કાચની કીકીમાંથી –૧૮ – ગ્રહણ : ધરતી પર સ્વર્ગની ઝાંખી

Facebooktwitterredditpinterestlinkedinmail

ઈશાન કોઠારી

ગ્રહણ હિમાચલ પ્રદેશમાં આવેલું સાવ નાનકડું ગામ છે. મનાલી જતાં અગાઉ કુલ્લૂથી ત્યાં જઈ શકાય. કુલ્લૂથી કસોલ આશરે 37 કી.મી. છે. અને કસોલથી આઠેક કી.મી.ના પહાડી રસ્તે પગપાળા ગ્રહણ જઈ શકાય.

આશરે 7700 ફીટ ઊંચાઈએ વસેલા આ નાનકડા ગામમાં અમે ચારેક દિવસ ગાળવાનું નક્કી કર્યું હતું. કસોલથી અમારી પગપાળા મુસાફરી સામાન સાથે શરૂ થઈ. વચ્ચે એકાદ સ્થળે અમે તંબૂમાં રાતવાસો પણ કર્યો અને બીજા દિવસે ગ્રહણ પહોંચ્યા.

અહીં મોબાઈલ નેટવર્ક નથી એ ખબર હતી, પણ પહોંચ્યા પછી જાણ થઈ કે એકાદ મહિનાથી વીજળી પણ નથી. માંડ સીત્તેરેક ઘરોના આ ગામમાં અમે ચારેક દિવસ ગાળ્યા. આખો દિવસ કુદરતી સૌંદર્ય માણવાનું, રખડવાનું અને સાંજ સુધીમાં પાછા આવી જવાનું- આ અમારો ક્રમ હતો.

અહીનું વાતાવરણ સતત બદલાયા કરે છે. સવારે તાપ હોય, બપોરે વરસાદ અને ઠંડી તો સતત હોય જ. સારપાસના ટ્રેક પર આવેલું હોવાથી અહીં ટ્રેકરની અવરજવર રહેતી હોય છે. એ સિવાય આ સ્થળ ખાસ જાણીતું નથી.

અહીં ગ્રહણના કેટલાક ફોટા મૂક્યા છે.

**** **** ***

કસોલથી ગ્રહણનો રસ્તો પથરાળ અને ઉતારચડાવવાળો છે. અડધો રસ્તો કાપ્યા પછી લગભગ સીધું ચડાણ શરૂ થાય છે. બે રાતની મુસાફરી અને પીઠ પર પોતાના સામાનનો બેકપેક લઈને ચડવું આકરું લાગે, પણ એની એક મઝા છે.

****

ગ્રહણનાં ઘરો ધાબાવાળા નહી, પણ ઢળતા છાપરાવાળા છે. કેટલાક ઘરો પર પથ્થરો પણ મૂકાયેલા જોવા મળે. ઘરની બનાવટમાં લાકડું પુષ્કળ પ્રમાણમાં વપરાયેલું જોવા મળે.

**** ****

ગામની લગભગ મધ્યમાં યાજ્ઞવલ્ક્ય ઋષિનું મંદીર છે, જે વર્ષમાં અમુક જ દિવસ ખૂલે છે. તેના બંધ દરવાજા પર લાકડામાં સુંદર કોતરકામ કરેલું છે.

**** ****

ગ્રહણમાં કોઈ પણ સ્થળે ઊભા રહીએ એટલે પર્વતો અને વૃક્ષો અને ખેતરોને લઈને સુંદર દ્રશ્ય જોવા મળે. તેના માટે ખાસ કોઈ જગ્યાએ જવાની જરૂર નહી. અમે ઉતાર્યા હતા એ રૂમની બારીમાંથી પણ આવું અદભૂત દ્રશ્ય નજરે પડતું હતું.

**** ****

આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. જો કે, ખેતપેદાશો તેઓ પોતાના ઉપયોગ માટે જ વધુ વાપરે છે. આ ઉપરાંત કેટલીક હોટેલો છે, જેને કારણે પ્રવાસીઓની અવરજવર રહે છે. પણ ગામનું વાતાવરણ સાવ નિરાંતવાળું લાગે. એ જ રીતે, ગામના લોકો પણ શાંતિવાળા જણાય. અમે એક વાર ગામમાં આંટો મારવા નીકળ્યા ત્યારે આ માજી શાંતિથી બેઠાં હતાં. મેં તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો, પણ તેમણે કશો પ્રતીભાવ આપ્યો નહીં. તેઓ એ રીતે બેઠાં હતાં કે મને તેમનો ફોટો લેવાનું મન થઈ ગયું.

**** ****

સૌથી આગળના પહાડો પર વૃક્ષો જોવા મળે, તો પાછળ રહેલા પર્વતોની ટોચ પર બરફ સતત જોવા મળે. ત્યાં બદલાતું વાતાવરણ નીચેથી પણ જોઈ શકાતું કે હીમવર્ષા થાય તો નીચે રહયે રહયે તાજો પડેલો બરફ અમે જોઈ શકતા.

**** ****

ગ્રહણથી થોડે દૂર પાણીનો ધોધ આવેલો છે. આ રૂટ પર કુલ ત્રણ ધોધ આવેલા છે. અમને કહેવામાં આવ્યું હતું કે સામાન્ય રીતે લોકો બે ધોધ જોઈને પાછા વળી જાય છે, કેમ કે, આગળના રસ્તાનો તેમને ખ્યાલ નથી આવતો. આ કારણે અમે એક સ્થાનિક માણસને સાથે લીધો, જેણે અમને ત્રણે ધોધ બતાવ્યા. એ આખો રસ્તો બહુ જ સુંદર હતો.

**** ****

મોટા જાદુગરો સ્ટેજ પર નજરબંધી કરીને આખેઆખી ચીજવસ્તુ ગાયબ કરી દેતા હોય એવું આપણે જોયું છે. પણ અહીં અમને જે ખેલ જોવા મળ્યો એ ગજબનો હતો. એક સવારે જાગીને અમે જોયું તો ગાઢ ધુમ્મસ છવાયેલું હતું. રોજ સવારે જાગીને અમે જે મોટો પહાડ જોતા હતા એ આખો ગાયબ હતો. નજીક રહેલું મકાન એકલું જ દેખાતું હતું.

થોડા સમય પછી ધુમ્મસ હટયું એ સાથે મકાનની પાછળ રહેલો આખો પહાડ ખુલ્લો થયો. એ આખી સવાર આ રીતે સંતાકૂકડી ચાલતી રહી. અમે તેની ભરપૂર મઝા લીધી.

**** ****

ગ્રહણથી થોડુંક ઉપર ઠૂંજા નામનું ગામ છે. એક દિવસ અમે ચડીને ત્યાં પણ ગયા. સહેજ ઊંચે ચડતાં જ નીચે ગ્રહણ ગામનું આખું દ્રશ્ય નજરે પડ્યું.

ઠૂંજામાં દસેક ઘર જેટલી જ વસ્તી છે. ત્યાં એક માત્ર શાળા છે. શાળામાં 1 થી 5 ધોરણમાં થઈને કુલ 8 વિદ્યાર્થીઓ છે. તેમના શિક્ષક બુદ્ધિસીંગ ઠાકુર ગ્રહણથી આવ-જા કરે છે.

**** ****

હોસ્પિટલ, બેન્ક, એ.ટી.એમ., ફોન નેટવર્ક, અખબાર અને વીજળી વિનાના આ ગામમાં ચારેક દિવસ અમે ગાળ્યા અને ખૂબ આનંદ લીધો. આમાનું કશું અહીં નહોતું, પણ અહીં જે છે એ બીજે ક્યાંય નથી, એમ અમને લાગ્યું.


ઈશાન કોઠારીનો સંપર્ક ishankothari1999@gmail.com વીજાણુ સરનામે થઇ શકશે.

8 comments for “કાચની કીકીમાંથી –૧૮ – ગ્રહણ : ધરતી પર સ્વર્ગની ઝાંખી

 1. Piyush Pandya
  June 14, 2017 at 7:08 am

  ફોટોગ્રાફ્સમાં અતિશય સુંદર દેખાતું આ સ્થળ અસલમાં તો સ્વાર્ગથી ઢૂકડું જ હશે એવી ખાત્રી થઈ. આ પહેલો જ હપ્તો છે અને હજી વધુ ને વધુ ફોટોઝ આવતા રહેશે, એવી અપેક્ષા છે.

 2. June 14, 2017 at 9:12 am

  ‘ગ્રહણ’ આટલું નયનર્મય હોઈ શકે અને તે પણ આપણા જ દેશની ધરતી પર જ , એ તાદૃશ અનુભવ કરાવીને અમારા બફારાને સહ્ય બનાવી દીધો.

  ખૂબ ખૂબ આભાર.

 3. AJAY PAREKH
  June 14, 2017 at 10:59 am

  Excellent excited and adventurous place

 4. Hiten Bhatt
  June 14, 2017 at 12:48 pm

  saras photos ane mahiti

 5. Vibha
  June 14, 2017 at 2:01 pm

  સુંદર વર્ણન અને ખૂબ સુંદર ફોટોગ્રાફ્સ. ઈશાન ને અભિનંદન.
  ડાયરીમાં સ્થળ ની નોંધ કરી લીધી છે. ક્યારેક જઈશુ.

 6. Anila Patel
  June 14, 2017 at 2:26 pm

  Himalayanu koi pan varnan ave etale e paheluj vachavu evo maro pakshpat chhe ane raheshej ane emay Manalini ajubajuno pradesh e maro mangamto vistar.
  Bahuj saras varnan ane phota.

 7. Rajnikumar Pandya
  June 14, 2017 at 3:07 pm

  બહુ ચિત્તાકર્ષક વર્ણન
  પણ ગ્રહણ નામ કેમ પડ્યું એની પડપૂછ કરી ?

 8. April 26, 2018 at 1:58 pm

  hilly area excellent way to do tracking !!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *