ફિર દેખો યારોં : હકારાત્મકતા અને નકારાત્મકતા સાપેક્ષ છે

Facebooktwitterredditpinterestlinkedinmail

– બીરેન કોઠારી

હકારાત્મકતા હવે અભિગમ નહીં, પણ ધીકતો વ્યવસાય બની ગયો છે. હકારાત્મક અભિગમ કેળવવાનું જોર ચોમેર એ હદે વધી ગયું છે કે તેના અતિરેકથી એક પ્રકારની નકારાત્મકતા આવી જાય. બીજે બધે તો ઠીક, સમાચારનું વર્ગીકરણ પણ હકારાત્મક કે નકારાત્મકની શ્રેણીમાં થવા લાગે ત્યારે ક્યારેક એમ લાગે કે આ ઈલાજ નથી, બીમારી છે. અખબારોનું કર્તવ્ય જે તે ઘટનાનો અહેવાલ કે સમાચાર આપવાનું છે. અખબારો સમાચાર પહોંચાડવામાં હકારાત્મક કે નકારાત્મક જેવો અભિગમ રાખે ત્યારે બીજું જે થાય એ, પણ ફરજચૂક અવશ્ય થાય છે.

પણ ફરજપાલનની અપેક્ષા ફક્ત અખબારો પાસે જ શા માટે? તે વાંચતા નાગરિકો પાસે કેમ નહીં? આ સવાલનો જવાબ મુશ્કેલ છે. તાજેતરના એક સમાચાર જાણીએ અને તેને હકારાત્મક કે નકારાત્મક ગણવા તેની વાત કરીએ.

ગયા સપ્તાહે એક વ્યક્તિએ 82 વર્ષની ઉંમરે બારમા ધોરણની પરીક્ષા ‘એ’ ગ્રેડ સાથે પાસ કરી. આ સમાચાર જાણીને આપણને આનંદ થાય અને એ વ્યક્તિના જીવન પ્રત્યેના અભિગમને સલામ કરવાનું મન થાય. પણ આગળ જાણવા મળે કે એ વ્યક્તિએ આ પરીક્ષા પોતાના જેલવાસ દરમ્યાન આપી હતી. તેઓ દસ વર્ષની સજા ભોગવી રહ્યા હતા. આથી આપણને કુતૂહલ થાય કે આટલી ઉંમરે તેઓ જેલવાસ કયા ગુના હેઠળ ભોગવી રહ્યા છે? ત્યારે ખબર પડે કે ત્રણ હજારથી વધુ શિક્ષકોના ભરતી કૌભાંડમાં તેઓ દોષી પુરવાર થયા હતા. આ મહાનુભાવનું નામ સાંભળતાં જ તેમનાં અન્ય પરાક્રમો પણ તાજાં થઈ આવે. એ વ્યક્તિનું નામ ઓમપ્રકાશ ચૌટાલા છે એ ખબર પડે એ સાથે જ આપણો અહોભાવ હવા થઈ જાય.

હરિયાણાનું મુખ્યમંત્રીપદ શોભાવી ચૂકેલા ચૌટાલા ભૂતકાળમાં અનેક પરાક્રમો કરી ચૂક્યાં છે. વી.પી.સીંઘની સરકાર વખતે હરિયાણાના મેહામમાં તેમણે આચરેલો લોહીયાળ ચૂંટણીકાંડ યાદગાર હતો. શિક્ષકોના ભરતીકૌભાંડમાં તેમની સાથે તેમના એક પુત્ર અજયસીંઘ ચૌટાલા પણ દિલ્હીની તિહાર જેલમાં સજા ભોગવી રહ્યા છે. તેમના નાના પુત્ર અને હરિયાણા વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અભયસીંઘ ચૌટાલાએ પિતાજીની આ ‘સિદ્ધિ’ની ઘોષણા પ્રસારમાધ્યમો સમક્ષ કરતાં જણાવ્યું હતું, ‘પોતાના જેલવાસને વધુ અર્થપૂર્ણ બનાવવાનો તેમણે નિર્ણય કર્યો હતો. હવે તેઓ જેલના પુસ્તકાલયની મુલાકાત દરરોજ લે છે અને અખબારો તથા પુસ્તકો વાંચે છે. પોતાનાં પ્રિય પુસ્તકો કાઢી રાખવા માટે તેઓ જેલના કર્મચારીઓને જણાવે છે. વિશ્વભરના મહાન રાજકારણીઓ વિશેનાં પુસ્તકો તેઓ વાંચે છે. ક્યારેક તેઓ અમને પણ પોતાના કોર્સનાં પુસ્તકો મોકલવા માટે જણાવે છે.’ પિતા વિષે પુત્ર દ્વારા કરાતી આવી ઘોષણાને પગલે આપણે વિચારતા થઈ જઈએ અને હકારાત્મકતામાં રાચતા કાચાપોચા નાગરિકો આવી હકારાત્મકતાની ગંગાને વોટ્સેપ મેસેજમાં ફોરવર્ડ કરીને વહાવવા માંડે તો પણ નવાઈ નહીં.

જેલ એક અજબ સ્થળ હોય છે. જેલ સાથે જેટલું જોડાણ ગુનેગારોનું રહ્યું છે એટલું જ મહાનુભાવોનું પણ રહ્યું છે. ભલભલો ગંભીર ગુનો આચરીને જેલ ભોગવતા ગુનેગારને અહીં કદાચ આત્મદર્શનની તક મળે એવા સંજોગો હોય છે. તેનો ઉપયોગ કેટલા અને કેવી રીતે કરે છે એ અલગ વાત છે. આઝાદીની લડતના સમયે અનેક અગ્રણીઓએ જેલવાસ વેઠવો પડેલો. એ સમયના ઘણા જેલવાસીઓ માટે જેલ એક જીવતીજાગતી યુનિવર્સિટી બની રહી હતી. જેલવાસ વેઠનારા અનેક સામાન્ય લોકોનું જીવનઘડતર જેલમાં આ મહાનુભાવોના સહવાસ થકી થયેલું. ઘરઆંગણે તેમજ વિશ્વભરમાં પણ આવા અનેક ઉદાહરણો મળી આવશે. આગળ જતાં ઝીમ્બાબ્વેના પ્રમુખપદે આરૂઢ થનાર રોબર્ટ મુગાબે જેલવાસ દરમ્યાન યુનિવર્સિટી ઓફ લંડનમાં દ્વારા બેચલર ઓફ એડમિનિસ્ટ્રેશન, માસ્ટર્સ ઈન ઈકોનોમિક્સ તેમજ કાયદાને લગતી બે ડિગ્રીઓ પ્રાપ્ત કરી હતી. ઘરઆંગણે ડો. ભાનુ પટેલે જેલમાં રહીને એક, બે કે પાંચ નહીં, પૂરી એકત્રીસ ડીગ્રીઓ પ્રાપ્ત કરી હતી અને એક વિક્રમ સર્જ્યો હતો. પણ રોબર્ટ મુગાબે, ડો. ભાનુ પટેલ કે ઓમપ્રકાશ ચૌટાલા વચ્ચે ત્રિકોણના ત્રણ ખૂણા જેટલું અંતર છે. જેલવાસ અને અભ્યાસ સિવાય તેમનામાં કશું સામાન્ય નથી. તેમનો ગુનો, ગુના પાછળનો હેતુ, તેની તીવ્રતા અને પરિણામને સરખાવીએ તો ચૌટાલાની જેલવાસની સિદ્ધિ સૌથી ઓછી, અને ગુનાની તીવ્રતા સૌથી વધુ છે એમ કહી શકાય. આમ છતાં, શિક્ષકોના ભરતીકૌભાંડ થકી ગુનેગાર પુરવાર થયેલા ચૌટાલા બારમું પાસ કરે એ ઘટનાને કવિન્યાય કહી શકાય.

આવા બીજા એક સમાચાર પણ જાણવા જેવા છે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન આદિત્યનાથ યોગીએ શહીદ થયેલા બી.એસ.એફ.ના હેડ કોન્સટેબલ પ્રેમ સાગરના નિવાસસ્થાને જઈને તેમના પરિવારની મુલાકાત લીધી. પાકિસ્તાને તાજેતરમાં કરેલા બે ભારતીય સૈનિકોના શિરચ્છેદ પૈકીના એકમાં પ્રેમ સાગરનો સમાવેશ થતો હતો. યોગીએ પરિવારજનોને ચાર લાખનો ચેક તેમજ બે લાખની ફિક્સ્ડ ડિપોઝીટનાં સર્ટિફિકેટ પરિવારજનોને આપ્યાં. શહીદની સ્મૃતિમાં એક સ્મારક બનાવવાનું તેમણે વચન આપ્યું. આ ઉપરાંત ગામમાં એક કન્યા વિદ્યાલય, બગીચો તેમજ કોન્ક્રીટનો રોડ બનાવવાની પણ ખાતરી આપી. સદગતના પરિવારજનોએ રાંધણ ગેસની એજન્સી પોતાને મળે એ અંગેની રજૂઆત કરતાં તેમણે એ અંગે કેન્દ્રને ભલામણ કરવાની વાત કરી. આ જાણીને આપણને આનંદ થાય એ સ્વાભાવિક છે. અલબત્ત, આમાંથી કેટલી ખાતરીઓનું રૂપાંતર વાસ્તવિકતામાં થાય છે એ સમય કહેશે.

હવે આ સમાચારની વધુ વિગત જોઈએ. ઉત્તર પ્રદેશના દેવરીયા જિલ્લાના ટીકમપુર ગામની મુખમંત્રીની આ મુલાકાત અગાઉ પ્રેમ સાગરના ઘરમાં સ્થાનિક સત્તાધિકારીઓ જઈ પહોંચ્યા. પરિવારજનોએ કશું સમજે એ પહેલાં તેમના ઘરમાં એક એર કન્ડીશનર બેસાડી દેવામાં આવ્યું. એક સોફા પણ ગોઠવી દેવામાં આવ્યો. ભોંય પર ગાલીચો બિછાવી દેવામાં આવ્યો. મુખ્યમંત્રીની આશરે અડધા કલાકની મુલાકાત માટે આ ‘સેટ’ ગોઠવવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીની વિદાય પછી તરત જ આ બધી વસ્તુઓ પાછી લઈ જવામાં આવી. અગ્રણી અખબાર ‘ઈન્ડીયન એક્સપ્રેસ’ના પ્રતિનિધિએ આ બાબતે દેવરીયાના જિલ્લા મેજિસ્ટ્રેટ સુજીત કુમારનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો, પણ નિષ્ફળ રહ્યા. અન્ય એક અધિકારીએ જણાવ્યું કે આ પ્રકારની વ્યવસ્થા વી.આઈ.પી.ની મુલાકાત વખતના ‘પ્રોટોકોલ’નો જ એક ભાગ છે અને એ મુજબ જ આમ કરવામાં આવ્યું છે.

એક તરફ સૈનિકો જાનની બાજી લગાવીને દેશની સરહદનું રક્ષણ કરે છે. યુદ્ધમાં પણ ન મળે એવું જુગુપ્સાપ્રેરક મૃત્યુ તેમને મળે છે. મૃતકના પરિવાર પર મોટો ઉપકાર કરતા હોય એમ નેતાઓ તેમની મુલાકાત લે, પોતાના ખિસ્સામાંથી આપતા હોય એમ તેમણે અધિકૃત રીતે મળવાપાત્ર રકમ આપે એ દેખાડાબાજી હજી ક્ષમ્ય નહીં, સહ્ય ગણીએ. પણ આવા વી.આઈ.પી.ની મુલાકાત ટાણે રાજ્યના અધિકારીઓએ સાવ ફરાસખાનાના કારીગરોની જેમ વર્તે એ જાણીએ ત્યારે હકારાત્મકતા જાળવી રાખવી મુશ્કેલ છે. આ હદે શહીદના પરિવારની મજાક થાય, આવી ચેષ્ટાને ‘ફરજનો એક ભાગ’ ગણવામાં આવે ત્યારે ‘વી.આઈ.પી. કલ્ચર’ને બદલે ગુલામીની માનસિકતા છતી થાય છે. સંબંધિત અધિકારીને આખરે ડર પોતાના ઉપરીનો હોય છે. એ ઉપરીનો ઉપરી બીજો કોઈ નહીં, પ્રજાએ ચૂંટી મોકલેલો પ્રતિનિધિ હોય છે. આ સ્થિતિમાં નાગરિકો સમક્ષ એ જ સૌથી મોટો પડકાર છે કે આવી બધી બાબતો સમક્ષ આંખ આડા કાન કરીને તે પોતાની હકારાત્મકતા કેળવવાનો પ્રયત્ન કરે.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફીર દેખો યારોં’માં ૨૫-૫-૨૦૧૭ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

2 comments for “ફિર દેખો યારોં : હકારાત્મકતા અને નકારાત્મકતા સાપેક્ષ છે

  1. Dipak Dholakia
    June 8, 2017 at 2:35 am

    બહુ રસપ્રદ લેખ બન્યો છે.

  2. June 8, 2017 at 6:39 pm

    જે છે તે છે. વાંકદેખા બનવું એ પણ કોઈનો વિશેષાધિકાર છે !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *