





– તુષાર શુક્લ
દરિયાનાં મોજાં કંઈ રેતીને પૂછે, ‘તને ભીંજાવું ગમશે કે કેમ ?’;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.
ચાહવા ને ચૂમવામાં ઘટનાનો ભેદ નથી, એકનો પર્યાય થાય બીજું;
આંખોનો આવકારો વાંચી લેવાનો, ભલે હોઠોથી બોલે કે, ખીજું ?
ચાહે તે નામ તેને દઈ દો તમે રે ભાઈ અંતે તો હેમનું હેમ;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.
ડગલે ને પગલે જો પૂછ્યા કરો તો પછી કાયમના રહેશો પ્રવાસી;
મન મૂકી મ્હોરશો તો મળશે મુકામ, એનું સરનામું સામી અગાશી.
મનગમતો મોગરો મળશે, વટાવશો વાંધાની વાડ જેમ જેમ;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.
* * *
(ફિલ્મો અને ટેલીવિઝન માટે અનેક ગીતો લખનાર કવિ શ્રી તુષાર શુક્લ સંગીત કાર્યક્રમો તથા કાવ્ય મુશાયરાઓમાં એક સફળ સંચાલક પણ છે. ‘આશકા’, ‘આ ઉદાસી સાંજની’, ‘મારો વરસાદ’, ‘તારી હથેલીને’, ‘પૂછીને થાય નહિ પ્રેમ’ જેવા ઘણા કાવ્યસંગ્રહો ગુજરાતી કાવ્યવિશ્વમાં ઊંચા આસને બિરાજે છે. શ્રી શ્યામલ-સૌમિલના સંગીત અને સ્વરમાં ગવાયેલ તેમની ઉપરોક્ત રચનાને નવી પેઢીએ ખૂબ પ્રેમ કર્યો છે એ વાત સૌ કોઈ જાણે છે. ‘વેબગુર્જરી’ પર આ કૃતિ પ્રગટ કરવા માટે કવિ શ્રી તુષારભાઈની ફેઈસબૂક પર મળેલ સંમતિ બદલ ‘વેગુ’પરિવાર આભાર સહિત આનંદ અને ગૌરવ વ્યકત કરે છે.
– દેવિકા ધ્રુવ, ‘વેગુ’ સાહિત્ય સમિતિ)
વાહ,તુષારભાઇ,
સપનામાં જાેઈને, મલકાતા દૂરથી,
મળવું હવે તને કેમ?
એવી ગૂંચવણમાં, કેમ થાય પ્રેમ ?
મજા આવી ગઇ.