હથિયાર છે. તેમને જાણ જ નથી હોતી કે તેમના ફોનમાં કીબોર્ડ હોય છે. આવેલા સંદેશા તેમને માટે રીલે દોડની લાકડી છે, જે ઝડપથી દોડીને બીજાના હાથમાં પકડાવી દેવાની હોય છે. સુવિચારો અને પ્રેરક વચનો વગેરે તેમને માટે મહુડીની સુખડી છે, જે ઘેર નહિ લઈ જતાં બીજા ભાવિકોને વહેંચી દેવા માટે હોય છે.

સ્માર્ટ ફોન પર આક્ષેપ મૂકાયો છે કે તે વાપરનારને વ્યસની બનાવી દે છે. સહેજ પણ સમય મળ્યો તો પ્રતિક્ષિપ્ત ક્રિયાથી હાથ ફોન પર જતો રહે છે. વાતમાં તથ્ય ભલે હોય પણ ફોન જ્યારે ન હતા ત્યારે પણ આપણે વ્યસની ક્યાં ન હતા? તમાકુ, અફીણ, દારૂ વગેરેના જે બંધાણી ન હોય તેમને પણ આળસનું નિંદાનું, વ્યર્થ વિવાદોનું, વિતંડાનું, ગપ્પાં મારવાં વગેરે અનેક પ્રકારનાં વ્યસનો સદાકાળ હાજર હોય છે. રોગના મૂળમાં નવરાશ છે, નહિ કે સ્માર્ટ ફોન. બાળક પર પ્રયોગ કરતાં જણાઈ આવે છે, કે મેદાનમાં કે અન્ય સમવયસ્ક જોડે રમવા ન મળે ત્યારે જ બાળક સ્માર્ટ ફોન હાથમાં લે છે. બીજી ઘણી બાબતોની જેમ અહીં પણ બાળકને આપણો ગુરુ બનાવવામાં લાભ અને લાભ જ છે.

0-0-0

શ્રી કિશોરચંદ્ર ઠાકરનું ઇ-પત્રવ્યવહાર સરનામું: kishor_thaker@yahoo.in

3 comments for “ફે‌ઇસબુક દેશે અને વોટ્સેપ પ્રદેશે

 1. samir dholakia
  June 21, 2017 at 1:47 pm

  Kishorebhai is as usual original and stimulating. But I feel that impact,reach and universality of social media tools like Facebook and Whatsapp needs more writing from Kishorebhai . I hope he writes more.

 2. Gautam Khandwala
  June 22, 2017 at 12:34 pm

  મજા આવી. મહુડીની સુખડી સાથેની સરખામણી ખૂબ ગમી.

 3. દીપેશ
  June 28, 2017 at 11:17 pm

  સાચી વાત છે. વ્યસન જ છે અને છોડવું પણ અઘરું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *