એકોતેર વર્ષે એકડે એક…

Facebooktwitterredditpinterestlinkedinmail

-રજનીકુમાર પંડ્યા

‘પપ્પા, જો તમે આ ગીરોખતમાં સહી નહીં કરો તો ઝેર ખાવાનો વારો આવશે.’

કેતન આમ બોલ્યો અને અદ્દલ એવી જ રીતે બોલ્યો કે જે રીતે નાનપણમાં એક વાર ટ્રાઈસિકલ માટે બોલ્યો હતો. એ વખતે એના બાળકસ્વરે બોલ્યો હતો :

‘પપ્પા,મનેય ટ્રાઈસિકલ અપાવો ને,પ્લીઝ !’

‘બેટા,તારે નાનકડી ટૉયકાર તો છે !’

‘અપાવો ને, પ્લીઝ ! આવું શું કરો છો ?’

‘પણ બેટા…’

‘તમે નહીં અપાવો તો હું મરી જઈશ.’

ભાર્ગવભાઈ હબકી ગયા હતા એ વખતે. અરે, સાત-આઠ વર્ષનો સાવ નિર્દોષ છોકરો આવું બોલતાં ક્યાંથી શીખ્યો ?

યાદ આવ્યું. છાપામાં સ્કૂલે જતા છોકરા પર બસ ફરી વળી હતી એનો ફોટો જોઈને બોલી જવાયું હતું: ‘આના કરતાં તો ભગવાને એના બાપની કરોડોની દોલત લૂંટી લીધી હોત તોય વાંધો નહોતો… દોલત તો પાછી કમાઈ લેવાશે, પણ છોકરો ?’

એ વખતે કેતન બાજુમાં બેઠાં બેઠાં હોમવર્ક કરતો હતો. પણ એ અટકાવીને એ ક્યારનોય ભાર્ગવભાઈ સામે ટગરટગર જોઈ રહ્યો હતો. અચાનક એના મનમાં કોઈ ચમકારો થયો હશે. પૂછ્યું :

’હેં પપ્પા, મને આવું થાય તો ?’

ભાર્ગવભાઈએ એ વખતે એને બાથમાં લઈને ચૂમીઓથી નવડાવી દીધો.

ટ્રાઈસિકલની જિદ્દ વખતેય એમણે કેતનને કહ્યું હતું : ‘જો બેટા, ટ્રાઈસિકલ તો અપાવું છું, પણ આવી મરવાની વાત કદી ન કરવી, હોં !’

‘એ તો…. એ તો…’ કેતન કૉન્વેટશાહી ઈંગ્લિશમાં બોલ્યો :

‘જસ્ટ,જસ્ટ અ શૉક… એન્ડ ઓલ્સો અ જોક..’

એ પછી વર્ષો વીતી ગયાં.

આજે એ વર્ષોના લાંબા અંતરાલ પછી કેતને આપણી આગળ એક બેંકના થોકડો એક કાગળો ધર્યા છે.

‘શું છે આ ?’

‘જસ્ટ ફૉર્માલિટીઝ.’

‘પણ શેની ?’ ભાર્ગવ મહેતાને હવે ઉંમરને કારણે રેટિનાની થોડી થોડી તકલીફ થઈ છે, પણ વાંધો નથી. કાગળ નજીક હોય તો લખેલું બધું વંચાય છે અને નહીં લખેલું વાંચવાનાં ચશ્માં તો હજી ક્યાં શોધાયાં છે ?

જો કે, બેંકના કાગળોમાં છાપેલા અક્ષરો કરતાં ખાલી જગ્યાઓ વધુ છે, જે નીચે સહી કરનારો ખુદ ભરવા બેસે તો હજારો ચેકાચેકી થાય ને સમજીને ભરવા બેસે તો વગર સનદનો વકીલ બની જાય.

‘ડેડી…’ કેતને કહ્યું :’મારા પર ટ્રસ્ટ નથી ?’

‘ટ્રસ્ટનો સવાલ નથી, પણ..’

‘તો શું છે ?

છે શું ? સમજાવ તો ખરો !’

‘બિઝનેસ માટે લોન લેવાની છે. આજે કયો બિઝનેસમેન નથી લેતો ? અને સામે સિક્યોરિટી કઈ બેંક નથી માગતી ? તમે જ્યારે આ ફ્લેટ લીધો ત્યારે સિક્યોરિટીમાં આ ફ્લેટ નહોતો આપ્યો ?’

‘આપ્યો હતો, પણ ટાઈમસર છોડાવી પણ લીધો હતો. હું નિયમિત પગાર ઘેર લાવતો હતો. એમ તો તને ભણાવવા માટે તારી મમ્મીનાં ઘરેણાં પણ ગીરો મૂક્યાં હતાં, પણ ટાઈમસર છોડાવી લીધાં હતાં. તારા કમાવાની વાટ પણ નહોતી જોઈ.’

‘ધેટ’સ ફાઈન. તો સમજી લો કે હું તમારું જ લોહી છું અને તમારા જેટલો જ પર્ટિક્યુલર છું. તમારે એકને ભણાવવાનો હતો, હું અત્યારે બે સંતાનને સારામાં સારી સ્કૂલમાં ભણાવી રહ્યો છું, પણ તમે નોકરી કરતા હતા ને હું ધંધો કરું છું એટલો ફેર છે. મારો બિઝનેસ સાત પડઘિયા પહાડની ખીણ જેવો છે. હું એક અવાજ કરું તો સામે સાત વાર પડઘા પડે. હું લાખ ફેંકું તો મને સામે સાત લાખ મળે. આ આપણો ફ્લેટ હું શા માટે બેંક પાસે મોર્ગેજ કરું છું ? કારણ કે મારે કોઈ પાર્ટીનાપાંચ લાખ આપવાના છે. હું એને પાંચ લાખ ટાઈમલી રિટર્ન કરું છું એટલે એ મને પચાસ લાખ આપવા જેટલો મારા પર ભરોસો કરશે, જે ગુજરાતીમાં શાખ અને અંગ્રેજીમાં ક્રેડિટ વર્ધિનેસ કહેવાય છે. પચાસ લાખ આપશે એટલે બીજા જ કલાકે હું આ બેંકને પાંચ લાખ પે-અપ કરીને ફ્લેટ છોડાવી લઈશ. અરે, નવો ફ્લેટ લેવામાં વાર નથી લાગવાની.મારો બિઝનેસ…’

ભાર્ગવ મહેતા

એ એવા બિઝનેસનું નામ બોલ્યો, જે બિઝનેસનો જન્મ કમ્પ્યુટરની શોધ પછી થયો છે, જેની આપણને કોઈ સમજ નથી ને આ ખેપમાં હવે સમજવુંય નથી.

પણ એથી શું ? ભઈ, ગીરોખતમાં સહી કરતાં પહેલાં વિચાર તો કરવો પડે, નહીં ?મારા જેવા એક-બે પેન્શનર ફ્રેન્ડસને પૂછીને કરું તો ? રોજ સાંજે ઉત્તમનગરના બગીચામાં ફરવા આવે છે. એમાં પાછા શશીકાંતભાઈ તો એક બેંકમાં રિજિયોનલ મૅનેજર હતા. જાણકાર કહેવાય.’

‘ધજાગરા કરવા છે ?’

ભાર્ગવ મહેતા નિરુત્તર થઈ ગયા.

નાનપણમાં બોલ્યો હતો એવું વેણ ફરી એક વાર કેતનની જીભે આવી ગયું:

‘જો તમે સહી નહીં કરો તો મારે ઝેર ખાવાનો વારો આવશે.’

‘પણ અંજનને તો પૂછી જોઉં ?’

‘અંજન તો મારો નાનો ભાઈ છે. સગીર છે. એને શું પૂછવાનું?’

આ બોલતી વેળા કેતનના મોં પર મરણિયાપણાનો કારમો ભાવ આવી ગયો. ‘ઝેર’ શબ્દમાં એવી કાતિલ અસર છે. ભાર્ગવ મહેતા જેવા ઢીલા બાપની નજર સામે એક વાડકો દેખાય. બાજુમાં પડેલી પુત્ર-પુત્રવધૂની લાશો દેખાય. બાજુમાં વલવલતાં, આક્રંદ કરતાં પૌત્ર-પૌત્રી દેખાય.કલ્પનાને દ્રશ્યમાં પલટાવવા માટે કોઈ પ્રોજેક્ટની જરૂર નથી. મનમાં પડેલો પડદો બેફામ દ્રશ્ય પેદા કરી લે છે.

ભાર્ગવ મહેતા ધ્રૂજી ગયા : અરે મૂરખ, તારે કેટલા વર્ષ જીવવાનું છે ? સાથે શું બાંધી જવાનો છે ? આ ફ્લેટ કે પરચૂરણ મિલકત આખરે છે કોના માટે? પત્ની તો ઉપર જતી રહી છે. નાના અંજનને મોટો ભણાવે જ છે ને ! ને કેતન શું નાનો છે ? ચાલીસનો થયો. બે બાળકનો બાપ.એને શું પોતાના બૈરી-છોકરાંનીય પડી નહીં હોય ?કેવી વાત કરે છે ? શું નિર્જીવ ઈંટ-ચૂનાના ફ્લેટને ઝોડની જેમ વળગી રહ્યો છે? આ તારી ધાર્મિકતા ? આ તારા ડેઈલી સત્સંગ ?

એમણે કેતને ધરેલી પેન લઈને સહીઓ કરી આપી.

******

‘ભાર્ગવકાકા !’

જયકરે બૂમ પાડી એટલે નવાઈ લાગી. દિવસમાં દસ વાર ભટકાય છે. કદીય મોં મરકાવતો તો શું, નજર પણ મિલાવતો નથી, છતાં આજે ખાસ સાદ કરીને બોલાવ્યો.

‘અરે,જયકર !’ એમણે પૂછ્યું :‘શું આમ આટલો ખુશમિજાજ ?’

‘હોઉં જ ને ! કેતનભાઈ કુબેરકર્મી કો-ઑપરેટિવ બેંકમાં કૉઓપ્ટ થયા ને ! છાપામાં વાંચ્યું.’

‘એમ ?’ સારા સમાચારની ખુશી, પણ મને બાપ હોવા છતાં નથી ખબર એની થોડી ગ્લાનિ. છતાં પૂછ્યું: ‘ક્યારે વાંચ્યું ?’

‘આજે સવારે જ.’ પછી કહે :‘તમને નથી ખબર ?’

‘સેટેલાઈટ પર એ રહેવા ગયો છે તે રોજરોજની ખબર થોડી હોય ? જો કે બપોરે ફોન તો આવશે જ. આ બધી એના બિઝનેસની ખબર કહેવાય. એને તો રુટિન થયું. બિઝનેસ એક્સપાન્ડ કરે એટલે આવું તો થયા જ કરે.’

‘એમણે તો ગાડીય લીધી, કાં ?’

‘લીધી ને! મર્સિડીઝ લીધી. મને શ્રીનાથજીની જાત્રા એમાં જ કરાવી ને !’

‘નસીબદાર છો.’

ભાર્ગવ મહેતાએ આકાશ ભણી આંગળી ચીંધી :‘સૌ ભગવાનની મહેરબાની.’

ઘેર જતાં જતાં મખમલી વિચારો આવ્યા. હંમ, પ્રોગ્રેસ તો ના, ના દેખાય છે. કેતન પુરુષાર્થી છે. હમણાં ગાડી લીધી. એ જ દિવસોમાં હેવી ડોનેશન દઈને છોકરાંને એ-વન શાળામાં મૂક્યાં. આકરી ફી ભરવાની ત્રેવડ કેળવી. આપણે તો સાલા ફી-માફીમાં ભણ્યા હતા.

કેતન ભાર્ગવ મહેતા

જો કે ફ્લેટનું મોર્ગેજ ન છોડાવ્યું એમાં પણ વેપારી બુદ્ધિ વાપરી. લોન ચૂકતે કરી દીધી. હવે ફ્લેટને એમ ને એમ ગીરો રાખીને ઓવરડ્રાફ્ટ ફેસેલિટી લીધી છે. વાપરીએ એટલું જ વ્યાજ ! ફ્લેટના કાગળ આપણા કબાટમાં પડ્યા હોય કે બેંકની સેફમાં-વધારે સેફ્ટી ક્યાં?

જો કે માણસો ઈર્ષાળુ હોય છે. એ જ જયકર પાછો રસ્તામાં મળ્યો ત્યારે બોલ્યો :

‘કાકા,શું છે આ બધું ?’

‘શેનું શું છે ?’

‘કુબેરકર્મી બેંક ઊઠી ગઈ.’

ફડકો તો પડ્યો પેટમાં, પણ હસી દીધું :’ઉઠી જાય એમાં કૉઓપ્ટ ડિરેક્ટરને શું ?’

‘’આ તો જસ્ટ તમને વાત કરી.’

ભાર્ગવ મહેતા હસ્યા : ‘છાપામાર માણસો કરતાં છાપા જેવા માણસો વધુ ખતરનાક…. આ તો જસ્ટ તને વાત કરું છું.’

ઉત્તમનગરના બગીચાની લોનમાં બેઠાં બેઠાં રિટાયર્ડ બેંક મૅનેજર શશીકાંતભાઈએ લીલા ઘાસની પાંચ-દસ કૂંપળ ખેંચીને તોડીને કહ્યું :

‘ભાર્ગવ,બિલકુલ પર્સનલ સર્કલમાંથી વાત મળી છે કે તારો સન, શું નામ,કેતનને ?‘કુબેરકર્મી બેંક’ના મામલામાં સારો એવો ખરડાયો છે.’

શ્વાસ થંભી ગયો ઘડીભર. પૂછ્યું :

‘ખરડાયો છે એટલે ?’

‘એટલે કે…’ શશીભાઈએ કાને હાથ દીધા : ‘કાનને દોષ છે, પણ બોલાય છે કે ત્રીસેક લાખનું ધિરાણ એણે પોતે લીધું છે. વાઈફના નામે કે પછી સાળાના નામે.”

જીવ ચૂંથાવા લાગ્યો. ભાર્ગવ મહેતા બોલ્યા :‘ધિરાણ જેના નામે હશે એ મરશે. કેતનને શું ?’

સાવ ખોટેખોટું હસે છે એમ વરતાઈ આવે એમ શશીભાઈ મોટેથી હસીને બોલ્યા :‘ર…ર…ર…રાઈટ….હોં !’

******

ક્યાં મણિનગર, ક્યાં સેટેલાઈટ-કેટલું અંતર! ને અમદાવાદનો ટ્રાફિક એટલે ? સ્વાભાવિક જ છે કે કેતનથી રોજ અવાય તો નહીં જ, પણ ફોન દિવસમાં એકાદવાર કરે છે. બાકી,આ એની કારકિર્દીનો મધ્યાહન કહેવાય. શું ધીરુભાઈ અંબાણી કે ટાટા-બિરલા-મિત્તલ, સૌનાં ફેમિલીને આ ફરિયાદ રહેવાની, પણ આ કેતનિયો વારંવાર મોબાઈલ નંબર કેમ બદલાવ્યા કરે છે ? આઠ-દસ-પંદર દિવસે ને બે મહિના તો હદ! યે નંબર સેવા મેં નહીં હૈ !

‘મોબાઈલ કંપનીઓ સામે ચડીને એટ્રેક્ટિવ ટેરિફ્સ ઓફર કરે છે, ડેડ.’ કેતને જવાબમાં કહ્યું હતું : ‘એટલે મારા જેવા બિઝનેસમેન તો હંમેશા ફાયદો જુએ.અને હવેથી સ્કીમ આવશે કે કંપની બદલાય, પણ નંબર ન બદલાય. પછી આ ઝંઝટ નહીં રહે.’

જેટલી વધારે ઝંઝટ એટલી વધારે લક્ષ્મી. આ સત્ય ભાર્ગવ મહેતાને સમજાઈ ગયું હતું. આપણા જમાનામાં એવું નહોતું. હવે બિઝનેસ મટીને ચેસની ગેમ બની ગયો છે. સતત વ્યૂહરચના માગે. એટેન્શન માગે.

’ના.’ કેતનને આ સરખામણી સામે વિરોધ હતો. એ કહે :‘ચેસ નહીં, સાપ અને સીડીની રમત પાછી આવી છે.’

પછી એણે હથેળીને રોકેટનો આકાર આપ્યો. એને તીર વેગે આકાશ ભણી ગતિ આપી ને પછી એને એકદમ ડાઈ મરાવી છેક પગના તળિયા સુધી લઈ ગયો :

’એનો સૌથી મોટો દાખલો શેરબજાર. જોતા નથી સેન્સેક્સ ?’

એ જ વખતે પૌત્ર અને પૌત્રી-ચિત્રા અને ચિત્રસેન આવી ગયાં. અહો, ચિત્રા એના પપ્પા પર ગઈ હતી અને ચિત્રસેન એની મમ્મી શ્રેયા પર. આવાં છોકરાં ભાગ્યશાળી હોય છે. ગલઢેરાઓ કહી ગયા છે અને એમાં હંમેશા તથ્ય હોય છે.

‘પપ્પા…’ કેતને કહ્યું: ‘ચિત્રા અત્યારથી જ કમ્પ્યુટર એજ્યુકેશનની તૈયારી કરે છે અને ચિત્રસેન મૅનેજમેન્ટ એજ્યુકેશનની.’

‘અત્યારથી?’ ભાર્ગવ મહેતાને નવાઈ લાગી : ‘હજી તો ચિત્રા સાતમામાં આવી અને ચિત્રસેન નવમામાં તોય ?’

‘આ સ્કૂલની આ જ ખૂબી છે, ડેડ.’ કેતન બોલ્યો : ‘ભલે,દોઢ-દોઢ અને બબ્બે લાખ ડોનેશન દેવું પડ્યું, પણ ફ્યુચર કેવું સુધરી ગયું ? આ સ્કૂલના પ્યુપિલ્સ વર્લ્ડના ગમે તે કોર્નરમાં જાય.પાછા ન પડે. એનાં રૂટ્સમાં આ જ. અત્યારથી જ હાઈ પ્રોફાઈલ ટીચિંગ !’

જો કે ભાર્ગવ મહેતાનું દિમાગ ડોનેશનના આંકડા પર જ ચોંટી ગયું હતું. વાતો મધ જેવી હતી, પણ મધના ટીપામાં મનની માખીના ટાંટિયા ચોંટી ગયા હતા. ઊડીને બીજે બેસી જ નહોતી શકતી.

‘એટલું બધું ડોનેશન તારે દેવું પડ્યું ?’

‘ગમ્મે તેમ કરીને…’ કેતન બોલ્યો :’લાઈફસ્ટાઈલનું લેવલ હાઈ જાય એમ ઓવરહેડ ખર્ચાય વધે ને આવા એક્સ્પેન્સીસ પણ.’

એ પછી કેતન વગર પૂછ્યે મનોમન બોલતો હોય એમ ગણગણવા જેવા અવાજે બોલ્યો :’મનીને મેનિપ્યુલેટ કરતાં આવડે તો મલ્ટિપ્લાય થાય. તમારા મણિનગરના ફ્લેટની વાત જવા દો. મારા સેટેલાઈટના ડુપ્લેક્સની વાત કરો. ત્રીસ લાખનો ફ્લેટ પડ્યા પડ્યા જ ચાલીસ-પચાસ લાખનો થશે.એ વખતે શું એના પર લીધેલા વીસ લાખ પે-અપ ન થઈ શકે ? વેલ, અત્યારે એના પર સેકન્ડ મોર્ગેજ કરીને સાડા અગિયાર લીધા!.’

‘સાડા અગિયાર ?’

‘સાડા અગિયાર લાખ, ડેડ. હવે હજારની વાત તો ક્યાંય આવતી જ નથી. આપણે હવે કરોડ તરફ આગળ ધપવાનું જ હોય ને ? કે હજાર ભણી પાછા વળવાનું હોય ? એંહ…’

થોડી ખુશી, થોડી ગભરામણ,આપણને સમજાતું નથી એની થોડી લઘુતા. થોડો અજ્ઞાનનો ભય.આપણે દીકરાની પ્રગતિના રાહમાં રોડાં તો નાખી નથી રહ્યાને? એવી થોડી સાવધાની. ઠીક, એના કર્યા એ ભોગવશે. આપણે બહુ ચિંતા શું કરવા કરવી ? આપણે રોટલા-પાણીએ દુઃખી નથી થવાના ને નાના અંજને પણ હવે ટાઈલ્સનું કામકાજ શરૂ કર્યું છે. એનામાં ભલે કેતન જેટલી એમ્બિશન નથી છતાંય…

******

‘ચિત્રા,ક્યાં ગયા તારા પપ્પા ?’

‘પપ્પા-મમ્મી ધંધુકા ગયાં છે.’

‘બન્ને? કેમ બન્ને ?’

ત્યાં ચિત્રસેન હોમવર્ક કરતાં કરતાં ઊઠીને બહાર આવ્યો :‘દાદા,તમને મોબાઈલ નહોતો કર્યો ?’

‘ના, ભઈ.’ ભાર્ગવ મહેતાને નવાઈ લાગી :‘આ લોકો મોબાઈલ રાખે છે તો ઉપયોગ શું કરવાને નહીં કરતાં હોય ?’

‘તમારે કંઈ કામ હતું, દાદા ?ખાસ કામ ?’

‘બેંકમાંથી રિકવરી ઓફિસર આવ્યો હતો, બેટા. એ બધી વાત કરવી હતી.’

છોકરાઓને આટલી-આવી વાત પણ ન કરવી જોઈએ. આ તો બોલાઈ ગયું.એમણે વાળી લીધું :‘કાંઈ નહીં.ચાલ હું જ મોબાઈલ કરું છું.’

એમણે મોબાઈલ લગાડ્યો, પણ ટોં ટોં ટોં ટોં.

‘ઉફ્ફ,આ કંપનીની સર્વિસ, ભાઈસા’બ, મોટાં મોટાં હોર્ડિંગ મારે છે, પણ રિયાલિટીમાં મોટો ઝીરો… બોલ, આ લેટેસ્ટ મોંઘામાં મોંઘો પીસ તારા પપ્પાએ મને લઈ આપ્યો છે. ઓછામાં ઓછો વીસ-પચ્ચીસ હજારનો હશે, પણ નેટવર્ક ન મળે એટલે તો ડબલું જ ને !’

ચિત્રસેન હસ્યો : હા…હા…હા….હા…. પછી કહે : ‘પપ્પા પાસે તો પાંત્રીસ હજારવાળો છે. એક વાર તો નેટવર્ક નહોતું મળતું તે પપ્પાએ એને ખિજાઈને પલંગમાં એવો તો પછાડ્યો કે હા….હા…હા…હા…’

‘એમ ?’

‘ઊછળીને પડ્યો નીચે ને બે ફાડિયાં !’

‘પછી ?’

‘ક્રેડિટ કાર્ડ લઈને પપ્પા એ જ ઘડીએ બહાર નીકળ્યા. બે કલાકમાં બીજો ! દાદા.’

ચિત્રસેન અહોભાવથી એના પપ્પાની વાત કરી રહ્યો: ‘એ તો પહેલાંથીય વધારે કૉસ્ટલી.’

‘પેલો રિપેર થાય એમ નહોતો ?’

‘પપ્પા રિપેર કરાવેલી વસ્તુ વાપરતા જ નથી, દાદા.’ એકાએક ચિત્રા બોલી :

‘પપ્પાને તમારા કરતાં વધુ અમે જાણીએ.’

ભાર્ગવ મહેતા ગંભીરથઈ ગયા.

એ જ ઘડીએ એમનો મોબાઈલનો રિંગટોન રણકી ઊઠ્યો:અજીબ દાસ્તાં હૈ યે…કહાં શુરૂ કહાં ખતમ,યે મંજિલે હૈ કૌન સી, યે સમજ સકે ના હમ…

‘હલો…’

‘આપ કોણ બોલો છો ?”

“હું ભાર્ગવ મહેતા. આપ ?’

‘કેતન ભાર્ગવભાઈ મહેતાના ઘેરથી ?’

‘યસ પ્લીઝ.’ અધીરાઈથી પૂછ્યું:

‘આપ ?’

‘બગોદરા પોલીસ સ્ટેશનથી ઈન્સ્પેક્ટર…’ બોલનારાના અવાજમાં પોલીસની બેદિલી સાથે થોડી દિલગીરી પણ હતી :

‘કેતન મહેતા તમારા…’

‘યસ, મારો સન.’

‘એમની જોડે એક લેડી…’

‘યસ, યસ, …એની વાઈફ…’

ભાર્ગવ મહેતાની ધીરજ ખૂટી ગઈ :‘પણ થયું છે શું ?’

‘ફેટલ એક્સિડન્ટ. એમની મારુતિ સીધી જ એક ટ્રક જોડે ધડાકાભેર અથડાઈ.’

‘બન્ને સલામત તો છે ને ?’

‘સોરી….. તમે જલદી આવી જાઓ…જલદી.’

‘પણ…’

ફોન કપાઈ ગયો. ભાર્ગવ મહેતાના કપાળે પરસેવાનાં બુંદ બાઝી ગયાં. એમણે ફરી સામો ફોન લગાડવાની કોશિશ કરી, પણ…

યહ નંબર અભી વ્યસ્ત હૈ… કૃપયા થોડી દેર બાદ…

ચિત્રા અને ચિત્રસેન દાદાની કોરે ખાટે આવી ગયાં :

‘શું થયું, દાદા, શું થયું ? હેં ?

અમને કહો તો ખરા, દાદા… દાદા… દાદા…’

ભાર્ગવ મહેતાની આંખે અંધારા આવી ગયાં હતાં. એમની એકોતેર વર્ષની ઉંમરમાં અઠ્ઠાવીસ વર્ષ એકસામટાં માથા પર પડતી વજનદાર શિલાની જેમ પટકાઈને ભળી ગયાં.

એમણે એ ક્ષણ વિતાવી દીધી. પછી જરા આંખ ખોલી. બાળકો સામે જોયું :

એક અગિયાર-બાર વર્ષની બેબી. બીજો તેર-ચૌદ વર્ષનો બાબો. મારા માથે અચાનક પડેલી શિલાના બોજથી મારાં તો સોએ ય પૂરાં થઈ ગયાં, પણ આ કોમળ છોડવા ? જેને હજુ વૃક્ષ બનાવવાના બાકી છે. હજુ તો… હજુ તો…

એમણે સજ્જડપણે હોઠ ભીડી દીધા. અંજનને ફોન જોડ્યો :

તારે મારી સાથે બગોદરા અબ્બી ને અબ્બી આવવાનું છે. પૂછીશ મા કે શા માટે ?’

*******

ભાર્ગવ મહેતા અને કેતનની આ વાર્તાનું આલેખન અહીં પૂરું થાય છે…

એકદમ છૂંદાઈ ગયેલા દીકરા અને વહુના દેહ જોઈને ભાર્ગવ મહેતાને શું થયું હશે-નાના દીકરા અંજનને શું થયું હશે એનું વર્ણન કરવું એ ભલે કળાકારી હશે, પણ એમાં ક્રૂરતા છે. વાંચનારા પર અત્યાચાર છે. માણસ માણસનું દુઃખ જોઈને દિલમાં જે બળતરા અનુભવે એ સાચી બળતરા છે એટલે તો કોઈના દુઃખથી દુઃખી થવાની ક્રિયાને ‘દાઝવું’ કહેવાય છે. એમ કહેવાય છે કે મને એનું દાઝે છે.

જે રીતે કેતને અને એની પત્નીએ ઘરમાં બાળકોને જમાડીને, ચૂમીઓ ભરીને ધંધુકા જવા વિદાય લીધી અને જે રીતે એમની કાર પોઈન્ટ બ્લેન્ક પુરઝડપે સામેની તોતિંગ ટ્રક સાથે અથડાઈ છૂંદો બની ગઈ એ જોતાં મોટા ભાગના માણસોને સહેજે કલ્પના આવી હશે કે એ જાણીબૂઝીને કરવામાં આવેલી જીવલેણ અથડામણ હતી !

આપઘાતનો એ કદાચ મૌલિક પ્રયોગ હતો. સિત્તેર-એંસી લાખનું દેવું, જેણે કેતનને સાપ-સીડીની રમતના સાપના મોંમાં મૂકીને છેક પૂંછડીએ ધકેલી દીધો એમાંથી જીવતેજીવત છૂટવાનો કોઈ માર્ગ નહોતો.

ના, કદાચ એ ખરેખર અકસ્માત પણ હોઈ શકે.

ના, ના, સો ટકા આપઘાત જ હોય…

આ કોયડાનો સાચો જવાબ શોધવામાં આપણને શા માટે રસ હોવો જોઈએ ? મોટા ભાગના માણસોને એવો રસ હોય છે. એ લોકો ભલે એ આખી વાતની કરપીણ ટ્રેજડીથી અળગા રહીને એમનાં લૉજિક લડાવ્યા કરે-અને ધારી લો કે સાચો જવાબ મળે તોય એથી શું ?

ભાર્ગવ મહેતાને અને એમની આંગળીએ વળગેલાં બે બાળકને શું ?

આ એકોતેર વર્ષની ઉંમરે જે જુવાન કંધોતરને સહારે એમને જિંદગી સુખચેનથી ગુજારવાની ઉમેદ હતી એ કંધોતર એમના પર સિત્તેર-એંસી લાખનું કરજ ખડકી ગયો ને બે સંતાનના ભણતર-ગણતર-પણતરની જવાબદારીમાં એમને બંદીવાન બનાવી ગયો – એ ટ્રેજેડીમાં પેલા કોયડાના સાચા ઉકેલથી શો ફરક પડવાનો ?

******

જો કે, થોડા દિવસ બાદ એમના એક ગણતરીબાજ કુટુંબીએ આ દુર્ઘટના પછીના તરતના દિવસોમાં કપાળે કરચલીઓ પાડીને એમને પૂછ્યું પણ ખરું :

‘હેં ભાર્ગવભાઈ, એમ તો કેતન અને એની વહુના વીમાનુંય કાંઈક મળશે ને ?કેટલા હશે ?’

‘ભાઈ…’ ભાર્ગવભાઈ ત્યારે બોલ્યા હતા : ‘કાંઈ કહેવાજેવું નથી.’

ભાર્ગવભાઈએ એક ઊંડા નિઃશ્વાસ સાથે વાતનો બંધ વાળી દીધો, પણ જિજ્ઞાસુએ ક્યાંકથી જાણી લીધું. જે કંઈ પૉલિસીઓ હતી એની સામે કેતને લોનો ઉપાડી હતી ને એથીય મોટી વાત.પૉલિસીઓમાં નોમીની તરીકે કેતનનાં સંતાનોનાં નામ હતાં. હા, વળી,કોઈ પોતાના બાપને થોડો જ નોમિની તરીકે રાખે ? ખેર, ક્લેઈમમાંથી લોનની રકમો વ્યાજ સાથે વાળી લેતાં જે વધે એ તો છોકરાઓ સગીર વયે વટાવે પછી જ મળે!

આ દરમિયાન લેણદારો થોડી એટલાં વર્ષ રાહ જોવાના હતા ? આવનારા એ રૂપિયા ભલે મૃગજળ નહોતા, પણ ક્ષિતિજ જેવા તો હતા જ. એ ક્ષિતિજ સુધી ભાર્ગવ મહેતા ક્યારે પહોંચવાના ? અને એ આવે ત્યાં સુધી ભાર્ગવભાઈના શ્વાસ ચાલતા હશે ખરા ?

ભાર્ગવભાઈ મનોમન માથું ધુણાવતા હતા :

કરજ તો વર્તમાનમાં જ ભરપાઈ કરવાનું છે. છોકરા મોટા થયા પછી નહીં ?

જિંદગીમાં એકત્રિત કરેલી કાળા પસીનાની તમામ માલમત્તા કોઈ ને કોઈ ઠેકાણે ગીરો મુકાયેલી છે. એ ગીરોખત પર ભાર્ગવ મહેતાએ જ કાંડાં કાપી આપ્યાં હતાં.

માર્ચ મહિનાની શરૂઆત થઈ એટલે બેંકો અને બીજી નાણાં સંસ્થાઓની રિકવરીની મોસમ ! કડક તકાદા ભાર્ગવભાઈ પર શરૂ થઈ ગયા.

માથે થોડા જ વાળ બચ્યા છે એવી, જેના પડ નીચે કમનસીબીનો ચરુ ઊકળે છે એવી ટાલવાળા ભાર્ગવ મહેતા અમદાવાદના કાળા ઉનાળામાં માથે હેલ્મેટ ચડાવીને અમદાવાદના એક ખૂણેથી બીજે ખૂણે માર્યા માર્યા ફરે છે.

વચ્ચે જરા શ્વાસ ખાવા ડોરબેલ મારીને કોઈ મિત્રના ઘરમાં પ્રવેશે છે. રૂમાલથી મોં પરનો પ્રસ્વેદ લૂછીને,સામે ધરવામાં આવેલા ગ્લાસમાંથી ઊંચેથી ઘટક ઘટક ગળા નીચે ઉતારે છે.

‘શું લેશો…. ચા કે ઠંડું ?’

‘ના, ઉતાવળ છે. હજી મારેએક્સ વાય ઝેડ બેંકે પહોંચવાનું છે.’

‘જોગવાઈ થઈ કાંઈ ?’

‘વ્યાજ જેટલી માંડ થઈ છે ક્યાંકથી…’

‘બાકીના?’

બાકીના ?

એમ કોણ પૂછી શકે ?જે કાંઈક કરવા માગતા હોય ને કાંઈક કરી શકવાને, કરાવી શકવાને માટે સમર્થ હોય એ જ… બાકી તો એ સવાલ દૂઝતા જખમ પર શૂળ ઘોંચવા જેવો જ ને !

બીજા શબ્દોમાં કહો તો દીકરો-વહુ અકસ્માતમાં ગુજરી ગયા કે આપઘાત કર્યો, પણ પેલા બાકીના ચૂકવવા માટે ભાર્ગવભાઈએ તો એકોતેરમેં વર્ષે એકડે એકથી ઘૂંટવાનું હતું…. જીવતેજીવ રોજ રોજ આપઘાત કરવાનો હતો !

*****************************************************************

( આ લેખ ‘ચિત્રલેખા’માં છપાયો હતો એ વાતને દસેક વર્ષો થયાં. એના દ્વારા ભાર્ગવભાઇ(મૂળ નામ ભરત મહેતા)ને ઠીક ઠીક મદદ પહોંચી હતી. અત્યારે એમનો બીજો પુત્ર અંજન (મૂળ નામ અનુપમ)સારો વ્યવસાય કરે છે.)


લેખક સંપર્ક-

રજનીકુમાર પંડ્યા.,

બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦/

મો.95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન-079-25323711/

ઇ મેલ- rajnikumarp@gmail.com

10 comments for “એકોતેર વર્ષે એકડે એક…

 1. June 19, 2017 at 9:30 am

  I am a businessman. This Article is recommended to be read by those who are involved in business or industry. It alarms against over-trading. One must remain in limit, stretch feet to fit with own quilt and should not be over-ambitious.

 2. Piyush Pandya
  June 19, 2017 at 4:11 pm

  ભલભલાને દ્રવિત કરી નાખે એવી ઘટના છે આ. નખશિખ સજ્જન એવા આ માણસની ઉપર શું શું વીતી ગયું હશે!

 3. રાજેન્દ્ર કર્ણિક
  June 19, 2017 at 10:02 pm

  અમે અમારા નિવૃત્ત બેન્ક કર્મચારીઓને સંગઠન દ્વારા સતત સલાહ આપીએ છીએ કે તમારું છાપરું કોઈ પણ સંજોગોમાં ક્યારેય ગીરવે ન મુકશો. છોકરાઓને જે કરવું હોય તે પોતાના બળ પર કરે અથવા ભીખ માંગે.

 4. June 20, 2017 at 3:32 am

  OMG…So tragic…..

 5. Gajanan Raval
  June 20, 2017 at 9:20 am

  Dear Rajnibhai,
  Your articles are lighthouses to many persons who can turn their ships in the right direction at the right time…

 6. June 20, 2017 at 9:33 am

  Bharat bhai mehta … amara mate `Bharat mama`..yuvani na amara divso ma navi navi state transporti ni service ane buses nu checking kari katki (pilferage) pakdvani amari kamgiri ma Amdavad route uper junagadh the jaiye tyare achuk Bharat mama na kanthe Talat mehmood na geeto sambhalvano lahvo leta .Nirdosh ane salas vyaktitva prembharyo aadar aapnar MAMA uper aavu vityu teni koi jankari na hati .Lekh vanchi hriday dravi gayu ane niyati a potano khel kem temna upar rachyo?Lekhan nirupan etlu sachot che je kramash lekh ni sathe chitra ane mano bhav pan bhina kareche ..

 7. Prafull Ghorecha
  June 20, 2017 at 11:21 am

  આજના વડીલો સામે લાલબતી ધરતો બનાવ. ઓવર કોન્ફીડન્સનું ખતરનાક પરિણામ. ખુબ જ દર્દ ભર્યો લેખ. વાંચીને હજુ વિચારોમાંથી બહાર નીકળી નથી શકાતું.

 8. June 20, 2017 at 5:30 pm

  સત્ય ઘટના છે એટલે વધારે વલોવી નાખે એમાંય રજનીકુમાર પંડ્યાની રજૂઆત ! વાતમાં તરત વહાવી જાય….

  હું રાજેન્દ્ર કર્ણિકની વાત સાથે પૂરેપૂરી સમ્મત છું. અને એય ખરું કે એકલો બાપ કે મા આમ ધર્મસંકટમાં મુકાય જાય અને એનાથી આવો નિર્ણય લેવાઈ જાય !!

 9. Ishwarbhai Parekh
  June 20, 2017 at 5:46 pm

  VADIL IMOTIONMA DIKARA NE SAHI KARI AAPE ANE NA KARE TO DUNIYA TENE PATTHAR DIL NO ILKAAB AAPE ,BAAP NO BANNE BAJU THI MARO .AAJKAL DIKARA BAAPNA Y BAAP BANI JAAY BHALE SUSIDE KARVU PADE BAS ENJOY KARI LIFE MANI LO .

 10. Dilip Ganatra
  June 23, 2017 at 11:42 am

  So what is new? This is just opposite of happy Ending tales ‘Goras’ of Late Girish Ganatra. It is not a rare occurrence in our society. Every time everybody advises that do not give away every thing to your son, every time everybody makes the same mistake (?), and every time the same advise rains upon the unfortunate.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *