સંઘર્ષથી સંવાદ ભણીનો યાત્રી

Facebooktwitterredditpinterestlinkedinmail

ડૉ.દર્શના ધોળકિયા

મારા અભ્યાસકાળથી જ મનમાં એક ખૂણે શિક્ષક થવાનું સ્વપ્ન પાંગરતું રહ્યું. વર્ગખંડમાં ભણતાં ભણતાં શિક્ષકોની અનુપસ્થિતિમાં વર્ગશિક્ષકની આજ્ઞાથી ક્યારેક ભણાવવાનુંય બનતું ને એ ભૂમિકા ભજવતાં મન એક પ્રકારની સંતૃપ્તિથી સભર થઈ ઉઠતું.

૧૯૮૫ની એક સ્વારે મારું એ સ્વપ્ન સત્યમાં પરિણમ્યું ને મને મારી માતૃસંસ્થા લાલન કૉલેજ ભણી ફરીથી વિદ્યાર્થીમાંથી અધ્યાપક બનાવીને દોરી ગયું.

મારી આરંભકાલીન શિક્ષણયાત્રાનો એ સ્વર્ણયુગ, એ યુગની એ તાજગીભરી સવારો. વર્ગખંડમાં મારાથી માંડ પાંચ-છ વર્ષ જ નાના મારા તરવરિયા વિદ્યાર્થીઓ જેમને જોતાંવેંત મારી પ્રભાત આહલાદની મઘમઘી ઉઠતી. એવી એક સવારે પ્રથમ વર્ષ, બી.એ.ના વર્ગમાં હાથમાં નાનકડી નોટબુક ને પેન લઈને એક વિદ્યાર્થીએ જરા ઝૂકીને વર્ગમાં પ્રવેશવાની પરવાનગી માગી. તેની અંગ ભંગીમાં પૌરૂષત્વ સભર વિનય, આંખમાં અધ્યાપક પ્રત્યેની ભારોભાર શિસ્ત ને ઝડપથી અંદર આવીને વિદ્યા હસ્તગત કરવાની ભરપૂર અભીપ્સા તરવરતી હતી. તેને જોતાંવેંત મારું મન વાત્સલ્યથી ભરાઈ આવ્યું. કોઈ અદીઠા, અજાણ્યા પરિચયે મને જાણે ઘેરી લીધી ને આંખમાંથી જ મે એને અંદર આવવાનું સૂચન કર્યું. એનું ને મારું એ શિક્ષક-વિદ્યાર્થી તરીકેનું પહેલું તારામૈત્રક.

એ દિવસે વર્ગમાં અલંકારનું શિક્ષણ ચાલતું હતું. મારી વાત પૂરી કરીને મે બ્લેક બૉર્ડ પર અલંકારના કેટલાક દ્રષ્ટાંતો મૂકીને તેના ઉત્તરો માગ્યા. આવનાર વિદ્યાર્થીએ હોંશપૂર્વક ઊભા થઈને કકડાટ સાચા ઉત્તરો આપીને મને પ્રસન્ન કરી દીધી. મેં નામ પૂછ્યું. જવાબ મળ્યો, ‘જી, કમલેશ બુદ્ધભટ્ટી.’

કમલેશનો મુખ્ય વિષય તો અંગ્રેજી, ગુજરાતી ગો ગૌણ. પણ એ ક્ષણથી માંડીને ગૌણ વિષયના મારા જેવા એના અધ્યાપક પ્રતિ એનો ઝુકાવ જીવતરના મુખ્ય વિષયનો રહ્યો. ને ત્યારથી માંડીને કમલેશનો વિદ્યાર્થીકાળ મારી નજર સમક્ષ ઉછરતો રહ્યો. શિક્ષણકાળનાં પાંચ વર્ષોમાં શિક્ષકો પ્રત્યે હંમેશા ઝૂકેલા રહેલા કમલેશની વિદ્યાયાત્રા એને જોતજોતામાં શિક્ષકોનાં મસ્તક સુધી લેતી ગઈ ને એનાં પગરખાંનું માપ શિક્ષકોનાં પેંગડા સુધી વિસ્તારતી રહી.

અંગ્રેજી સાથે એમ.એ.નો અભ્યાસ પૂર્ણ કરીને લાલન કૉલેહનાં પગથિયાં સર કરીને કમલેશે બી.એડ્. પૂરૂં કર્યું અને બિદડા અને ભુજની હાઈસ્કૂલોમાં શિક્ષણકાર્ય આરંભ્યું ત્યાંથી અચાનક ઊંચકાઈને મેઘરજની સરકારી કોલેજમાં એ અધ્યાપક તરીકે સ્થાપિત થયો ને જોતજોતામાં વર્ગખંડની પાટલી પરથી લાલન કોલેજના અધ્યાપક ખંડમાં એના માટેની ખુરશી ગોઠવાઈને અંગ્રેજી વિભાગના અધ્યક્ષનાં સિંહાસનમાં રૂપાંતરિત થઈ ! પછીથી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનમાં પસંદગી પામ્યાના સુખદ સમાચાર લઈને એ સીધો જ મારી પાસે આવીને, વર્ગખંડની મુદ્રામાં ઝૂકેલો ત્યારે એનો આખોય ભૂતકાળ મારી સામે ટટ્ટાર થઈને ખડો થઈ ગયેલો જેનો રોમાંચ આજેય મારી નસોમાં રણઝણે છે.

વિદ્યાર્થીકાળમાં અમારી સૌની આજ્ઞા નતમસ્તકે ઉઠાવતા પ્રો.કમલેશ બુદ્ધભટ્ટીએ પોતાના અધ્યાપકકાળમાં ને અધ્યક્ષકાળમાંય એની અંજલિ આવી આજ્ઞાઓ માટે હંમેશા અર્ઘ્યની મુદ્રામાં ખુલ્લી રાખેલી. અનેક સમિતિઓમાં, શિક્ષણ કાર્યોમાં, સમારંભોના આયોજનો કરવાના આરંભે હું મારો હાથ એની મદદ માટે ફેલાવું ને એના ઉત્તરમાં એ જ ઝૂકેલી મુદ્રામાં એનો સાથ ખડે પગે મૂકે દેતાં કમલેશને નકાર તો ઠીક, ખચકાટ પણ અનુભવતી મુદ્રામાં જોયાનું સ્મરણ નથી. એની કાર્ય કરવાની સૂઝ, ઝડપ, નાનામાં નાના કહેવાતાં કામ માટેનીય તત્પરતા, પરસેવે રેબઝેબ થઈને દોડા દોડી કરતાંય ખીલેલા ચહેરાથી કામને સર્વાંગ સંપૂર્ણ કરવાની એની ધગશને એ પૂરૂં થયે કશું કર્યું ન હોવાની સ્વસ્થતા મને કાયમ આકર્ષતી રહી છે.

કમલેશની આ ધગશ, આ સૂઝા આ વિનમ્રતાની પછવાડે પડેલો છે એનો એક એવો કાલખંડ જેને એણે મરજીવાની ધીરજથી, મુમુક્ષુની ઉપાસકવૃત્તિથી ખેડ્યો છે, તાર્યોય છે ને ફલશ્રુતિનુ મુક્તાફળેય પ્રાપ્ત કર્યું છે. કેવો હતો એ કાલખંડ ? જેનું સ્મરણ કરતાં પ્રો.બુદ્ધભટ્ટીસાહેબની આંખો ભીની થતી નથી પણ ચમકી ઊઠી છે ને એ ચમકતી દીપ્તિમાં એ આખોય કાલખંડ ચિત્રપટની જેમ એનામાં જાણે કે ભજવાય છે જે ચિત્રપટનું એ એક જીવતું જાગતું પાત્ર, કહો કે ચરિત્ર છે. ઘરમાં આર્થિક ભીંસ છે. સોની કામના વારસાગત વ્યવસાયને છોડીને પિતાને ઘર ને કામ મૂકવાં પડ્યાં છે ને અન્ય વ્યવસાયનો આશરો લેવો પડ્યો છે. ઘરમાં એકાધિક સભ્યો છે ને નવ વર્ષમી ઉંમરે કમલેશે પિતાને પોતાનો ખભો ધરી દીધો છે. રવિવારના દિવસે ભુજની બંધ બજારના ખાલી ઓટલાઓ પત છઠ્ઠા ધોરણના વિદ્યાર્થી કમલેશ જુનાં પુસ્તકો વેંચવા બેસી જાય છે ને કમાણી કરવામાં પિતાને હાથ ને સાથ આપે છે. ગતકાલીન સ્મૃતિઓને સાદર ઢંઢોળતાં આજના અંગ્રેજી વિભાગના અધ્યક્ષ પ્રો.બુદ્ધભટ્ટીના ચહેરા પર પરિતોષનું ને કૃતજ્ઞતાનું સ્મિત ઝળકી ઉઠે છે ને મારી સાથે વીતેલા દિવસોની ધૂલ માથે ચડાવવાનું કર્મ વહેંચતા એ પોરી નમ્રતા ને નિસબતથી કહે છે : ‘હું એને બાળમજૂરી નહીં પણ ‘બાળમજા’ નામથી ઓળખું છું. કારણ કે રવિવારની એ સવારોએમને લોકોને ઓળખતાં, વાત કરતાં, વિદ્યાપ્રીતિની વૃદ્ધિ કરતાં શીખવ્યું છે. ગ્રાહકો ન હોય ત્યારે હું એ ચોપડીઓમાં માથું મૂકીને ડૂબી જતો જેમાંથી કદાચ પહેલી વહેલી વાર મને સાચી વિદ્યા સાંપડી. લશ્કરના ઓફિસરો, મિલિટરીના જવાનો મારા પાસે પુસ્તકો ખરીદવા આવતા પરિણામે મને હિન્દી ને અંગ્રેજી ભાષાનો મહાવરો કેળવાયો, કોમ્યુનિકેશન સ્કીલ કોને કહેવાય તે હું વગર ટ્યુશને શીખ્યો ને કોઈપણ કામ કામ તરીકે મોટું ને મહત્વનું જ હોય છે એવું મેં સતત અનુભવ્યું ને તેથી જ આજે પણ મને કોઈ કામનો કંટાળો નથી. થાક નામના તત્વોનો પરિચય નથી ને આળસની ઓળખાણ નથી. કામ કરતાં કરતાં જ મારે ભણવાનું થયું તેથી રાત્રે નિદ્રાના વિકલ્પે હું ભણ્યો જેના પરિણામરૂપે આજેય હું ગમે તેટલું જાગી શકું છું.’

કંસારા સોની જ્ઞાતિના તદન મધ્યમવર્ગીય પરિવારમાં રહીને ભણી શકાયું એ કાળે લગભગ અશક્ય હતું. ત્યારે કમલેશના પિતાશ્રીને માધાપર મુકામ કરવાનો સંજોગ રચાયો જે એક ઘટનાને કમલેશ પોતાના જીવનનો બહુ મોટો વળાંક ગણે છે. માધાપરની એમ.એસ.વી. હાઈસ્કૂલે ત્યાંની પટેલ કોમે આપતાં શીખવ્યું, કામ કરતાં શીખવ્યું ને કરીને તેમાંથી બહાર નીકળી જતાંય શીખવ્યું છે.

લાલન કોલેજમાં પ્રો.પદ્મકાન્ત રાણા, પ્રો. જ્હોન મથાઈ જેવા અંગ્રેજીના પ્રાધ્યાપકોએ વિષયની ને જીવતરની સૂઝ પોતામાં રોપી હોવાનું કૃતજ્ઞભાવે સ્વીકારતા કમલેશના ચહેરા પર આદરનું લીપણ લીંપાઈ જાય છે જેમાં શાળાજીવનનાં શિક્ષકો ખુશ્બુબહેન વૈદ્ય, નિહારિકાબહેન ધોળકિયા ને રશ્મિબહેન ધોળકિયાનોય એટલો જ ફાળો તેને મન છે.

કમલેશનું પ્રો.બુદ્ધભટ્ટીસાહેબમાં રૂપાંતર થયા પછી અમારે કેટલાય પ્રસંગે સમાનાધિકારની ક્ષણોમાં, સ્માન આસને બેસવાનું આવ્યું છે ત્યારે મારી લગોલગ બેઠેલા બુદ્ધભટ્ટી સાહેબે જે નજાકતથી એનું ‘કમલેશપણું’ સાચવ્યું છે એ જોતાં કેટલીયવાર મન ભીનું બન્યું છે ને આંખને ભીની બનતા રોકવી પડી છે. અમારી હાજરીમાં કે ગેરહાજરીમાં પ્રો બુદ્ધભટ્ટીસાહેબનો કોલેજમાં, સમાજમાં, સભાઓમાં પડતો પ્રભાવ જોતાં હું વંડી ઉતરીને નિહાળી રહું છું. મારા એ કમલેશને જેણે આ સઘળું પ્રાપ્ત કર્યું છે આત્મ ગૌરવથી, તપશ્ચર્યાથી, તેના જીવતરની કેડી પર તેના માટે ધરવામાં આવેલી આંગળીઓ પ્રત્યેની કૃતજ્ઞતાથી, જીવતરની ચરણે બેસીને તેણે આદરેલી ઉપાસનાથી આજે જે ભૂતકાળ તેનાથી યોજનો દૂર થઈ ગયો છે તેની સાંકડી કેડીએ હજુ પણ ચાલતા રહીને બિદડાની શાળાના કોઈ ભૂલાયેલા વયોવૃદ્ધ પટાવાળાની નિવૃત્તિ વેળાએ કમલેશ વણનોતર્યો જઈ પહોંચીને તેનું મૂક અભિવાદન કરે છે; વૃદ્ધાવસ્થામાં મૃત્યુ શૈયા પર સૂતેલા પ્રો.પદ્માકાન્ત રાણાની નિયમિત સંભાળ લે છે ને તેમની મૃત્યુક્ષણે પુત્રવત્ ઉદાસી અનુભવે છે. મારા જેવા ગૌણ વિષયના અધ્યાપકની મનમાં પડેલી ઇચ્છાને વીસ વર્ષ પહેલાંના એ જ ‘જી કાર’થી માથે ચડાવીને અર્ઘ્ય ધરે છે. રવિવારની સવારે એવા જ ઓટલે ગોઠવાયેલી પસ્તીને સ્પર્શીને વિદ્યાનો ચરણસ્પર્શ કરે છે ત્યારે તેને ‘બુદ્ધભટ્ટી સાહેબ’નું ઉમળકાભર્યું સંબોધન કરવાનું મને મન થઈ જાય છે ને હું એને એ સંબોધનથી સાદ કરું છું ત્યારે કંઈક રિસાઈને મને વારતા વિદ્યાર્થીના અધિકારથી મને ‘કમલેશ’ તરીકે જ સંબોધવાનું માગીને એ ફરીથી મારો વ્હલો વિદ્યાર્થી બનીને મારા મનના બાંકડે ગોઠવાઈ જવાનો અધિકાર મેળવી લઈને મારાં શિક્ષત્વને સાર્થક ને તરબતર કરી દે છે. દિવસની કોઈપણ પળે હું તેનો ફોન ડાયલ કરું છું ને એ જ ઝૂકાવથી તેનો ઉત્તર મળે છે, ‘જી બેન.’ આ હોકારો મારા આજપર્યંતના શિક્ષણકાળનું પ્રથમ ને અંતિમ વેતન છે, કમલેશે આપેલું.

*****

ડૉ. દર્શના ધોળકિયાનાં સંપર્કસૂત્રઃ
• પત્રવ્યવહારનું સરનામું: ન્યૂ મિન્ટ રોડ, ભુજ (કચ્છ), ભારત ૩૭૦૦૦૧
• ઇ-પત્રવ્યવહારનું સરનામું: dr_dholakia@rediffmail.com

1 comment for “સંઘર્ષથી સંવાદ ભણીનો યાત્રી

  1. June 13, 2017 at 7:12 am

    બહુ જ પ્રેરક જીવનકથા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *