





– બીરેન કોઠારી
‘મહાત્મા ગાંધી જે સ્થળે વિદ્યાર્થી તરીકે હર્યાફર્યા હશે એ શાળાની મુલાકાત લઈને હું રોમાંચિત થઈ ગયો છું. પ્રત્યેક ભારતીય વિદ્યાર્થી આ સ્થળની મુલાકાત લઈ શકે એ માટે તેને તીર્થધામ બનાવવું જોઈએ. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના મહાદર્શનનો તે અંશ છે.’ આવી નોંધ લખનાર છે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામ.
બીજો સંદેશ જોઈએ. ‘શાળા પારણું છે, જે જીવનઘડતર કરે છે. પૂજ્ય બાપુનું જીવનઘડતર થયું એવી આ શાળા એક તીર્થધામ છે. આ શાળાએ આપેલાં મૂલ્યોએ એક આખા યુગને પ્રભાવિત કર્યો છે. આવા તીર્થસ્થાન પર હું મારું મસ્તક સો વાર નમાવું છું.’ આ સંદેશનોંધ લખનાર તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી છે. સંદેશા દ્વારા સ્પષ્ટ છે એમ જે સ્થળનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ સ્થળ એટલે ગાંધીજીએ જે શાળામાં અભ્યાસ કર્યો હતો એ રાજકોટસ્થિત મહાત્મા ગાંધી વિદ્યાલય.
થોડા દિવસોથી આ શાળા ચર્ચામાં છે. અસલમાં 1853માં આરંભાયેલા આ શાળાનું નામ ‘રાજકોટ ઈંગ્લીશ સ્કૂલ’ હતું. 1870 માં મહારાણી વિક્ટોરીયાના કુંવર આલ્ફ્રેડ અર્નેસ્ટે ભારતની મુલાકાત લીધી હતી. આ મુલાકાતની સ્મૃતિમાં 1875 માં શાળાનું નામ બદલીને આલ્ફ્રેડ હાઈસ્કૂલ રાખવામાં આવ્યું. કહેવાય છે કે આગળ જતાં મહાત્મા ગાંધી તરીકે ઓળખાનારા મોહનદાસ ગાંધી 1880 થી 1887 દરમિયાન આ શાળામાં ભણ્યા હતા. પોતાની શાળામાં ભણેલો વિદ્યાર્થી ‘રાષ્ટ્રપિતા’નું બિરુદ પ્રાપ્ત કરે ત્યારે તેનું વાજબી ગૌરવ તેની સાથે સંકળાયેલી સંસ્થાઓ લે એ સ્વાભાવિક છે. આ ક્રમમાં 1971માં શાળાનું નામ બદલાઈને ‘મહાત્મા ગાંધી વિદ્યાલય’ રાખવામાં આવ્યું હતું. આશરે 164 વર્ષ જૂની આ શાળાને બંધ કરવાનો નિર્ણય તાજેતરમાં રાજ્ય સરકારે જાહેર કર્યો છે, તેને પગલે આ શાળા સમાચારોમાં ચમકી છે.
એ હકીકત છે કે આ સ્થળનું મહત્ત્વ ભાવનાત્મક છે, જેનો પુરાવો લેખની શરૂઆતમાં આપેલી નોંધો આપે છે. દેશવિદેશના અનેક મહાનુભાવો આ સ્થળની મુલાકાત લઈ ગયા છે અને રોમાંચિત તેમજ અહોભાવિત થયા છે. આ શાળાનો એક સામાન્ય વિદ્યાર્થી દેશના સ્વતંત્રતા આંદોલનને દોરવણી આપીને દેશનો ઈતિહાસ બદલવામાં નિમિત્ત બને એ હકીકત કોઈને પણ રોમાંચિત ન કરે તો જ નવાઈ. અંગ્રેજી સ્થાપત્યશૈલીનું તેનું મકાન પણ ઈતિહાસનાં પૃષ્ઠોમાં પાછા લઈ જવાની અનુભૂતિ કરાવે એવું છે.
સરકાર સંચાલિત આ શાળા કાર્યરત હતી અને ભૂતકાળમાં તેનાં પરિણામો સંતોષકારક રહ્યાં હતાં. કહેવાય છે કે એક અરસા સુધી તેમાં સક્ષમ શિક્ષકો હતા. એ બધા ધીમે ધીમે નિવૃત્ત થતા ગયા. તેની સીધી અસર શાળાના વિદ્યાર્થીઓના પરિણામ પર જણાવા માંડી. અને નબળા પરિણામની અસર શાળાની વિદ્યાર્થીસંખ્યા પર પડી. તેને કારણે શિક્ષકોની સંખ્યા પણ ઘટતી રહી. ‘ઈન્ડીયન એક્સપ્રેસ’ના એક અહેવાલ મુજબ, 2002માં અહીં કુલ 37 શિક્ષકો હતા, જે 2005 માં ઘટીને 27 થયા, અને 2015માં સાવ 15 શિક્ષકો જ રહ્યા. એ અગાઉ 2012માં આ શાળા સાવ જુદા કારણોસર સમાચારમાં ચમકી હતી. બારમા ધોરણના વિજ્ઞાન પ્રવાહના કુલ 14 વિદ્યાર્થીઓમાંથી આ વર્ષે એક પણ વિદ્યાર્થી પાસ થઈ શક્યો નહોતો. તેની આગળના વર્ષે કુલ 13 વિદ્યાર્થીઓમાંથી માત્ર એક વિદ્યાર્થી પાસ થઈ શક્યો હતો. શાળાનું દસમા ધોરણનું સમગ્ર પરિણામ પણ ઉત્તરોત્તર નબળું થતું આવ્યું હતું. 2009માં તે પચીસ ટકાથી ઓછું, અને 2013 માં તે સાવ દસ ટકા થઈ ગયું હતું.
એક સમયે જે શાળા ત્રણ હજાર વિદ્યાર્થીઓથી ધમધમતી હતી, તેમાં આ સંખ્યા ઉત્તરોત્તર ઘટતી ગઈ અને ગયે વર્ષે તે માત્ર 141 વિદ્યાર્થીઓ સુધી આવી ગઈ. એક કર્મચારીના જણાવ્યા મુજબ નેવુના દાયકા સુધી શાળામાં ઘણા સારા શિક્ષકો હતા, જે ધીમે ધીમે નિવૃત્ત થતા ગયા, અને કેટલાકની બદલીઓ થઈ. આની સીધી અસર વિદ્યાર્થીઓના દેખાવ પર થઈ હોવાનું એક કારણ મનાય છે.
અલબત્ત, આ શાળાને બંધ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે, અને તેને કાયમી સંગ્રહસ્થાનમાં રૂપાંતરીત કરવાની દરખાસ્ત પર વિચારણા ચાલી રહી છે. હવે આ શાળામાં કોઈને પ્રવેશ આપવામાં આવતો નથી, અને જે વિદ્યાર્થીઓ છે તેમને ‘સ્કૂલ લીવીંગ સર્ટિફિકેટ’ આપીને અન્ય શાળામાં પ્રવેશ મેળવી લેવાની સૂચના આપવામાં આવી છે.
પહેલાંની વાત અલગ છે, પણ શિક્ષણનું ખાનગીકરણ થયા પછી મોંઘીદાટ ફી ધરાવતી ખાનગી શાળાઓના વિકલ્પે મુખ્યત્વે નબળી આર્થિક સ્થિતિ ધરાવતા પરિવારનાં બાળકો આ સરકારી શાળામાં ભણવા આવતા હતા. આ શાળાના મકાનને યથાવત્ જાળવીને તેમાં મહાત્માની સ્મૃતિને સમર્પિત એવું સંગ્રહસ્થાન બનાવવાની દરખાસ્ત રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકારને મોકલવામાં આવી છે. અહીંની મુલાકાતે આવેલા અનેક મુલાકાતીઓએ પણ અહીં સંગ્રહસ્થાન બનાવવાનાં સૂચન આપેલાં છે.
ગાંધીજી જેવી રાષ્ટ્રીય વિભૂતિની સ્મૃતિ જેની સાથે સંકળાયેલી છે એવી આ શાળા 164 વર્ષ પછી બંધ કરવાનો નિર્ણય લેવાઈ ગયો છે. આ નિર્ણયનો વિરોધ પણ કરવામાં આવ્યો છે અને તેને શાળા તરીકે ચાલુ રાખવી જોઈએ એવી માગણી થઈ રહી છે.
આ સમગ્ર ઘટનાની વિગત જાણ્યા પછી કેટલાક સવાલ એક નાગરિક તરીકે આપણા મનમાં થયા વિના રહેતા નથી. શિક્ષણના કથળેલા સ્તરને લઈને મળતું નબળું પરિણામ અને તેને પગલે ઘટતી વિદ્યાર્થીઓની સંખ્યાની સમસ્યા શું લાઈલાજ છે? આમ થવાની જવાબદારી કોની ગણાય? કોઈ એક વિભાગને જવાબદાર ગણવાને બદલે આ સ્થિતિની સુધારણા માટે સામૂહિક પ્રયત્નો કેમ ન થઈ શકે? સંગ્રહાલય બનાવવાનો વિચાર ખોટો નથી, પણ ગાંધીજીના નામે અનેક ઈમારતો અને સ્મૃતિઓ ઉભી થઈ ગયેલી છે. તેમાં એકનો વધારો કરવાથી ગાંધીના નામે વધુ એક રજવાડું જ ઉભું થશે, એમ તવારીખ કહી રહી છે. ગાંધીજી જે શાળામાં ભણ્યા ત્યાં સંગ્રહસ્થાન બનાવીને તેમની સ્થૂળ સ્મૃતિને જાળવવી કે એ શાળામાં વરસોથી ચાલ્યું આવતું શિક્ષણકાર્ય આગળ ધપાવીને તેમને સાચી અંજલિ આપવી?
સંગ્રહસ્થાન ઉભું થશે એ પછી તેમાં ગાંધીજીના જીવન અને દર્શનને લગતી અનેક બાબતોનું પ્રદર્શન કરવામાં આવશે, મુલાકાતીઓ સેલ્ફી લઈ શકે એવા વધુ એક સ્થળનો ઉમેરો થશે, અને કદાચ તેને લઈને આવકનો એક સ્રોત વધશે. ગાંધીમૂલ્યોને આમ પણ કોઈ સ્થળવિશેષ સાથે સંબંધ નથી. તેને જાળવનારા ગમે ત્યાં એને જાળવી રાખશે, જાળવવાનો દેખાવ કરનારા ગમે તે સ્થળે પણ એ દંભ કર્યે રાખશે, અને તેને નેવે મૂકનારા માટે કોઈ સ્થળવિશેષની આવશ્યકતા નથી. શિક્ષણનું સ્તર ઊંચું લાવવાની જરૂર આમ પણ ક્યાં છે? એપીજે અબ્દુલ કલામ જેવા એક ગરીબ મુસલમાનના પુત્ર દેશના સર્વોચ્ચ નાગરિકપદે પહોંચી શકતા હોય કે એથી અગાઉ મોહનદાસ ગાંધી જેવા સામાન્ય વિદ્યાર્થી દેશના ‘રાષ્ટ્રપિતા’નું બિરુદ મેળવી શકતા હોય એટલું ગૌરવ પૂરતું નથી?
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફીર દેખો યારોં’માં ૧૮-૫-૨૦૧૭ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
પ્રવેશોત્સવ, ગુણોત્સવ ઉપરાંત જ્યારે ને ત્યારે ‘લોક લાડીલા’ કોઈ ‘શ્રી’ પધારે ત્યારે ટોળોત્સવ! આ બધા તાયફાઓમાંથી ઊંચા આવે તો શિક્ષકો ભણાવે અને વિદ્યાર્થીઓ ભણે, ને! કંઈક આવું જ આલ્ફ્રેડ હાઈસ્કૂલ સાથે બન્યું હશે. નવા શિક્ષકોની ભરતી કરવી એટલી કષ્ટદાયી પ્રક્રિયા છે કે એને બને ત્યાં સુધી ટાળવામાં આવે છે. ધીમે ધીમે ખાનગી શાળાઓ જ રહી જાય એવો કારસો મક્કમ ગતિએ આગળ વધી રહ્યો છે. જો કે આ મકાનનો ઉપયોગ મ્યુઝિયમ બનાવવા માટે થવાનો છે એ રાહત દેનારી વાત છે.
પહેલાંની વાત અલગ છે, પણ શિક્ષણનું ખાનગીકરણ થયા પછી મોંઘીદાટ ફી ધરાવતી ખાનગી શાળાઓના વિકલ્પે મુખ્યત્વે નબળી આર્થિક સ્થિતિ ધરાવતા પરિવારનાં બાળકો આ સરકારી શાળામાં ભણવા આવતા હતા.
——–
ભલે શિક્ષણશાસ્ત્રીઓ સહમત ન થાય …
છેવાડાના બાળકો માટે ઈ-શિક્ષણ સિવાય બીજો કોઈ જ વિકલ્પ નથી. દરેક બાળકને ઘેર લઈ જઈ, પ્રેક્ટિસ/ હોમ વર્ક કરવા સસ્તી કિંમતના ટેબ્લેટ અને જરૂરી સોફ્ટ વેર બનાવવાનો પ્રોજેક્ટ સરકાર ક્યારે હાથમાં લેશે? જો આમ થાય તો વિશ્વ કક્ષાનું શિક્ષણ ઝુંપડાંમાં રહેતાં બાળકોને આપી શકાય.
નોંધી લો કે આ પ્રોજેક્ટમાં પ્રધાનો/ સેક્રેટરીઓ માટે બહુ મોટો ‘દલ્લો’ પણ મળી રહેશે ! પ્રોજેક્ટ કોસ્ટનો મારો અંદાજ છે …..
૫૦૦ કરોડ રૂ.
જ્યારે કોઈ ઈંડસ્ટ્રીઝને બંધ કરવી હોય અને સરકાર અથવા યુનિયન ના પાડે ત્યારે ઈંડસ્ટ્રીઝવાળા પહેલાંતો બધા પૈસા કાઢી લ્યે અને ઈંડસ્ટ્રીને ખોખલું કરી નાંખે પછી પૈસા ન હોવાનું બહાનુ બતાવીને લાઈટ અને પાણીનું બીલ ન ભરે અને પછી ઓટોમેટેક બન્ને લાઈનો કપાઈ જાય, એટલે પછી ન છુટકે બંધ થઈ જાય….. એમ આ શાળાને બંધ કરવાનો આવો તો કોઈ પ્લાન નહીં હોય…? શિક્ષકો નવા રાખવા નહીં, વિધ્ધ્યાર્થિઓને નાપાસ કરીને રીઝ્લ્ટ જાણી જોઈને ઓછું બતાવાય એવું કરવું…!!
ગુજરાતમાં સેલ્ફ ફાઈનન્સની શાળાઓનો ધંધો ધમધોકાર ચાલે છે….(માલિકો કોણ હોય છે તે ખબર નથી)..મહારાષ્ટ્રમાં તો લગભગ દરેક કોલેજોના માલિકો તો નાનામોટા રાજકારણીઓજ હોય છે.