મોરની મેઘ-પ્રતિક્ષા

ઉત્પલ વૈશ્નવ

એક સુંદર, યુવાન મયુર વરસાદની વાટ જોઈ રહ્યો હતો.

મેં એને થોડી ક્ષણો માટે નીરખ્યો: એ થોડો વ્યાકુળ જણાઈ રહ્યો હતો.

જો કે મોર પાસે દુઃખી રહેવાનું કોઈ જ દેખીતું કારણ નહોતું છતાં પણ એ ખુશ દેખાતો નહોતો, મોટા ભાગના મનુષ્યોની જેમ જ.

કારણ?

હજુ વરસાદ થયો નહોતો.

મોર વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો અને એને ‘મે આઓ’ ના ટહુકાઓ દ્વારા પોકાર કરી મેઘને આવવાનાં ઈજન દેતો હતો.

એ ઉન્માદથી નૃત્ય કરવા માટે વ્યાકુળ થઈ રહ્યો હતો અને એની પ્રિય ઢેલ એના અસ્તિત્વની નોંધ લે અને પ્રેમના બે બોલ બોલે એ ક્ષણને જીવવા માટે બેબાકળો થઈ રહ્યો હતો.

પણ વરસાદ થતો નથી, અને ક્યાંય ઢેલ પણ જોવા મળતી નથી.

જયારે એક મોર પોતાનાં મયુરપંખ ખોલી ને કળા કરે ત્યારે એ પોતાની સંવેદનશીલતા પ્રદર્શિત કરે છે. એ સમયે એને બેશુમાર પીડા થાય છે. વળી, સિંહ કે વાઘ જેવાં પ્રાણીઓ કે પારધી શિકારીઓ એને સરળતાથી હણી શકે છે… પણ મોરને એ વાતનો કોઈ જ ભય નથી.  

એને તો માત્ર વરસાદ જોઈએ છે, કે જેથી એ નૃત્ય કરી શકે, અને ખુદના મન, હૃદય અને આત્માને એકરૂપ કરી શકે.  

વાસ્તવમાં, મોર માત્ર વરસાદની રાહ નથી જોતો. એ તો પોતાની જાતને અભિવ્યક્ત કરવા અને પોતાના ખરા અસ્તિત્વનો પોતાની ઢેલને પરિચય કરાવવા માટે અધીર છે.

મોરની પ્રતીક્ષા મને એ વાતનું સ્મરણ કરાવે છે કે કોઈ પણ વ્યક્તિ ગમે તેટલો સુંદર, બુદ્ધિમાન કે વિદ્વાન હોય, એ હંમેશા “કોઈ બીજાં” ને પોતાના અસ્તિત્વ નો ભાગ બનાવવા ઈચ્છે છે.

મોરને જેમ પોતાના અનુભવ માં વરસાદ અને ઢેલને સામેલ કરવાં છે તેમ માણસને પણ પોતાના અનુભવોમાં કોઇનો પોતાના વ્યક્તિનો સંગાથ જોઈતો હોય છે.

મનગમતા સંગાથ વિના નો માણસ જાણે માણસ જ નથી!

જો મનગમતો સંગાથ જોઈતો હોય તો પોતાની સંવેદનશીલતા બતાવવા થી ડરવું ના જોઈએ.

સંવેદનશીલતા બતાવવાથી માણસ નિર્બળ બની જતો નથી, પણ મજબૂત બને છે અને નવી શક્યતાઓને જન્મ આપે છે.

એક સંવેદનશીલ માણસથી લોકો આકર્ષાય છે, એની સાથે જોડાવાની આશા રાખે છે અને કોઈ નવી રચનાત્મક શક્યતાનું સર્જન થાય છે.

સંવેદનશીલતા જીવનને નવા જ અનુભવોનો પરિચય કરાવે છે.

કયારેક રાહ જોવી એ ઉચિત છે.  કયારેક સંવેદનશીલતા બતાવવી એ ઉચિત છે.  ક્યારેક જે થતું હોય તે થવા દેવું ઉચિત છે… પણ પોતાનું જે કર્મ છે એ ના કરવું બિલકુલ ઉચિત નથી.

મોર વરસાદની પ્રતીક્ષા કરે છે, પણ ‘મે આઓ’ના ટહુકાઓ કરવાનું બંધ નથી કરી દેતો. આ ખુબ જ મહત્ત્વનું છે. આપણે જ્યારે બાહ્ય સંજોગો સાનુકૂળ થવાની રાહ જોતાં હોઈએ, ત્યારે હાથ જોડીને બેસી રહેવાની કોઈ જ જરૂર નથી. આપણા ભાગે જે કંઈ શક્ય હોય તેવા પ્રયત્નો સાથે સાથે પોતાનું કર્મ કરતાં રહેવું જોઈએ.

મોરની પ્રતીક્ષામાંથી આપણે આ એક શીખ લઈ શકીએ – બીજાં પર આધાર રાખવો, પણ પોતાના પ્રયત્નોમાં જરા પણ કચાશ ન રાખવી, પછી ફળ જે કોઈ પણ હોય.

અને એક દિવસ, તમને તમારો વરસાદ … અને તમારી ઢેલ (જે કોઈ પણ તમારા માટે “વરસાદ”

અને “ઢેલ” સમાન હોય તે) જરૂર થી મળશે !


શ્રી ઉત્પલ વૈશ્નવનાં સંપર્ક વીજાણુ સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: hello@utpal.me | Twitter: @UtpalVaishnav | Facebook | Skype: skype@utpal.me

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail

1 comment for “મોરની મેઘ-પ્રતિક્ષા

Leave a Reply

You have to agree to the comment policy.