વોટ્સેપ ! !

Facebooktwitterredditpinterestlinkedinmail

હવે લખવાનું હોય કંઇ ટપાલમાં ?
થોડા વોટ્સેપને મોકલી દ્યો વ્હાલમાં

આપ જીવી રહ્યાં છો કઈ સાલમાં ?
થોડા વોટ્સેપને મોકલી દ્યો વ્હાલમાં.

રેડીમેડ લાગણીને ડાઉનલોડ કરવાની, લખવાનું મનગમતુ નામ
પહેલાના વખતના લોકો શરમાતા તે લખતાતા રાધા ને શ્યામ
દાદા દાદીને કૈ ઓછું પૂછવાનું ? શું મોકલતા રેશમી રૂમાલમાં ?
થોડા વોટ્સેપને મોકલી દ્યો વ્હાલમાં

સામા છેડા પરનું પંખી આ સ્ક્રીન ઉપર અમથું કાંઇ ફરવા નહીં આવે
ટહુકો ને ટ્યુન બધુ મેચિંગમાં હોયને તો એને પણ ઊડવાનું ફાવે
એકવાર ટાવર જો પકડી શકો તો બધુ રંગી પણ શકશો ગુલાલમાં
થોડા વોટ્સેપને મોકલી દ્યો વ્હાલમાં

પરબીડીયુ લાવવાનું, સરનામું લખવાનું, ટીકીટ પણ ચોડવાની માથે
અમથું આ ગામ આખુ મોબાઈલ વાપરે છે ? જીવો જમાનાની સાથે
કાગળ લઈ આમ તમે લખવા શું બેઠા છો ? ખોટા પડો છો બબાલમાં
થોડા વોટ્સેપને મોકલી દ્યો વ્હાલમાં…..

                                                                                                                                           – કૃષ્ણ દવે.


રસદર્શનઃ

‘ફેસબુક” પર કવિતા લખનાર કવિ શ્રી કૃષ્ણ દવેની “વોટ્સેપ” પર લખાયેલ ઉપરોક્ત કવિતા ખૂબ મઝાની છે. એકદમ હળવી,રસાળ શૈલીમાં આધુનિક સમયની સુંદર પરિસ્થિતિ ચિત્રિત કરી છે.

આ કવિતામાં ધ્રુવ પંક્તિ તરીકે બીજી પંક્તિ “થોડા વોટ્સેપને મોકલી દો વ્હાલમાં”ને બનાવી સરસ હળવો કટાક્ષ કર્યો છે.જૂના સમયની ટપાલોને ભૂલ્યા વગર શરુઆત તો કરી પણ તરત જ આજના ‘વોટ્સેપ’ પર વહાલ મોકલવાના  આદેશ જેવા ઉલ્લેખમાં એક ઝીણી વેદનાનો સૂર સંભળાય છે પણ એ વધુ ઘેરો રંગ પકડે તે પહેલાં તો ‘આપ જીવી રહ્યા છો કઈ સાલમાં?’એવો પ્રશ્નાર્થ મૂકી મનને વાળી લેવાની વાત કેવી અનોખી ઢબે મૂકી દીધી છે?

ગીતના પ્રથમ અંતરામાં  ‘ રેડીમેડ લાગણી’અને ‘ડાઉનલોડ’ શબ્દ દ્વારા  ફરીથી પેલી વેદના ડોકિયા કરે છે ને એની સાથે જ અનાયાસે જ, પહેલાંના વખતમાં લોકો નામ લખતા પણ શરમાતા ને શું લખતાં અને શું મોકલતાં, કેવી રીતે મોકલતાં એની સરખામણી સામે લાવી બતાવે છે. અહીં મનગમતા ‘નામ’ સાથે ‘શ્યામ’ નો પ્રાસ અને ‘રુમાલ અને વહાલ’નો સુસંગત પ્રાસ પણ મન મોહક જ નહિ અર્થથી ભર્યો ભર્યો પણ લાગે છે.

બીજો અંતરો ઓર આનંદ આપે છે. કવિ કહે છે કે, ટહુકો,ટ્યુન, ટાવર બધું મેચિંગ થાય તો જ પંખી સ્ક્રીન પર ફરવા આવે ! આ કંઈ  Unconditional  Love  થોડો છે?!  એવું વાક્ય જાણે કે પાછળ તરત જ મનમાં જોડાઈ ગર્ભિત અર્થને મુલાયમ  રીતે સ્પષ્ટ કરે છે..એ જ અર્થ ધ્રુવ પંક્તિમાં ફરી ફરીને સમજાવે છે. પંખીના ને સ્ક્રીનના પ્રતિકમાં તો પંખીની જેમ કેટલાં બધા અર્થો ઊડતા ઊડતા નજર સામે ઉમટે છે!

આજની ટેક્નોલોજીની સાથે, જૂના વખતને હળવા કટાક્ષમાં વાળતા ત્રીજા અંતરામાં  તો ઘણી ઘણી લાગણીઓ ઠાલવી દીધી છે. એ કહે છે કે,  કાગળ લઈને લખવું, પરબીડીયુ લાવવાનું, સરનામું લખવાનું, ટીકીટ પણ ચોડવાની માથે.. આ બધી બબાલ ખોટી શું કામ કરવાની? અરે ભાઈ, જમાનાની સાથે જીવો? ગામ આખું કંઈ અમથું મોબાઇલ વાપરે છે? કેટલી સરળ રીતે  એવું કહી દીધુ કે જે ખરેખર તો કહેવાનું જુદું છે ! જેને બબાલ કહે છે તે હકીકતમાં તો મધમીઠું ગમતું કામ હતું એ કહેવું છે. એટલે જ તો ભૂલાતું નથી.એ વળી વળીને કોઈને કોઈ રૂપે કવિતામાં સ્પર્શાયા કરે છે. એ સંવેદનાઓ, એની અસરકારકતા,ઊંડાણ ક્યાં ‘વોટ્સેપ’માં છે? ભીતર તો એ વાત છે. એટલે આ વ્યંગ પણ હ્રદયંગમ બની રહે છે. છતાં જમાનાની સાથે જીવવાની તૈયારી  તો જુઓ!  એ એક સમજણની ઊંચાઈ દર્શાવે છે એટલું જ નહિ સુખ-શાંતિ પામવાનો સંદેશ પણ આપી જાય છે.

આખી કવિતામાં બોલચાલની સીધી સરળ ભાષા છે તો સાથે સાથે લયમાધુર્ય પણ ભરપૂર છે. વ્યંગ છે પણ વહાલથી નીતરતો છે, છૂપો કટાક્ષ છે પણ  ડંખ વગરનો છે. જૂની રીતભાતોની યાદો છે તો નવાને સ્વીકારવાની તૈયારી પણ છે જ. પ્રેમની વાતો છે પણ મનના મેચિંંગથી જ સફળતાનું ટાવર મળે એનો ઈશારો પણ છે. પંખી અને પડદાનું પ્રતિક, ભાવકની ભાવના મુજબ જે અર્થ લેવો હોય અને જે રીતે લેવા હોય તેવા અનેક અર્થો પ્રતિબિંબિત કરે છે.

ફરી એકવાર “ફેસબૂક’ના કવિકર્મની જેમ  ‘વોટ્સેપ’ ની આ કવિતા માટે પણ કવિને  સલામ અને ખૂબ ખૂબ અભિનંદન.

દેવિકા ધ્રુવ.


કૃષ્ણ દવેનાં સંપર્ક સૂત્રો:

મોબાઈલ – + ૯૧ ૯૪૨૬૫ ૬૩૩૮૮
ઈ મેઈલ – Krushna Dave <kavikrushnadave@gmail.com> , <krushnadave@yahoo.co.in>


દેવિકા ધ્રુવનાં સંપર્ક સૂત્રો :-

ઈ મેઈલ : ddhruva1948@yahoo.com ||બ્લોગ : શબ્દોને પાલવડે

8 comments for “વોટ્સેપ ! !

 1. June 11, 2017 at 12:26 pm

  કિશનની વાંસલડી પોંકી ગઈ ક્યાં સુધી, કૃષ્ણજી કરતા વિચાર.
  રાસ કેરા દાંડિયા ને માઉસ મુકો બાજુએ, અંગૂઠે કર્યો વિસ્તાર.
  કોમેન્ટ આ વાંચજો કૃષ્ણજી વ્હાલમા, મળતા રે’જો રે! ચોપાસ.

 2. NAVIN BANKER
  June 13, 2017 at 3:38 am

  હવે વોટ્સ અપ અને રસદર્શન પછી વધુ શું લખવાનું હોય ?
  નવીન બેન્કર

 3. June 13, 2017 at 1:27 pm

  થોડા જ શબ્દોમાં વર્ણવાયેલી અન્યોની અભિવ્યક્તિની અંદરની લાગણીને સમજીને રસ-દર્શન કરાવવું સહેલું નથી જ, દેવિકાબેન! કૃષ્ણભાઈની રચનાની અને કવિ તરીકેની એમની ખાસિયતને ઉજાગર કરીને ખૂબ જ સુંદર રીતે વ્યક્ત કરી તેને માટે ધન્યવાદ અને આભાર.

 4. vmbhonde
  June 13, 2017 at 4:06 pm

  jordar ras darshan. aa navi line pan safalata purvak kari rahya chho. abhinandan

 5. June 13, 2017 at 4:59 pm

  વાહ કવિતા જેટલું જ સરસ રસદર્શન…

 6. June 13, 2017 at 8:48 pm

  રસદર્શને કવિતાને માર્મિક રીતે ઉઘાડી આપી છે… વાહ વાહ ….

 7. રક્ષા
  June 14, 2017 at 7:47 am

  સોનામાં સુગંધ! સરસ મઝાની કવિતા હોય અને તમારું રસ દર્શન…….વાંચવાની ખુબ મઝા આવી.

 8. ફત્તેહઅલી ચતુર
  June 18, 2017 at 7:38 pm

  ઘણુજ સુંદર અને સરળ રસદર્શન. કવિતા ની ભીતરમા ગયા પછી કવિતા મ્હાણવાની મજા કઈંક ઔર જ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *