શિક્ષણ ચેતના : દિલ દીધું મેં બાળકોને – વસીલી સુખોમ્લીન્સ્કી

Facebooktwitterredditpinterestlinkedinmail

નિરુપમ છાયા

શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે આંતરચેતનાનો સંવાદ એ જ ખરું શિક્ષણ છે. આ સંવાદ થકી જ વિદ્યાર્થી મ્હોરી રહે છે અને જીવનને ઊર્ધ્વ ભણી દોરવાની ક્ષમતા કેળવી શકે છે. આવા સાર્થ સંવાદ સાધવાની દિશા તરફ જનારા અને એ રીતે એવી દિશા કંડારનારા, દોરનારા શિક્ષકોએ શિક્ષણનાં તત્વ અને સત્વને ટકાવી તો રાખ્યાં જ છે, સમૃદ્ધ પણ કર્યાં છે. આ શિક્ષકોની ચેતના આજે પણ શિક્ષણના પથને અજવાળી રહી છે, આ પથના પથિકોને પ્રેરિત પણ કરી રહી છે. ખરેખર તો આવી ચેતનાના ધબકારને સમજી, ઝીલી, એને પ્રવાહિત કરવામાં આવે તો શિક્ષણ માટે કોઈ ફરિયાદ જ ન રહે.

આવી જ એક ચેતના એટલે વસીલી સુખોમ્લીન્સ્કી. આપણે આ ચેતનાની સાધનાને સમજવા, આત્મસાત કરવા પ્રયત્ન કરીશું.

વસીલી આલેક્સાન્દ્રોવીચ સુખોમ્લીન્સ્કીએ પોતાના ટૂંકા જીવનનાં (૧૯૧૮-૧૯૭૦) પાંત્રીસ વર્ષ બાળકોના ઉછેર અને શિક્ષણમાં લગાવી દીધાં હતાં. તેમણે સોવિયેત રશિયાના ઉક્રાઈનામાં મોટાં શહેરોથી દૂર આવેલા પાવલીશ ગામમાં ૨૯ વર્ષ સુધી કામ કર્યું હતું. એકવીસ વર્ષની વયે એમણે શિક્ષક તરીકેની તાલીમ પૂરી કરી અને ભણાવવાનું શરૂ કર્યું. એ જ વર્ષમાં શરૂ થયેલાં નાઝી જર્મની સામેના યુદ્ધમાં તેઓ સેનામાં સામેલ થયા. તેમનાં પત્ની રશિયન સિપાહીઓને મદદ કરતાં અને એમ કરતાં જર્મન સિપાહીઓના હાથમાં પકડાઈ ગયાં. તે વખતે તેઓ સગર્ભા હતાં. નાઝી કારાવાસમાં જ તેમણે પુત્રને જન્મ આપ્યો. જર્મનોએ તેમની પાસેથી રશિયન સૈનિકોની માહિતી કઢાવવા અત્યાચારો વરસાવ્યા, પણ તેમણે પોતાના હોઠ સીવી નાખ્યા. તેમનાં નવજાત શિશુને તેમની નજર સામે જ મારી નાખ્યું અને પછી એ બહાદુર સ્ત્રીને ફાંસીએ લટકાવી દીધી. એ વખતે વસીલી સુખોમ્લીન્સ્કી મોસ્કો નજીક ચડાઈખોરો સામે લડતા હતા અને તેમની છાતીમાં ગોળાઓની ઘાતક કટકીઓ ઘૂસી ગઈ હતી., સખત ઘવાઈ ગયા હોવાથી તેમને લડાઈનાં મેદાનમાંથી ખસેડી લેવાયા. દરમિયાનમાં, પત્ની તથા નવજાત શિશુ પરના અત્યાચાર વિષે તેમને સમાચાર મળ્યા અને આ કારમી વેદનાએ પણ તેમનાં હૃદય પર કુઠારાઘાત કર્યો. બાહ્ય રીતે તો તેઓ સાજા થઇ ગયા અને પાવલીશમાં તેમણે શિક્ષણકાર્ય શરૂ કર્યું. બાળકોને કે કોઈને પણ અણસાર સુદ્ધાં નહોતો આવતો , પણ બેવડી વેદના તેમના હૃદયને અંદરથી કોરતી રહી. આ પરિસ્થિતિમાં દવા પણ શું કરી શકે? અને છેવટે ૧૯૭૦માં (રશિયાના) શૈક્ષણિક વર્ષના પ્રારંભે, બાળકોની નવી પેઢી માટે શાળાનાં દ્વાર ખોલતાં ખોલતાં જ તેઓ ચિરનિદ્રામાં પોઢી ગયા. ભૌતિક દેહે તેઓ ન રહ્યા પણ એમણે ચીંધેલી કેડી, શિક્ષણ પ્રક્રિયામાં બાળકો તરફના એમના પ્રેમની અને બાળકના હૃદયમાં પહોંચી જવાની કળારૂપે એમની ચેતનાનો ધબકાર અનુભવી શકાય છે.

શિક્ષક તરીકેની દસ વર્ષની કામગીરી બાદ, પાવલીશની માધ્યમિક શાળાના સંચાલક તરીકે તેમની નિમણૂક થતાં શિક્ષણ માટેની સંકલ્પનાઓને વ્યાવહારિક રૂપ આપવા માટે જાણે એક પ્રયોગભૂમિ તેમને પ્રાપ્ત થઈ. આ અનોખા પ્રયોગો અને પ્રાપ્ત કરેલાં સુંદર પરિણામોને તેમણે આ પુસ્તકમાં મૂક્યાં છે. બાળકો તરફના પ્યારને તેમણે પોતાનાં જીવનની મુખ્ય બાબત ગણાવી છે અને એથી જ પુસ્તકનું નામ દિલ દીધું મેં બાળકોને રાખીને શિક્ષણ માટેની અને શિક્ષક માટે પણ અતિ મૂલ્યવાન બાબતનો જાણે સંકેત આપ્યો છે. તેઓ પોતે કહે છે તેમ, આ પુસ્તકમાં વર્ગની બહારના કેળવણી કાર્યની છણાવટ કરવામાં આવી છે. બાળકને આસપાસના જગતમાં કેવી રીતે દોરી જવું, શીખવામાં મદદ કરીને એવી માનસિક મહેનતને વધારે સહેલી કેવી રીતે બનાવવી; તેના અંતરમાં કેવી રીતે ઉમદા લાગણીઓને જગાવીને, માનવ હસ્તી ઇષ્ટ હોવાની નિષ્ઠા કેવી રીતે સીંચવી વગેરે જણાવવાની કોશિશ કરી છે. એક સંચાલક તરીકેનાં વ્યવસ્થાપન, નિરીક્ષણ, કે સૂચનો આપવાનાં ચીલાચાલુ કાર્યને બદલે, બાળકો સાથે શિબિર, પર્યટનો, અને અન્ય સર્જનાત્મક પ્રવૃત્તિમાં પણ તેઓ લાંબા ગાળા માટે સાથે રહી મિત્ર બની રહ્યા.

પાવલીશમાં શરૂ કરેલી એ શાળાને તેમણે આનંદ વિદ્યાલય નામ આપ્યું. સુખોમ્લીન્સ્કીની શિક્ષણ માટેની દીર્ઘદૃષ્ટિનો આરંભમાં જ પરિચય મળે છે. એક તો વિદ્યાલયનો પ્રારંભ કરતાં પહેલાં થોડાંક અઠવાડિયાં દરમિયાન તેમણે દરેક કુટુંબનો પરિચય સાધી લીધો, જેથી પરિવારના વાતાવરણનો ખ્યાલ આવે. એ ઉપરાંત, બાળકોનો વિધિવત અભ્યાસ શરૂ થયા પહેલાં, છ વર્ષનાં, અભ્યાસ શરૂ કરનારાં બાળકો સાથે જ, એક વર્ષ પછી શાળાનો અભ્યાસ શરૂ કરનારાં બાળકોને પણ પ્રવેશ આપ્યો, જેથી, તેમને જ્ઞાન આપતાં પહેલાં તેમની વિશિષ્ટતાઓ જાણવા અને વિચાર, અનુભૂતિ, અવલોકન કરતાં શીખવવા માટે સમય મળી રહે. અને આમ આનંદ વિદ્યાલય ૩૧ ઓગસ્ટના રોજ અસ્તિત્વમાં આવ્યું.

સોવિયેત સંઘના શૈક્ષણિક વર્ષની પરંપરા અનુસાર, ૧લી સપ્ટેમ્બરના રોજ સવારે વિદ્યાલયનો પ્રારંભ થયો અને સુખોમ્લીન્સ્કીએ કહ્યું,”બાળકો, ચાલો શાળામાં”. અને પછી તેઓ બગીચા તરફ જવા લાગ્યા. બાળકો મૂંઝવણમાં પડ્યાં. પણ આ તો અલગ જ શિક્ષક હતા. તેમની શાળા તો ખુલ્લી જગ્યામાં, લીલા ઘાસમાં, પેરફળના ઝાડની ડાળીઓ નીચે, દ્રાક્ષલતાઓના મંડપમાં, અને હરિયાળાં બીડોમાં ચાલવાની હતી, જ્યાંથી દૂર દેખાતા નીલા ગગનને, બગીચાને, ગામને અને સુરજને નીરખી શકાતાં હતાં. બાળકો સુંદરતાના મોહપાશમાં બંધાઈને શાંત થઈ ગયાં હતાં. એક અનોખી સુંદરતાનો આલ્હાદ લઇ રહ્યાં હતાં. એક બાળકી બોલી ઊઠે છે, “સુરજ તણખા વેરે છે.” અને શિક્ષકે બાળકોને વાર્તા કહેવાનું શરૂ કર્યું. સાથે સાથે ચિત્રો પણ દોર્યાં. આમ, એક અદ્ભૂત મોહપાશમાં જ બાળકોનો પ્રથમ દિવસ પૂરો થયો. શિક્ષકનો પ્રથમ પ્રયોગ જાણે સફળ થયો હતો– પ્રકૃતિની ગોદમાં વાર્તા અને ચિત્રો દ્વારા બાળકોને કલ્પનાવિહાર કરાવવાનો, બાલપોથી ખોલતાં પહેલાં સૌથી ચમત્કારી પુસ્તકનાં, પ્રકૃતિનાં પુસ્તકનાં પાનાં બાળકો વાંચી લે.

આનંદ વિદ્યાલયની પ્રયોગશીલતાનું બીજું સોપાન હતું કે, કડક નિયમો નહોતા અને સમયની પણ કશી મર્યાદા નહોતી બાંધવામાં આવી. બાળકો દરરોજ નવું નવું જોતાં અને વાર્તા કે પોતાની કલ્પનામાં એને જોડી દેતાં. વાદળ જોતાં લાકડીને ટેકે ઊભેલો ઘરડો ભરવાડ, તેના માથે પરાળનો ટોપો, ઘેટાં, ઘેટી. તો કોઈને કોટકાંગરાવાળો રાજમહેલ નજરે ચડતો. અને પછી તો એક સ્વપ્નોનો ખૂણો પણ બાળકોએ બનાવ્યો. ઝૂંપડી જેવું બનાવી, તેમાં ટેબલ વગેરે ગોઠવી, સગવડો પણ ઊભી કરી. ભઠ્ઠી પણ બાળકોએ જ બનાવી. બાળકોની કલ્પનાશીલતાને વેગ આપવા, પૂછે કે, કોતરના ઢોળાવમાં ઝાડવાંનું ઝુંડ કેવું લાગે છે? અને બાળકોની કલ્પનાશક્તિ ખીલી ઊઠતી. ને આમાંથી જ ક્યારેક કવિતાનો ઉદય થતો. ક્યારેક બાળકોને કહેવામાં આવે કે, કાલે કાગળપેન્સિલ લેતાં આવજો, આપણે ચિત્ર દોરીશું. બીજે દિવસે તેમને કહેવામાં આવતું, આસપાસ નજર ફેરવો અને જે ગમી જાય તેને કાગળ પર ચીતરો. અને બાળકોએ દંગ રહી જવાય તેવી કલ્પનાને ચિત્રરૂપે પ્રગટ કરી. એવું જ સંગીતનું. બાળકોને ગમતી સંગીત રચનાઓ એકઠી કરીને એક આલ્બમ બનાવ્યું અને પછી અવારનવાર એ બાળકોને સંભળાવવામાં આવતું. ધીરે ધીરે શિક્ષકે આસપાસનાં વૃક્ષમાંથી બનાવી આપેલી વાંસળી પણ બાળકો વગાડવા લાગ્યાં અને સંગીત રસને જાણે પીવા લાગ્યાં. બાળકોને અવનવી સૃષ્ટિમાં લઇ જવાના પ્રયોગોમાં જીવનનો યથાર્થ પરિચય કરાવવા ખેતરોમાં કામ કરતા ખેડુતો વચ્ચે, કારખાનાઓમાં શ્રમિકો પાસે પણ લઈ ગયા અને એ રીતે શ્રમના મૂલ્યનો અનુભવ કરાવ્યો. સુખોમ્લીન્સ્કી બાળકોના આરોગ્ય વિષે પણ એટલી જ ચિંતા કરતા. ગરમીના દિવસોમાં ખુલ્લા પગે મોકલવા તેમણે માતાપિતાને સમજાવ્યાં. ખુલ્લાં વાતાવરણમાં ચાલવાને કારણે બાળકોની ભૂખ ઉઘડતી. પૌષ્ટિકતા માટે ફળઝાડ ઉછેરવા અને મધપૂડા ખરીદી તેમને સંભાળવા જેથી મધ ખોરાકમાં મળતું રહે વગેરે જેવી બાબતો પણ માતાપિતાને સમજાવી. નિયમિત કસરત, હમામઝારીમાં સ્નાન, યોગ્ય ખોરાક વગેરે માટે બાળકો તથા જરૂર લાગી ત્યાં માતાપિતાને પણ સમજાવ્યાં. આપણે આ બધી જે વાત કરી તે બધું એટલી ઝડપથી થયું નહોતું. ખાસ્સી ધીરજ અને બાળકો ને સમજીને તેમની સર્જનાત્મકતાને પોષતાં જ શક્ય બન્યું.

એવી જ રીતે સહજતાથી બાળકોને શબ્દપરિચય કરાવ્યો અને લેખન કરતાં કર્યાં. એક દિવસ આમ જ વાતો કરતાં કરતાં ફૂદું બતાવ્યું, એનું ચિત્ર દોર્યું અને અને પછી એની નીચે શબ્દ લખ્યો. બાળકો જિજ્ઞાસાપૂર્વક તેને આત્મસાત કરતાં રહ્યાં. પ્રકૃતિ વચ્ચે હતાં ત્યારે એ વાતાવરણનાં સૌંદર્યની બાબતોમાં બીડનો ઉલ્લેખ થયો અને એનું ચિત્ર દોર્યું , વળી બીડની સળીઓમાંથી એ શબ્દ બનાવી, બાળકોને બતાવ્યો અને આમ તેમને શબ્દો માટે જીજ્ઞાસા જગાવી. પ્રાથમિકમાં ગણિતપેટી અને ઈલેક્ત્રીના નામનાં સ્વરચિત સાધનો વડે ગણિત શિક્ષણને સરળ બનાવ્યું. ભૂગોળ વિષય પણ બહુ રસપ્રદ બનાવ્યો. પૃથ્વીનો મોટો ગોળો અને કૃત્રિમ સૂર્ય રાખી જગતના વિવિધ દેશોના પ્રવાસે જતાં હોય એમ બાળકોને દરેક દેશ વિષે રસપ્રદ રીતે વાત કરતા. વાર્તાખંડ, સંગીતખંડ, સુંદરતાનો ખૂણો, વતનની ભાષા, પુસ્તકોનું વાચન, જાદુઈ ટાપુની રચના, પરિવારના વાતાવરણનો અભ્યાસ વગેરે થકી જાણ્યેઅજાણ્યે બાળકોની પ્રતિભા વિકસતી રહી.

સુખોમ્લીન્સ્કીની દૃઢ માન્યતા હતી કે સંવેદનશીલતા કેળવવી એ મહત્વનું પાસું છે. બાળકોમાં લાગણીઓ સીંચવાનું સહુથી મુશ્કેલ કામ તેમણે પ્રત્યક્ષ રીતે કર્યું. એક વખત બાળકોએ બધાં જ ખીલેલાં ફૂલો તોડી લીધાં ત્યારે એ વખતે કશું જ ન કહ્યું, પણ બીજે દિવસે એ ખાલી છોડવા બતાવીને પૂછ્યું કે, આ દૃશ્ય ગમે છે? અને બાળકો સમજી ગયાં. તેમણે પછી પોતે ફૂલો ઉછેર્યાં. તેમને અચાનક મળી ગયેલા આંદ્રેદાદા અને તેમની સાથે વિકસતો સંબંધ, પંખીઓનું દવાખાનું, પોતાના સહાધ્યાયીની વેદનામાં સહભાગી થવું, ભોજનખંડમાં જ, ભોજન લીધાં બાદ, ભોજનની વસ્તુઓ ક્યાંથી આવે છે, કોણ કેવી રીતે એ બનાવે છે વગેરે પ્રશ્નોત્તરી દ્વારા સમજણ, માતાની ફળવાડી અને માતાઓનો વસંતોત્સવ, જાતે જ ઘઉં વાવવાનો શ્રમ અને તેમાંથી રોટી બનાવવી વગેરે જેવા વિશિષ્ટ પ્રયોગો થકી આ પુસ્તક કેળવણીનો જાણે એક જીવંત ભોમિયો બની રહે છે.

રશિયામાં આ એવો સમય હતો કે લોકો યુદ્ધ પછીની વેદનાનો અનુભવ કરી રહ્યા હતા. વિચ્છિન્નતા, પીડા, માનસિક પરિતાપ, પારિવારિક સંઘર્ષ, ક્યાંક વળી અનૈતિકતા, આ બધાં વચ્ચે બાળકો જીવી રહ્યાં હતાં, એ સમયે સુખોમ્લીન્સ્કી કહે છે તેમ તેમણે બાળકોને તેમનું બચપણ આપવાનું હતું. કેટલું કપરું કાર્ય હશે? અને પોતે પણ કેવી યાતનામય પરિસ્થિતિમાંથી પસાર થયા તો પણ ક્યાંય વેદના કે પ્રત્યાઘાતનો એક ઊંહકારો કર્યા વિના, પ્રતિભાવાત્મક રીતે, બાળકોને ઉત્તમ આપ્યું. રાષ્ટ્રપ્રેમની વાત કરતી વખતે તેમણે રશિયાના સિપાહીઓ કેવી વીરતાથી લડ્યા અને પ્રાણની આહુતિ આપીને પણ માતૃભૂમિની રક્ષા કરી એ જ વાતો કરીને બાળકોમાં સંસ્કાર સીંચ્યા.

પુસ્તકમાં કેવળ પ્રયોગો જ છે, ચિંતનધારા સાથે સાથે ચાલે છે., એમ કહી શકાય કે પ્રયોગોના પરિપાક રૂપે ચિંતન ઉદભવ્યું છે. તેમણે રશિયાનાં કેળવણીકારો, ખાસ કરીને માકારેન્કોની પદ્ધતિ અને ચિંતનનો પણ અભ્યાસ કરીને એનાં તત્વો સાથે પોતાની મૌલિકતા વડે શિક્ષણપદ્ધતિ નિર્માણ કરી છે. સ્વાભાવિક છે કે અહીં સંદર્ભો રશિયાના હોય, રાજકીય, સામાજિક, ભૌગોલિક, એમ દરેક રીતે આપણને ઘણું જુદું લાગે, પણ એ બધું બાદ કરીએ તો શિક્ષણની દૃષ્ટિ અને વિભાવના તો સાર્વત્રિક જ બની રહે છે.

અંતિમ સત્ય તો શિક્ષણમૂલ્યો અને પ્રયોગો જ છે ને? એટલે આ પુસ્તક માટે સાર સારકો ગ્રહી રહે એ દૃષ્ટિ જ ઇષ્ટ ને?


શ્રી નિરુપમ છાયાનું વિજાણુ સંપર્ક સરનામું : njcanjar201@gmail.com

1 comment for “શિક્ષણ ચેતના : દિલ દીધું મેં બાળકોને – વસીલી સુખોમ્લીન્સ્કી

  1. June 20, 2017 at 5:07 pm

    વાત સાચી છે, પણ ……
    એ કક્ષાના શિક્ષકો હજારોની સંખ્યામાં શી રીતે પેદા કરવા ? – છેવાડાના બાળક માટે ?, મ્યુનિ શાળાઓનાં બાળકો માટે? મોંઘાદાટ, શહેરી શિક્ષણ કારખાનાંઓ માટે ?

    કોઈ શિક્ષણ શાસ્ત્રી તૈયાર/ સક્ષમ છે? ઈ-શિક્ષણ/ સ્વ અધ્યયનનો એકવીસમી સદીયા વિકલ્પો વિચારવા ?
    બાકી આવી વાતોનાં વડાંથી હવે તો ઊબકા આવે છે. બેન્કિંગ અને સરકારી ઘણાં ખાતા પીતા ખાતાંઓ જાગ્યા. ન જાગ્યા મહાન , શિક્ષણ શાસ્ત્રીઓ! હવે તો આવી સૂફિયાણી વાતો વાંચીને ઊબકા આવે છે – નકર્યા ઊબકા !!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *