સોરઠની સોડમ – ૨૬ – કર્મણ્યેવાધિકારસ્તે…

Facebooktwitterredditpinterestlinkedinmail

ડો. દિનેશ વૈષ્ણવ


આ વાતનાં બે પાત્રો – ત્યારે અને અત્યારે

માણસનું કર્મ એનું કરમ ઘડે છે વિધાનનો તાદ્રશ્ય દાખલો જે મેં જોયો છે એની આ વાત છે..

મારે અત્યાર લગીમાં ઘણી “ગીતા”ની ઓળખાણ થઇ પણ હું કોઈને ઓળખી સક્યો નહિ કારણ ઈ બધાની કે’ણી જ ધનુર ઉપડે એવી વિચિત્ર. દા.ત. વિદ્યાનગરમાં આફ્રિકાની ગીતા પટેલની ઓળખાણ થઇ. ઈ જયારે સામી મળતી ત્યારે સ્વાહેલી ભાષામાં મને સીસીના સાપા” એમ કે’તી. એની આ કે’ણી ઉપરથી ઈ મારી ઉપર ફીદા હતી કે મને ભુંડી ગાળ ફટકારતીતી ઈ હજી લગી હું નક્કી નથી કરી સક્યો. “ખેતીવાડી” કોલેજમાં ભણતી લીંબડીની ઉપજ “ગીતા સીસોદીયા” મને નવસારીમાં મળી. ઈ સાવ તોતડી એટલે હું એને જયારે પૂછતો કે “ગીતાબા મોજે પતાસાં?” ત્યારે ઈ એક જ જવાબ દે’તી કે “તેતીવાડીમાં તું મોધ? ધાંતે નકલા મતોડા ફરે ત.” મને ઈ દાયકા પછી સમજાણું કે ગીતાબા એમ કે’તાંતાં કે ખેતીવાડીમાં સું મોજ? ઘાંસે નકરા મકોડા ફરે છ.” નવસારીમાં જ સુરતની ગીતા દેસાઈ પણ મને ભુટકાણી. મેં એને પૂછ્યું, “આ સન્ડે આઈ મીલનકી બેલાજોવા મારી હારે આવીશ?” એટલે એને સુરતીમાં કીધું, મારે તારી હાથે મીલન નથી કરવું છે તેથી નથી આવવું છે.” ઈ આ “નથી…છે”નો અર્થ મને ત્રણ દાયકે એક સુરતી મિત્રે સમજાવ્યો. ટૂંકમાં, આ બધી “ગીતા”ની સૂળકઢી, કપરી કે’ણી છતાં મારા માટે તો સૌથી કથરી ને કમઠી ઈ કરસનબાપાની “ગીતા.” મેં એને નથી જોઈ કે ભૂલેચૂકે અંધારામાંયે એને હાથ અડાડ્યો પણ કેટલાય પોતાને “ડોંગરેમા’રાજ” ગણી ને એની વાત્યું કરતા હોય ત્યારે મને “કર્મણેયવાધિકારસ્તે મા ફલેષુ કદાચન.”ની વાત સમજાય છ કારણ મેં ઈ મારી સામે ભજવાતી જોઈ છ, ને એટલે આજ ઈ ને એને લગતી વાત માંડું:

તો મિત્રો, પે’લાં તો જાણે મને ગમતા કરસનબાપાની “ગીતા”ના વાક્યની મારી સમજ ઈ કે આંઈ “કર્મણેયવા” એટલે કીધું છે કે આપણો કાબુ માત્ર કરવા યોગ્ય કામ પર જ છે ને એટલે “કર્મણે” એકલું નથી કીધું. વળી આગળ કીધું છ કે “મા ફલેષુ કદાચન, અર્થાત આપણો અધિકાર કર્મના ફળ પર નથી ને એટલે આંઈ માત્ર “મા ફલેષુ” નથી કીધું પણ હારે “કદાચન” શબ્દ પણ મુક્યો છ. ટૂંકમાં, કર્મનો અર્થ છે કરવાલાયક કામ; ફરજ નહિ. ફરજનો અર્થ ઈચ્છા ન હોય તોયે બજાવી પડે ઈ; ત્યારે સ્વેચ્છાએ, નિજાનંદ માટે કોઈપણ પ્રકારની અપેક્ષા વીના જે કરીએ ઈ કર્મ. જયારે આપણે કર્મ કરીયે ત્યારે આપણું સમગ્ર અસ્તીત્વ એમાં જોતરાઈ અને આપણને વર્તમાનમાં અર્થાત જે તે સમયે આનંદની પ્રાપ્તી થાય કારણ કે ભવિષ્યમાં આવતા વળતરની એમાં રાહ નથી જોવાની. આપણો કાબુ કેવળ વર્તમાન પર જ છે, ભવિષ્ય ઉપર નહિ. એટલે જો આપણે ઈ “વળતર” વાળા ભવિષ્યમાં ખોવાસું તો વર્તમાનમાં નહીં હોયે કારણ આપણું “પૂર્ણ અસ્તિત્વ” એક હારે એક જ કાળમાં શક્ય છે.

તો મેં ભજવાતી જોઈ ઈ “કર્મણેયવા કહાનીના બે પાત્રો: એક મારા મોટા મામાની દીકરી તરુબેન; કે જે એક ઉમદા ગૃહિણી, માં અને દાખલાદાયક લાઇબ્રેરીયન બની યુ.એસ. સ્થિત છે; ને બીજું પાત્ર મારા નાના મામાનો દીકરો નિરુપમ, કે જેને સિત્તેરના દાયકે ગુજરાતમાં “નવનિર્માણ”નું નિર્માણ કર્યું અને આજે અમદાવાદવાસી છે. તો સાહેબ, ૧૯૬૬માં તરુબેન ને નિરુપમ ઈ બેયની મેટ્રિકની પેલી ટ્રાયલ એટલે તરુબેનના બાપ ને નિરુપમના બાપ એમ બેય ભાઉએ નક્કી કર્યું કે બેય છોકરાં પાસ થાય એટલે જૂનાગઢમાં જશન મનાવો ને ઈ વખતના રીવાજે જે કોઈ આનંદ, કે અમારી કે’ણીમાં “હરખ,” વ્યક્ત કરવા આવે એને લખલુટ કઢેલું દૂધ પાવું; કે જયારે બીજાં મા-બાપ સેક્રીનની ચાસણીના માટલાના મળમળા પાણીમાં “ખસ” કે “ગુલાબ”ના શરબતુ પાતાં.

હવે, આ જશનની પૂર્વ તૈયારી રૂપે પરેણામના બે દી’ પેલાં રાજાભાઈ દૂધવાળાને કઢેલ દૂધની વરધી દેવાઈ ગઇતી ને ખાસ ભલામણ કરવામાં આવીતી કે દૂધ રગડા જેવું કઢે; કેસર, એલચી, બદામ, પીસ્તાં બાર પડતાં નાખે; ને ચારોળી ઓછી ને છેલ્લે નાખે. ઉપરાંત દૂધના વરધીથી વધુ વધારાના પાંચ હાંડા તૈયાર રાખે એટલે પાછળથી દૂધ ખૂટુંખૂટું ન થાય.” વડીલો ને વેવાઈ-વેલાંમાં કળસા ભરી ને દૂધ દેવાસારું જર્મનના ૧૪ લોટા પણ અમારાં પેઢી જુનાં કસ્તુરે ચકચકાટ ઘસી ને પાટલે ઉંધા પાડી દીધાતા. પરિણામની આગલી રાતે અમે કુટુંબે ભેગા મળી ને “દિવાનખાના”માં પુરુષો માટે ને “મોટા ઓયડા”માં બૈરાઓ માટે બેઠકું કરી. વેવાઈ-વેલાં માટે ગાલીચાઉ પાથર્યા ને તકિયા નાખ્યા. પુરુષની બેઠકમાં ચકચકાટ પાનની પેટી ને માય; “બંગલો પાન,” પુનાપત્તિ ને જાફરની તમાકુ, કાશ્મીરી ગુલાબ જળમાં કેળવેલો ચૂનો, અસલી કોરો કાથો ને સેવર્ધનના સોપારી હારે ગોઠવાણી. વધારાનાં પાન આંગણાની કુંડીમાં તરતાં મુક્યાં. જનાના બેઠકમાં સાત જાતના મુખવાસના ડબ્બાઉ મૂકાણા. તરુબેન ને નિરુપમ સું કપડાં પે’રસે ને અમે સૌ સું પે’રસુ ઈ બધું નક્કી થઇ ગ્યું. ઈ બેય વડીલોને કેમ પગે લાગશે, પેલાં કોણ લાગશે ઈ પણ નક્કી. ઈ આગલી આખી રાત ઘણાને તો નિંદર પણ ન આવી ને જબકી ને રાતમાં ડેલીએ જોઈ આવતા કે છાપાવાળો આવી ને હાલ્યો તો નથી ગ્યોને. અલબત્ત, ઈ જમાનામાં જે પાસ થ્યા હોય એના સીટ નંબરો માર્ક્સ પ્રમાણે ફસ્ટ, સેકન્ડ ને થર્ડ ક્લાસમાં એમ છાપમાં છપાતા ને જે બોર્ડમાં પે’લા દસમા આવ્યા હોય એના ફોટા પણ આવતા. જેના સાગા વડોદરા કે અમદાવાદમાં હોય ને યાં છાપાં પે’લાં આવતાં હોય ને ઈ લોકોને પરેણામની વે’લી ખબર પડતી તો ઈ લોકો તાર કરતા ને જૂનાગઢમાં ઈ વિદ્યાર્થીના પરેણામની વે’લી ખબર પડતી. બાકી પરેણામના કોક ફોન કરે ઈ તો શક્ય જ નો’તું કારણ પોસ્ટ ઓફિસ અને બળીયા શેઠને ગણી ને ઈ જામને જૂનાગઢમાં ચકયડાં ફેરવવાના ત્રણ ફોન હતા.

સાહેબ, ઈ પરેણામના દી’ની સવાર પડી, ચાપાણી પતાવી ને સૌ નાઈધોઈ ને તૈયાર થઇ ગ્યા, નિરુપમે ધોળા બગલા જેવાં કફની-લેંઘો પેર્યાં ને કપાળમાં રાણીછાપ રૂપિયા જેવડો ગડગડીયો ચાંદલો પણ કર્યો. તરુબેને પે’લીવાર સાડી પે’રી (કે વીંટી). સવારના અગીયારેક વાગે “જયહિંદ” છાપું આવ્યું એટલે નિરૂપામના બાપે ઘરના ચોકના લીલા પાટિયે બેસી ને પે’લાં તરુબેનનો નંબર જોયો તો ઈ તો જાણે ફર્સ્ટક્લાસમાં પાસ થ્યાં. પછી નિરુપમનો નંબર ફર્સ્ટ થી લઇ ને થર્ડ ક્લાસમાં ગોત્યો પણ જડે નહિ એટલે વળી મૂળ જે પરીક્ષા વખતે સીટનંબરનું ચોપાનિયું આપ્યું તું એની હારે નંબર મેળવ્યો ને પાછો ગોત્યો પણ તોયે ક્યાય નંબર ન મળે. એટલે વળી દોડતાદોડતા હું ને મારા ત્રણ પિતરાઈઓ સામેના ઘેરથી “ફૂલછાબ” ને “નુતન સૌરાષ્ટ્ર” છાપાં લિયાવ્યા. વળી ઈ જ અસફળ માથાકૂટ નિરૂપમનો સીટનંબર ગોતવાની મારા બેય મામાઓએ કરી. પછી નિરૂપામના બાપ ને મારા નાના મામાએ એમ બાર પાડ્યું કે કદાચ એવું પણ બને કે “નિરુપમનો નંબર છાપવાનું ભુલી ગ્યા હોય.”

નિરૂપામના બાપે નક્કી કર્યું કે મારે ને મારા પિત્રાઇએ નિરુપમ હારે એની નિશાળે, “નરસિંહવિદ્યા મંદિર” કે જયાં ઈ ભણેલા, માર્ક શીટ લેવા જાવું અને જો કાંઈ અઘટિત થ્યું હોય ને ઈ આકરાઉતાવળા થાય તો અમારે એને હિમત દેવી, ને માર્કશીટ જોયા પછી જ પરેણામ ગામમાં બા’ર પાડવું. અમે ત્રણ છોકરાઉ “નરસિંહવિદ્યા મંદિર” પોંચ્યા, લક્ષ્મણ દુબે આગળથી માર્કશીટ લીધી ને મેં વાંચી તો નિરુપમ ગણિત, હિન્દી ને બીજા બેત્રણ વિષયમાં રહી ગ્યાતા. ઘેર આવતાંઆવતાં રસ્તામાં નીરુપમે કીધું કે “હાલો મોડર્નમાં પ્યાલીપ્યાલી કસાટાનો આઈસ્ક્રીમ ખાઈએ.” મેં પૂછ્યું “કાં?” તો એને સાહજિકતાથી જ જવાબ દિધો કે “તરુબેન પાસ થ્યાં છ એની મને ખુશાલી છે ને આપણે ઈ ઉજવવી જોયે.” મને મારી નાની ઉમરે પણ ઈ સોંસરવું ઉતરી ગ્યું કે “વાહ, સું આ છોકરાની ખાનદાની અને કેવી એની ખેલદિલી.”

બસ, પછી તો પરેણામની ગામમાં “ઘોડા પૂરે” સૌને ખબર પડી પણ બધા આ સંજોગમાં “હરખ કરવા” કેમ જાવું ને જઈ ને સું કેવું ઈ મુંજાતાતા એટલે કોઈ અમારે ઘેર આવે નહિ. અમને રાજાભાઈ ને યાં મોકલ્યા એટલે સૂચના મુજબ કઢેલ દૂધ તો જાણે એક હાંડો આવી ગ્યું ને “મોટા ઓયડા”ની મંદિરની ઓય્ડીમાં ગોઠવાઈ ગ્યું. પછી નિરૃપમના બાપે ઘરના ચોકના ઓટલે ઉભી ને પૂછ્યું કે “આપણા વડીલ વિનુકાકા ને સુક્ન્યાકાકી ને કોણ દૂધ દેવા જાશે?” નિરુપમે તરત જ આંગળી ઊંચી કરીને કીધું, “પપ્પા હું.” “તો પછી તરુબેનને પગે લગાડવા ભેગી લઇ જાજો” એમ નિરૂપામના બાપે કીધું. નિરુપમ ને તરુબેન ઈ વિધિ કરી ને પાછાં આવ્યાં એટલે શેરીમાં સૌએ જોયાં ને તરત જ માણસો ગોળના દડબે માખી આવે એમ આનંદ અને શુભેચ્છા વ્યક્ત કરવા અમારે ઘેર આવવા મંડ્યાં. સૌ કોઈ આવે એને નિરુપમ દૂધના પ્યાલા આપે, ઉત્સાહભેર પગે લાગે ને બીજી વાર ઈ પાસ થઇ જાય એવી શુભકામના માગે. ટુકમાં, એને તરુબેન કરતાં વધારે આનંદ હતો કે “મારી બેન ફર્સ્ટક્લાસમાં પાસ થઇ.” સાહેબ, પછી તો નિરુપમે હોંશભેર ત્રણચાર દી’ લગી સૌને દૂધ આપ્યું ને જેમ દી’ વધ્યા એમ એનો ઉત્સાહ પણ વધ્યો.

દોઢેક વરસ પછી ૧૯૬૮માં નિરુપમ ચોથા પ્રયત્ને સાત વિષયમાં ૧૦૦માંથી ૩૫ અને એકમાં ૩૬ માર્કસે મેટ્રિક પાસ પણ થ્યા, સિત્તેરના દાયકે “નવનિર્માણ” પણ સર્જ્યું, વકીલે થ્યા, “જસ્ટિસ ઓફ પીસ” પણ બન્યા, અને આજે ગુજરાત નહીં બલ્કે ભારતના અગ્રીમ વકીલ ગણાય છે અને રામ જેઠમલાણી અને હરીશ સાલ્વે જેવા ધુરંધર વકીલો હારે ખભેખભા મેળવી ને હારે કે સામે કાયદા કચેરીમાં ઉભે છ. એના વ્યક્તિગત, કૌટુંબિક, વ્યાવહારુ, વ્યાવહસાહિક અને સામાજિક જીવન, યોગદાન અને સફળતા વિષે લખવા બેસું તો મારી કલમે ટૂંકી એ પડે ને કોરી એ પડી જાય કારણ એના બૃહદ જીવનના એક નહિ પણ અનેક સોનામો’રથી સોહામણા દાખલા મારી પાસે છે.

સાહેબ, “તરુબેન પાસ થ્યાં છ એની મને ખુશાલી છે… ” ને પરેણામે જે એને એની બાલી ઉંમરે કર્મ કર્યું ઈ “આજ” નિરુપમ જે કાંઈ છે ઈ એના “કાલ”નાં કર્મોનું એને વણમાગ્યું ફળ છે. હું એટલું પણ એના જીવનમાંથી શીખ્યો છ કે માણસનું કર્મ એનું કરમ ઘડે છે, ધરમના ધતીંગ કે ધર્મ અર્થાત ફરજ બજવણી નહિ. એને ભજવેલા “કર્મણ્યેવાધિકારસ્તે”ના એક જ પ્રયોગે હું મારા માયલાને આજ એકવાન વરસથી જવાબ મળ્યા વિના સવાલ પૂછું છું કે “હું એમ કરી સકું?”


ડૉ. દિનેશ વૈશ્નવઃ ઇ-પત્રવ્યહારનું સરનામું: sribaba48@gmail.com

2 comments for “સોરઠની સોડમ – ૨૬ – કર્મણ્યેવાધિકારસ્તે…

 1. ઉત્પલ ભટ્ટ
  June 13, 2017 at 10:20 am

  આનું નામ જ ખાનદાની અને ખેલદિલી! અત્યારના નાપાસ થઇને હતાશામાં ડૂબી જતાં વિદ્યાર્થીઓ માટે ઉત્તમ ઉદાહરણ.
  નિરુપમભાઇના પુત્ર-પુત્રીને ૧૯૯૨-૯૩-૯૪ માં હું ગણિત-વિજ્ઞાન સિવાયના વિષયો ભણાવતો તે યાદ આવ્યું.
  હાલમાં કોઇ સંપર્ક નથી.

  ઉત્પલ ભટ્ટ
  અમદાવાદ

 2. June 13, 2017 at 8:35 pm

  અનુપમ નિરૂપમને પાયલાગણ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *