બસ ત્યારે, આવજો !

Facebooktwitterredditpinterestlinkedinmail

– રજનીકુમાર પંડ્યા

કરાચીના દરિયામાં જબરદસ્ત વાવડો ઊઠ્યો અને પછી શરૂ થયું વરસાદનું તાંડવ. વહાણો તો ઠીક, પણ નાની નાની આગબોટો પણ હાલકડોલક થવા માંડી ત્યારે કરાચીનાં બંદર (ડૉક) ઉપર ઝીણા ઝરમર મેહમાંથી અચાનક મોટો વરસાદી માર પડવા માંડ્યો.

વજેશંકર રાવળના શરીરમાં ઝીણો ઝીણો તાવ તો હતો જ, છતાં કામે આવ્યા હતા. ખુલ્લા કાંઠેથી બંદર ઓફિસે પાછા ફર્યા ત્યાં તો આખેઆખા નીતરી ગયા. એમની સાથે કામ કરતા કારકુન પ્રભાશંકરે કહ્યું : “વજુભાઈ, ઘેર જતા રહો. આજ દરિયો ગાંડો છે અને આકાશ આંધળું. જુઓને, કેવું ટાઢોડું થઈ ગયું છે !”

અઠ્ઠાવીસ વરસના વજેશંકરના મનમાં ટાઢોડું નહોતું. જુવાનીની ગરમી હતી. બોલ્યા : ” શું કરી લેવાનો વરસાદ ? વરસાદ વરસાદનું કામ કરે. આપણે આપણું.”

આમ છતાં ઘેર આઠ મહિનાનું છોકરું છે અને પ્રેમાળ પત્ની, વિધવા મા છે – આ બધા ચિંતા કરતાં હશે એમ માનીને વજેશંકર રાવળ ઘેર વહેલા પાછા ફર્યા. પગારમાં મળેલી સો રૂપિયાની નોટેય પલળી ગઈ. ને શરીરમાં ધ્રૂજારી છૂટી. ઘેર જઈને પત્નીને સો રૂપિયાની નોટ આપી અને કહ્યું કે આને સાચવીને મૂકી દે અને પછી મારી થાળી કાઢ. ભૂખ લાગી છે. પત્ની શાંતાબહેને થાળી કાઢી. પછી સોની નોટ પતરાંની પેટીમાં મૂકી. નાના આઠ માસના બાબુને ખોળામાં લઈને સામે બેઠાં. બોલ્યાં : “આવા વરસાદમાંય બંદરે જવાની હુજ્જત ના કરતા હો તો !”

મીઠા સવાલ-જવાબ થશે એ અપેક્ષા હતી, પણ અચાનક વજેશંકરે પીરસેલી થાળીમાં હાથ ધોઈ નાખ્યા. “કેમ ?” તો કે, “શી ખબર ? ભૂખ લાગી હતી, પણ એક કોળિયો મોમાં ગયો ત્યાં તો ધરાઈ ગયા જેવું થઈ ગયું. એમ કર, મને ખાટલો પાથરી દે. સૂઈ જવું છે.”

ત્રણ ધડકી ઓઢીને વજેશંકર ખાટલામાં પડ્યાપડ્યા તાવિયેલ મગજમાં વિચારે ચડ્યા. શાંતા મને પરણી ત્યારે નવ વરસની હતી. હું હતો વીસનો. પછી ચૌદ વરસે એને આણું વાળ્યું. એ પછી પણ એક વરસ એણે સાસરા-પિયર વચ્ચે આવ-જા કરી. પંદરમે વર્ષે એને સીમંત આવ્યું. સોળમે વર્ષે એણે મને કુળનો વારસ આપ્યો. હળવદના ખાનદાન ગણાતા ભાઈશંકર ઠાકરનું એ ફરજંદ. મારે ત્યાં આવીને સ્ત્રી તરીકેનાં તમામ કર્તવ્યો બજાવવા માંડ્યાં. હજુ તો એ સત્તરની છે ને હું અઠ્ઠાવીસનો. હવે મારે એના માટે શું કરવું જોઈએ ? કેવાં કેવાં સુખ આપવાં જોઈએ ? મારી વિધવા માએ મને દળણાં દળી દળીને મોટો કર્યો છે. હવે મારે એને પણ કઈ કઈ રીતે સુખી કરવી ? આ આઠ માસનું બાળક પણ બેખબર હાથપગ ઉછાળીને ઘુઘવાટા કરે છે. એને મારો હાથ સ્પર્શે છે ત્યારે મને ભારે ટાઢક વળે છે. એના માટે મારે શું કરવું જોઈએ ? શું કરું તો આ બધાં સુખી થાય ?

આમ વિચાર કરતાં કરતાં વજેશંકરને ઊંઘ આવવા જેવું લાગવા માંડ્યું. આંખનાં પોપચાં ભારે ભારે થવા માંડ્યાં. ઈચ્છા છતાં આંખ ના ખૂલે.

વજેશંકર રાવળનાં સ્વપ્નાઓ, એમનાં આયોજનો અને વિચારો તો પોતાની સો વર્ષની ઉમર સુધી વિસ્તર્યા હતાં, પણ અઠ્ઠાવીસમા વરસની એ સાંજે જ એમની જીવનલીલા પૂરી થઈ ગઈ.

મૂળ હળવદના અને કરાચી જઈને વસેલાં બ્રાહ્મણ કુટુંબનાં ઘરમાં હવેથી એકસાથે બે વિધવાઓ થઈ. એક સડસઠ વર્ષની અને એક સત્તર વર્ષની. ઘરમાં પુરુષ રહ્યો એક – આઠ માસનો !

******

બધી ઉત્તરક્રિયા પતી એટલે સાસુએ વહુને એક દિવસ સાવ એકાંતમાં નજીક બોલાવીને કહ્યું : “હવે?”

બાબલો રડતો હતો એના અવાજમાં સાસુના સવાલનો અસલી મર્મ શાંતાગૌરી સુધી પહોંચ્યો નહિ. એટલે એણે બાળકની પીઠ થાબડીને એને છાનો રાખતાં પૂછ્યું : “શું કહ્યું, બાઈજી ?”

“હવે ?” સાસુ ફરી બોલ્યાં : “જિંદગી કેમ ગુજારવી છે ?”

શાંતાગૌરી થોડું સમજી, થોડું ના સમજી. પણ સમજી તે તળાવમાં જોરથી ફેંકાયેલા પથ્થરની જેમ હૃદયને છેક તળિયે બેસી ગયું, પણ એ બોલી શકી નહીં. રડી રડીને આંસુ આટલા દિવસમાં તો સાવ ખલાસ થઈ ગયાં, છતાં રહી ગયેલાં થોડાં લોહીના અર્ક જેવું ટીપું આંખના ખૂણે તગતગ્યું.

સાસુ બોલ્યાં : “ મેં પણ ઘંટી તાણી તાણીને, પારકાં કપડાં-વાસણ કરી કરીને વજુને મોટો કર્યો હતો. હવે તું પણ એ જ રીતે આ પૂંખડાંને મોટું કર. બસ, આપણી આગળ આથી વધારે મૂડી નથી.”

સાસુની વાતને શાંતાગૌરીએ એક આખો દિવસ જેમની તેમ મનમાં ઊતારવા-બેસારવા પ્રયત્ન કર્યો. ઘરની વિધવાઓ આ રીતનું જીવન જીવી જતી હતી. એકાદ વરસનો સંસાર, ઘરવાસનો સ્વાદ, પછી જીવનભર બેસ્વાદ, વેરાન રહો. એ પણ મંજૂર, પણ જિંદગી શું કોઈનાં ટાપાંટૈયાં, ઘરકામ, મજૂરી કરીને જ જીવવાની ?આઠ માસના પિંડને અઢાર વરસનો જુવાન આમ બનાવવાનો ?

બચતમાં શું હતું ? કંઈ નહિ. પતરાંની પેટીમાં પતિએ છેલ્લે દિવસે આપેલા સો રૂપિયા અકબંધ પડ્યા હતા. (એ જમાનામાં એ આજના બે હજાર રૂપિયા ગણાય.) એ મૂડી તો પત્નીની જ ગણાય ને ! પણ ના, એક વિચાર આવ્યો એટલે શાંતાગૌરી ઊભી થઈ. પતરાંની પેટીનો નકૂચો ખોલ્યો, જેમાંથી બેવડ વળી ગયેલી નોટ કાઢી સો રૂપિયાની. સાસુની પાસે જઈ ધરી. કહ્યું : “બાઈજી, આ તમારા દીકરાની છેલ્લી કમાણી. એ તમારી છે. તમે રાખો.”

“તું ?”

“હું મારા બાપને લખું છું. મને તેડી જાય. ભાઈ તો નથી.” બોલતાં બોલતાં શાંતાગૌરીની આંખમાં શેરીમાં ક્યાંક કોઈ બહેનપણીએ આપેલી ‘નભ્ભાઈ’ની ગાળ પાણી બનીને છલકાઈ ગઈ. એ બોલી : “એકલો બાપ છે અને એક આ દીકરો છે. જોઉં છું, હજી કેમ જીવન જિવાડે છે. બાકી દળણાં દળવાં નથી ને લોકોનાં ઠેબાં ખાવાં નથી એ નક્કી છે, બાઈજી.”

થોડા દિવસ પછી હળવદથી પિતા ભાઈશંકર ઠાકર આવ્યા. સામાન બાંધ્યો અને હળવદની વાટ પકડી. બહુ લાંબો પંથ. અર્ધો સ્ટીમરમાં, અર્ધો ગાડીમાં. ચોમાસું બરાબરનું જામ્યું હતું. પલળતાંપલળતાં, સાવ લથપથ બાપ-દીકરી ને છોકરું હળવદ પહોંચ્યાં.

******

જસુ શેરીમાં રોજ રમવા આવતો, પણ તે દહાડે ઘણી વાર સુધી આવ્યો નહિ. ધૂળમાં લીટા દોરી દોરીને નવી નવી આકૃતિઓ બનાવવાની અમને મઝા આવતી. તેર-ચૌદ વરસની ઉમરે નોટબુકમાં રાષ્ટ્રધ્વજ અને નેતાઓનાં ચિત્ર દોરવાની અમારી વચ્ચે હરીફાઈ થતી. શેરીના બીજા છોકરાઓ કરતાં અમે જુદા પડી જતા. એ ન આવે તો હું બેચેન થઈ જતો.

સારી વાર સુધી ન આવ્યો. વરસાદની ઝરમર શરૂ થઈ, છતાં એ ન આવ્યો. એના આંગણામાં જઈને બૂમ પાડી. અંદરથી જસુનો અવાજ આવ્યો : “તું જા, હું આવું છું.”

એ પછી પણ ઘણી બધી વાર લાગી. એટલે મારાથી ના રહેવાયું. વરસાદની રિમઝિમમાં કંઈ એકલા એકલા પલળવાની મઝા આવે ? એટલે હું આ વખતે તો દોડીને એના ઘરમાં જ પેસી ગયો. આમેય જુદાઈ નહોતી. હતા તો એ અમારા, અને અમારા ફળિયાના ભાડૂત જ. છતાં ઘરોબો થઈ ગયો હતો. જઈને જોઉં તો જસુની બા ઘૂંટણ વચ્ચે માથું નાખીને રડતાં હતાં અને જસુ એને છાનાં રાખતો હતો.

“શું છે ?” મેં પૂછ્યું : “કેમ તારી બા રડે છે ?”

“તું જા અહીંથી.” એમ કહ્યું છતાં હું ગયો નહિ. ત્યાં શાંતાબહેને મોં ઊંચું કર્યું. રડીને આંખો લાલ લાલ થઈ ગઈ હતી. બોલ્યાં : “તને એમાં સમજ નહિ પડે. જા.”

“છતાં કહોને !” એમ મેં કહ્યું ત્યારે શાંતાબહેન તો નહિ, પણ જસુ બોલ્યો : “ એ તો આજે બળેવનો દિવસ છે ને, એટલે !”

“તે એમાં રડવાનું શું ?” મેં નિર્દોષ ભાવે પૂછ્યું : “શાંતામાસી, તમારે પણ નિશાળમાં રજા, મારે અને જસુને પણ રજા. તો મઝા કરો ને !”

“એ તો…” જસુ અંતે અચકાતાં અચકાતાં બોલ્યો: “મારે કોઈ મામા નથી ને, એટલે ! મારી બા કોને રાખડી બાંધે ?”

એ ક્ષણનું કોઈ જ પૃથ્થકરણ કરી શકું તેમ નથી. રિફ્લેક્સ એકશનની ઝડપ સૂર્યકિરણો કરતાં ખૂબ વધારે હોતી હશે. થયું કંઈક એકાએક. મારાથી એકદમ કાંડું લંબાવાઈ ગયું અને ‘શાંતામાસી’ને બદલે ‘શાંતાબહેન’નું સંબોધન થઈ ગયું. કહ્યું : “લો, બાંધો રાખડી શાંતાબહેન. હું તમારો ભાઈ !”

મને યાદ છે. પૂજાના ગોખલામાં વણવપરાયેલી રાખડી લાંબા સામાન્ય દોરાની જેમ પડી હતી. જસુ તરત લઈ આવ્યો. અને શાંતાબહેને ઝટપટ સાડીના છેડાથી આંસુ લૂછીને મને રાખડી બાંધી દીધી. સામાન્ય દોરા જેવી લાગતી એક રાખડી જાણે કે ઝળહળતી સુવર્ણરક્ષા બની ગઈ. શાંતાબહેને મને ગાલે બચી કરીને મોંમાં પેંડાનું બટકું મૂક્યું. પછી એ આંગણામાં આવ્યાં અને થંભી ગયેલા વરસાદી આકાશ તરફ પ્રસન્ન નજરે જોયું.

********

આ જેતપુરમાં 1952માં શિક્ષિકાની નોકરી અગાઉ શાંતાગૌરીબહેને જે પુરુષાર્થ કર્યો હતો તેની કથા ધીરેધીરે ટપકટપક આ છવ્વીસ વરસો દરમિયાન મળી. નાતરિયા વરણની વિધવા નાતરું કરે. બિન-નાતરિયા વરણની વિધવા પારકાં કામ કરે અને અનેક લોલુપ નજરોનો ભોગ બને. હળવદી બ્રાહ્મણ શાંતાબહેને નક્કી કર્યું કે પતિએ સોંપેલા આઠ માસના બાળકને, સ્વમાન કે સ્વત્વનો લેશમાત્ર ભોગ આપ્યા વગર મોટું કરવું. જિંદગીનો નકશો સ્પષ્ટ નહોતો. પિતા સામાન્ય કોન્ટ્રાક્ટર હતા. ભાઈ નહોતો. અંધારું હતું. તેમાં દીવો જોઈએ માત્ર ભણતરનો. આમ છતાં એક વરસ શાંતાબહેને રિવાજ પ્રમાણે ખૂણો પાળ્યો. પછી પાંચ-છ ધોરણથી અધૂરું મૂકેલું ભણતર હળવદમાં આગળ ધપાવ્યું. પોતાનાથી મોટી વયની વિધવા, એક બાળકવાળી વિદ્યાર્થીનીને જોઈને નાનકડી છોકરીઓ મશ્કરી પણ કરતી હશે. બધું સહન કર્યું. ફાઈનલ પાસ કરીને રાજકોટ અને બીજે પી.ટી.સી.નો અભ્યાસ કર્યો. એમાં એના મોટા બનેવી સોમનાથભાઈએ અને બહેને સાથ આપ્યો. બહેન બેનકુંવરનો છોકરો જગ્ગુ એટલો હળી ગયો કે શાંતાબહેનને જ ‘મા’ કહીને બોલાવતો. છેક સમજણો થયો ત્યારે ખબર પડી કે શાંતાબહેન તો મારી મા નથી, માસી છે. ભાઈ વગરનાં શાંતાબહેન બીજી પાંચ બહેનોમાં સમાઈ રહ્યાં.

********

રાજકોટમાં 43, કોટેચાનગરમાં એમનાથી નાનાં બહેન હરીચ્છાબહેન રહે. એ પણ ભાઈની ચાહનાવાળાં. એક બળેવે મને રાખડી બાંધી પછી જરા એમની પીઠ ફરી કે મેં એમના પતિ ચંદ્રકાન્ત આચાર્યને પૂછ્યું, “સાચું કહેજો. માણસો પોતાનાં નાનાં ભાઈબહેનોના બોજ ઉપાડે, ક્યારેક પત્નીનાં નાનાં ભાંડરુંને પણ વેંઢારે. પણ તમે આ પાટલાસાસુ ગણાય એવાં શાંતાબહેનને આટલાં વરસ ખરાં પાળ્યાં !”

(ડાબેથી) તરુલતા રજનીકુમાર પંડ્યા, હરીચ્છાબહેન, ચંદ્રકાન્ત આચાર્ય, રજનીકુમાર

“અરે !” બોલતા ભીખુભાઈ ઉર્ફે ચંદ્રકાંત આચાર્ય આર્દ્ર થઈ ગયા. “શી વાત કરો છો ? એમનો તો અમારા પર છાંયો છે. અને એમનાં શુદ્ધ, પવિત્ર અને સાત્વિક જીવનથી તો ઊલટાનું અમને જીવવાનું બળ મળે છે.”

કશું અજુગતું બોલાઈ ગયું હોય એમ હું ચૂપ થઈ ગયો.

ત્યાં થોડી વારે એમણે જ મારો સંકોચ ભાંગ્યો. બોલ્યા : “પી.ટી.સી. કર્યા પછી એક વરસ એમણે બગસરા નોકરી કરી. પછી બે વરસ જેતપુર રહ્યાં. ત્યાં તો એમનું જીવન તમારી સામે જ હતું. પછી વાંકાનેર એકાદ વરસ અને પછી અહીં રાજકોટમાં જ છે. અમારી જિંદગીમાં એ એટલાં બધાં ઓતપ્રોત થઈ ગયાં છે કે વૃક્ષમાં લીલાશ.”

શાન્તાબેન

એમના શબ્દોમાં જે લાગણી હતી તેની પ્રતીતિ પ્રસંગેપ્રસંગે થઈ. બન્ને બહેનોનાં ઘરમાં સારામાઠે પ્રસંગે અચૂક ભાઈ તરીકે હાજર રહેતો ત્યારે જોઈ શકતો કે ક્યાંય કોઈ જરા સરખી પણ રેખ નહોતી.

એક વાર શાંતાબહેન મારી પાસે બોલ્યાં હતાં :”ભાઈ, બાબુ(જસુ)ને આર્ટિસ્ટ થવાનો શોખ છે. એ લાઈનમાં જવા દેવો ? શું કહો છો ?”

બચપણમાં શેરીઓમાં દોરેલા લીટાઓમાં પણ બાબુની આંગળીઓની કમાલ મને યાદ આવી ગઈ. મેં કહ્યું : “ચોક્કસ ! પણ બહેન, બહુ ખર્ચાળ છે હો એ લાઈન.”

પણ ખર્ચનો પ્રશ્ન મોટા બનેવી સોમનાથભાઈએ બીજાઓ સાથે મળીને હલ કરી આપ્યો. બાબુને જેમાં રુચિ છે એ જ લાઈન લેવા દેવી, એવો એમનો મત. ચંદ્રકાન્ત આચાર્યનો એમને ટેકો. જોકે શાંતાબહેનની મરજી એકના એક છોકરાને જલદી વરાવી-પરણાવી નોકરીએ વળગાડીને સુખી જોવાની હતી. પણ બાબુનું ‘સુખ’ કલાકાર થવામાં હતું.

શાંતાબેન

*******

બાબુ ઊર્ફે જસુ રાવળ ખરેખર રાષ્ટ્રીય કક્ષાના કલાકાર થયા. રાજ્યકક્ષાથી માંડીને રાષ્ટ્રીયકક્ષા સુધીના અગિયાર તો એવોર્ડ એમને મળ્યા.વકીલ એન્ડ સન્સ જેવા ગ્રીટિંગ કાર્ડઝના ભારતભરમાં મહારથી ગણાય તેવા કલાવ્યાપારગૃહે તેનાં ચિત્રોનાં રિપ્રોડકશન્સ કર્યાં અને ભારત હેન્ડલૂમ બોર્ડે તેમને ભારે પગારે બેંગ્લોરમાં બોલાવીને રોકી લીધા. દરમ્યાન વર્યા-પરણ્યા ને વિધવા માતાને પૌત્ર-પૌત્રીની ભેટ ધરી.

છેલ્લે શાંતાબહેન મળ્યાં ત્યારે પાંત્રીસ વરસ અગાઉ જોયેલાં શાંતાબહેનનો ચમકતો યુવાન ચહેરો નહોતો. વૃદ્ધ અને કરચલિયાળાં થઈ ગયા હતાં. થોડાં બીમાર પણ. પણ આંખોમાં સત્વનું તેજ કાયમ હતું. બોલ્યાં :”ભાઈ, ભગવાને મને બધું આપ્યું. ભાઈ નહોતો તે પાંત્રીસ વરસ અગાઉ તારા રૂપમાં મળી ગયો. દીકરાને ઘેર દીકરો. અને તે પણ એના કરતાં ચાર ઈંચ ઊંચો. હવે મારે એને એક મકાન બાંધીને આપવાનું હતું. તે પણ આપી દીધું. મારાં પેન્શનમાંથી એના હપ્તા ભરું છું.”

હસીને મેં કહ્યું : “બહેન, ચલો તમારો ફોટો પાડું.” એ ઊભાં થયાં. મેં કેમેરા ક્લિક કર્યો પણ થયો નહિ. એમાંથી ફિલ્મ જ ખલાસ થઈ ગઈ હતી. મેં કહ્યું : “ચાલો બહેન, ફરી ક્યારેક.”

પણ ‘ફરી ક્યારેક’ આવ્યું જ નહિ. આ તરફ મકાનના હપ્તા પૂરા થયા. કોઈ બોજો રહ્યો નહિ. ત્યાં તો એમના અવસાનના સમાચાર આવ્યા. કામ પૂરું થયું. હંસલો ઊડી ગયો.

(નોંધ:

આ લેખ લખ્યે પણ બીજાં ત્રીસ વર્ષ થયાં, લેખમાં ઉલ્લેખેલાં હરીચ્છાબહેન (શાંતાબહેનનાં નાના બહેન)ના પતિ ચંદ્રકાંતભાઇ પણ અવસાન પામ્યાં છે. પણ છાસઠ વર્ષ પહેલાં બંધાયેલો મારો આ નાતો હજુ અકબંધ છે. દર બળેવે એમની રાખડી આવે છે અને દર બળેવે મારા તરફથી વીરપસલી એમને પહોંચે છે. એમના દર શુભ પ્રસંગોએ ભાઇ તરીકેનો બધો સામાજિક વ્યવહાર મારા તરફથી થાય છે.


જશુ રાવલ

મારા બાળગોઠીયા અને શાંતાબહેનના પુત્ર આર્ટિસ્ટ જશુ (જશવંતરાય વજેશંકર રાવળ) હેન્ડલૂમ બૉર્ડની નોકરીમાંથી રિટાયર્ડ થઇને પુત્ર ગોપાલ અને તેના પરિવાર સાથે બેંગ્લોરમાં આનંદથી નિવૃત્ત છતાં પ્રવૃત્તિમય જીવન ગુજારે છે. દેશ-વિદેશમાં તેમનાં ચિત્રપ્રદર્શનો યોજાય છે. હાલમાં છેલ્લું એક્ઝીબીશન ફ્રાન્સમાં યોજાઇ ગયું. આ સાથે તેમની કલાની જરા ચખણી મૂકી છે.

–લેખક)

————————————————————————

લેખક સંપર્ક-

રજનીકુમાર પંડ્યા.:

બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦

મો.95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન-079-25323711/ ઇ મેલ-rajnikumarp@gmail.com

12 comments for “બસ ત્યારે, આવજો !

 1. Piyush Pandya
  June 5, 2017 at 10:05 am

  ‘હુજ્જત’ અને ‘ચખણી’ – – આ બે શબ્દો કેટલાં વર્ષો પછી માણવા મળ્યા! લોકસામાન્યના જીવનમાં બનતી રહેતી કેટલી બધી અસાધારણ બાબતો/ઘટનાઓ તરફ આંગળી ચીંધી ચીંધી ને ખુબ જ આનંદ આપતા રહો છો અને આપતા જ રહેશો.

 2. Prafull Ghorecha
  June 6, 2017 at 11:17 am

  બહુ કરુણ પણ સારા અંત વાળી જીવન ઝરમર.

 3. દાદુ શિકાગો..
  June 6, 2017 at 9:42 pm

  ધડકી,પૂંખડા,નભ્ભાઇ, કેટલા સુંદર અને સચોટ શબ્દો.. માન ગયે સરકાર..!! સરસ લેખ.

 4. Ishwarbhai Parekh
  June 6, 2017 at 11:05 pm

  RAJNIKUMAR SHANTA BEN NI HIMMAT ,BAHOSHI AN E JIVAN JIVAVANI ADMYA JIJIVISHA THI VIDHVA JIVAN UJJVAL BANAVYU ,STREE MATRA BHAVNA NI BHUKHI CHHE .

 5. Navin trivedi
  June 7, 2017 at 11:13 am

  My maternal grand father was having business at Clifton in Karachi. This was donated by King Harisinh of Kashmir as my maternal grandfather was Gor for sometime but he did not accept any Dakshina from the king. My maternal grandmother used to tell me the story of their some days in Karachi. In those days, Karachi was dominated by Gujaratis (when Mrs Bhutto was murdered, her body was kept in PM room – which was having gujarati words “MadadaGhar”. Real but heartthrobbing story – Manavta Kyarey parvarti nathi – this has been proved – hearty compliment to Shri Rajnikumarbhai – navin trivedi

  • Rajnikumar Pandya
   June 9, 2017 at 1:25 am

   Thanks Sir

 6. Purvi
  June 9, 2017 at 6:50 am

  અત્યંત સ્પર્શનીય

 7. June 9, 2017 at 1:04 pm

  વધુ એક સુંદર કથાનક શ્રી રજનીકુમારની કલમે.

 8. Gulabrai D. Soni
  June 11, 2017 at 2:20 pm

  ખરેખર! માણસના જીવનમાં કેવી કેવી કસોટીઓ આવે છે.! પણ ક્યાંક તો ભગવાન એકાદ બારી ખોલી આપે છે. કેટલીક સાચી વાતો પણ વાર્તા કરતાં વધારે સચોટ હોય છે. નહીતર ક્યાં એક નિરાધાર આઠ માસનો બાળક અને ક્યાં જગમશહૂર કલાકાર! કહેવું પડે કે કમાલ છે. તમારી કલમમાં પણ એક આગવી તાકાત છે.કે વાતની સચોટ રજૂઆત કરવી. આવી જ વાતો પીરસતા રહો એજ અપેક્ષા.

 9. Dr.Suresh Kubavat
  June 14, 2017 at 7:41 pm

  Varsata rahejo Rajnibhai.
  Bhinjavu game chhe.

 10. વિરેન પટેલ
  June 19, 2017 at 4:59 pm

  પ્રેરણાત્મક જીવનની એક સાચુકલી વાત.
  પશ્ચિમના પવનની અસર નીચે સ્ત્રીઓને પુરુષ સમોવડી થવાની હાકલ હમણાં થોડા વર્ષો થી થાય છે.
  મારા મતે તો શાંતાબેને તે જમાનામાં પુરુષ સમોવડી થઈ બતાવ્યું કહેવાય.
  શાન્તાબેનની આ વાત અને એમના જેવા અનેક શાન્તાબેનની વાતો આપણા સમાજમાં ધરબાઈને પડી છે.
  આવી પ્રેરણાત્મક વાત વાંચકો સમક્ષ મુકીને તમારી કલમ ધુળધોયાનું કામ કરે છે.

  વિરેન પટેલ – મુંબઈ

 11. atul rao
  June 19, 2017 at 8:13 pm

  what a way of depiction …every moment , each character are throbbing like waves of sea ,,,,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *