શ્રી ચિંતામણીના ગણપતિ- થેઉર

Facebooktwitterredditpinterestlinkedinmail

પૂર્વી મોદી મલકાણ

ब्रह्मा सृष्टयादिसकतः स्थिरमतिरहितः पीड़ितो विघ्नसंधे
आक्रांतों भूतिरक्तः कृतिगणरजस जीवता त्युक्तुमिच्छन ।।
स्वातमानं सरव्यकत्या गणपतीमामलं सत्यचिन्तामणियम्
मुक्तश्र्वास्थापयंत स्थिरमतिसूखदं स्थावरे ढुंढि मीड़े ।।

આ સૃષ્ટિનાં નિર્માતા એવા બ્રહ્માજીની જેમ જેનું મન વારંવાર ચંચળ થઈ જાય છે, જે હંમેશા આપત્તિઓથી ઘેરાયેલ હોય છે, જે સુખની સતત ખોજ કરે છે, જે પોતાના જીવનનો ત્યાગ કરવા ઈચ્છે છે તેમણે ગણપતિજીના ચિંતામણી તરીકે ઓળખાતા સ્વરૂપનું પૂજન કરવું જોઈએ. અષ્ટવિનાયકમાં તૃતીય સ્થાન થેઉરનાં દેવ ચિંતામણીનું માનવામાં આવ્યું છે. થેઉર અર્થાત્ “ઠહેરી ગયેલું કે સ્થિર થઈ ગયેલું”. કહેવાય છે કે સૃષ્ટિનાં નિર્માતા એવા બ્રહ્માજીનું મન એકવાર અત્યંત ચંચળ થઈ ગયું હતું. પોતાના ચંચળ મનને કારણે કયાંય તેમનું મન શાંત પડતું ન હતું આથી તેઓ વૈંકુંઠ, પૃથ્વીલોક અને બ્રહ્મલોક વચ્ચે ફર્યા કરતાં હતાં. આ સમયે બ્રહ્માજીએ પોતાના અશાંત મનને શાંત કરી મનમાં રહેલી અજાણી ચિંતાઓને દૂર કરવા માટે ગણેશ અને મુલામૂઠા નદીને કિનારે થેઉર ક્ષેત્રમાં જઈ ગણપતિજીની આરાધના કરી. પરમ પિતા બ્રહ્માજીની આરાધનાને અંતે ગણપતિજીએ ચિંતાને દૂર કરી. બ્રહ્માજીનાં મનમાં રહેલ ચિંતા દૂર થતાં બ્રહ્માજીનું મન સ્થિર થયું આથી આ સ્થળ “થેઉર”ને નામે પ્રસિધ્ધ થયું.

ઇતિહાસ:-

ઐતિહાસિક ક્ષેત્ર થેઉર પૂણે જિલ્લાના હવેલી તાલુકામાં આવેલ છે. આ સ્થળ પૂણે શહેરથી માત્ર ૨૫ કિ.મી.ની દૂરી ઉપર મુલામૂઠા નદીને તીરે વસેલ છે. આ ક્ષેત્ર વિષે બે કથાઓ પ્રચલિત છે. પ્રથમ કથા અનુસાર ગૌતમ ઋષિની પત્ની અહલ્યાનાં રૂપથી મોહીત થયેલ દેવરાજ ઇન્દ્રએ છળ દ્વારા અહલ્યાનું શીલભંગ કર્યું હોવાથી ગૌતમ ઋષિએ ઇન્દ્રને શાપ આપ્યો કે જે દેહ દ્વારા તે મારું રૂપ ધારણ કરીને મારી ધર્મિની સાથે અનાચાર કર્યો છે તે જ દેહમાં હજારો છિદ્ર પડે અને આ છિદ્ર દ્વારા તને અત્યંત પીડા પ્રાપ્ત થાય. ગૌતમ ઋષિ દ્વારા શાપિત થતાં ઇન્દ્રનો દેહ હજારો છિદ્રયુક્ત બની ગયો અને તે પારાવાર પીડા ભોગવવા લાગ્યો. પીડાયુક્ત ઇન્દ્ર એકવાર કૈલાસધામ જઈ માતા પાર્વતીને વિનંતી કરી કહેવા લાગ્યો કે મને પીડા મુક્ત કરો ત્યારે માતા પાર્વતીએ ઇન્દ્ર રાજાએ સ્ત્રી શક્તિનું અપમાન કર્યું હોવાથી તેમની વિનંતી સાંભળી નહીં પરંતુ સ્વયં માતા હોવાથી તેમનું હૃદય નરમ થઈ ગયું તેમણે દેવરાજ ઇન્દ્રને વિઘ્નહર્તા ગણપતિ પાસે પોતાની ચિંતા જણાવવા કહ્યું. ત્યારે દેવરાજ ઇન્દ્રએ પોતાની ચિંતા વ્યક્ત કરવા માટે ગણપતિજીની આરાધના કરી. વિઘ્નહર્તા ગણપતિજીએ ઇન્દ્રની આરાધનાને અંતે પ્રસન્ન થઈ તેમને દૈહિક પીડામાંથી મુક્ત કર્યા, પરંતુ તે છિદ્રો ઇન્દ્રરાજાના દેહ પર યથાવત રાખીને તેમને “સહસ્ત્રાક્ષુ” નામ અર્પિત કર્યું. પીડામાંથી મુક્ત થયા બાદ દેવરાજ ઇન્દ્રએ ગણપતિજીને ચિંતામાંથી મુક્ત કરનાર “ચિંતામણિ વિનાયક” નામ પ્રદાન કર્યું.

જ્યારે બીજી કથા અનુસાર પ્રાચીન સમયમાં અભિજિત નામના રાજાને ત્યાં વૈશંપાયન નામના ઋષિનાં આશીર્વાદથી એક પુત્રરત્ન પ્રાપ્ત થયું. રાજાએ આ પુત્રને ગણરાજ એવું નામ આપ્યું. અભિજિત રાજાનો આ એકમાત્ર પુત્ર હોવાને કારણે રાજા-રાણીએ તેને અત્યંત લાડકોડ આપ્યાં. વધુ પડતા પ્રેમને કારણે યુવરાજ ગણરાજ અત્યંત ક્રોધી અને કામી થઈ ગયો. જ્યારે ગણરાજ યુવાન થયો ત્યારે તે અત્યંત વીર અને પરાક્રમી થયો પરંતુ ક્રોધી અને કામી તેમજ અન્ય અવગુણોથી યુક્ત હોવાને કારણે તે પ્રજાજનોમાં ગણાસુરને નામે પ્રસિધ્ધ થયો.

એકવાર ગણાસુર કપિલમુનીના આશ્રમમાં ગયો ત્યારે કપિલમુનીએ પોતાની પાસે રહેલ ચિંતામણી નામના રત્નની મદદથી ગણાસુરનું યથોચિત્ત સ્વાગત કર્યું. ચિંતામણી રત્નથી મોહીત થયેલા ગણાસુરે કપિલમુની પાસે આ રત્નની માગણી કરી ત્યારે કપિલમુનીએ આ રત્નને ધનવંતરી દેવની પ્રસાદી અને આશ્રમની સંપદા જણાવી ગણાસુરને આપવાની મનાઈ કરી. કપિલમુનીના નકારથી ગુસ્સે ભરાયેલા ગણાસુરે કપિલમુની પાસેથી ચિંતામણી છીનવી લીધો અને પોતાના રાજ્ય તરફ ચાલી નીકળ્યો. ચિંતામણી રત્ન છીનવાઈ જવાથી કપિલમુનીએ માતા પાર્વતી પાસે જઈ ગણાસુર વિષે ફરિયાદ કરી અને વિનંતી કરી કે આપ દુર્ગાસ્વરૂપ ધારણ કરી ગણાસુરનો નાશ કરો. ત્યારે માતા પાર્વતીએ કહ્યું કે મારો દુર્ગાવતાર લેવાનો સમય પૂર્ણ થયો છે તેથી આપ વિનાયકજીની આરાધના કરી તેમને પ્રસન્ન કરો અને ગણાસુરનો વધ કરવાનું કહો. માતા પાર્વતીની વાત સાંભળીને કપિલમુનિએ એક સરોવરને કિનારે આવેલ કદંબનાં વૃક્ષ નીચે વિનાયકજીને પ્રસન્ન કરવા તપ કર્યું. જ્યારે વિનાયકજી પ્રસન્ન થયાં ત્યારે તેમણે ગણાસુરનો વધ કરી ચિંતામણી રત્ન પાછો મેળવ્યો અને કપિલમુનીનાં હસ્તમાં મૂક્યો ત્યારે કપિલમુનીએ કહ્યું કે હે વિનાયક આપ ભક્તોની સર્વે ચિંતાઓને દૂર કરનારા છો માટે હવે મને આ ચિંતામણી રત્નની કોઈ જ જરૂર નથી પણ એક વિનંતી કરું છુ કે આ રત્ન આપ આપના ગળામાં ધારણ કરો અને આપને શરણે આવતાં તમામ ભક્તોની ચિંતાઓનું આપ હરણ કરો. કપિલમુનીની આ વિનંતી પછી વિનાયકજીએ ચિંતામણી રત્ન અને ચિંતામણી નામ ધારણ કરી તે સરોવરને કિનારે કદંબનાં વૃક્ષ નીચે જ બિરાજયાં.

ચિંતામણી વિનાયકજીની મૂર્તિ અને મંદિરનો ઇતિહાસ:-

મોરયા ગોસાવી નામના ભક્તે થેઉરનાં જંગલોમાં શ્રી ગણેશની ઉગ્ર તપશ્ચર્યા કરેલી. આ તપશ્ચર્યાને અંતે શ્રી ગણેશે ગોસાવીજીને વાઘના રૂપમાં દર્શન આપ્યાં. ગોસાવીજીએ એ સમયે શ્રી ગણેશને કહ્યું કે દેવા આપનું આ વાઘસ્વરૂપ ખૂબ ડર લગાવે તેવું છે તેથી આપ સૌમ્યસ્વરૂપે અહીં જ બિરાજો અને આપના ભક્તોનાં મનોરથોને પૂર્ણ કરો, ત્યારે શ્રી ગણેશે ગોસાવીજી તરફ પ્રેમપૂર્વક જોતાં બે શીલાની બનેલી નાની એવી ગુફાનું નિર્માણ કર્યું અને પોતે ત્યાં સદાય માટે બિરાજી ગયાં. આજ ગોસાવીજીના પ્રપૌત્ર વંશજ મહારાજ દેવાજી દ્વારા ચિંતામણી વિનાયકજીના મંદિરની સ્થાપના કરવામાં આવેલી. આ મંદિરની સ્થાપનાના ૧૦૦ વર્ષ બાદ થેઉરનાં શ્રીમંત થોરલે માધવરાવ પેશવા અને તેમના ધર્મપત્ની રમાબાઈના આરાધ્ય દેવ ચિંતામણી હતાં. તેમણે આ મંદિરમાં લાકડાનો સભામંડપ બનાવ્યો જે આજે પણ જોવા મળે છે. આ મંદિરનાં ગર્ભગૃહની ફર્શ કાળા પથ્થરોથી બનેલ છે, પરંતુ મંદિરનાં ગર્ભગૃહની દીવાલો લાકડાની બનેલી છે. આના પરથી એક અનુમાન એ કરી શકાય કે મૂળ મંદિર કાળા પથ્થરોથી બનેલ હશે પરંતુ સમયાંતરે કદાચ એ પથ્થરોમાં આવેલી તિરાડોને કારણે માધવરાવ પેશવાએ લાકડાથી નવી દીવાલ બનાવી દીધી હશે. શ્રી ચિંતામણી દેવની મૂર્તિની સૂંઢ ડાબી બાજુએ વળેલી અને પૂર્વાભિમુખ છે. મૂર્તિનાં નયન માટે માધવરાવ પેશવાએ મંદિરને માણેક રત્ન ધરાવેલ જે આજે પણ ચિંતામણિ દેવનાં ચક્ષુઑમાં જોવા મળે છે. મંદિરનાં એક ખૂણામાં દેવ ચિંતામણીની સામે બેસીને ધ્યાન ધરવા માટે બેઠક બનાવવામાં આવી છે જેથી ભક્તો કોઈને પણ ખલેલ કર્યા વગર ત્યાં એકાંતમાં બેસી પોતાના પ્રભુ સાથે તાદાત્મ્ય સાધી શકે. શ્રી વિનાયકજીની બેઠકની બાજુમાં ભગવાન શિવના લિંગનું પણ સ્થાપન કરવામાં આવ્યું છે. સ્થાનિક પૂજારીઓનું કહેવું છે કે ભગવાન શિવ પાસેથી વિનાયકજી સતત જ્ઞાન પ્રાપ્ત કરે છે.

ઉત્સવ:-

થેઉરમાં મુલામૂઠા નદીને તીરે માધવરાવ પેશવાના ધર્મપત્ની રમાબાઈ સતી થયેલા તેથી કાર્તિક વદની અષ્ટમી રમા માધવ ઉત્સવ ઉજવવામાં આવે છે. આ દિવસે ચિંતામણી દેવની ખાસ પૂજા કરી યજ્ઞભોજ કરાવવામાં આવે છે. ગણપતિ ઉત્સવનાં દિવસોમાં અહીં ભક્તજનોની વિશાળ હાર જોવા મળે છે પરંતુ મંદિરનો મુખ્ય ઉત્સવ કાર્તિક વદ અષ્ટમીને દિવસે ઉજવવામાં આવે છે.

આસપાસનાં દર્શનીય સ્થળો:-

શ્રીમંત માધવરાવ પેશવા ભલે પૂનાનાં પેશવા ગણાતા હતાં પરંતુ તેમના આરાધ્ય દેવ ચિંતામણી હોઈ તેમણે થેઉરમાં મંદિરની દીવાલની પાસે જ પોતાના મહેલનું નિર્માણ કરેલું. આ મહેલમાં ચિંતામણી દેવનું મુખારવિંદ તેમને દેખાતું રહે તે હેતુથી એક વિશેષ કક્ષ બનાવેલ. શ્રીમંત માધવરાવજીએ પોતાના અંતિમ દિવસો આજ મહેલમાં કાઢ્યા હતાં. તે મહેલનો એક કક્ષ જ્યાંથી માધવરાવજી ચિંતામણીજીનાં દર્શન કરતાં હતાં તે કક્ષ આજે પણ મંદિરનો એક ભાગ ગણાય છે. આજે આ મહેલ થેઉરનાં દર્શનીય સ્થળોમાં એક ગણાય છે. માધવરાવજીનાં દેહત્યાગ બાદ તેમના પત્ની રમાબાઈ જે જગ્યાએ સતી થયેલા તે સ્થળને સતીનાં ચોતરા અથવા સતીનાં વૃંદાવન તરીકે ઓળખવામાં આવે છે. આ સ્થળ મુલામૂઠા નદીને તીરે આવેલ છે. જ્યારે મંદિરથી નદી તરફથી જઈએ ત્યારે દૂરથી નદીની અંદર આ સ્થળ દેખાય છે પરંતુ નદીની અંદર આ સ્થળ હોવાથી ખાસ સ્થાનિક નાવ અને નાવિકની સાથે જ આ સ્થળ પર જઈ શકાય છે.

ભક્તોની ચિંતાઓનું હરણ કરનારા ચિંતામણી વિનાયકજીની યાત્રા કરવા માટે મહારાષ્ટ્ર રાજ્યની બસ, ખાનગી વાહનો વગેરે ઉપલબ્ધ હોય છે પરંતુ બસ ક્યારે ઉપડે છે તેની જ રાહ જોવાની છે.


સરનામું:-

Shree Chintamani Temple
Taluka Haveli, Dist PUNE
Theur, Maharashtra 412110, India

Phone:+91 20 2791 2309


પૂર્વી મોદી મલકાણ ( યુ.એસ.એ ) purvimalkan@yahoo.com

3 comments for “શ્રી ચિંતામણીના ગણપતિ- થેઉર

 1. Pravina
  June 6, 2017 at 9:29 am

  સરસ માહિતી. મને આ લેખ માં ગણપતિની કથા કરતાં તે સ્થળ અને સ્થાન વર્ણન વાંચવાની મજા આવી.

 2. શૈલેષ રાવલ
  June 6, 2017 at 12:58 pm

  સુંદર વર્ણન

 3. Dipak Dholakia
  June 6, 2017 at 3:14 pm

  આપણી પૌરાણિક કથાઓ બહુ રસપ્રદ હોય છે. લેખ વાંચવાની મઝા આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *