





રૂપાંતરકાર – સુરેશ જાની
૨૦૧૧
તે દિવસે પ્રિયા સાંજની નવરાશમાં ચાલવા નીકળી હતી. રસ્તાની બાજુમાં સમ ખાવા પૂરતું કહી શકાય તેવું, કૈકોન્દ્રાહલ્લી તળાવ હતું . તેના ગંદા પાણીમાંથી ફેલાઈ રહેલી દુર્ગંધના કારણે પ્રિયાએ નાક પર રૂમાલનો ડૂચો લગાવ્યો. એટલું પૂરતું ન હોય તેમ વાણિયા ( જીવડું ) ના એક ઝુંડને પ્રિયામાં રસ પડ્યો અને તેના ચહેરાની આજુબાજુ ગણગણવા લાગ્યાં! હવે તો હદ થઈ ગઈ. ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવતી પ્રિયા રામસુબ્બને સંકલ્પ કરી લીધો.
આ તળાવને સુંદર બનાવીને જ જંપીશ.
આમ તો કૈકોન્દ્રાહલ્લી કુદરતી તળાવ નથી. વરસાદનાં પાણીને નાનકડો આડબંધ બાંધીને ભેગું કરી આવાં ઘણાં નાનાં મોટાં તળાવો સોએક વર્ષ પહેલાં બનાવવામાં આવ્યાં હતાં. કૈકોન્દ્રાહલ્લી એમાં મધ્યમ કક્ષાનું તળાવ છે. પણ કાળક્રમે એમાં કચરાના ઢગ અને ગટરનાં પાણી ઉમેરાતાં ગયાં અને તે આંખ અને નાક માટે નાપાક બની ગયું હતું.
બીજા દિવસે પ્રિયાએ તેના એક મિત્ર રમેશ શિવરામને પોતાના મનની વાત કહી. રમેશ એ વિસ્તારના ઘણા લોકોને જાણતો હતો. એ વિસ્તારના થોડાક સજાગ લોકોના સહકારથી આ બાબત જાગરૂકતા લાવવાનું અભિયાન બન્ને જણાએ શરૂ કર્યું. મ્યુનિ. ના સત્તાવાળાઓ અને સરકારમાં સળવળાટ શરૂ થવા લાગ્યો. પણ એ સળવળાટ ચંચળ પવનની જેમ શમી ન જાય અને પ્રભંજન બનીને ત્રાટકે ત્યાં સુધી પ્રિયાને જંપ વળવાનો ન હતો. ધીમે ધીમે આ ઉન્માદમાં જાણીતા પ્રકૃતિવિદો અને પર્યાવરણ નિષ્ણાતો પણ જોડાયા. ખાસ કરીને યેલ્લપ્પા રેડ્ડી, ડો. હારિણી નાગેન્દ્ર, અને ડો. સુબ્બુ સુબ્રહ્મણ્યમના સાથ અને સહકાર અમૂલ્ય નીવડયાં.
એ સૌને જાણીને આનંદ થયો કે, મ્યુનિ. સત્તાવાળાઓ પણ આ બાબત સાવ નિષ્ક્રીય ન હતા. તેમણે આ તળાવોને સુધારવા યોજનાઓ તો બનાવી જ હતી, પણ એ બધી ચીલાચાલુ અને માત્ર ઈજનેરી અભિગમ પૂરતી જ મર્યાદિત હતી. તેમાં ચીલાચાલુ બગીચો અને નૌકા વિહારની સવલત સિવાય બીજી કોઈ કલ્પના ન હતી. એમાં આ બધા નિષ્ણાતો અને પ્રકૃતિપ્રેમીઓની કલ્પનાને મોકળું મેદાન મળે, તેવો અવકાશ ન હતો. પણ તેમને સધિયારો મળે તેવી ઘટના એ બની કે, તેમના નૂતન અભિગમનો સરસ મજાનો પડઘો તંત્રે પાડવા માંડ્યો.
અને છેવટે કૈકોન્દ્રાહલ્લી તળાવનું નસીબ સુધારી દે તેવાં કામ શરૂ થઈ ગયાં. આવી બાબતોના નિષ્ણાત સ્થપતિ શ્રી, વાસુએ આ માટે એક માસ્ટર પ્લાન બનાવી આપ્યો. . સૌથી પહેલાં તો તેમાં ઠલવાતી ગટરો બીજા રસ્તે વાળી દેવામાં આવી. વાસુ સાહેબના પ્લાન મુજબ જેટલા વિસ્તારમાં કામ કરવાનું હતું, તેની સીમાઓ બહુ સ્પષ્ટ રીતે આંકી દેવામાં આવી. એ સીમાની અંદર કોઈ કચરો નાંખવામાં ન આવે તેવી સૂચનાઓ મુકવામાં આવી. અનેક જગ્યાએ કચરો નાંખવા માટે પીપડાં પણ મુકવામાં આવ્યા. એ વિસ્તારના લોકોમાં આ અભિયાન માટે જાગૃતિ આણવા માટે હેન્ડ બીલો અને સ્થાનિક છાપાંઓમાં અપીલો વિ. પ્રચાર, પ્રસારનાં માધ્યમો પણ અપનાવવામાં આવ્યાં.
એક જુવાળ વાવંટોળની જેમ આખા વિસ્તારમાં ફરી વળ્યો. બે વર્ષ સુધી પાયાનું કામ કરવામાં આવ્યું અને બધી ગંદકી નાબૂદ થઈ ગઈ. માસ્ટર પ્લાન મુજબ લોકોને ચાલવાના રસ્તાઓ બનાવવામાં આવ્યાં અને ઘણાં વૃક્ષો પણ રોપવામાં આવ્યાં. ત્રીજા વર્ષે મેઘરાજાની મહેર થાય અને ખાલી થયેલો મોટો ખાડો તાજા પાણીથી ભરાઈ જાય, તેની સૌ આતુરતા પૂર્વક રાહ જોવા લાગ્યા.
પણ મેઘરાજા એમ થોડા જ રીઝાય?! બે મહિના એ તો રીસાયેલા જ રહ્યા. પણ ત્રીજા મહિને એમને આ સૌ પર દયા આવી અને મન મુકીને વરસ્યા. વરસ્યા, વરસ્યા તે એટલું વરસ્યા કે, કૈકોન્દ્રાહલ્લી છલકાઈ ગયું. ઘરડી ડોસી નવયૌવના બની ગઈ! શિયાળો આવતાં આવતાં આવતાં તો પક્ષીઓએ નવાં વૃક્ષો પર માળા બનાવવા માંડ્યા અને તેમની ચહચહાટથી કૈકોન્દ્રાહલ્લી ગૂંજવા લાગ્યું.
સારા કામની સમાજ પર અસર જરૂર પડતી હોય છે. હવે લોકોનો સક્રીય સહકાર પણ હાથવગો બની ગયો. કચરાપેટીઓ હવે ખાલી રહેવા માંડી! ચાળીસ જાતનાં પક્ષીઓ, દેડકાં કૈકોન્દ્રાહલ્લીના નિવાસી બની ગયાં. ચાર પાંચ કાચબા અને જાતજાતની માછલીઓ કૈકોન્દ્રાહલ્લીમાં તરતાં થઈ ગયાં. સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી શકાય એવું એક ઓપન એર થિયેટર પણ પ્રવૃત્તિથી ધમધમતું થઈ ગયું.
૨૦૧૭
કૈકોન્દ્રાહલ્લી બન્ગલુરૂનું સૌથી સુંદર તળાવ ગણાય છે, અને શહેરનાં જોવાલાયક સ્થળોમાં તેનો સમાવેશ થાય છે. એનો એક નજારો…
સાભાર – શ્રીમતી શ્રેયા પરીખ, The Better India
કૈકોન્દ્રાહલ્લીનાં ઘણાં બધાં દૃશ્યો…