બાળઉછેરની બારાખડી (૧) : બાળકોના મોંઢાનું (ખાસ કરીને દાંતનું) આરોગ્ય

Facebooktwitterredditpinterestlinkedinmail

અલીહુસેન મોમીન

મોંઢાની અંદરના ભાગનાં સ્વચ્છતા અને આરોગ્ય એ ફક્ત સ્વચ્છ અને ચળકતા દાંત તથા દુર્ગંધરહિત શ્વાસ પૂરતાં જ મર્યાદિત નથી. પરંતુ એ સંપૂર્ણ શરીરના આરોગ્યનું પ્રથમ સોપાન છે. જેમના મોંઢાનું આરોગ્ય નબળું હોય છે એવા લોકોને અન્ય વિવિધ પ્રકારની બીમારીઓ થવાનું પણ જોખમ વધારે રહે છે. ખોરાકના પાચનની ક્રિયા, સહુથી પહેલાં, જયારે આપણે મોંઢામાં ખોરાક ચાવવાનું શરૂ કરીએ ત્યારથી જ થતી હોય છે; એટલે એ બહુ જરૂરી છે કે આપણા દાંત મજબૂત હોય.  મોંઢાનું ઉત્તમ આરોગ્ય દાંતની મજબૂતી ટકાવી રાખવામાં સહાયક બને છે. વળી, તેનાથી મોઢામાં ઉત્પન્ન થતાં કીટાણુઓના લીધે, શરીરનાં બીજાં બધાં અંગોને થતી હાનિની સંભાવના પણ ઘટી જાય છે. 

બાળકોમાં ઉછરતી ઉંમરે જ મોંઢાના આરોગ્યની સંભાળ લેવાની આદતો કેળવવામાં આવે તો એ એમના માટે જીવનભર લાભદાયી નીવડે છે. આવી આદતો તેમને અનેક રોગોથી બચાવે છે તથા એથી એમના દાંત વૃદ્ધાવસ્થા સુધી મજબૂત રહે છે. મોંઢાના સંપૂર્ણ આરોગ્યનો અર્થ એ છે કે તમારું મોં સ્વચ્છ હોય તથા તમારા દાંત અને પેઢાં મજબૂત હોય; અને હા, આ બધું મેળવવા માટે માત્ર સવારમાં દાંતને બ્રશ કરવું જ પર્યાપ્ત નથી, પરંતુ બાળકો જ્યાં સુધી દસ વર્ષનાં ન થાય ત્યાં સુધી ઇચ્છનીય છે કે માતાપિતા બાળકોની બ્રશ કરવાની પદ્ધતિનું અવલોકન કરે તથા તેમને મોંઢા અને દાંતની સફાઈનું મહત્ત્વ સમજાવે; અને જો એમ નહિ કરવામાં આવે, તો શું નુકસાન થશે, એની પણ એમને માહિતી આપતાં રહે. 

નવજાત શિશુઓમાં મોંઢાને લગતું આરોગ્ય :

નવજાત શિશુઓમાં દૂધના દાંત ફૂટે એનાય પહેલાંથી એમના મોંઢાની સ્વચ્છતા અને આરોગ્ય પ્રત્યે સતર્ક થઈ જવું જોઈએ. જેટલી વાર બાળક દૂધ પીએ, એટલી વાર, પછીથી એનાં પેઢાંને સાફ કરવાં જોઈએ. એ માટે એક સ્વચ્છ, ભીનું કપડું લઇ તમારી આંગળીની આસપાસ વીંટાળો અને ધીમે ધીમે બાળકનાં પેઢાં સાફ કરતાં જાવ. ત્રણ વર્ષની ઉંમર બાદ જયારે બાળકને તમામ વીસ દૂધિયા દાંત આવી જાય પછી બાળકને દાંત, પેઢાં અને મોંઢાની સંપૂર્ણ કાળજી લેતાં શિખવવાનું શરૂ કરી દો.

બાળકના મોંઢાની સારસંભાળના તબક્કા :

બાળકોના મુખારોગ્યને લગતાં, નીચે સૂચવેલાં પગલાં લઈને તમે તમારા બાળકના દાંત અને પેઢાંનું રક્ષણ કરી શકો છો. 

નિયમિત બ્રશ કરવું :

બાળકને દિવસમાં બે વાર પોતાના દાંત અચૂકપણે બ્રશ કરવાની ફરજ પાડો. એ માટે ફ્લોરાઈડવાળી ટૂથપેસ્ટનો ઉપયોગ કરો. એથી દાંત ઉપર બાઝતી છારી દૂર થઈ જશે. આગળ, પાછળ, ઉપર, નીચે, અંદર અને બહાર એમ એક એક દાંતને દરેક બાજુથી સરખી રીતે બ્રશ પહોંચે એ રીતે સાફ કરાવો. આગળના કાપવાના દાંત હોય કે પછી અંદરના ભાગે રહેલા ચાવવાના દાંત હોય, જીભ નો ભાગ હોય કે પછી પેઢાં; બાળકને મોંઢાના દરેક ભાગને કાળજીપૂર્વક સાફ કરતાં શીખવો. બાળકોનાં પેઢાં નાજુક હોવાથી એમના માટે નરમ રેસાવાળાં ટુથબ્રશ પસંદ કરો. અને બાળકોને ખાસ સૂચના આપો કે પોતાની ટૂથપેસ્ટને ગળવાનો પ્રયત્ન કદી પણ ન કરે.

મુલાયમ દોરા (floss) વડે દાંતની વચ્ચેની જગ્યાને સાફ કરવી :

બે દાંતની વચ્ચેની બારીક જગ્યાને સાફ કરવી જટિલ હોય છે. એ જગ્યામાં ફસાયેલા ખોરાકના કણો સખત થઈને ત્યાં જ જામી જાય છે; જે ખૂબ ઝડપથી દાંતને સડાવી શકે છે. માટે દાંત વચ્ચેની જગ્યાને મુલાયમ, સ્વચ્છ દોરાથી સાફ કરવી જોઈએ. એથી દાંત વચ્ચે ફસાયેલી કોઈ પણ વસ્તુ સરળતાથી નીકળી જાય છે અને દાંત સડી જતાં રોકાય છે. ત્રણ વર્ષની વયથી જ બાળકના દાંતની સફાઈ માટે આ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે. 

શર્કરા અને આરાવાળા (સ્ટાર્ચવાળા) ખોરાકનો અતિરેક ટાળો :

બાળકોને શર્કરા અથવા આરાવાળો (સ્ટાર્ચવાળો ) ખોરાક અતિશય પ્રમાણમાં લેતાં અટકાવો, કારણ કે આવો ખોરાક વધારે પ્રમાણમાં ખાવાથી તેમાંથી ઉત્પન્ન થતો એસિડ દાંત ઉપર આછા પીળા રંગની એક છારી જમાવી નાખે છે; જે દાંતના સડાનું મુખ્ય કારણ બને છે; અને એથી ધીરે ધીરે દાંત સડીને ક્ષીણ થઈ જાય છે. જો આવા ખોરાક ખાવા જ હોય તો એને નિયમિત ભોજનમાં અન્ય ખાદ્ય પદાર્થો સાથે લેવા જોઈએ; જેથી ભોજન દરમિયાન ઉત્પન્ન થતો લાળરસ, મોંઢાને સતત ચોખ્ખું કરતો રહે. હળવા નાસ્તા જેમકે બિસ્કિટ, નાનખટાઈ, ચોકલેટ, ચિપ્સ, સોફ્ટ ડ્રીંક્સ જેવી ખાદ્યસામગ્રી દાંત ઉપર છારીનું પડ બનાવી દે છે; જે કાળાન્તરે દાંતને સડાવીને નિષ્ક્રિય કરી નાખે છે. એટલે એ બહુ જરૂરી છે કે, આવા કોઈ પણ પ્રકારના ખાણા બાદ બાળકો સ્વચ્છ પાણીથી સતત કોગળા કરીને મોઢું બને એટલું સાફ કરી દે. 

ફ્લોરાઈડયુક્ત દંતસાંભળના પદાર્થો :

દાંતની સારસંભાળ માટે એવા પદાર્થો પસંદ કરવા જેમાં ફ્લોરાઈડનું પ્રમાણ સારું હોય. ટૂથપેસ્ટ હોય અથવા માઉથવોશ અથવા દાંતને ચમકાવતા અન્ય પદાર્થો, જે તમે ઉપયોગમાં લેતા હોવ એમાં ફ્લોરાઈડનું પ્રમાણ યોગ્ય માત્રામાં હોય એનું ધ્યાન રાખવું. ફ્લોરાઈડ એ એક કુદરતી ક્ષાર છે જે દાંતના ઉપરના ચમકતા પડ સાથે એકરસ થઈને દાંતની મજબૂતીમાં વધારો કરે છે. દાંતના તૂટવા અને ખરવા જેવી તકલીફો સામે રક્ષણ મેળવવામાં ફ્લોરાઈડ એ સહુથી ઉત્તમ, કુદરતી અને અસરકારક તત્ત્વ છે. તમારા રોજિંદા પીવાના પાણીમાં ફ્લોરાઈડનું પ્રમાણ યોગ્ય છે કે કેમ એની ચકાસણી કરતા રહો; અને જો એમાંથી પૂરતા પ્રમાણમાં ફ્લોરાઈડ મળી ન શકતું હોય તો તેના અન્ય સ્ત્રોતો વિષે પોતાના દંતચિકિત્સક સાથે ચર્ચા કરો.

પાણી :

દાંતમાં સડો ત્યારે જ ઉત્પન્ન થાય છે, જયારે ખોરાકના કણો મોંઢાના લાળરસ સાથે મળીને લાંબા સમય માટે મોંઢામાં પેઢાની આસપાસ જ ચોંટીને રહી જાય. તમારા બાળકને દિવસ દરમિયાન વધુમાં વધુ પાણી પીવા માટે પ્રોત્સાહિત કરો, જેથી દાંતમાં સડો પેદા કરતા એસિડનું શમન થતું રહે અને દરેક વખતના આહાર બાદ કોગળા કરવાનું તો ખરું જ; જે ખોરાકના વધેલા કણોને મોઢામાં જ ચોંટીને રહી જતા અટકાવશે. 

આખીય ક્રિયાને રસપ્રદ બનાવો :

પેઢા અને દાંતની સંભાળ, તથા પોતાના મુખારોગ્યની સંપૂર્ણ કાળજી લેવાની સમગ્ર પ્રક્રિયાને બાળકો માટે એક કંટાળાજનક રોજિંદુ કામ ન બનાવી દેતાં એને રસપ્રદ બનાવો. બાળકોને પોતાના ટુથબ્રશનો આકાર અને રંગ, પોતાની ટૂથપેસ્ટ ઉપરનાં ચિત્રો, ટૂથપેસ્ટનો સ્વાદ વગેરેની પસંદગીમાં ભાગ લેવા દો. મોંઢાની સંભાળ અને બ્રશ કરવાની ક્રિયાને લગતાં જોડકણાં અથવા બાળગીતો ગાવાં એ પણ આખીય પ્રક્રિયાને આનંદદાયક બનાવી દેશે . 

તમારા બાળકની દાંતસંભાળમાં દંતચિકિત્સક (દાંતના ડૉક્ટર)નું મહત્ત્વ :

બાળકોના મોંઢાના આરોગ્યને જાળવવામાં દાંતના ડૉક્ટર મહત્ત્વનો ભાગ ભજવે છે. એથી જરૂરી બને છે કે તમે કોઈ સારા બાળ દંતચિકિત્સક સાથે સંપર્ક જાળવી રાખો. બાળકોને નિયમિત દર છ માસના અંતરે દાંતના ડૉક્ટર પાસે દાંતની સામાન્ય તપાસ કરાવવા લઈ જાઓ. દાંતની ઝીણામાં ઝીણી તકલીફને દાંતનો ડૉક્ટર પારખી લેશે જે આપણે નથી કરી શકતા; તથા તેઓ તકલીફ અનુસાર એની ચિકિત્સા પણ સૂચવી શકે છે. બાળકોના દાંત અને પેઢાંને લગતી બાબતો વયસ્ક વ્યક્તિઓ કરતાં અલગ હોય છે, માટે ઇચ્છનીય છે કે તમે તમારા બાળક માટે બાળ દંતચિકિત્સકનો સંપર્ક કરો; કારણ કે બાળકોના દાંતને લગતી બાબતો તેઓ વધુ સચોટ રીતે સમજી શકે છે. તેઓ તમને તમારા બાળકના દાંતની દૈનિક સારસંભાળની યોગ્ય રીતો સૂચવશે તથા બાળકોના મોંઢાના સ્વાસ્થ્ય અંગેની તમારી તમામ મૂંઝવણોનો ઉકેલ પણ તેઓ જ આપી શકશે . જો બાળક દેખીતી રીતે જ કોઈ તકલીફ વ્યક્ત કરે, તો જરાય સમય વ્યર્થ ન કરતાં તાત્કાલિક દાંતના ડોક્ટરનો સંપર્ક કરો. ઉછરતી ઉંમરમાં, જયારે કે તમારા બાળકના દાંત અને પેઢાંનો વિકાસ ઝડપથી થઈ રહ્યો હોય, ત્યાં દાંત અને પેઢાંને લગતી કોઈપણ તકલીફને થોડા દિવસ માટે પણ ટાળવી એ એની દંતાવલિના વિકાસ માટે હાનિકારક સાબિત થઇ શકે છે. 

જો તમારા બાળકના દાંત તૂટતા જણાય, હલતા જણાય, કે પછી બાળક દાંત અથવા પેઢાંમાં કોઈપણ પ્રકારના દુ:ખાવાની ફરિયાદ કરતુ હોય, તો તાત્કાલિક દાંતના ડૉક્ટરનો સંપર્ક કરો. ચિકિત્સક તમારા બાળકના દાંતનું નિરીક્ષણ કરીને યોગ્ય ઉપચાર કરશે. જો કોઈ દુર્ઘટના અથવા ઇજાના ભાગ રૂપે તમારા બાળકનો દાંત તૂટીને બહાર આવી જાય તો દાંતને લુછ્યા અથવા ધોયા વગર પાણી અથવા દૂધ ભરેલા કપમાં સાચવી રાખો અને તેને ડૉક્ટર પાસે લઈ જાવ. આવા સંજોગોમાં મૂળ દાંતનું પ્રત્યારોપણ શક્ય છે. 

દાંતના ડૉક્ટરને તમે “સીલાન્ત” પદ્ધતિ વિષે પણ પૂછી શકો છો. આ પદ્ધતિમાં એક પાતળું પ્લાસ્ટિકનું પડ, દાંતના ચાવવાના ભાગ ઉપર ચડાવી દેવામાં આવે છે; જેનાથી દાંતને અકાળે સડી જતાં રોકી શકાય છે. આ પડ દાંત વચ્ચેની ખાંચોમાં યોગ્ય રીતે ગોઠવાઈને દાંતની બાંધણી સાથે બંધબેસતું થઈ જાય છે અને દાંતના ચમકીલા પડ ઉપર એક સુરક્ષા કવચ બનાવી દે છે.

સામાન્ય રીતે બાળકનું હાસ્ય એ એના આનંદને કારણે હોય છે; પરંતુ, તેના દાંત અને મુખના આરોગ્યની યોગ્ય સંભાળ લઈને, એના હાસ્યને જ, એના આનંદનું કારણ બનાવો. 

* * *

નોંધ :

આ જ આર્ટિકલને અંગ્રેજીમાં વાંચવા માટે વિઝિટ કરો : http://in.parentingnations.com/oral-hygiene-for-children/

* * *

સંપર્કસૂત્રો :-

Alihusen Momin ali@parentingnations.com

Mob. +91 99250 41865

Blog : Parenting Nations – www.parentingnations.com

1 comment for “બાળઉછેરની બારાખડી (૧) : બાળકોના મોંઢાનું (ખાસ કરીને દાંતનું) આરોગ્ય

  1. June 15, 2017 at 3:11 pm

    સરસ અને કામનો લેખ. અહીં અમેરિકામાં તો બાળકો માટેની ડેન્ટોસ્ટ્રી એ બહુ મોટો ધંધો છે. એમાં જઈએ ત્યારે આપણને પણ એમની સેવા લેવા મન થઈ જાય – પોસાય તો !!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *