નેતૃત્ત્વ અને પરંપરાગત માન્યતાઓ # ૮ # – માન્યતાઓ, આત્મખોજ અને વેપારઉદ્યોગ

Facebooktwitterredditpinterestlinkedinmail

ગેરી મૉન્ટી

કંટાળો આવે એવાં કામો કરીને થાક્યાં છો? તમારી સ્થિતિને નુકસાન કર્યે રાખવા છતાં એ પ્રકારનાં વર્તન કેમ ચાલુ રહે છે એ નવાઈ લાગ્યા કરે છે? વેપારના સોદા કરતી વખતે તાબે થવાને બદલે આક્રમક થવું કે નહીં તેની અવઢવ રહ્યા કરે છે? આ બધાંને અટકાવીને પોતાના આગવા માર્ગની સફર આગળ વધારવી છે? પણ એ માર્ગ ક્યાં મર્યો છે? બસ, અહીં પરંપરાગત માન્યતાઓ કામ આવે છે. નથી માન્યામાં આવતું ને? ચલો, શું કરી શકાય તેમ છે તે જોઈએ.

ખાસ તો આપણે આ શ્રેણીના પહેલા લેખ – # ૧ # પરંપરાગત માન્યતાનું પ્રયોજન– ની ફરી મુલાકાત લઈશું અને પરંપરાગત માન્યતાના હેતુને વધારે વિસ્તારથી જોઈશું. તમને એમ લાગશે કે આપણી કામગીરીને સુધારવાની બદલે આ તો આપણે ગોળ ગોળ ફરી રહ્યાં છીએ. મારી વિનંતિ છે કે થોડી ધીરજ ધરો, આપણે કામગીરી સુધારણા ભણી જ આગળ જઈ રહ્યાં છીએ.

ત્રણ સ્તરીય સત્યો

પહેલાં થોડી પૂર્વભૂમિકા બાંઘવી પડશે.

સત્યનાં ત્રણ સ્તર હોય છે:

  • શબ્દાતીત
  • સિધ્ધાંતો
  • નિયમો

શબ્દાતીત વર્ણન આશ્ચર્યોની દુનિયા અને તેમાં આપણે એક હિસ્સો હોવાની અનુભૂતિની વાત છે. એ આપણાં સમગ્ર અસ્તિત્ત્વને ભરી દે છે અને એટલું બધું જબરદસ્ત છે કે શબ્દો વામણા પડે છે. અને હકીકત એ છે કે આપણાં દિલનાં ઊંડાણ સુધી ઉતરી ગયેલા અનુભવો માટે, જો મળે તો, એવા જ શબ્દો જોઈએ. જેમ કે, અત્યાર સુધી કદી પણ કરવાનું ન આવ્યું હોય, જેના માટે તમે જીજાનથી દિવસ રાત તૈયારી કરી તમારી જાતને ઘસી નાખી હતી એવું એ પ્રેઝન્ટેશન તમારાં બોર્ડની અકલ્પ્ય શાબાશીમાં પરિણમે ત્યારે એ ખુશીને વર્ણવવા તમારી પાસે શબ્દો હશે ખરા? બસ એ અનુભૂતિ શબ્દાતીત છે જે તમે માત્ર અનુભવી જ શકો છો.

તમે જો તંતોતંત એકલસૂયડા કે સંન્યાસી ન હો તો તમારે તમારાં ગમે તેટલાં શબ્દાતીત કેમ ન હોય , એ વર્ણન પણ લોકોની સાથે વહેંચવા જોઈશે. એકબીજા સાથેના આ પ્રકારના વહેવારો દ્વારા બન્ને પક્ષને સમૃધ્ધ થવું છે. એ પ્રયાસ ભલે અધૂરો, અપૂર્ણ અને ઘોર નિરાશાજનક દેખાય પણ તે કરવા માટે અંદરથી જ નિતાંત ધક્કો લાગ્યા જ કરે છે. આટલા માટે સિધ્ધાંતો જોઇશે.

તત્વતઃ સિધ્ધાંતો શબ્દાતીતનું ભલે ઝાંખું સ્વરૂપ લાગે પણ શબ્દાતીતનાં પરાવર્તનના સંદર્ભે તેમનું મહત્ત્વ ઘણું છે. સંગીત, સાહિત્ય કે અન્ય લલિત કળાઓનું સ્થાન અહીં ગણી શકાય.

નિયમોને સત્યનું સૌથી નીચેનું સ્તર કહેવામાં આવે છે અને તે સિધ્ધાંતોમાંથી નીપજે છે. એ દૃષ્ટિએ શબ્દાતીતથી તે ખાસા દૂર ગણી શકાય, પરંતુ જો તેમનો યથોચિત ઉપયોગ કરવામાં આવે તો રોજબરોજની પ્રવૃતિઓ કરવામાં તેઓ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. જેમકે કોઇ એક કરારનો જ દાખલો લો. આદર્શ રીતે ઘડાયેલો, જડબેસલાક, કરાર બહુધા એક કલ્પના જ ગણવામાં આવે છે.વાસ્તવિક જીવનમાં જો એમ કરી શકાય તો તો કંઈ પણ શબ્દાતીતને શબ્દોનાં એક ચોકઠામાં બંધ બેસતું કરી શકાય. પણ પરંતુ એવું શક્ય બનતું નથી. એટલે, તેના પછીનો સૌથી સારો વિકલ્પ છે આપણાં વ્યાપાર વિશ્વનાં શબ્દાતીત સાથે વધારે ઘનિષ્ઠ સંપર્ક રહી શકે એટલા સારા નિયમો બનાવવા. ખરી ખૂબી પણ એમાં જ રહેલી છે.

પ્રતિકો અને ઝાંઝકરતાલ

હવે ફરી પાછાં પરંપરાગત માન્યતા તરફ નજર કરીએ. આપણી આ શ્રેણીના પહેલા લેખ – # ૧ # પરંપરાગત માન્યતાનું પ્રયોજન– માં આપણે આપણા જીવનનાં મહત્ત્વનાં પરિવર્તનોના હેતુને સમજવામાં વ્યક્તિગત માન્યતાની ભૂમિકા વિષે વાત કરી હતી. માન્યતાનું એક બીજું પણ મહત્ત્વનું કામ છે – આપણી અંદર જે સમૃધ્ધ, શક્તિશાળી અને સુંદર ધરબાયેલું પડ્યું છે તેની સાથે ફરી ફરીને સંધાણ કરવાનું. આમ એક સાથે અંદરથી તેમ જ બહારથી એમ બન્ને સ્તરે માન્યતા પોતાની ભૂમિકા અદા કરે છે.

અંદર તરફની સફર ખાસી પડકારભરી બની રહેતી હોય છે. એ પ્રતિકોનું ભાવવિશ્વ છે, પ્રતિકો (symbol) અને ઝાંઝકરતાલ (cymbal) અ બન્નેનું મૂળ ગ્રીક શબ્દ “sumballein” છે, જેનો અર્થ થાય છે એક સાથે ફેંકવું.આમ તો આ અર્થમાં, અને તે કરીને આ શબ્દપ્રયોગમાં, કંઈ બહુ અર્થ સરતો નહીં દેખાય ! પણ તેને આપણા વ્યવસાયની બાબતે જોયેલાં એ (લોકોની દૃષ્ટિએ ) ગાડાંઘેલાં સ્વપ્નો અને અને તેને સાચાં પડવાની એ અનુભૂતિના સંદર્ભમાં જોઇએ તો આ માન્યતાઓનાં મહત્ત્વને સમજવાનું સરળ બની જશે.

વ્યાપારઉદ્યોગ વિશ્વમાં એક્ષ્સેલ વર્કમુક કે પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન કે વર્ડમાં લખાયેલ દસ્તાવેજ આપણને વિશ્લેષ્ણાત્મક અને ચોક્કસ બનવામાં મદદ કરતાં સાધનો છે. બીજા શબ્દોમાં કહીએ તો એ બધાં નિયમોના ઘડતરનાં સાધનો છે. આપણે ઉપર કહી ચૂક્યાં છીએ તે મુજબ આ નિયમો એ સિધ્ધાંતોનું પ્રતિબિંબ છે જે પોતે જ શબ્દાતીતનું પરાવર્તન કરે છે. માન્યતાઓ નિયમોની સરખામણીમાં બહુ ઢીલી ઢાલી કે અસ્પષ્ટ લાગતી હોવાથી તેની પાછળ સમય આપવો એ શક્તિઓનો વ્યય છે એવી દલીલનું અહીં ખંડન થતું જોઈ શકાશે. હા, જો નિયમો વડે શબ્દાતીતનું મૂળ ચિત્ર દેખાતું ન હોય તો એવા નિયમોમાં ફસામણી જ છે! એટલે ચેતજો.

આપણા પડછયામાંથી જેને આપણાં માતાપિતા કે શિક્ષકો કે સમાજ કે ઉપરીઓએ નક્કામા ગણ્યા હતા એવા આપણા સ્વપ્નોના ટુકડાઓને એકઠા કરવાથી આપણાં શબ્દાતીત સ્વપ્ન સાથે આપણું સંધાન બને છે. (ફરી એક વાર આ શ્રેણીના લેખ # ૫ # – મનોવિજ્ઞાન અને ઉદ્યોગસાહસિકો માં નીત્ઝેના ઊંટ કે સિંહ કે બાળકવાળાં રૂપકોને તાજા કરી લેશો?) જો આમ થતું અનુભવાય તો તમારા નિયમો ચોક્કસપણે તમારાં શબ્દાતીત (સ્વપ્ન)નું પ્રતિબિંબ છે તેમ જરૂરથી માનજો. તમારાં મનનાં ઝાંઝકરતાલનાં નાદમાંથી પેદા થતી ખુશી તમારાં વ્યાવસાયિક વિશ્વની ઔપચારિકતાને પણ તમારાં સ્વપ્નની સરગમના સૂરથી સજી દેશે. આ સંગીત માત્ર તમારા જ નહીં પણ તમારી આસપાસનાં વિશ્વના કાનને પણ એક અનોખી મીઠાશથી ભરી દેશે.

શ્રી ગૅરી મૉન્ટીના લેખ, Leadership and Mythology #8: Myth, Self-Discovery and Businessનો અનુવાદ


શ્રી ગેરી મૉન્ટીની નેતૃત્ત્વ અને પરંપરાગત માન્યતાઓ શ્રેણીનો આ સાથે અંત થાય છે. આ આઠે આઠ લેખોને એકસાથે અહીં – નેતૃત્ત્વ અને પરંપરાગત માન્યતાઓ– વાંચી શકાશે.


અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *