





ઓબામા અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા તેના સો વર્ષ પહેલાનો આ સમય હતો. જો કોઈ હબસી વ્હાઈટ હાઉસમાં પ્રમુખની સાથે ભોજન લે તો દરેક બ્લેક અમેરિકન માટે ધન્ય થયાની લાગણી હતી અને કરોડો ગોરા અમેરિકનો માટે અણગમતી ઘટના હતી. એવે સમયે, એટલે કે ઈ.સ.1901માં બુકર ટી વોશિંગ્ટન નામના એક હબસીએ 26મા અમેરિકી પ્રમુખ સાથે વ્હાઈટ હાઉસમાં ભોજન લીધું અને છેવટે 1905માં તેમના સલાહકાર બનીને વ્હાઈટ હાઉસમાં પ્રવેશ મેળવી લીધો.
વોશિંગ્ટન (5 એપ્રિલ 1856થી 14 નવેમ્બર 1915) એક ગુલામ તરીકે જ જન્મ્યા હતા. ગુલામ તરીકે જન્મેલી તેમની તે અંતિમ પેઢી હતી. જ્યારે તેઓ નવ વર્ષના હતા ત્યારે અમેરિકાનાં ગૃહયુદ્ધનો અંત આવી ગયો અને કાયદેસર તો તેઓ મુક્ત નાગરિક બની ગયા હતા, છતાં અમેરિકન સમાજમાં હબસીઓ પ્રત્યેનો ભેદભાવ તો હજુ જેમનો તેમ હતો. આમ છતાં તેઓ લાંબો સંઘર્ષ કરીને ભણવા ઉપરાંત એક મોટા લેખક અને પ્રખર વક્તા બન્યા. અમેરિકાના આફ્રિકનોને ન્યાય અપાવવા માટે તેમણે ઉદારમતવાદી ગોરા અમેરિકનોને સાથે રાખીને અથાગ પ્રયત્નો કર્યા. છેવટે તેમણે વ્હાઈટ હાઉસમાં અમેરિકાના 26માં પ્રમુખ થિયોડોર રુઝવેલ્ટનાં પ્રમુખ સલાહકર તરીકેનું સ્થાન મેળવ્યું. અહીં તેમનું જીવનચરિત્ર આપવાનો ઉપક્રમ નથી. પરંતુ કોલસાની ખાણમાં મજૂરી કરતાં કરતાં જ ઊઘડેલી શિક્ષણની ભૂખ સંતોષવા તેમણે કરેલા સંઘર્ષની વાત જે તેમણે પોતાની આત્મકથામાં લખી છે, તેનો એક અંશ માત્ર રજૂ કરવાનો આશય છે. જાણીને નવાઈ લાગશે કે આત્મકથાનો આ અંશ ગુજરાત વિદ્યાપીઠ વાચનમાળાનાં ચોથા ધોરણમાં એક પાઠ તરીકે ભણાવવામાં આવતો. આ વાંચતા મહાત્મા ગાંધીની નઈ તાલીમ પણ યાદ આવે છે. હવે તે પ્રકરણ તેનાં શિર્ષક સહિત જેમનું તેમ જોઈએ.– કિશોરચંદ્ર ઠાકર
હું કેવી રીતે ભણ્યો?
૧
અમે ઘણાં ગરીબ હોવાથી મારી માએ મને કોલસાની ખાણમાં કામ અપાવ્યું હતું. મને ભણવાની બહુ હોંશ હતી. સગવડ મળતી ત્યારે હું રાત્રીશાળામાં જતો.
એક દિવસે ખાણનાં અંધારામાં મેં કોઈ બે માણસોને છાની છાની વાતો કરતા સાંભળ્યા. તેમની વાતમાં મને રસ પડ્યો. હું તેમની નજીક જઈ ગુપચુપ સાંભળવા લાગ્યો.
એક જણ બીજાને આવું કહેતો હતો: “હબસી લોકો માટે હમાણાં જ હેમ્પ્ટન ઉદ્યોગ –તથા કૃષિ-શાળા નામે નવી શાળા નીકળી છે. એ શાળામાં ગરીબ અને લાયક વિદ્યાર્થીઓ કામ કરી પોતાનો ખર્ચ કાઢી શકે છે, અને સાથે સાથે કોઈ ઉદ્યોગધંધો પણ શીખી શકે છે”.
આ હેમ્પ્ટન શાળા કયાં હશે અને કેટલે દૂર હશે તેની મને કશી કલ્પના નહોતી. પણ તે દિવસથી હું માનવા લાગ્યો કે, આ શાળા પાસે સ્વર્ગ પણ તુચ્છ છે; અને મેં મનમાં નિશ્ચય કર્યો કે, ગમે તેમ કરીને મારે ત્યાં જવું જ. પણ એ નિશ્ચય મારે બે અઢી વર્ષ સુધી મનમાં અને મનમાં સંઘરી રાખવો પડ્યો.
એવામાં મારી માને ખબર પડી કે, પડોશમાં રહેતાં મિસિસ રફનર નામના બાઈને ઘરકામ માટે એક છોકરાની જરૂર છે. હબસી નોકરોને એ બાઈનો બહુ કડવો અનુભવ હતો. તે ઘણી કડક સ્વભાવની હોવાથી તેને ત્યાં કોઈ નોકર ટકતો નહિ. છતાં કોલસાની ખાણ કરતાં આ કામ સારું એમ સમજી, મારી માએ મને આ નવી નોકરીમાં રખાવ્યો.
મિસિસ રફનરની કડકાઈ વિષે મેં ઘણું ઘણું સાંભળ્યું હતું. તેથી તેની પાસે ગયો ત્યારે હું ખરેખર ધ્રૂજતો હતો. પણ તેના હાથ નીચે થોડાં અઠવાડિયાં કાઢ્યાં પછી મને તેનો સ્વભાવ સમજાઈ ગયો. ઘરની તમામ વસ્તુઓ ખૂબ જ ચોખ્ખી અને વ્યવસ્થિત રાખવી જોઈએ, દરેક કામ કાળજીથી અને ચપળતાથી કરવું જોઈએ, ઝીણામાં ઝીણી વાતમાં પણ બેદરકારી ન રાખવી જોઈએ,- આ બધી બાબતો ઉપર તે બાઈનો ભારે આગ્રહ હતો.
ઘણાં જ થોડા વખતમાં મારી બીક ઊડી ગઈ. હું વિશ્વાસપાત્ર છું એમ ખાત્રી થતા, તે મારા ઉપર વિશ્વાસ રાખવા લાગી. પછી તો તે મને એકાદ કલાક ગામની શાળામાં ભણવા જવાની છૂટ પણ આપવા લાગી.
આમ શ્રીમતી રફનરને ત્યાં મારું ઠીક ગોઠવાયું હતું. છતાં હેમ્પ્ટન ઉદ્યોગશાળા મારાં મનમાંથી ખસી નહોતી. છેવટે બે અઢી વર્ષે તે શાળામાં જવાની તારીખ નક્કી થઈ. હું ભણવા જાઉં એ મારી માને ગમતું ન હતું. હું એટલે બધે દૂર અજાણ્યા દેશમાં શી રીતે જઈ શકીશ, એ વિચારે તે બાપડી ઘણી જ ગભરાતી હતી. છતાં કાલાવાલા કરી તેની મોંની રજા તો મેં મેળવી.
મને ખરું ઉત્તેજન તો પડોશમાં રહેતા હબસી ઘરડેરાઓએ આપ્યું. તેમણે મારી પીઠ થાબડી એટલું જ નહિ, પણ મને થોડા પૈસાની ભેટો પણ આપી
૨.
છેવટે તે દિવસનો સોનાનો સૂરજ ઊગ્યો; હું હેમ્પટન જવા નીકળ્યો. મળ્યા તેટલાં કપડાં એક ઝોળીમાં ભરી લીધાં. નીકળ્યો તે વખતે માની તબિયત સારી નહોતી; તે અશક્ત થઈ ગઈ હતી. તેનું મોં હું ફરીથી જોવા પામીશ કે નહિ, એવી મને શંકા હતી. તેથી વિયોગ ઘણો જ વસમો લાગતો હતો. પણ ભલી માએ હિંમત રાખી મને હસીને વિદાય આપી.
મારા ગામથી હેમ્પ્ટન 500 માઈલ દૂર હતું. તે વખતે રેલગાડી બધા દેશમાં થઈ નહોતી. કેટલોક ભાગ ટપ્પાઓમાં અને કેટલોક ચાલતા જવાનું હતું. મારી પાસે ભાડાના પૂરતા પૈસા પણ નહોતા. વળી મારી ચામડી કાળી, એટલે પણ જ્યાં જાઉં ત્યાં લોકો મને ઊભો રહેવા ન દે. આમ લાંબી મુસાફરીમાં ઘણા દિવસ મારે ભૂખે ગાળવા પડેલા, અને ઘણી રાત્રિઓની ઠંડીમાં મારે આમ તેમ ચાલીને શરીરમાં ગરમી લાવવી પડેલી.
એમ કરતો કરતો હું રીચમંડ નામાના શહેરમા પહોંચ્યો. હેમ્પ્ટન હજુ 80 માઈલ છેટે હતું. હું બરાબર મધરાતે આ શહેરમાં પહોંચ્યો. આ શહેર બંદર છે. આ પહેલાં હું કોઈ મોટા શહેરમાં કદી ગયેલો નહિ, એટલે મારી મૂંઝવણનો પાર નહોતો. શહેરની દુકાનોમાં સરસ સરસ ખાદ્ય પદાર્થો દેખાતા હતા, પણ મારા ખિસ્સામાં પાઈ પણ રહી નહોતી.
થાક્યો પાક્યો અને ભૂખ્યો હું, શહેરના એક ફૂટપાથને છેડે મારી ઝોળીનું ઓશીકું કરી સૂઈ ગયો. મળસ્કે અજવાળું થતાં આંખ ઉઘડી તો મેં જોયું કે બંદરમાં એક મોટું જહાજ હતું અને તેમાં ભરેલું લોખંડ ઉતારવાનું કામ ચાલી રહ્યું હતું. મને વિચાર આવ્યો કે, ત્યાં જઈ મજૂરી મેળવું અને ખોરાક પૂરતા થોડા પૈસા કમાઈ લ્ઉં. પછી મેં ઘણા દિવસ ત્યાં મજૂરી કરી અને થોડું થોડું બચાવી હેમ્પ્ટન સુધી જવા જેટલી વાટખર્ચી એક્ઠી કરી.
છેવટે હું હેમ્પ્ટન પહોંચ્યો. જ્યારે મને ઈંટોથી ચણેલી ત્રણ મજલાની તેની શાળાનું પ્રથમ દર્શન થયું, ત્યારે મને લાગ્યું કે મારો બધો શ્રમ આજે સફળ થયો.
3
હેમ્પ્ટન પહોંચી પહેલામાં પહેલી તકે હું એ સંસ્થાની મુખ્ય શિક્ષિકાને મળ્યો, અને શાળાના કોઈ પણ વર્ગમાં દાખલ કરવાની તેમને મેં વિનંતિ કરી. મને ઘણા દિવસથી પૂરતું ખાવાનું મળ્યું ન હતું, તેમજ ન્હાવા ધોવાનું પણ ઠેકાણું ન હતું, તેથી પ્રથમ દર્શને હું તેમના ઉપર સારી છાપ પાડી શક્યો નહિ. તેમણે મને કેટલોક વખત સુધી હા કે ના કંઇ કહ્યું નહિ. હું જવાબની રાહ જોતો ત્યાં બેસી રહ્યો. તે દરમ્યાન બીજા કેટલાક વિદ્યાર્થીઓને દાખલ કરવામાં આવ્યા તે મેં જોયું, ત્યારે તો મને બહુ દુ:ખ થયું. આમ નિરાશામાં ઝોલાં ખાતો હું બેઠો હતો, ત્યાં શિક્ષિકાએ મને કહ્યું: “ છોકરા, આ પાસેની ઓરડી વાળવાની છે. સાવરણી લઈને તે વાળી નાખ જોઉં.”
આ હુકમ સાંભળતા હું તરત ઊભો થયો. મને હવે તક મળી છે એમ મને લાગ્યું. આટલી અનંદદાયક આજ્ઞા મને જિંદગીમાં કોઈ દિવસ મળી ન હતી. શ્રીમતી રફલરને ત્યાં સફાઈ અને વ્યવસ્થાની મને તાલીમ મળી હતી, તે આજે મને ફળી. મેં તે ઓરડી ત્રણ વાર વાળી. પછી લૂગડાના કકડા વડે ચાર વાર તેને ઝાટકી નાખી. ખુરશી,ટેબલ બાકડા,કબાટ તમામ રાચરચીલું મેં ઉપર નીચે બધે લૂગડું ફેરવી ફેરવીને લૂછી કાઢ્યું. વળી દરેક વસ્તુને ખસેડી તળેની જગ્યા પણ સાફસૂફ કરી,અને ખૂણાખાંચરા પણ વાળી ઝૂડી સ્વચ્છ કર્યા.
મને પોતાને સંતોષ થાય તેમ વાળવાનું કામ પૂરું કરી મેં જઈને શિક્ષિકાને ખબર આપી. તેણે ઓરડીમાં આવી જમીન રાચરચીલું વગેરે બધું તપાસ્યું. ત્યાર પછી પોતાનો હાથરૂમાલ લઈ થાંભલા, ટેબલ, ખુરસી વગેરે પર ઘસી જોયો. જ્યારે તેને જમીન ઉપર કે લકડી સરસમાન ઉપર ક્યાંય ધૂળની રજ સરખી દેખાઈ નહિ ત્યારે તે બાઈ શાંતિથી બોલી , ‘મને લાગે છે કે, આ શાળામાં દાખલ થવાને તું લાયક છે’
મને તે સાંભળી કેટલો આનંદ થયો! મને એમ જ લાગ્યું કે, આ જગતમાં હું સૌથી મોટો ભાગ્યશાળી છોકરો છું. આ પછી જિંદગીમાં મેં ઘણી પરીક્ષાઓ પસાર કરી છે, પણ તે બધીમાં ઉત્તમમાં ઉત્તમ પરીક્ષા આ જ હતી, એમ મને હંમેશા લાગ્યું છે.
—————
શ્રી કિશોરચંદ્ર ઠાકરનું ઇ-પત્રવ્યવહાર સરનામું: kishor_thaker@yahoo.in
Great.enjoy reading
હૃદયસ્પર્શિય વાત
બુકરને એ વખતે ખબર ન હતી કે, તે હબસીઓ માટેની યુનિ. સ્થાપશે. – ટસ્કેગી યુનિ.
https://en.wikipedia.org/wiki/Tuskegee_University
અમેરિકન ઈતિહાસ બહુ કાળો છે, પણ એમાં આવી ઘણી , ઘણી સુવર્ણ રેખાઓ પણ છે.
—————–
દેશમાં પણ આવી નામી- અનામી વિભૂતિઓ છે જ. બહુ મોટી વિભૂતિઓનાં ગુણગાન ગાવામાંથી ચપટીક સમય કાઢી, એવાં અદના મહાત્માઓનાં જીવન અને કવન વિશે આપણે જાગૃત થઈએ તો?
પ્રતિભાવો આપનાર સહિત સૌ વાચકોનો આભાર. મુરબ્બી સુરેશભાઈના દેશપ્રેમને સલામ. તેમના જણાવ્યા પ્રમાણે દેશમાં પણ આવી નામી- અનામી વિભૂતિઓ છે જ. આ લેખક પાસે સમયની સમૃદ્ધિ વિપુલ છે, પરંતુ લેખન ક્ષમતા અને અનુભૂતિનું ક્ષેત્ર ચપટીથી પણ ઓછાં છે. આટલી મર્યાદા હોવા છતા, ગુજરાતની અનામી વિભૂતિઓના આ લેખકે લખેલાં ચરિત્ર્યો અને કાર્યો વે. ગુ. પર પ્રસિદ્ધ થયા જ છે. પરંતુ આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે વે.ગુ. પર તે ઉપલબ્ધ નથી . છતાં સંપાદકોને યોગ્ય લાગશે તો તેમાનાં એકાદ ચરિત્રને ભવિષ્યમાં પુન:પ્રસિદ્ધ કરશે તો આપના કરતા વિશેષ આનંદ મને થશે. હાલ તો આપણે વે.ગુ.ની તકલીફો પ્રત્યે જ સહાનુભૂતિ અનુભવીએ
લેખ ખૂબ ગમ્યો.