ફિર દેખો યારોં : તમે સાંભળી લીધા દિલ્હીથી પ્રસારિત ગુજરાતી સમાચાર

Facebooktwitterredditpinterestlinkedinmail

– બીરેન કોઠારી

ટેલીવિઝન પર આજે અનેક ચેનલો ઉપલબ્ધ છે અને સમાચાર તથા ચર્ચાના નામે તેની પર જે કકળાટ મચાવવામાં આવે છે તેને લઈને તેની વિશ્વસનીયતા ચોક્કસપણે જોખમાઈ છે. અગાઉ દૂરદર્શનની કેવળ એક જ ચેનલ હતી ત્યારે રોજ રાત્રે પ્રસારિત થતા તેના સમાચારની લોકો આતુરતાથી રાહ જોતા. ટી.વી.ના આગમન પહેલાં આવી જ પ્રતિક્ષા રેડિયો પરથી પ્રસારિત સમાચારની થતી. એમાં પણ વિશેષ આકર્ષણ હતું દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત થતા દેશની જુદી જુદી ભાષાઓમાં પ્રસારિત થતા રાષ્ટ્રીય સમાચાર બુલેટિનનું. પોતાની ભાષામાં પ્રસારિત થતું આ બુલેટિન લોકોને પોતીકું અને ભરોસાપાત્ર લાગતું. અસંખ્ય લોકો આજે પણ આ બુલેટિનને નિયમીતપણે સાંભળી રહ્યા છે. વિષમ ભૌગોલિક વિસ્તારમાં તેનું મહત્ત્વ અદકેરું છે, તો સુરત જેવા શહેરમાં આજે પણ રેડિયોના ઘરેડ ચાહકો મોજૂદ છે. અલબત્ત, કેન્દ્ર સરકારને હવે લાગે છે કે બહુ થયું. ભાષાકીય સેવાઓ હવે જે તે રાજ્યના પાટનગરમાં સોંપી દેવી જોઈએ. સરકારના પક્ષે આ માટે ત્રણ કારણો આપવામાં આવ્યા છે. જેમાં પહેલું છે નિપુણ લોકોની અપ્રાપ્યતા, બીજું છે બગડતી જતી ગુણવત્તા અને ત્રીજું એ કે દિલ્હીમાં વસી ગયેલા સમાચાર વાચકો પોતાની માતૃભાષાને ભૂલી રહ્યા છે.

આ વિભાગને સ્થાનિક સ્તરે મોકલવાની હિલચાલ દોઢેક દાયકાથી થતી આવી છે, પણ એક યા બીજા મંત્રીના હસ્તક્ષેપને કારણે તે અટકી છે અને ઠેલાતી રહી છે. વર્તમાન દરખાસ્ત મુજબ ભાષાકીય સમાચાર બુલેટિનનું નિર્માણ દિલ્હીમાં કરવાનું ચાલુ રહેશે, જ્યારે તેનો અનુવાદ અને પ્રસારણ સ્થાનિક સ્તરે કરવામાં આવશે.

હકીકત એ છે કે આકાશવાણી દિલ્હી દ્વારા છેલ્લાં ૭૮ વર્ષોથી ૧૩ પ્રદેશિક ભાષાઓમાં દરરોજના સરેરાશ ત્રણ સમાચાર બુલેટીનો પ્રસારિત થઈ રહ્યા છે. આ બુલેટિનોના પ્રસારણ સાથે દિલ્હીમાં સ્થિત જે તે ભાષાના વિદ્વાનો, ભાષાનિષ્ણાતો, પત્રકારો અને વિદ્યાર્થીઓ જેવા અનેક લોકો સંકળાયેલા છે. આ તમામ લોકો એકબીજાના પૂરક તરીકે કામ કરી રહ્યા છે. જેમ કે, ‘ધ્રાંગધ્રા’નો યોગ્ય ઉચ્ચાર ગુજરાતી વ્યક્તિ જાણતી હોય, પણ પંજાબી કે તમિળને એ ખબર ન પણ હોય. એ જ રીતે, તમિળ રાજકારણી ‘કનીમોઝી’ લખાય ભલે આ રીતે, પણ તેને ઉચ્ચારતી વખતે છેલ્લે ‘ઝ’ નહીં, હળવો ‘ર’ બોલાય છે. આ બાબત તમિળ સિવાય કોને ખબર હોય? આવા સમયે વિવિધ ભાષાના સમાચારવાચકો જે તે ભાષાના સમાચાર વાચકને પૂછીને તેની ખરાઈ કર્યા પછી જ સાચો ઉચ્ચાર કરવાની ચીવટ રાખે છે. વર્તમાન વડાપ્રધાને રેડિયો દ્વારા ‘મન કી બાત’નું પ્રસારણ શરૂ કર્યું છે, જે જુદી જુદી એકવીસ ભાષાઓમાં અનુવાદિત થઈને પ્રસારિત કરવામાં આવે છે. આકાશવાણી સાથે સંકળાયેલા ભાષાનિષ્ણાતોની આ કામ માટે સેવા લેવાય છે. એ જ રીતે સરકારનાં વિવિધ ખાતાંઓ તેમજ મંત્રાલયો પણ આ વિભાગના નિષ્ણાતોની સેવા અવારનવાર લેતા હોય છે.

૨૦૦૦ માં તત્કાલીન માહિતી અને પ્રસારણ મંત્રી સુષ્મા સ્વરાજે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સમાચારની નિષ્પક્ષતા જળવાઈ રહે એ માટે ભાષાકીય સમાચાર દિલ્હીથી જ પ્રસારિત થવા જોઈએ. વર્ષ ૨૦૦૫ માં જ્યારે માહિતી અને પ્રસારણ મંત્રી જયપાલ રેડ્ડીએ ફરીથી સમાચાર એકમોને રાજ્યના સ્તરે ખસેડવાની પેરવી કરી હતી. એ સમયે લોકસભાના સભ્ય અને આસામના વર્તમાન મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે તેનો પ્રચંડ વિરોધ કરતાં જણાવ્યું હતું કે ભાષાનો મુદ્દો ઘણો સંવેદનશીલ છે. ભાષા દેશને જોડવાનું કામ કરે છે. ભાષા એકમોને દિલ્હીથી અલગ કરવા કરવા એ રાષ્ટ્રીય અખંડીતતા સાથે બહુ મોટી બાંધછોડ છે. સોનોવાલની રજૂઆતને પગલે પરિસ્થિતિની સંવેદનશીલતાને સમજીને જયપાલ રેડ્ડીએ આ નિર્ણય રદ કર્યો હતો.

સાંસદ રામદાસ આઠવલેએ એ હદે કહ્યું હતું કે દિલ્હીમાં ભાષાના નિપુણ લોકો ન મળતા હોય તો અમે જે તે રાજ્યોમાંથી તે આપવા તૈયાર છીએ. પરંતુ કોઈ પણ હિસાબે રાષ્ટ્રીય એકતા સાથે બાંધછોડ ન થવી જોઈએ.

સ્વાભાવિક છે કે આ વિકેન્દ્રીકરણને લઈને સૌથી વધુ નાખુશ અને નારાજ હોય તો આકાશવાણીના સમાચાર વિભાગ સાથે સંકળાયેલા સમાચારવાચકો અને અનુવાદકો. તેમણે આ પ્રક્રિયાનો ઉગ્ર વિરોધ કરવાની સાથે સાથે સંબધિત મંત્રીઓ તેમજ વડાપ્રધાન સમક્ષ પણ તેની રજૂઆત કરી છે. તેમનું સ્પષ્ટપણે માનવું છે કે આ રીતે આકાશવાણીના સમાચારોની ગુણવત્તા નિશ્ચિતપણે જોખમાશે. અગાઉ તેલુગુ ભાષાના એકમને આંધ્રપ્રદેશમાં, કન્નડ એકમને કર્ણાટકમાં અને સિંધી એકમને ગુજરાતમાં મોકલી દેવામાં આવ્યા. આમ કર્યા પછી આ ભાષા એકમોના સમાચારની ગુણવત્તાની સમીક્ષા કરવામાં આવી નથી. આ વર્ષના એપ્રિલમાં તમિળ, મલયાલમ, આસામી અને ઓડિયા એકમોને પોતપોતાના રાજ્યોમાં મોકલી આપવામાં આવ્યા. ઓરિસ્સાના કટકથી પ્રસારિત થઈ રહેલા સમાચારની પ્રસારણ ગુણવત્તા અદ્યતન ટેકનૉલોજીના અભાવને કારણે યોગ્ય નથી. આ રાષ્ટ્રીય સમાચારનું સંપાદન સ્થાનિક ભાષા સંપાદક ફરી કરે છે, જેમાં પ્રાદેશિક અને સ્થાનિક સમાચારો ઉમેરવામાં આવે છે. દેખીતું છે કે આમ કરવાથી સમાચાર રાષ્ટ્રીય બનવાને બદલે સ્થાનિક બનીને રહી જાય છે અને તેમાં સંતુલનના ગંભીર પ્રશ્નો ઊભા થાય છે. એ રીતે રાષ્ટ્રીય સમાચારને પ્રાદેશિક ભાષામાં પ્રસારિત કરવાનો હેતુ જ મરી પરવારે છે.

૪ જૂન, ૨૦૧૭ના રોજ સાંજે સાત અને પચાસનું ગુજરાતી બુલેટીન સમાચારવાચક અમીત જોશીએ વાંચ્યું, જે દિલ્હીથી પ્રસારિત છેલ્લું ગુજરાતી બુલેટિન હતું. મરાઠી બુલેટિન પણ પાંચમી જૂનથી બંધ થયું. હવે જે બુલેટિનો બંધ થવાનાં છે તેમાં પંજાબી, અરુણાચલી, નેપાળી, કાશ્મીરી, બાંગ્લા તેમજ ડોગરીનો સમાવેશ થાય છે, જેને સંબધિત રાજ્યોમાં સ્થળાંતરીત કરવાનું લગભગ નક્કી છે. તેને કારણે દિલ્હીથી હવે ફક્ત હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત તથા ઉર્દૂ એમ ચાર જ ભાષાનાં બુલેટિન પ્રસારિત થશે. આ કાર્યવાહી સહેતુક છે? સરકાર દ્વારા અપાયેલાં કારણો સાચાં છે? કે પછી તેનો અસલી મકસદ કાંઈક અલગ જ છે?

આકાશવાણી પર પાંત્રીસ પાંત્રીસ વર્ષ સુધી સમાચારવાચક તેમજ અનુવાદક તરીકે સેવા આપી ચૂકેલા ભાષાનિષ્ણાત દીપક ધોળકીયાએ એક પત્રકાર પરિષદ યોજીને જે જણાવ્યું એ ચોંકાવનારું છે. તેમના જણાવ્યા મુજબ, ‘આમ કરવાનું કારણ એ છે કે સમાચાર પ્રસારિત કરવાની સેવાઓ ‘હિન્દુસ્થાન (‘હિન્દુસ્તાન’ નહીં) સમાચાર’ને ફાળે જાય, જે આર.એસ.એસ.નું પીઠબળ ધરાવતી સમાચારસેવા છે.’ ઉલ્લેખનીય છે કે આ સમાચારસેવા દસ પ્રાદેશિક ભાષાઓમાં સમાચારસેવા આપે છે અને ગયે વરસે ‘ઓલ ઈન્ડીયા રેડિયો’ દ્વારા તેને ત્રણ મહિનાના અજમાયશી ધોરણે કામ આપવામાં આવ્યું હતું. સમાચારવાચકો કે અનુવાદકો મળતા ન હોવાની વાત પણ પાયાવિહીન હોવાનું જણાવતાં દીપકભાઈએ કહ્યું, ‘વીસ વરસથી ‘ઓલ ઈન્ડીયા રેડિયો’ પર કોઈ સ્થાયી સમાચારવાચકની ભરતી કરવામાં આવી જ નથી. છેલ્લા ત્રણ વર્ષથી કામચલાઉ ધોરણે થતી ભરતી સાવ બંધ છે. સરકાર બહાનાં કાઢે છે. તેમનો ઉદ્દેશ્ય આ એકમોને તાળાં મારવાનો જ છે.’

વર્તમાન સરકાર પોતાનાં અનેક પગલાંઓ અને તેની પાછળના ઈરાદાઓ થકી શંકાના દાયરામાં છે. આ મુદ્દો તેની વિશ્વસનીયતા પર શંકા કરવાનું વધુ એક સબળ કારણ બની રહે એમાં નવાઈ નથી.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફીર દેખો યારોં’માં ૮-૬-૨૦૧૭ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *