– દર્શા કીકાણી
વદ્દીને દશકા બધું છોડીને સંસારમાં,
આપણું ગણિત ખોટું પાડીને આવીએ.આપવાની મઝા શું હોય છે એ જાણવા,
વૃક્ષ કે પછી વાદળને મળી આવીએ.– મુકેશ જોશી
સંસારમાં પડ્યાં એટલે આપ-લે કર્યા વગર તો છૂટકો જ નથી. જરૂર હોય કે તકલીફ હોય ત્યારે મિત્રો કે સગાં-વહાલાં પાસે મદદ લેવી પડે. સામે ક્યારેક એવી મદદ કરવી પણ પડે. અણીને વખતે મદદ કરો અને સામા માણસની જિંદગી બની જાય એવું બને. મોટા ભાગના કૌટુંબિક કિસ્સાઓમાં એક વાર મદદ કરો પછી સામેનો માણસ તેને પોતાનો હક્ક માની બેસે છે અને વારેવારે એ મદદની આશા રાખતો થઈ જાય છે. ‘મદદ લેવી’ એ એટલો સહેલો રસ્તો છે કે સામાન્ય રીતે મદદ લેનારને તેની ટેવ પડી જાય છે. મદદ કરીને ક્યારે હાથ પાછો ખેંચી લેવો તે આવડવું જોઈએ, નહીં તો જીવનભર મદદ લેનાર માણસ પોતાના પગ પર ઊભો થશે જ નહીં! ક્યારેક એવું પણ સંભળાવશે કે તમારી પાસે પૈસા હતા તો મદદ કરી! આવે વખતે મદદ જતી કરી પોતાની મહેનતના બળે જ આગળ આવનાર વ્યક્તિને ચોક્કસ સલામ કરવાનું મન થાય.
પણ અહીં તો કવિ જુદી જ વાત કરે છે. આપવા અને લેવાની ગણતરી વગરનો હિસાબ કરવાની વાત કરે છે. આપો ત્યારે બસ આપ્યા જ રાખો, કોઈ ગણતરી નહીં, કોઈ હિસાબ નહીં. કેરીના વૃક્ષ પર અઢળક કેરી થાય પણ ક્યારેય આંબો કેરી ખાતો હોય તેમ જોયું છે? નદીમાં સરસ મઝાનું ઠંડું-મીઠું પાણી બારેમાસ વહેતું હોય છતાં નદી પાણી પી ગઈ હોય તેવું ક્યારેય બન્યું છે ? લીલ્લો લહેરાતો મબલખ પાક ખેતરો જ ઓહિયા કરી ગયાં હોય એવું ક્યારેય બન્યું છે? વરસાદનું વાદળ તો કાયમ વરસતું જ હોય…. એને તો ખબર પણ ના હોય કે તે કોના પર વરસે છે અને કોણ હજી તરસ્યું છે! વરસવું એ વાદળનો સ્વભાવ છે, ધર્મ છે. એ તો વરસીને જ ખુશ છે. આપવાની મઝા શું છે એ જાણવા તો આપણે વૃક્ષ કે વાદળની જ મુલાકાત લેવી પડે અને પ્રેમમાં કાયમ પલળતાં રહેવું પડે અને ખોબે ખોબે પ્રેમ સીંચતા રહેવું પડે. આ જ કવિતાની બીજી બે પંક્તિઓ આ વાત કેવી સરસ રીતે કહી જાય છે!
હસ્તરેખાઓ સુકાઈ જાય એ સારું નહિં,
કો’કના આંસુ લૂછી એને પલાળી આવીએ.
પણ આ આપવા-લેવાનો ગણતરી વિનાનો હિસાબ, વદ્દી અને દશકા વિનાનો હિસાબ કરવા માણસ અસમર્થ છે. રૂપિયાના ત્રણ અડધિયા શોધતો માણસ ગણતરી વગર શાક પણ નથી લેતો તો દાન તો શું કરવાનો? જો કે કર્ણ જેવા દાનવીરો હજીયે પાકે છે, ઠંડીમાં અડધી રાત્રે ગરીબોને ધાબળા ઓઢાડી જનાર હજીયે જન્મે છે. આટઆટલાં ધર્મ-સ્થાનો, આટલી અંધ-શાળાઓ અને ગૌ-શાળાઓ હજીય દાનના પૈસાથી જ નભે છે. ત્યાં કોઈ ગણતરી જોવા મળતી નથી. સામે પક્ષે કંઈ કેટલાય યુવાનો મદદનો સહેલો રસ્તો અપનાવી આરામ કરે છે. સંઘર્ષ કરવાનું ટાળે છે, મદદને પોતાનો જન્મસિદ્ધ અધિકાર માને છે, જાણે કહેતાં ના હોય કે…
માધવ તું બેઠો દેવા તો અમને લેવામાં શી આણ!
સુશ્રી દર્શા કીકાણીનો સંપર્ક darsha.rajesh@gmail.com સરનામે થઈ શકશે







ગણિત શીખો તો કોમ્પ્યુટરનું ગણિત શીખો!
બે જ આંકડા – ૧ અને ૦ ; હોવાપણું અને નહીં હોવાપણું ; ઈલેક્ટ્રોનિક સ્વીચ ચાલુ કે બંધ
આ બધી માયા જે ‘વેગુ’ પર અહીં અને બધી વેબ સાઈટો પર જોઈએ છીએ – લખાણ, ચિત્રો, વિડિયો.. બધું આ બે ને જ આભારી ! બાઈટ જ બાઈટ – અગણિત બાઈટ
—————————————
કોમ્પ્યુટરની ભાશાનો પાયાનો મણકો. કોમ્યુટરમાં જે કાંઈ સમાય તે બધું બાઈટમાં મપાય. કીલોબાઈટ, મેગાબાઈટ, ગીગાબાઈટ અને ટેરાબાઈટ … હજુય આગળ બીજા ‘મોટા’ બાઈટ આવશે ! ગમે તે માહીતી હોય; કે કોમ્પ્યુટરને કામ કરવાની સુચના હોય – બધું બાઈટની પરીમીતીમાં આવી જાય. બાઈટની લંબાઈ માહીતી પર આધાર રાખે. માહીતી જેટલી મોટી, તેટલા વધારે બાઈટ જોઈએ.
બાઈટની અંદરેય જવાય. તેના બે જ ઘટક – 0 અને 1. આ સીવાય કશું જ નહીં. સંખ્યા હોય કે ભાશાનો કોઈ શબ્દ હોય – દુનીયાની કોઈ પણ ભાશાનો – કોઈ પણ લીપીનો; અરે સંગીતની તર્જ હોય કે કોઈ ચીત્ર કે ચલચીત્ર હોય – બધુંય બાઈટમાં જ તે સમજે. કોમ્પ્યુટર 0 અથવા 1 સીવાય કશું જ સમજી ન શકે.
કેટલું સરળ દીમાગનું છે, આ મશીન? ! આપણા જેટલું તે ચાણક્ય નથી! આપણે તો શુન્ય અને એક્ને કોઈ વીસાતમાં નથી ગણતા. આપણી ગણતરીઓ મોટી – વીશદ, પંડીતાઈથી ભરેલી. જાતજાતનાં વીજ્ઞાનો, શાસ્ત્રો અને ભાશાઓ. જાતજાતની સંવેદનાઓ, જાતજાતના મતમતાંતરો, માન્યતાઓ, પુર્વગ્રહો, ગમા- અણગમા, શંકા- કુશંકા. કેટલું વીલક્ષણ છે આપણું મગજ?
કોમ્યુટર બે જ વાત સમજે – 0 અને 1 – હોવાપણું અને નહીં હોવાપણું ! સ્વીચ ચાલુ છે કે બંધ !
અને આપણને આટલી નાની વાત સમજતાં જન્મારો નીકળી જાય, અને તોય આપણી વીશદતા, આપણી અધુરી સમજણ વચ્ચે નડે – આ નાનીશી વાત સમજતાં ! આપણને બાઈટ કરતાં આવડે ( કરડતાં! ) ; ગણતાં ન આવડે.
ભણ્યા, પણ ગણ્યા નહીં. બાઈટ જ ન સમજ્યા.
Very nicely stated, Sureshbhai! Thanks!
આપવું એ સ્વભાવ છે પણ અફસોસ કે બધાને એ પાવર કુદરતે આપ્યો નથી.કેટલાક સિલેક્ટ લોકો જ જન્મ થી આ શક્તિ લઇને જન્મે છે.
Very true, Nagji bhai.