‘ગળીનો ડાઘ’ દૂર કરવાનો સત્યાગ્રહ

Facebooktwitterredditpinterestlinkedinmail

મો. ક. ગાંધી

ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા(૧૯૧૫) પછી તેમનું અને તેમની ટુકડીનું દેશમાં સૌ પહેલું રોકાણ રવીન્દ્રનાથ ટાગોરના શાંતિનિકેતનમાં થયું. ગાંધીજી અને ટાગોર, બંને સાથે ઘનિષ્ઠતા ધરાવતા અંગ્રેજ પાદરી, સમાજસુધારક અને શિક્ષણકાર ચાર્લ્સ ફ્રિયર એન્ડ્રુઝે [1]જ્યારે ગાંધીભાઈને પૂછ્યું, ‘ભારતમાં સત્યાગ્રહ કરવાનો પ્રસંગ આવશે એમ તમને લાગે છે અને લાગતું હોય તો ક્યારે?’ તે અંગે ગાંધીજીનો જવાબ હતો, ‘મારા માટે આ પ્રશ્નનો જવાબ આપવો મુશ્કેલ છે. મારી ઇચ્છા એક વર્ષ સુધી ભારતભ્રમણ કરવાની છે અને આ ગાળામાં જાહેર વિષય પર કશું ન બોલવા અંગેનું વચન ગોખલેએ મારી પાસે લીધું છે. એટલે પાંચ વર્ષ સુધી સત્યાગ્રહનો પ્રસંગ આવે એમ નથી જણાતું.’ પરંતુ અંગ્રેજ સલ્તનતે આ સત્યાગ્રહીની ધારણા ખોટી ઠેરવી. માત્ર બે વર્ષમાં જ સત્યાગ્રહનો પ્રસંગ આવ્યો. એ સત્યાગ્રહ તે બિહારના ચંપારણમાં ખેડૂતોને પોતાના ખેતરના કેટલાક ભાગમાં ફરજિયાતપણે કરવા પડતા ગળીના વાવેતર અંગેની પ્રથાની નાબૂદી માટે. ૧૯૧૭ના વર્ષ દરમિયાન ગાંધીજી ઘણા દિવસો ચંપારણ આસપાસનાં ગામોમાં જ રહ્યા અને ‘ગળીનો ડાઘ’ દૂર કરાવ્યો. આ સત્યાગ્રહની કથા ગાંધીજીના શબ્દોમાં…

ગતાંકથી ચાલુ…

સંપાદન અને રજૂઆત : કેતન રૂપેરા

કાર્યપદ્ધતિ

ચંપારણની તપાસનો હેવાલ આપવો એટલે ચંપારણના ખેડૂતનો ઇતિહાસ આપવા જેવું છે. એવો હેવાલ આ પ્રકરણોમાં ન આપી શકાય. વળી ચંપારણની તપાસ એટલે અહિંસા અને સત્યનો મોટો પ્રયોગ. આને લગતું જેટલું મને પ્રત્યેક સપ્તાહમાં સૂઝે છે તેટલું આપું છું. તેની વધારે વિગતો તો વાંચનારને બાબુ રાજેન્દ્રપ્રસાદના આ લડતના (હિંદીમાં છપાયેલા) ઇતિહાસમાં ને ‘યુગધર્મ’ પ્રેસે કરાવેલા તરજુમામાંથી જ મળી શકે.

હવે આ પ્રકરણના વિષય ઉપર આવું. ગોરખબાબુને ત્યાં રહીને આ તપાસ થાય તો ગોરખબાબુએ પોતાનું ઘર ખાલી કરવું પડે. મોતીહારીમાં ઝટ કોઈ પોતાનું મકાન ભાડે માગતાંયે આપે એવી નિર્ભયતા લોકોમાં આવી નહોતી. પણ ચતુર બ્રજકિશોરબાબુએ એકવિસ્તારવાળી જમીનવાળું મકાન ભાડે મેળવ્યું ને તેમાં અમે ગયા.

છેક દ્રવ્ય વિના અમે ચલાવી શકીએ એવી સ્થિતિ નહોતી. આજ લગીની પ્રથા પ્રજાવર્ગ પાસેથી જાહેર કામને સારુ ધન મેળવવાની નહોતી. બ્રજકિશોરબાબુનું મંડળ મુખ્યત્વે વકીલમંડળ હતું, એટલે તેઓ પ્રસંગ આવ્યે પોતાના ખીસામાંથી ખર્ચ કરી લેતા ને કંઈકમિત્રોની પાસેથી ઉઘરાવતા. પૈસેટકે સુખી એવા પોતે લોકો પાસે દ્રવ્યભિક્ષા કેમ માગે? આ તેમની લાગણી હતી. ચંપારણની રૈયત પાસેથી એક કોડી પણ ન લેવી એવો મારો દૃઢ નિશ્ચય હતો. તે લેવાય તો ખોટો જ અર્થ થાય. આ તપાસને અર્થે હિંદુસ્તાનમાં જાહેરઉઘરાણું ન કરવું એ પણ નિશ્ચય હતો. એમ કરતાં આ તપાસ રાષ્ટ્રીય અને રાજ્યપ્રકરણી સ્વરૂપ પકડે. મુંબઈથી મિત્રોએ રૂ. ૧૫,૦૦૦ની મદદનો તાર મોકલ્યો. તેમની મદદનો સાભાર અસ્વીકાર કર્યો. ચંપારણની બહારથી પણ બિહારના જ સુખી લોકો પાસેથીબ્રજકિશોરબાબુનું મંડળ મદદ મેળવી શકે તે લેવી ને મારે દાક્તર પ્રાણજીવનદાસ મહેતાની પાસેથી ખૂટતું દ્રવ્ય મેળવી લેવું એવો નિશ્ચય કર્યો. દાક્તર મહેતાએ જે જોઈએ તે મગાવી લેવાનું લખ્યું. એટલે દ્રવ્યને વિશે અમે નિશ્ચિંત થયા. ગરીબાઈથી ઓછામાં ઓછેખર્ચે રહી લડત ચલાવવાની હતી, એટલે ઘણા દ્રવ્યની જરૂર પડે તેમ નહોતું. હકીકતમાં પડી પણ નહીં. બધું થઈને બે કે ત્રણ હજારથી વધારે ખર્ચ નહોતું થયું એવો મારો ખ્યાલ છે. જે એકઠું કર્યું હતું તેમાથી રૂપિયા ૫૦૦ કે ૧,૦૦૦ બચેલા એવું મને સ્મરણ છે.

અમારી આરંભકાળની રહેણી વિચિત્ર હતી, ને મારે સારુ તે રોજનો વિનોદનો વિષય હતો. વકીલમંડળને દરેકની પાસે નોકર, રસોઇયા હોય, દરેકને સારુ નોખી રસોઈ બને. તેઓ રાતના બાર વાગ્યે પણ જમતા હોય. આ મહાશયો રહેતા તો પોતાને ખર્ચે, છતાં મારેસારુ આ રહેણી ઉપદ્રવરૂપ હતી. મારી ને મારા સાથીઓ વચ્ચે સ્નેહગાંઠ એવી મજબૂત બંધાઈ હતી કે અમારી વચ્ચે ગેરસમજ થવા ન પામે. તેઓ મારાં શબ્દબાણ પ્રેમે ઝીલતા. છેવટે એમ ઠર્યું કે, નોકરોને રજા આપવી, સહુએ સાથે જમવું ને જમવાના નિયમસાચવવા. બધા નિરામિષાહારી નહોતા; અને બે રસોડાં ચલાવતાં ખર્ચ વધે; તેથી નિરામિષ ભોજન જ રાંધી એક જ રસોડું ચલાવવાનો ઠરાવ થયો. ભોજન પણ સાદું રાખવાનો આગ્રહ હતો. આથી ખર્ચમાં ઘણો ફાયદો થયો, કામ કરવાની શક્તિ વધી અને વખતબચ્યો.

વધારે શક્તિની આવશ્યકતા બહુ હતી, કેમ કે ખેડૂતોનાં ટોળેટોળાં પોતાની કહાણી લખાવવા આવતાં થઈ ગયાં. કહાણી લખાવનારની પાછળ લશ્કર તો હોય જ. એટલે મકાનની વાડી ભરાઈ જાય. મને દર્શનાભિલાષીથી સુરક્ષિત રાખવાને સારુ સાથીઓ મહાનપ્રયત્નો કરે ને નિષ્ફળ જાય. અમુક વખતે દર્શન દેવાને સારુ મને બહાર કાઢ્યે જ છૂટકો થાય. કહાણી લખનારની સંખ્યા પણ પાંચસાતની હમેશાં રહે ત્યારે પણ દિવસને અંતે બધાની જુબાની પૂરી ન થાય. એટલા બધાની હકીકતની જરૂર ન જ હોય, છતાં તે લેવાથીલોકોને સંતોષ રહેતો હતો ને મને તેમની લાગણીની ખબર પડતી હતી.

કહાણી લખનારાએ કેટલાક નિયમોનું પાલન કરવાનું હતું. દરેક ખેડૂતની ઊલટતપાસ કરવી જોઈએ. ઊલટતપાસમાં જે તૂટી જાય તેની જુબાની ન લેવી. જેની વાત મૂળમાં જ પાયા વિનાની લાગે તે ન લેવી. આમ નિયમોના પાલનથી જોકે કંઈક વખત વધારેજતો હતો, છતાં જુબાનીઓ ઘણી સાચી, સિદ્ધ થઈ શકે એવી મળતી.

આ જુબાની લેતી વખતે છૂપી પોલીસના કોઈ અમલદાર હાજર હોય જ. આ અમલદારોને આવતા રોકી શકાતા હતા, પણ અમે મૂળથી જ નિશ્ચય કર્યો હતો કે, આ અમલદારોને આવતા રોકવા નહીં એટલું જ નહીં, પરંતુ તેમની પ્રત્યે વિનયથી વર્તવું ને આપી શકાયતે ખબર આપવી. તેમના સાંભળતાં ને દેખતાં જ બધી જુબાની લેવાતી. આનો લાભ એ થયો કે લોકોમાં વધારે નિર્ભયતા આવી. છૂપી પોલીસથી લોકોને બહુ ડર રહેતો તે ગયો ને તેમના દેખતાં અપાય એ જુબાનીમાં અતિશયોક્તિનો ભય થોડો રહે. ખોટું બોલતાંઅમલદારો તેમને ફસાવે એ બીકે તેમને સાવધાનીથી બોલવું પડતું.

મારે નીલવરોને ખીજવવા નહોતા, પણ તેમને વિનયથી જીતવાનો પ્રયત્ન કરવો હતો, તેથી જેની સામે વિશેષ ફરિયાદ આવે તેને કાગળ લખતો ને તેને મળવાનો પણ પ્રયત્ન કરતો. નીલવરમંડળની પણ મુલાકાત લીધી હતી ને રૈયતની ફરિયાદો તેમની પાસેમૂકી તેમની હકીકત પણ સાંભળી લીધી હતી. તેમનામાંના કેટલાક મને તિરસ્કારતા, કેટલાક ઉદાસીન હતા ને કોઈ વિનય જણાવતા.

સાથીઓ

બ્રજકિશોરબાબુ અને રાજેન્દ્રબાબુ તો અદ્વિતીય જોડી હતા. તેમના વિના હું એક પણ ડગલું આગળ ન જઈ શકું એવો પોતાના પ્રેમથી તેમણે મને અપંગ બનાવી મૂક્યો હતો. તેમના શિષ્યો કહો કે સાથીઓ એવા શંભુબાબુ, અનુગ્રહબાબુ, ધરણીબાબુ અનેરામનવમીબાબુ, આ વકીલો લગભગ નિરંતર સાથે જ રહેતા. વિંધ્યાબાબુ અને જનકધારીબાબુ પણ વખતોવખત રહેતા. આ તો થયો બિહારી સંઘ. તેમનું મુખ્ય કામ લોકોની જુબાનીઓ લેવાનું હતું.

ચંપારણ અને ખેડા સત્યાગ્રહના અરસામાં કાઠિયાવાડી પોશાકમાં સજ્જ ગાંધીભાઈ અને ઇનસેટમાં ગળીનો આ ડાઘ દૂર કરવા ગાંધીજીનો કેડો પકડનાર ખેડૂત રાજકુમાર શુક્લ

અધ્યાપક કૃપલાનીથી આમાં જોડાયા વિના રહેવાય એમ જ નહોતું. જાતે સિંધી છતાં તે બિહારીના કરતાં પણ વધારે બિહારી હતા. એવા થોડા સેવકોને મેં જોયા છે જેમની શક્તિ જે પ્રાંતમાં જાય તેમાં પૂર્ણતાએ ભળી જવાની હોય ને પોતે જુદા પ્રાંતના છે એવું કોઈને જાણવા ન દે. એમાંના કૃપલાની એક છે. તેમનો મુખ્ય ધંધો દ્વારપાળનો હતો. દર્શન કરનારાઓથી મને બચાવી લેવામાં તેમણે જિંદગીની સાર્થકતા આ સમયે માની લીધી હતી. કોઈને વિનોદથી મારી પાસે આવતા અટકાવે તો કોઈને અહિંસક ધમકીથી. રાત પડેત્યારે અધ્યાપકનો ધંધો શરૂ કરે ને બધા સાથીઓને હસાવે, ને કોઈ બીકણ પહોંચી જાય તો તેને શૂર ચડાવે.

મૌલાના મજહરુલ હકે મારા મદદગાર તરીકે પોતાનો હક નોંધાવી મૂક્યો હતો; ને મહિનામાં એકબે વખત ડોકિયું કરી જાય. તે વખતનો તેમનો ઠાઠ અને દમામ અને આજની તેમની સાદાઈ વચ્ચે આસમાનજમીનનું અંતર છે. અમારામાં આવીને તેઓ પોતાનું હૃદયભેળવી જતા, પણ પોતાની સાહેબીથી બહારના માણસને તો અમારાથી નોખા જેવા લાગતા.

જેમ જેમ હું અનુભવ મેળવતો ગયો તેમ તેમ મને લાગ્યું કે, ચંપારણમાં બરોબર કામ કરવું હોય તો ગામડાંમાં કેળવણીનો પ્રવેશ થવો જોઈએ. લોકોનું અજ્ઞાન દયાજનક હતું. ગામડાંનાં છોકરાં રખડતાં હતાં. અથવા માબાપો તેમને દિવસના બે કે ત્રણ પૈસા મળેતેટલા સારુ આખો દહાડો ગળીનાં ખેતરોમાં મજૂરી કરાવતાં. આ સમયે પુરુષોની મજૂરી દસ પૈસા કરતાં વધારે નહોતી. સ્ત્રીઓની છ પૈસા અને બાળકોની ત્રણ. ચાર આનાની મજૂરી મળે તે ખેડૂત ભાગ્યશાળી ગણાય.

સાથીઓ સાથે વિચાર કરી છ ગામડાંમાં પ્રથમ તો બાળકોને સારુ નિશાળ ખોલવાનો ઠરાવ થયો. શરત એવી હતી કે, તે તે ગામડાના આગેવાનોએ મકાન અને શિક્ષકનું ખાવાનું આપવું, તેનું બીજું ખર્ચ અમારે પૂરું પાડવું. અહીંનાં ગામડાંમાં પૈસાની છોળ નહોતી,પણ અનાજ વગેરે પૂરું પાડવાની લોકોની શક્તિ હતી, એટલે લોકો કાચું અનાજ આપવા તૈયાર થઈ ગયા હતા.

શિક્ષકો ક્યાંથી લાવવા એ મહાપ્રશ્ન હતો. બિહારમાંથી ટૂંકો પગાર લેનારા કે કંઈ ન લેનાર એવા સારા શિક્ષકો મળવા મુશ્કેલ હતા. મારી કલ્પના એ હતી કે, સામાન્ય શિક્ષકના હાથમાં બાળકો ન જ મુકાય; શિક્ષકને અક્ષરજ્ઞાન ભલે ઓછું હોય, પણ તેનામાંચારિત્રબળ જોઈએ.

આ કામને સારુ સ્વયંસેવકોની મેં જાહેર માગણી કરી. તેના જવાબમાં ગંગાધરરાવ દેશપાંડેએ બાબાસાહેબ સોમણ અને પુંડલીકને મોકલ્યા. મુંબઈથી અવંતિકાબાઈ ગોખલે આવ્યાં. દક્ષિણથી આનંદીબાઈ આવ્યાં. મેં છોટેલાલ, સુરેન્દ્રનાથ તથા મારા દીકરાદેવદાસને બોલાવી લીધા. આ જ અરસામાં મહાદેવ દેસાઈ અને નરહરિ પરીખ મને મળી ગયા હતા. મહાદેવ દેસાઈનાં પત્ની દુર્ગાબહેન તથા નરહરિ પરીખનાં પત્ની મણિબહેન પણ આવ્યાં. કસ્તૂરબાઈને પણ મેં બોલાવી લીધી હતી. આટલો શિક્ષકો અનેશિક્ષિકાઓનો સંઘ પૂરતો હતો. શ્રી અવંતિકાબાઈ અને આનંદીબાઈ તો ભણેલાં ગણાય, પણ મણિબહેન પરીખ અને દુર્ગાબહેન દેસાઈને ગુજરાતીનું થોડુંક જ જ્ઞાન હતું. કસ્તૂરબાઈને તો નહીં જેવું જ. આ બહેનો હિંદી બાળકોને કઈ રીતે શીખવે?

દલીલો કરી બહેનોને સમજાવી કે, તેમણે છોકરાંને વ્યાકરણ નહીં પણ રીતભાત શીખવવાની છે, વાંચતાંલખતાં કરતાં તેમને સ્વચ્છતાના નિયમો શીખવવાના છે. હિંદી, ગુજરાતી, મરાઠી વચ્ચે મોટો ભેદ નથી એ પણ તેમને બતાવ્યું, ને પહેલા વર્ગમાં તો માંડઆંકડાઓ માંડતાં શીખવવાનું હોય એટલે મુશ્કેલી ન જ આવે. પરિણામ એ આવ્યું કે, બહેનોના વર્ગ બહુ સરસ રીતે ચાલ્યા. બહેનોને આત્મવિશ્વાસ આવ્યો ને તેમને પોતાના કામમાં રસ પણ આવ્યો. અવંતિકાબાઈની શાળા આદર્શ શાળા બની. તેમણે પોતાનીશાળામાં પ્રાણ રેડ્યો. તેમની આવડત પણ પુષ્કળ હતી. આ બહેનોની મારફતે ગામડાંના સ્ત્રીવર્ગમાં પણ પ્રવેશ થઈ શક્યો હતો.

પણ મારે શિક્ષણથી જ અટકવાનું નહોતું. ગામડાંની ગંદકીનો પાર નહોતો. શેરીઓમાં કચરો, કૂવાઓની પાસે કાદવ ને બદબો, આંગણાં જોયાં ન જાય. મોટેરાંને સ્વચ્છતાની કેળવણીની જરૂર હતી. ચંપારણના લોકો રોગોથી પીડાતા જોવામાં આવતા હતા. બની શકેએટલું સુધરાઈનું કામ થાય તો કરવું ને તેમ કરી લોકોના જીવનના દરેક વિભાગમાં પ્રવેશ કરવાની વૃત્તિ હતી.

આ કામમાં દાક્તરની મદદની જરૂર હતી. તેથી મેં ગોખલેના સમાજ પાસેથી દા. દેવની માગણી કરી. તેમની સાથે મને સ્નેહગાંઠ તો બંધાઈ જ હતી. છ માસને સારુ તેમની સેવાનો લાભ મળ્યો. તેમની દેખરેખ નીચે શિક્ષકો અને શિક્ષિકાઓએ કામ કરવાનું હતું.

બધાંની સાથે આટલી સમજૂતી હતી કે, કોઈએ નીલવરોની સામેની ફરિયાદમાં ન ઊતરવું, રાજ્યપ્રકરણને ન અડકવું, ફરિયાદો કરનારને મારી આગળ જ મોકલી દેવા; કોઈએ પોતાના ક્ષેત્રની બહાર એક ડગલું સરખુંયે ન જવું. ચંપારણના આ સાથીઓનું નિયમનનુંપાલન અદ્ભુત હતું. એવો પ્રસંગ મને યાદ નથી આવતો કે જ્યારે કોઈએ તેને મળેલી સૂચનાઓનું ઉલ્લંઘન કર્યું હોય.

[સત્યના પ્રયોગો અથવા આત્મકથામાંથી, ક્રમશઃ]

-.-.-.-.-

++++++ (‘नवजीवनનો અક્ષરદેહ’, જાન્યુઆરી, 2017માંથી) ++++++

नवजीवनનો અક્ષરદેહના બધા અંકો ઓનલાઇન વાંચવા માટે લિંક

http://www.navajivantrust.org/news/house-magazine-navajivanno-akshardeh


[1] એમણે ઘણાં વર્ષો સુધી હિંદી લોકોના પ્રશ્નો અંગે ભક્તિભાવથી સેવા આપી હતી તેથી તેમને ‘દીનબંધુ’ની ઉપાધિ મળી હતી. તેથી દીનબંધુ એન્ડ્રુઝ નામે જાણીતા થયા. (ગાંધીજીનો અક્ષરદેહ -13) – સં.


ભાઈશ્રી કેતન રૂપેરાનો સંપર્ક ket.rupera@gmail.com વીજાણુ સરનામે થઈ શકશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *