





સરળ લખવું અઘરું હોય છે
– અમિત મ. જોષી
૧૯૯૫ના અંતમાં દિલ્હી આવવાનું થયું ત્યારે હાલત ભવનાથના મેળામાં માતાથી વિખૂટા પડેલા બાળક જેવી હતી. ખાસ તો ભાષા સાથે ક્ષણેક્ષણનો નાતો અલોપ થઇ જાય ત્યારે એટ-લિસ્ટ ભાષાને મામલે લઘુમતી હોવાનો જરૂર ઉત્કટ અનુભવ થઈ આવે. સવારે યાંત્રિક ઍલાર્મ, છાપાની પરાઈ લાગતી ભાષા, ઑફિસની કામકાજની સરકારી ભાષા, સાંજે પાછા ફરો ત્યારે નિ:શબ્દ એકલતા!! ધીમે ધીમે સંસાર મંડાય છે છતાં ભાષા સાહિત્ય સાથે હજીયે સવાર–સાંજ જેવો અચૂક પનારો નહોતો કેળવાયો. ત્યારે જ લગભગ પાંચ વર્ષની ટૂંકી તપસ્યા પછી એક દિવસ અચાનક આકાશવાણી આંગળી ઝાલે છે અને ભાષા સાથે પાતળું પડવા આવેલું પોત હવે મજબૂત માદરપાટ બની જાય છે.
‘અનુવાદ: વિજ્ઞાન કે કળા?’ ની ચર્ચા તજ્જ્ઞોને મુબારક પણ અહીં તો અનુવાદે જ ગામ, પ્રદેશથી જોજનો દૂર આપણને આપણાં મૂળિયાં જીવંત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ભાષાનો વૈભવ, અનુવાદ દરમ્યાન પ્રગટતા પ્રશિષ્ટ શબ્દો, અનાયાસે આવી જતા તળપદા કે વરસોથી ઘરમાં બોલાતા બોલચાલના વાક્યખંડો કે કહેવતો જાણે રમણે ચડેલો દરિયો કિનારે બધું ઠાલવી દે છે, હવે એ તમારા પર આધાર છે કે તમે એમાંથી શંખ-છીપલાં વીણો છો કે મોતી.
વોલ્ટર કૉફ્મૅનની અજરામર ઓપનિંગ ટ્યૂન[i] પછી “૩૫૪.૬ મીટર્સ એટલે કે ૮૪૬ કિલોહર્ટઝ પર આકાશવાણીનું આ અમદાવાદ–વડોદરા કેન્દ્ર છે.”ના ઉદ્ઘોષ સાથે જિંદગીની સંખ્યાબંધ સવારો પડી છે. વંદનાનાં ભજનોથી થતો આરંભ પોણા આઠના સમાચારે વિરામ લેતો (કારણ ટ્યૂશન જવાનો ટાઇમ થઈ જતો) લાયસન્સવાળા રેડિયાના ખરખર અવાજમાં સાંભળેલા સમાચારનો એક દિવસ હિસ્સો બનવાની અદ્ભુત તક મળશે એ વખતે એ અકલ્પનીય હતું.
જેને થડ કહીશું એ નોકરીનું કામકાજ અંગ્રેજી સભર અને બોલચાલ- વિવિધ પ્રદેશોની સોડમથી મહેકતી હિન્દી હતી. વિવિધ લઢણવાળી આવી હિન્દી એક જ સ્થળે સાંભળવાનો લ્હાવો કંઈ અનેરો છે. આવા વાતાવરણમાં આકાશવાણીએ ગુજરાતી ભાષા સાથેનો મારો ચેતાવિસ્તાર સંકોર્યો. અનુવાદ ભાષાને એટલી હદે સ્વચ્છ રાખવામાં મદદ કરે છે કે રોજની બોલચાલની ભાષા પણ ફ્યુઝન નામના દૂષણથી અભડાતી નથી.
આકાશવાણીના દરવાજામાં પ્રવેશ સાથે આસપાસ એવું આવરણ છવાઈ જાય છે કે ગમે એવી કકળાટ છાપ ચેનલિયા ખબરો અથવા છાપામાંથી ખરબચડી ભાષામાં ગળાડૂબ થઈને આવ્યા હો, અહીં મંદિર પ્રવેશની આમન્યા તમારામાં આરોપાઇ જાય છે અને તમારા દરેક શબ્દે જાણે એક અદ્રશ્ય ચોકીદાર ખડે પગે કહેતો હોય કે “તારી ભાષા હાથલારીને છાંયે રેડિયો સાંભળતા શ્રમિક કે ખેતરે પાણી વાળવા રોકાયેલ ખેડૂતને ગળે ઊતરે એવી હોવી જોઈએ.’ અને રેડિયો સાથે જોડાયા પછીના પહેલા વેકેશનમાં ઘેર ગયા ત્યારે ગામમાંથી રોજ કો’ક મળવા આવે – નહિ, જોવા આવે – કે કેવા છે અમારા વાચક અને એ ક્ષણો ખરેખર ‘બહુજન હિતાય, બહુજન સુખાય’ હતી કારણ કે ઊંટ લારી ચલાવનાર રાવળથી માંડી રેડિયોને આધારે ઘડિયાળ ગોઠવતા પુજારી સુધીના એ વર્ગ-વૈવિધ્ય શ્રેણીના પ્રતિનિધિઓ હતા.
માસકોમના વિદ્યાર્થી તરીકે આકાશવાણીના પરિચય અગાઉ છાપેલા અને સાહિત્યપ્રચુર શબ્દોથી મુગ્ધ હતો. પણ અહીં આવી, ‘કાન માટે લખાતી’ ભાષાનું વ્યાકરણ સમજાતું ગયું. હોમ બુલેટીનના હજ્જારો માઈલ દૂર બેઠેલા અને એક્સટર્નલ બુલેટીનના લાખો કિલોમીટર આઘે વસેલા શ્રોતા માટે રજુઆતનો સમગ્ર મદાર લખાયેલી અને બોલાયેલી ભાષા પર જ છે. એ બાબત તમને જવાબદાર બનાવે છે અને સમગ્ર કામમાં અનાયાસે સભાનતા લાવી મૂકે છે.
આકાશવાણીની એક મહામૂલી ભેટ છે – ‘સબ બંદર કે વેપારી’ બનવાની. તમે ગમે એ પ્રવાહના વિદ્યાર્થી હો કે તમારી ગમે એ રસરુચિ હોય, અહી શુદ્ધ રાજકારણ, અટપટું અર્થશાસ્ત્ર, ઝડપભેર બદલાતા આંતરરાષ્ટ્રીય પ્રવાહો અને આસાન પર્યાય ખોળવા ફાંફે ચઢાવતી વૈજ્ઞાનિક ટેકનોલોજી આઈટમ – તમારે બધાથી પરિચિત થવું જ રહ્યું. ક્યારે શેનો અનુવાદ કરવાનો આવે એ આભ અને ગાભની પેઠે નક્કી નથી હોતું એટલે તમારે લ્હાયબંબા વાળાની જેમ સતત સજ્જ રહેવું પડે છે. પરિણામે સ્વાભાવિક જ તમારું અનુભવ વિશ્વ વિસ્તરતું જાય છે.
આકાશવાણીની એડ ઓન વેલ્યુનો ભરપુર ફાયદો કૉર્પોરેટ એડથી માંડી સરકારી રૂપક/જાહેરખબર સુધી મળ્યો છે. પણ સહુથી શિરમોર ચરમ હતું દૂરદર્શનના ઑલ ટાઈમ ક્લાસિક ‘તહરીર મુંશી પ્રેમચંદ કી’, ‘કૃષ્ણકલી’, ‘માઈન્ડ વૉચ’થી માંડી વિજ્ઞાન પ્રસારની શ્રેણીના અનુવાદ/રૂપાંતરથી લઈને ડબિંગ પ્રક્રિયા સુધી સંકળાવા મળ્યું એ.
આકાશવાણીનાસમાચાર વિભાગે બ્રાહ્મમુહુર્તમાં કામ કરવાની ટેવ પાડી તે કદાચ આ સદીમાં ભાગ્યેજ કોઈ ગુરુકુળ પણ કરતું હશે ! ભાષા વિભાગની પરસાળને દેશની આકાશગંગા કહીએ તો કશું ખોટું નથી. એક સાથે સાત-આઠ ભારતીય ભાષાના જાણકારોને રોજ મળવાનું થાય અને સમાચાર/અનુવાદ ચર્ચાની એરણે ચઢે અને તુંડે તુંડે મતિર્ભિન્નાનો પરિચિત માહોલ સર્જાય, ત્યારે એને બે જ વસ્તુઓ એક તાંતણે પરોવે – મદનની ચા અને ટ્રાન્સપોર્ટની ટ્રીપ.અગાઉ ગુજરાતી અને સંસ્કૃત યુનિટ સાથે સાથે બેસતાં ત્યારે અનુવાદના કોઈ શબ્દ કે વાક્ય મુદ્દે ફરજ પરના બે વ્યાકરણાચાર્ય શાસ્ત્રીઓ વચ્ચે થતો વાદ કાશીના માત્ર કલ્પેલા વાદવિવાદની યાદ અપાવતો.
અને જે મેઘધનુષી સાથીઓ સાથે કામ કરવાની તક મળે છે એ તો યાદગાર છે. એક શબ્દ પૂછો ને તમને શબ્દની સાત પેઢી સુધી લઈ જાય તેવા ગુગલ/વિકિપીડિયા યુગ પૂર્વેના મહારથી, અનુવાદનોય અનુવાદ કરવા મથતા, ઝીણું કાંતતા શ્રેષ્ઠી, હિંસક સમાચારનો અનુવાદ નહિ કરવાનું પ્રણ પાળતા જીવદયા પ્રેમી – ઉ.ત. જો કતલખાને જતી પશુ ભરેલી ટ્રક પકડાય તો સ્ટોરી એ કરે પણ જો એ ટ્રક થાપ આપી નાસી છૂટે તો સ્ટોરી આપણા માથે! (બાદમાં એમણે મત્સ્ય પ્રેમી પુરવૈયા સજ્જન સાથે પરણી એનું પ્રાયશ્ચિત કર્યું), જેટલા અંગ્રેજીમાં શબ્દો અને પૂર્ણવિરામ એટલા જ ગુજરાતી શબ્દો અને પૂર્ણવિરામ, ન વધારે ન ઓછું એવો આત્યંતિક હઠાગ્રહ રાખતા વડીલો, તો પૅનલ પંગતિયાઓ સાથે આ ‘તમે’ અને આ ‘અમે’ એવા હિંદુ અવિભક્ત કુટુંબની સૂગ રાખતા ‘રેગ્યુલર’ મિત્રો, પેનલમાં ઘૂસ્યા પછી ‘પૅનલમાં મારા પછી હવે કોઈ ના આવે અને જે છે એમને કઈ રીતે રવાના કરાય’ એ માટે ખમણ-ખાંડવી ડિપ્લોમસી સાથે લાગતાવળગતાની કાનભંભેરણી કરતાં ખવડાઈ બદેલા સાથીઓ, યુનીટમાં સજોડે બુલેટિન કર્યા પછી શબ્દ કે અનુવાદ મુદ્દે ઘરમાં અસંખ્ય વાર ખખડેલાં વાસણો – આ બધાએ કામનો અવર્ણનીય આનંદ આપ્યો છે કારણ અહીં ભાષાને માત્ર ભૂર વળગતું હતું અને ભલે ને રણમાં પછી શૂરો જીતતો.
ગુજરાતી યુનિટના ૭૫મા વરસે – અમૃત મહોત્સવમાં એનો હિસ્સો હોવાને હું મારું સદ્ભાગ્ય સમજુ છું અને પહેલી વાર બાયલાઈન વાંચવાનો રોમાંચ આજેય એટલો જ થાય છે જ્યારે ઓપનિંગ ટ્યૂન પછી બોલાય છે ‘સમાચાર અમિત જોષી વાંચે છે’ ….
(૨૦૧૪માં આકાશવાણીના ગુજરાતી સહિતના યુનિટોની ષષ્ઠીપૂર્તિ નિમિત્તે પ્રકાશિત કરવા ધારેલા પણ કદી નહિ જન્મી શકેલા સુવેનિઅર માટે આ લેખ લખાયેલો હતો. વખત જતાં નામદાર સરકારે તમામ ભાષા યુનિટ પણ હટાવી દેવાનો નિર્ણય કરતાં ભાષા એકમો સાચા અર્થમાં કેવળ સ્મૃતિ બનવા જઈ રહ્યાં છે. ૪ જુન ૨૦૧૭ના રોજ સાંજે સાત પચાસનું બુલેટીન વાંચવાનું મારે હિસ્સે આવ્યું જે દિલ્હીથી પ્રસારિત છેલ્લું ગુજરાતી સમાચાર બુલેટીન હતું ! )
શ્રી અમિત જોષીનું વીજાણુ સંપર્ક સરનામું: pakkagujarati@gmail.com
રેડીઓ પાસેથી માત્ર અને માત્ર સંગીત સાંભળવાની ટેવ રાખી હોવાથી અને એમાં ય તે મીડીયમ વેઈવ/શોર્ટ વેઈવ બેંડનાં સ્ટેશનોને FM બેંડ સંહારી ગયું હોવાથી અહીં ઉલ્લેખાયેલી બાબતોથી સાવ વંચિત થઈ રહ્યો છું. બાકી એક જમાનામાં ‘સમાચાર દિગંબર સ્વાદિયા વાંચે છે’ એ ઉચ્ચારણ માના અવાજમાં ગવાતા શ્લોકોની જેમ જ કાનમાં પડઘાયા કરતું. તમારો ભાષા ઉપરનો જન્મજાત કાબુ આ પ્રવૃત્તિથી ચોક્કસ વધુ નિખર્યો હશે. લેખની ગુણવત્તા એવી કે જલ્સો જ જલ્સો!. અતિશય રોમાંચદેયી બનતો જતો લેખ, પાદટીપ વાંચતાં જ કરુણાંતિકામાં ફેરવાઈ ગયો! આકાશવાણીની નિયમાવલીથી બિલકુલ જ અજાણ છું. પણ શક્ય હોય તો તા. 4/6/2017નું આખરી બુલેટિન કોઈ પણ માધ્યમ થકી સંભળાવશો તો પારાવારઆનંદ થશે
Shree Piyush Pandya ની ” તા. 4/6/2017નું આખરી બુલેટિન” સાંભળાવવાની વિનંતિ સાથે હું પણ જોડાવ છું
એક જમાનામાં ‘સમાચાર દિગંબર સ્વાદિયા વાંચે છે’ જેવા અસંખ્ય ઉચ્ચારણો હજૂ પણ કાન સાથે દિલમાં પણ ગૂં જી જતા હોય છે.
અદ્ભુત લેખ
અમિતભાઈ આટલી વાર સુધી ક્યાં સંતાડીને રાખ્યો હતો? બહુજ મજા આવી.. અને તમે કરેલા સંકેતોને સમજવાને કારણે અને એ જ અનુભૂતિના ભાગીદાર હોવાના કારણે મજા બમણી થઈ ગઈ. આ અમૃત મહોત્સવની ઉજવણી ટાણે કોને ખબર હતી કે આ અમૃતના નામે ઝેરનો કટોરો છે. હવે માત્ર તમારા આ પ્રકારના લેખો સાથે આકાશવાણીની સ્મૃતિઓ જ વાગોળવાની રહેશે..