—ગુલામ અબ્બાસ ‘નાશાદ’
(૧)
ગમી ગયા છે જે ચહેરા છબિ સમાણા છે;
રહે છે આંખ લગોલગ છતાં અજાણા છે.
હજાર ખોટ હવે લાગે સૌને મારામાં;
નિયમ જગતનો સફળ જે થયા એ શાણા છે.
કદાચ પળમાં એ ફુગ્ગાની જેમ ફૂટે પણ;
પરાઈ ફૂંકે જે હદથી વધુ ફુલાણા છે.
નિરાંત પામવા તુફાનથી સુલેહ કીધી;
ધ્યાન ના રહ્યું શઢમાં અસંખ્ય કાણાં છે.
મુહૂર્ત, તિથિ, ઘડી મારે મન નકામાં સૌ;
મને તો ડગલે ને પગલે ફકત કટાણા છે.
રડ્યાં ખડ્યાં હતાં શમણાં જે આંખમાં થોડાં;
ઉજાગરાથી એ ત્રાસી ગયા, વિલાણા છે.
તબીબ કે’ છે બીજો રસ્તો આપવો પડશે;
રગોમાં દુઃખ જે પીગળ્યાં નહીં ફસાણા છે.
ગઝલ વિશે હવે “નાશાદ” એવું કંઈ કહેશે;
જે શબ્દ હોઠે હતા કાગળે લખાણા છે.
– ગુલામ અબ્બાસ ‘નાશાદ’
(૨)
બધાં છે મારાં પરિચિત કોઈ અજાણ નથી;
મળે છતાંયે એ રીતે કે ઓળખાણ નથી.
વિરોધ મારા કથનનો થયો સ્વાભાવિક છે;
હું સાચું બોલું છું એનું સબળ પ્રમાણ નથી.
છતાંયે ચાર કદમ ચાલતાં ગયો થાકી;
ઢળાણ મારી સફર છે કોઈ ચઢાણ નથી.
શ્વસી રહ્યો છું છતાં જિંદગી વિશે શું કહું;
શરીર એ રીતે વર્તે છે જાણે પ્રાણ નથી.
ખડક સમયના પ્રવાહે થયા છે રેત પછી;
નદીમાં પૂર તો આવે છે પણ ખવાણ નથી .
દયાને પાત્ર છે “નાશાદ” સૌની આંખોમાં;
-કે એને દોસ્ત ને દુશ્મનની કંઈ પિછાણ નથી.
– ગુલામ અબ્બાસ ‘નાશાદ’
(૩)
ધારણા મારી એકેય ફળી ના;
જિંદગી જીવવાને મળી ના.
સત્ય મારી જુબાની રહી પણ;
ધ્યાનથી કોઈએ સાંભળી ના.
જાગરણથી એ ટેવાઈ ગઈ છે;
આંખ રાતે જરી ઝળહળી ના.
ધ્રૂજે તન ત્યારે કંઈ એવું થાતું;
એક સ્મરણની બરફ ઓગળી ના.
શ્વાસને લક્ષ્ય ચૂકયાનું લાગ્યું;
મારી વાણી રહી ટીખળી ના.
ચાલતાં પગ લથડ્યા છતાંયે;
કેમ આજે ઊઠી આંગળી ના?
દાદ “નાશાદ” પામી ગઝલ પણ;
કોઈએ વેદના તો કળી ના!
– ગુલામ અબ્બાસ ‘નાશાદ’
* * *
સંપર્કસૂત્રો :- મોબાઈલ – 91 98240 74249






