દેશ-પરદેશ

Facebooktwitterredditpinterestlinkedinmail

– રજનીકુમાર પંડ્યા

(આ લેખકને 1985ના ઑગસ્ટમાં ‘ફેસ્ટીવલ ઓફ વાઇન એન્ડ ફૉક મ્યુઝિક’ અંતર્ગત ગુજરાતની એક આદિવાસી નૃત્યમંડળીની સાથે, એક પત્રકાર તરીકે જવાનું થયું હતું. ફ્રાંસના વલ્લભવિદ્યાનગર ગણાય તેવા ડી-જોન શહેરમાં બાર દિવસ રહેવાની અને તેની નજીકનાં કેટલાંક રળિયામણાં ગામડાંઓમાં રાતવાસો કરવાની તક મળી હતી. બબ્બેની જોડીની એ યોજનામાં મારો અને જુવાન મિત્ર રોહિત સંઘવીનો રાતવાસો રીસે નામના ગામડાંમાં બ્રિજીટ નામની એક એકલવાઇ યુવતીના ઘેર હતો. એ સાંજના એક સરસ અનુભવની હિસ્સેદારી અહીં વાચકો સાથે કરી છે. – લેખક )

પેરિસથી અઢીસો કિલોમીટર દૂર રીસે-સુઓર્સ નામનાં સાવ નાનકડાં ગામમાં ‘વીરડો’ ટ્રસ્ટની નૃત્યમંડળી સાથે નાચવાનો સ્વાદ લેવા જતાં અમદાવાદના રોહિત સંઘવીની ચંપલની પટ્ટી તડાક કરતી તૂટી, પગ પકડીને નીચે બેસી ગયો.

“અહીં ફ્રાન્સમાં ક્યાંય રસ્તાના કિનારે બેઠેલા જોડા સાંધનારા ના મળે.” મેં એને કહ્યું, “હવે ચંપલને બગલમાં માર. હવેથી ધ્યાનમાં રાખજે કે નાચવું પણ એટલું બધું નહિ કે ઉઘાડપગા થઈ જઈએ.”

દાઢ દુઃખતી હોય એને અને ચંપલની પટ્ટી જેની તૂટી ગઈ હોય એને સોનેરી વચનો સ્પર્શતાં નથી. એમના અર્જુન મનમાં ચકલીસ્થાને તો પોતાની જ પીડા હોય. એટલે રોહિતને દુઃખી મૂકી હું પાર્ટીની પ્રમુખ એવી ગામની મહિલા મેયર સાથે વાતે વળગ્યો.

“સિંગલ છો ?” મેં પૂછ્યું “ છડેછડાં? સિંગલ ? સિંગલ ?”

લીલાં સ્વેટર અને લીલાં જીન્સમાં લીંબી મહિલા ગરદન પરની પોનીટેઈલને ઝટકો આપીને બોલી : “નો… નો… નો… સિંગલ ! આઈ હેવ ટ્વેલ્વ મૅન.”

ઉત્તર સાંભળીને હું ડઘાઈ જ ગયો. આ બાઈ તો બાર બાર પુરુષની વાત કરે છે ! હશે ? હોય… ફ્રાન્સ છે, રંગીન દેશ છે. બાર કંઈ બહુ નહીં કહેવાતા હોય, કદાચ ઓછાય ગણાતા હોય.

ત્યાં તો રોહિત મારી નજીક આવ્યો : “આપણાં ચંપલનું કંઈક કરો જ હોં.”

“અરે, છોડને એવી વાતો….” મેં ચિડાઈને કહ્યું : “જો, આ વાઈનપાર્ટી પત્યે આપણે કોઈ નાગરિકને ઘેર બબ્બે જણાની ટુકડીમાં જમવા-કારવવા જવાનું છે. જો તો ખરો. આપણા પર કળશ કોણ ઢોળે છે ?”

ફ્રાંસનું દ્રશ્ય

વૈકુંઠ નાનું ને ભગતડાં ઝાઝાં હતાં. લઈ જનારાની લાઈન લાગી હતી. અમારો નંબર બ્રિજિટ નામની બાઈને લાગ્યો. ઓછી ઓછી થતી અમારી પાસે આવી.

“વેલકમ….વેલકમ…. શેલ વી સ્ટાર્ટ ?”

“યેસ.” મેં કહ્યું : “ગ્લેડલી… ચાલો…ચાલો…”

રોહિત બોલ્યો : “અરે યાર, ચંપલની વાત કરો ને ! શું હું ઉઘાડા પગે આવું ?કંઈક તો વિચાર કરો.”

અંતે મેં લાચાર થઈને બ્રિજિટને ઈશારાથી અંગ્રેજીના મિશ્રણથી સમજાવ્યું : એનાં ચંપલ ફાટી ગયાં છે. પહેલાં એ પતાવો, પછી બીજું. જમાડવાને ઉત્સુક બ્રિજિટ ચંપલની વાત સાંભળીને થોડી મૂંઝવણમાં પડી ગઈ. પણ એ તો એક જ ક્ષણ, બીજી મિનિટે એણે પાર્ટીમાં દૂર ઊભાં ઊભાં એકલાં એકલાં પ્યાલીઓ પીધે રાખતાં એક ડોશીમાને ઝડપ્યાં. માજી ઝડપાવાથી રાજી થયાં એ તો તરત જ સમજાયું. કારણ કે એમણે તરત જ પ્યાલી નીચે મૂકીને અમારી સાથે જ પ્રયાણ કરવા પગલાં ઉપાડ્યાં.

રસ્તામાં બ્રિજિટે માજીની ઓળખ આપી : “અમારાં ગામનાં જ ગ્રામસેવિકા છે. મહિલા મેયરના કંઈક દૂરના સગામાં થાય. એકલાં રહે છે.”

“પણ”મેં કહ્યું : “આવડી મોટી ઉંમરનાં તોય વાંઢાં !”

“વાંઢાં નહિ.” બ્રિજિટ બોલી: “એકલાં. બારમો બોયફ્રેન્ડ એમને હમણાં હાલમાં જ છોડી ગયો.”

ચાલતાં ચાલતાં માજી રોહિત સાથે વાતે વળગ્યાં હતાં. જો કે, વધારે ટકા અવાજ માજીનો. રોહિત અને હું જેવું ફ્રેન્ચ બોલીએ તેના કરતાં બ્રિજિટ અને માજી અંગ્રેજી થોડું વધારે. આ રીતે ગોઠવેલું.

બ્રિજિટને મેં કહ્યું : “માજી બહુ બોલતાં લાગે છે. અમનેય સમજાય છે કે દુઃખી છે. પણ શું દુઃખ છે એ સમજાતું નથી.”

“પાર્ટીમાં બહુ પીધું છે, એનાં આ પરિણામ.” બ્રિજિટ બોલી : “નહીં તો આટલું બકબક કરતાં નથી.”

માજીના ઘરમાં દાખલ થતાંવેંત વાઈનની તીવ્ર ગંધ ઘેરી વળી. માજી આગળ આગળ અને અમે પાછળ પાછળ. ઘર આમ સુઘડ અને વ્યવસ્થિત. પણ સજાવટ બધી ખાલી બાટલાની જ. બાટલાનું ફ્લાવરવાઝ, બાટલાનો ટેબલ લેમ્પ, બાટલાની એશટ્રે, બાટલાના પાયાવાળી ટિપોય. શોકેઈસમાં પણ અવનવા બાટલા જ… જિંદગી જ બાટલામાં ગયેલી લાગી. રોહિત કહે, “એને ચંપલની વાત કરજો હોં…”

“અરે,” હું બોલ્યો : “ એટલે તો અહીં માજીને ત્યાં આવ્યા છીએ. નહિ તો અત્યારે બ્રિજિટને ત્યાં ન બેઠાં હોત ?”

નાનકડી સીડી ચડાવીને માજી અમને માળિયામાં લઈ ગયાં. બહુ નવાઈ લાગી. લાઈનબંધ રાખેલાં, ગોઠવેલાં જૂનાં ચંપલ-જોડા. જાણે કે દુકાન ખોલી. રોહિતને કહે: “આમાંથી એક પાસ કરી લો.”

રોહિત પગ વતી ચંપલો ઊથલાવતો ગયો ત્યાં બ્રિજિટ મને એક ખૂણામાં લઈ જઈને કહે, “આ ચંપલો એના છોડી ગયેલા બોયફ્રેન્ડનાં છે. આમને એવી આદત હતી કે બોયફ્રેન્ડ પાસેથી એક જોડી ચંપલ તો યાદગીરીમાં ઊઘરાવી જ લે.”

રોહિતના પગમાં એક પણ જોડી ફિટ ના બેઠી, તેથી માજી ખિન્ન થઈ ગયાં.

“કશો વાંધો નહિ.” હું બોલ્યો : “શા માટે એમના એક બોયફ્રેન્ડને ઓછો કરવો? આપણાથી એમના ચપ્પલિયા તાજમહાલની એક કાંકરી પણ ખેરવાય નહિ. ચાલો, બહાર નીકળીએ. અહીં જીવ મૂંઝાય છે. બહાર કોઈ જોડા રિપેરરની દુકાન તો હશે ને?”

માજીને એમનાં સ્મૃતિસદનમાં છોડીને અમે ખુલ્લી હવામાં આવ્યાં. પણ ગામ સૂમસામ. દુકાનના નામે એક દરવાજો પણ ખુલ્લો નહિ. “સાંજે છ વાગ્યે અમારે ત્યાં ગામડામાં બધું બંધ થઈ જાય. આપણે મારા એક ઓળખીતા મોચી પાસે જવું પડશે.”રીસે ગામની નાની સાંકડી પણ ડામરબંધ ગલીઓ. બે ગલીઓ જ્યાં ભેગી થાય ત્યાં ઊંચે દિવાલ પર બહિર્ગોળ અરીસા એવી રીતે ગોઠવેલા કે વાહન ચલાવીને મોટા રસ્તા પર આવનાર સૌને ખબર પડે કે બાજુની ગલીમાં કોઈ બીજું વાહન આવી રહ્યું છે કેમ ? અકસ્માત થાય જ નહિ. એવું નહિ કે કોઈ અર્ધા પેડલે પહોંચતા છોકરા સાઈક્લિસ્ટે શાક લેવા જતાં માજીને હડફેટ લીધાં અને “મેર મારા રોયા… આંધળીનો છો?” સાંભળ્યું !

મોચીનું ઘર ખોલાવ્યું તો અજાયબ જ થઈ ગયા. સાદા બારણા પછવાડે રંગીન ટી.વી. દેખાયું. મેલાંઘેલાં કપડામાં માલિક મોચી પછી દેખાયો. પોતાના ચકચકિત વૈભવી સોફાસેટ, સ્ટિરિયો, રંગીન ટી.વી. અને કારપેટવાળા ઘરમાં મેલોઘેલો મોચી એવો લાગ્યો કે લાલ મખમલી જનાના જયપુરી કારીગરીવાળી મોજડીમાં પાની રાખવાની જગ્યાએ ઊપસી આવેલો કટાઈ ગયેલો રિવેટ !

“એવું જ હોય.” ખુલાસામાં બ્રિજિટ બોલી, “અહીં અમારે કપડાં-લત્તાંની કોઈને ચીવટ નથી. હા, રસ્તા, દુકાન, વર્કશોપ વગેરે ખૂબ સારું.”

વાત ઠીક લાગી, કારણ કે મોચી અમને પોતાના વર્કશોપમાં લઈ ગયો. તે ચોખ્ખાઈમાં આરસનાં મંદિરોની કક્ષાનું લાગ્યું. મોટું પણ હતું. ભીંતે રાખેલા ટૂલબોર્ડ પર કદ પ્રમાણે ટીંગાડેલાં કતારબંધ ઓજારો. વણવેચાયેલાં છાપાંની પસ્તીની જેમ ગડીબંધ ગોઠવેલાં ચામડાં. બીજી તરફ ખૂણામાં અથાણાની બાટલીમાં જેમ અથાણું દેખાય તેમ માપ પ્રમાણે ખીલી, ચૂંકો, રિવેટ.

“તારી વાસનાનો અહીં મોક્ષ કર.” મેં રોહિતને કહ્યું : “ક્યારનોય ચંપલ ચંપલ કરતો હતો.”

એમનું કામ ચાલતું હતું ત્યાં જ હું બ્રિજિટ સાથે વાતોએ ચડ્યો. એમાંથી આટલી વાત જાણવા મળી કે ઉંમર વર્ષ અઠ્ઠાવીસ, એકલપંડે, ધંધામાં પ્રવાસીઓને ટેક્સી બાંધી આપવાની સરકારી નોકરી. પગાર મહિને સાત હજાર ફ્રાંક. માનોને મહિને લગભગ અગિયાર હજાર રૂપિયા.

“આટલા બધા રૂપિયાનું શું કરો ?”

“બહુ ઓછા કહેવાય. અઠવાડિયામાં ઓગણચાલીસ કલાક કામ કરું છું. અહીં તો ખેતરોમાં કે ફેક્ટરીઓમાં શારીરિક શ્રમ કરનારને પણ લઘુત્તમ પગાર કલાકના બાવીસ ફ્રાંક (લગભગ ચોત્રીસ રૂપિયા) મળે. માણસ દરરોજના આઠ કલાક કામ કરે. હજાર વધુ કહેવાય ?”

““અમારા હિસાબે.” હું બોલ્યો : “અધધ કહેવાય. પણ જવા દો. તમારી કમાણી તમને મુબારક. પણ ધારી લો કે બેકાર થયાં તો ?”

“તમારે ત્યાં શું ?” એણે પૂછ્યું.

“ લગભગ અમારે ત્યાં તો કોઈ બેકાર થતા નથી.”

“ એમ ?” એણે નવાઇથી પૂછ્યું, “એ કેવી રીતે બને ?”

“ બેકાર થતા નથી, પણ બેકાર હોય છે. નોકરી મળે તો બેકાર થવાનું પગથિયું આવે ને ?”

“ પણ તેમ છતાં કોઈ નોકરિયાત બેકાર થાય તો ?”

“ તો એ રામભરોસે થઈ જાય છે.” મેં કહ્યું.

“ એ શું ?”

“ એ નામની એક માનસિક ભથ્થું મેળવવાની સ્કીમ છે. અમારે ત્યાં પરાપૂર્વથી ચાલી આવે છે. તમને નહિ સમજાય. તમારે ત્યાં રામ નથી ને ?એ હોત તો એ માજીને ત્યાં એક જ પાદુકા હોત. ડઝનબંધ ના હોત. પણ જવા દો. તમારી વાત કરો.”

“ અમારે ત્યાં થોડો સમય નોકરી કર્યા પછી કોઈ બેકાર થાય તો બેકારીભથ્થું સરકાર આપે છે.”

“ તો તો કામ થઈ જાય ને ?” કહ્યું, “ અમારે ત્યાં આવું હોય તો કાલે જ જઈને નોકરી છોડું. પછી બેઠાં બેઠાં બેકારીભથ્થું ખાઈને યથાશક્તિ કલમ ઘસડું.”

“ એવું નથી.” બ્રિજિટ મીઠું હસી, “ અમારે ત્યાં શું તમારા જેવા મનનાં મેલાં માણસો નહીં હોય ? પણ સરકાર સૌને પહોંચીને પાછી વળે એવી છે. બેકારીભથ્થું પહેલે મહિને પગારના સો ટકા એટલે કે પૂરું મળે. બીજે મહિને એંસી ટકા, ત્રીજે મહિને પચાસ ટકા. એમ કરતાં કરતાં એક દિવસે સાવ મીંડું થઈ જાય. મતલબ કે કોઈ બેકાર થઈ જાય એનો વાંધો નહિ, પણ બેકાર રહે એનો વાંધો! ”

“ અમારે ત્યાં તો બંને સ્થિતિ એક સિક્કાની બે બાજુ જેવી છે. અને એટલે તો અમે એ સિક્કો કાઢતાં નથી.”

“ જો કે ”, બ્રિજિટ બોલી, “હવે અમારે ત્યાં પણ ભણેલાઓમાં બેકારી વધી રહી છે. નોકરી મેળવવાનું પહેલાં જેવું સહેલું નથી. બહુ રાહ જોવી પડે છે અને પહેલી જ નોકરી મેળવવા માટે રાહ જોવી પડે, એના માટે કોઈ ભથ્થું નથી.”

આટલી વારમાં તો રોહિતનાં ચંપલ નવાં જેવાં થઈ આવી ગયાં. વર્કશોપના વાતાવરણમાંથી અમારો છુટકારો થયો. સાડા છ અહીં જ વાગી ગયા. સાડા આઠ વાગ્યે તો પાછું પાંચસો માણસની વસતીના એ નાનકડા અપ-ટુ-ડેઈટ ટાઉનહોલમાં ફરી આખી મંડળીએ એકઠાં થઈ જવાનું હતું. હવે માત્ર બે જ કલાક બ્રિજિટને ત્યાં ગાળવાના રહ્યા. એમાં જમવાનું- જૂઠવાનું. એની જિંદગીમાં એક ડોકિયું કરવાનું ને છૂટા પણ થઈ જવાનું. હંમેશને માટે!

ફ્રાન્સના એક વૃદ્ધાશ્રમનું દ્રશ્ય

એનું ઘર ઘર નહિ, પણ એની ઓફિસ કમ રેસીડેન્સ. મોટો બધો એપાર્ટમેન્ટ અને રંગબેરંગી ફૂલોથી સજાવેલો.

અમને આવકારીને બોલી, “બોલો, પહેલાં શું લેશો?”

“પહેલાં વાતો.” મેં કહ્યું, “બાકીનું બધું પછી.”

રોહિત કહે, “ચા મળશે ?”

મેં કહ્યું : ” ચંપલ છૂટી એટલે હવે તું ચાને વળગ્યો ! ભલા માણસ, ફ્રાંસમાં તો કોઈ ચા પીવા આવતું હશે ? બાળકવેડા ના કર.”

ઘણું બધું પીવાનું હતું. પૉર્ટ વાઈન, બિયર, કો”ગ્યુલીક્યોર, ઓરેન્જ જ્યુસ, દ્રાક્ષનો સાદો રસ, બ્લેક કોફી, મિલ્ક ચોકલેટ….. મનગમતું લીધું અને પીતાં પીતાં પૂછ્યું, “તમારાં ગામનાં મહિલા મેયર બહુ રંગીલાં લાગ્યાં. પર્સનાલિટી છે. લીલું સ્વેટર, લીલું જીન્સ, પૉનીટેઈલ, લાંબાં, પાતળાં, સ્ફૂર્તિવાળાં, હસમુખાં… જો કે, હવે ઊતરતી જવાનીવાળાં, પણ એ છે કોણ ? બાર બાર જણા…”

એકાએક બ્રિજિટ ખડખડાટ હસી પડી. “ કોણે કહ્યું કે એ બાર એમના બૉયફ્રેન્ડ છે ! અરે…” એ માંડ હસવું ખાળીને બોલી, “એ બાર તો અમારી પંચાયતના સભ્યો છે. મારા બોર્ડમાં બાર પુરુષો છે અને હું એકલી મહિલા છું એમ કહેતા હશે. તમે પણ ગજબ…..”

હું અને રોહિત જરા ઝંખવાઈને સાંભળી રહ્યા.

“ હા,” બ્રિજિટે કહ્યું, “ એમની પણ એક જીવનકથા છે. એ બહેન ડેન્ટિસ્ટ છે. કુંવારાં છે. ચાલીસનાં છે. અને અત્યાર સુધીમાં એક જ બોયફ્રેન્ડ તેમણે રાખ્યો છે. એમને એમણે પોતાના ઘરમાં જ રાખ્યા છે. કારણ કે એ પુરુષ બીમાર છે. મારા કરતાં પણ એ બાઈને ઊંચી ગણું છું. કારણ કે મારે તો…”

બ્રિજિટે “મારે તો…” એમ કહ્યું પણ આગળ કંઈ ના સંભળાવ્યું. એમ લાગે છે કે ચાલુ ગીતે ટેઈપ તૂટી ગઈ છે. ફરીથી ચાલુ કરવાની પણ દરકાર નહિ. અમને કહે, “ચાલો, જમી લઈએ.”

એને પાછી વાતે ચડાવવા માટે મૂળ વાતનાં મૂળિયાં સુધી જવું જરૂરી લાગ્યું અને વળી એની ઈચ્છાને પણ તાબે થવું અનિવાર્ય. જમવાનાં ટેબલ સુધી અમને દોરીને કહે, ” તમે જમો. હું જમીશ નહિ, પીશ.”

“કેમ ?”

“ મૂડ નથી.” એણે કહ્યું અને કો”ગ્યુલીક્યોરની બાટલી સામે લઈને બેઠી. આ દારૂ સંતરાની છાલમાંથી બને છે, છતાં દ્રાક્ષના દારૂ કરતાં ચડિયાતો કેવો હોય છે તેની વાત શરૂ કરી. ચડવાના અર્થમાં ‘ચડિયાતો’ શબ્દ વાપરીએ તો નક્કી વધારે ચડિયાતો હોવો જોઈએ. બ્રિજિટની આંખો સુધી તો ચડી જ ગયો હતો. લાલ લાલ થવા માંડી હતી.

“ તમે તમારી મહિલા મેયરની વાત કરતાં હતાં.” રોહિતે શરૂ કર્યું.

“ હા ”, પ્લેટમાં કોબીજનાં પાંદડાં પાથરીને એણે બાફેલા વટાણા, બટાકા અને કાકડી અમને પીરસી કહ્યું, “એની તો વાત જ ના થાય. એને ચાલીસ વરસ થયાં. આટલી લાંબી, રૂપાળી ડેન્ટિસ્ટ અને હસમુખી. છતાં કદી કોઈ બોયફ્રેન્ડને કોઠું (લિફ્ટ) આપ્યું જ નહીં. બસ, હમણાં બે વરસથી એક બોયફ્રેન્ડ શોધ્યો છે. પણ તેય કેવો ? પરણેલો, ત્રણ છોકરાંનો બાપ અને બીમાર. ”

વઘાર કે તેલ વગરના, નકરાં બાફેલાં શાકના ટુકડા મોંમાં જતા નહોતા, તેમ આની વાત પણ ગળેથી નીચે નહોતી ઊતરતી. “ થોડું મીઠું-મરચું મળશે ?” મેં અંતે પૂછ્યું તો એ પ્યાલી નીચે મૂકીને રસોડામાં ગઈ અને આવી ત્યારે હાથમાં મીઠાં અને મરીની મશીનપેક પડીકીઓ હતી. મરચું તો અમારાં મનમાં જ રહ્યું. પ્લેટમાં તો મરીથી જ ચલાવી લેવાનું રહ્યું. લાંબી દૂધી જેવો પાઉં, દોરડાખેંચ સ્પર્ધામાં મૂકવા જેવી છરી મૂકીને કરવતીની જેમ વાપરી. ત્યારે થાળીમાં લેવા લાયક બન્યો.

“ બીમાર બોયફ્રેન્ડને શા માટે પસંદ કર્યો?”

“કારણ કે….” એ બોલી, “ એ બીમાર હતો. અશક્ત હતો. એની પત્ની એને સાચવતી નહોતી. છોકરાં નાનાં હતાં. એવે વખતે એક દાંતની સારવાર માટે આ મેયરને પોતાને ત્યાં બોલાવી હશે. ત્યારે એણે આની અવદશા જોઈ અને દિલ દ્રવી ગયું. તરત જ લાવીને પોતાને ઘેર રાખ્યો. એકલી હતી અને આમ બેકલી થઈ.”

“ અરે,પણ ગામની સરપંચ ઊઠીને કોઈને ઘરમાં ઘાલે !” મેં નવાઈથી કહ્યું, “ બહુ કહેવાય. કોઈએ એને હોદ્દેથી સસ્પેન્ડ ના કરી ?ચારિત્ર્યહીન ગણીને છાપાઓમાં ચીતરાઈ નહિ ?હદ કહેવાય. અમારે ત્યાં ચાલુ કેસેટમાંથી સ્ત્રીની ફિલ્મી ચીસ સંભળાય તો રસ્તે ચાલનારા ઘરમાં બળાત્કાર થાય છે એમ સમજી લે છે. પછી તો બહુ મઝા આવે. જોવા જેવી થાય. હોબાળા થાય, હોદ્દેથી ફારેગ કરવામાં આવે. વગેરે વગેરે.”

“ અહીં કોઈ કોઈની અંગત જિંદગીમાં પડતું નથી. આ તો હું એની નજીકની મિત્ર છું, એટલે જાણું કે આજે બીમાર પુરુષને એણે સહાનુભૂતિપૂર્વક ઘરમાં રાખ્યો અને બોયફ્રેન્ડ તરીકે ઘરમાં સ્થાપ્યો. પછી શારીરિક સંબંધ પણ થયો. પણ એથી શું ? એથી કોઈની લપ્પનછપ્પનમાં કોઈ પડતું નથી. અમે તો મેયર તરીકે કેવી છે તે જોઈએ.”

મેં કહ્યું : “ ભારતમાં તો અમે મેયર તરીકે નિષ્ક્રિય, નકામા હોય તો પણ ચલાવી લઈએ. માત્ર લૂગડે ડાઘ છે કે નહિ એ બાબતમાં પગીના કૂતરા જેવા રહીએ. પગીના કૂતરાનું સુખ શું કે એ પોતાના માલિક-પગીનાં પગલાંને જ સૂંઘતો નથી. બાકી ગામ આખાને સૂંઘે. ખેર, તમે તમારી વાત કરો ને. તમે કહેતાં હતાં ને તમારી મહિલા મેયર તમારા કરતાં ઘણી ઉમદા. તો કેવી રીતે ? અત્યારે તો અમને તમે ઉમદા લાગો છો. જુઓ ને, કેવું ખવડાવો-પીવડાવો છો !”

“ મને લાગે છે કે હું એક બહુ સામાન્ય છોકરી છું.” બ્રિજિટે એક નિઃશ્વાસ નાખીને કહ્યું : “અઠ્ઠાવીસની ઉંમરમાં આ ચોથો બોયફ્રેન્ડ થયો.”

“ ક્યાં છે ?” રોહિત સંઘવીએ પૂછ્યું,” કેમ કોઈ દેખાતો નથી ?”

“ કેમ ?” મેં એને ઠપકો આપ્યો, “તારે એની સાથે રમવું છે ? બોયફ્રેન્ડ એ તે શું કંઈ ગેસની હોટપ્લેટ છે કે ચોવીસ કલાક ઘરમાં પડી રહે ?”

“ એ છોકરાઓને લઈને ટૂરમાં પેરિસ ગયો છે.” બ્રિજિટે હસીને કહ્યું.

“ એમ કે ?” મેં પૂછ્યું,”તમેય વગર પરણ્યે બચરવાળ છો ?”

“ ના, ના.” એણે પ્યાલીમાંથી ચૂસકી ભરી. “અમારાં છોકરાં નથી. એ નિશાળમાં શિક્ષક છે. એના વર્ગનાં છોકરાંઓ છે એને લઈને ગયો છે.”

“ આ તો જૂની જોક થઈ ગઈ.” મેં કહ્યું : “ તમે પરણ્યાં નથી તો છોકરાંઓ ક્યાંથી હોય ? એટલુંય ના સમજ્યો એ અસલી જોક.” એ હસી.

“કુટુંબનિયોજન કે વૃત્તિનિગ્રહ ?” મેં પૂછ્યું, “ સંજય ગાંધી કે મહાત્મા ગાંધી ?”

“ના….” મારો પ્રશ્ન એ સમજી ગઈ. કહે, “આનંદનું આયોજન. દિવસોનું આયોજન.”

અમે પણ સમજી ગયા. આથી આગળ ના પૂછાય. ગમાર લાગીએ.

“પણ…” થોડી વારે રોહિતે પૂછ્યું “ તો પછી પરણી કેમ જતાં નથી?”

“ એટલા માટે કે…” એણે પ્યાલીમાં ચોથો પેગ રેડીને કહ્યું, “હજુ અમે એકબીજાંને ઓળખતાં નથી.”

“ કેટલા વરસથી સાથે રહો છો ?”

“ત્રણ વરસથી. જો કે, સાથે રહીએ છીએ એમ ના કહેવાય. એ અઠવાડિયે એક વાર આવે છે.”

“ને છતાં”, મને એકદમ નવાઈ લાગી, “ત્રણ વરસથી સાથે રહો છો, સહજીવન ભોગવો છો ને હજુ એકબીજાંને ઓળખતાં નથી એમ કહો છો ?એ કેમ બને ?”

“આમ ટુકડે ટુકડે સાથે રહેવાથી શું બને ?” એ બોલી “શરીરથી એકબીજાંને ઓળખાય, ઓળખી લેવાય. પણ માણસ તરીકે ઓળખતાં તો વાર લાગે ને ? જો કે, હવે બહુ મોડું નથી કરવું. કદાચ આવતા વરસે પરણી જઇશું. હવે એકલાં નથી રહેવું.”

“ધન્ય છે તમારાં માતાપિતાને પણ…” મેં કહ્યું “ આવું બધું ચલાવી લે છે.”

“માતાપિતા અમારે ત્યાં આવી બાબતમાં દખલગીરી કરતાં જ નથી. અમારી આ અંગત બાબત છે. એમને પૂછવાની પણ આમાં જરૂર નથી.”

“તો તો એમ જ કે તમે બહુ નાની ઉમરે અળગાં થઈ ગયાં. બહુ વહેલી પાંખ આવી ગઈ તમને ?”

એની આંખમાં ઉદાસીનો હલકો રંગ છવાઈ ગયો. “એ બાબતમાં હું થોડી કમનસીબ છું. અમારે ત્યાં બીજી છોકરીઓ અઢાર વર્ષે સ્વતંત્ર થઈ જાય છે. પણ હું કમાતી ન હતી એટલે બાવીસ વરસે થઈ. છેક બાવીસ વરસની ઉંમરે મને એમને છોડવાનું પોષાયું. તમારે ત્યાં ?”

વાત્સલ્ય, મમતા, પ્રેમ, લાગણી જેવા શબ્દો ફ્રેન્ચ ભાષામાં હશે, પણ એની અંદરનો મીઠો ભાવ શું આટલો જલદી ખલાસ થવા માંડતો હશે ? પેરિસમાં વીસ વરસની એક છોકરી મા-બાપના મકાનમાં ચાર ગુજરાતી જુવાન જોડે રહેતી અને એમાંથી એક જ છોકરો એનો પ્રેમી હતો. બાકી દૂરથી જ સલામવાળા. પણ જ્યારે પોતાનાં માબાપ બહારગામથી આવતાં ત્યારે માબાપને એ હોટેલમાં ઊતારતી. માબાપને પણ હોટેલમાં ઊતરવામાં વાંધો નહોતો. આવું મેં જોયેલું સગી આંખે. એક બારમાં એ એના બોયફ્રેન્ડની ગોદમાં બેઠેલી અને મા-બાપ સામે જ બેઠેલાં.

“ અમારે ત્યાં ?” મેં કહ્યું: “ અમારે ત્યાં પક્ષીઓ તમારા જેવું કરે છે. પાંખ આવે કે તરત જ પાંખવાળાં બચ્ચાં ઊડી જાય છે. બીજો માળો બાંધે છે.”

“ પણ તો એનો અર્થ એમ ને કે” રોહિતેપૂછ્યું, “તમારી જિંદગીમાં પહેલો બોયફ્રેન્ડ બાવીસ વર્ષની ઉમરે આવ્યો ?”

“ ના…ના…” એણે છેલ્લો મોટો પેગ પ્યાલીમાં ઠાલવતાં કહ્યું, “ બોયફ્રેન્ડ હોવાને અને માબાપથી જુદા થવાનો શો સંબંધ ? સાથે રહેનારો બોયફ્રેન્ડ પણ ઘરખર્ચનો અડધોઅડધ હિસ્સો આપે છે. બાકીના અર્ધા માટે તો જોગ કરવો પડે ને ? બાકી હા, પહેલો બોયફ્રેન્ડ અઢાર વર્ષની ઉમરે થયો.”

“ બહુ વહેલાં ?”

“ કોણે કહ્યું ?” એ બોલી : “ હવે તો છોકરીઓ પંદર વર્ષની ઉંમરથી જ પુરુષના પ્રેમમાં પડી જાય છે. હું તો ધીમી કહેવાઉં. ધીમી એટલા માટે પણ ખરી કે પહેલો બોયફ્રેન્ડ થયો અઢાર વર્ષની ઉંમરે, પણ સ્ત્રી બની પહેલામાં પહેલી વાર બાવીસ વર્ષની ઉંમરે. બીજી છોકરીઓ તો પંદર વર્ષની ઉમરે મા પણ બનવા માંડે છે.”

“ એ છોકરાઓ સાથે તમારે જામ્યું નહિ કે તમને એમણે છોડી દીધાં ?”

“ તેઓ કોઈ સારા માણસ નહોતા.” તેના ચહેરા પર થોડી ભૂતકાળની કડવાશ છવાઈ ગઈ. તેમને કોઈને મારા માટે માલિકીભાવ ઊપજતો નહોતો, મને તેમના માટે…”

લાગ્યું કે કોઈ નવી જ ચોપડીનું નવું જ પ્રકરણ ખૂલતું હતું. ફ્રાન્સ માટે આપણે મનમાં કેવી કેવી કલ્પનાઓ ધરી રાખી હતી ! ત્યાં તો બસ મુક્ત સહચાર, બસ મન ફાવે ત્યાં અને ફાવે તેની સાથે, મન પડે ત્યારે ખોવાઈ જવાનું. જ્યારે આ તો માલિકીભાવની વાત કરતી હતી. એ શું ?

“ મારો બોયફ્રેન્ડ બીજી કોઈ છોકરી જોડે હવે સંબંધ રાખે તો એ મને ના ગમે. અસૂયા થાય. ને હું કોઈ બીજા પુરુષ સાથે લપટાઉં તો એની આંખો લાલ થાય. થાય જ ને ?”

“ એવું ખરું ?” મેં પૂછ્યું,” એ બાબતમાં કદી ફેંટબાજી થાય કે ?”

ફરી રંગ બદલાયો. એની આંખમાં થોડી અવળસવળ રેખાઓ જન્મી. બોલી, “ એમ તો નહીં, એમ તો અત્યાર સુધીમાં મારે…” એણે આંગળીના વેઢે અંગૂઠો અને હોઠ ફફડાવવા માંડ્યાં. અટકીને કહ્યું : “ દસેક જણની સાથે સંબંધ થયો હશે. પણ લાગે છે કે નહીં થાય. એમ તો મારા બોયફ્રેન્ડ ફિલિપને પણ બીજી કોઈ છોકરી સાથે સંબંધ થયો હશે. પણ લાગે છે હવે નહિ થાય. ને થાય, થોડુંક દુઃખ થાય. પણ મનમાં એનો ભાર બહુ રહેતો નથી.”

એનાં મનમાં વિચારનું એક ટીપું પડતું હતું અને પડવાની સાથે જાણે કે કોઈ એક દિશામાં નહીં પણ ચોતરફ પ્રસરતું હતું. પાણી કોઈ એક રંગ પકડતું નહોતું. એક સાથે ઘણા રંગ એની સાથે ભેળસેળ થઈ ગયા હતા. બ્રિજિટ ખુદ સ્પષ્ટ નહોતી કે પોતે શું ઈચ્છે છે ? મુક્ત જીવન ? ગળે પટ્ટાવાળું જીવન ? શરીરની જરૂર તો પૂરી થતી હતી. પણ મનની ? એ શું ઈચ્છતું હતું ? આ ચોથા બોયફ્રેન્ડ સાથે જે હતું તે શું માત્ર મૈત્રી હતી ? કે પ્રેમ ?

આટલી પ્યાલીઓ પીધા પછી પણ એ બહુ સ્વસ્થપણે ઊભી થઈ અને કબાટ પાસે ગઈ. તેમાં એક આલ્બમ હતું. ખોલીને બતાવ્યું તો એમાં ફોટોગ્રાફ હતા.માબાપ, નાનો ભાઈ અને એના બોયફ્રેન્ડઝ.

“ અરે !” મારું એકાએક ધ્યાન ગયું,” આમાં તમારો ફોટો તો એક પણ નથી ? આમ કેમ ?”

“મને મારા ફોટા ગમતા નથી. કોઈ સાથે મારો ફોટો હશે તો એ મને જોવો ગમતો નથી. બાકી…” એ અમસ્તું અમસ્તું જ અસંગત બોલવા જ માંડી. “મને ક્યાં કંઈ દુઃખ છે ? મજાની નોકરી કરું છું. મોટા બધા બ્લોકમાં રહું છું. એક પુરુષ પણ વસાવ્યો છે. મા બાપ પણ બે-ત્રણ વરસે એકાદ વાર મળે છે.”

“બે-ત્રણ વરસે ? રોહિતથી પૂછાઈ ગયું.

“ કેમ ?” એણે પૂછ્યું, “ બહુ કહેવાય? જુઓ, એથી વધારે વાર તો બને એમ નથી. બંને પેરિસમાં નોકરી કરે છે. પેરિસ અહીંથી અઢીસો કિલોમીટર દૂર છે. રજાઓમાં એ એમના મિત્રોને મળવા જાય. હું..”

“ હું ” પછી એની પાસે કહેવાનું કંઈ નહોતું. એ ચૂપ થઈ ગઈ. જમવાનું પતી ગયું હતું. પીવાનું પણ. એક નજર આખા ઘરમાં ફરી વળી. એકલવાયી અને એકલી જીવતી સ્ત્રીનું એ “કુંવારું” ઘર હતું. પુરુષ હતો એ પણ માત્ર મિત્ર તરીકે જીવતો હતો. ઘરધણી તરીકે નહિ. એ એટલા માટે અહીં જીવતો હતો કે એક સ્ત્રી મળી જતી હતી. જોઈએ ત્યારે આનંદપ્રમોદ મળતાં હતાં. બાકી આ ઘરમાંથી એ એક મહેમાન સામાન મૂકીને બહાર ફરવા જાય એમ બહાર ગયો હતો. કદાચ એક વાર એ અહીંથી સામાન ઊંચકીને કાયમ માટે પણ ચાલ્યો જાય.

એ વાતનો તો આ સ્ત્રીને પણ પાકો અંદેશો હતો. જમ્યા પછી અમારું ટેબલ સાફ કરતાં કરતાં બોલી, ” તમે લોકો પણ થોડીવારમાં ચાલ્યા જશો. નહીં ?”

“હા,” મેં કહ્યું : “અમે તો એક સાંજ માટે જ આવ્યા હતા. કાલે સવારે પાછા ડી જોનમાં, પછી પેરિસ, પછી મુંબઈ…”

“ ફરી કોણ જાણે ક્યારે મળાય ?” એ બોલી, “ ના જ મળાય – કેમ ?”

અમે ન બોલ્યા. પણ પછી ઝાઝી વાત પણ ના થઈ. એની કારમાં અમે રેસી ગામના ટાઉનહોલમાં ગયા. ઝૂમ્યા, હો-દેકારો કર્યો. મત્ત થઈને નાચ્યા અને જોનારાઓને પણ હાથ ખેંચી ખેંચી અમારી સાથે જોડ્યા. બ્રિજિટ પણ જોડાઈ અને છુટ્ટા ટૂંકા વાળ ઊડે તેમ નાચી અને તેના પગ જેને ના અનુસરી શકે – તેવા દ્રુત તાલમાં- સમૂહમાં નાચી. અમારી બસ ઊપડી ત્યારે જોયું કે તે અમારી બસ પાસે ઊભી હતી. સ્ટ્રીટલાઈટ નીચે એ ક્યાંય સુધી ઊભી રહી. અમારી નજર બહાર થઈ ગઈ ત્યાં સુધી હથેળી ફરકાવતી ઊભી રહી. એકલી. ક્યારેક ક્યારેક એની યાદ તીવ્રપણે આવી જાય છે. ક્યારેક એનેય પણ તો….⓿


લેખકસંપર્ક-

રજનીકુમાર પંડ્યા.:

બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રોડ,અમદાવાદ-૩૮૦૦૫૦ મો.95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન-079-25323711/ ઇ મેલ: rajnikumarp@gmail.com

6 comments for “દેશ-પરદેશ

 1. Hetal
  June 12, 2017 at 3:45 pm

  અદભુત, ટોળા મા એક્લા હોવુ એના કરતા બિજિ મોટી પિડા એકેય નથિ.

 2. Ishwarbhai Parekh
  June 13, 2017 at 1:48 am

  wah Rajnikumar Aapno desh j saro ! stree bas man fave teni sathe harefare te to thik pan ?

 3. Prafull Ghorecha
  June 13, 2017 at 11:17 am

  બહુ જ રસાળ શૈલીમાં ફ્રાંસના ગામડાનો અને ત્યાંના રહેવાસીઓનો પરિચય.
  તૂટેલી ચપ્પલે રંગ જમાવ્યો, અને શબ્દોને પણ લડાવ્યા. મઝા આવી ગઈ.

 4. Piyush
  June 14, 2017 at 7:44 pm

  માનવમનનાં ઉંડાણો સુધી પહોંચી, તેમાંથી ભાતીગળ વાતો સીંચી, ખુબ જ રસાળ શબ્દોમાં વહેંચવાની તમારી આગવી શૈલી વડે લખાયેલા લેખો હંમેશાં હૃદયસ્પર્શી બની રહે છે.

 5. Rohit Sanghavi
  June 14, 2017 at 11:22 pm

  Rajnikaka heartiest congrats
  Wish you all the best

 6. વિરેન પટેલ
  June 19, 2017 at 6:01 pm

  બ્રિજિટનુ જિવન –
  “પોતાની કડક્ડ તી એકલતા લઈ સૌ બેઠા છે ટોળાને તાપણે ”
  શબ્દોને રમાડ્વાનિ ફાવટ અદભૂત. –
  મેલોઘેલો મોચી એવો લાગ્યો કે લાલ મખમલી જનાના જયપુરી કારીગરીવાળી મોજડીમાં પાની રાખવાની જગ્યાએ ઊપસી આવેલો કટાઈ ગયેલો રિવેટ ! / તમારે ત્યાં રામ નથી ને ?એ હોત તો એ માજીને ત્યાં એક જ પાદુકા હોત. ડઝનબંધ ના હોત./ ચડવાના અર્થમાં ‘ચડિયાતો’ શબ્દ વાપરીએ તો નક્કી વધારે ચડિયાતો હોવો જોઈએ. / “ સંજય ગાંધી કે મહાત્મા ગાંધી ?” / ક્યારેક એનેય પણ તો……/
  ………………………………….આ શ્ બ્દ પ્રયોગો બહુ ગમ્યા.
  દેશ – પરદેશ્ નો આસ્વાદ આપ તા રહો……..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *