કિશોરચંદ્ર ઠાકર

શ્રી રા.વિ. પાઠકે(સ્વૈરવિહારીએ) પોતાના એક નિબંધ “યુવાનો અને કલા”માં, પ્રાચીન સમયમાં પ્રચલિત એક સંસ્કૃત ઉક્તિ લખી છે જેનો અર્થ થાય છે કે “માથે પળિયાં આવ્યાં એટલે કાંઈ વૃદ્ધ થયા ન ગણાય.” પરંતુ એમ લાગે છે કે દશરથ રાજાને આ વાતની ખબર ન હતી કે કોઈ પ્રધાને તેમનું ધ્યાન દોર્યું નહીં હોય. બની શકે છે કે રાણી કૈકેયીએ કાવતરું કરીને તેમને આ બાબતે અજાણ રાખ્યા હોય. આથી તેમણે એક દિવસ અરીસામાં પોતાના માથામાં એક ધોળો વાળ જોતાની સાથે જ પોતાને વૃદ્ધ જાહેર કરી દીધા. પરિણામે જે રામાયણ થઈ તે આપણે સૌ જાણીએ છીએ.

રઘુકુળનું આ અજ્ઞાન જો હજુ સુધી પણ લોકોમાં ચાલુ રહ્યું હોત તો આજના દશરથોના રામને પારણાંમાંથી સીધા ગાદીએ બેસી જવું પડે કે વનમાં જવું પડે, એટલી નાની ઉંમરે આજકાલ ધોળા વાળ પ્રગટ થતા હોય છે.

ધોળા વાળ ધરાવતાં બધાં ઘરડાં નથી હોતાં એ વાત સાચી, પરંતુ વાળ ધરાવતા તમામ વૃદ્ધોના કેશ ધોળા જ હોય છે. આમ વાળના રંગના ઘડપણ સાથેના સબંધનો સ્વીકાર કરીને આપણે વૃદ્ધાવસ્થા વિષે વધુ વિચાર કરીશું.

દીકરીનો જન્મ આપણા સમાજમાં કોઇને ગમતો ન હોવા છતાં, પ્રગટપણે તો “દીકરી વહાલનો દરિયો” , ‘કાળજા કેરો કટકો” “દીકરી એકને બદલે બે કુળને ઊજાળે” એમ આપણે કહેતા હોઈએ છીએ. આ જ પ્રમાણે વૃદ્ધાવસ્થા પણ કોઈને પસંદ ના હોવા છતાં “ઘરડાં ગાડાં વાળે”, “જે સભામાં વૃદ્ધ ના હોય તેને સભા જ ના કહેવાય” એવા બોધ વચનોનો છૂટથી ઉપયોગ કરવામાં આવે છે.

“રઘુનાથે જડ્યું હોવાથી ટાળ્યું ના ટળે” એમ માનતા લોકો પણ ઘડપણ સામે મોરચો માંડતા જ હોય છે. જેમ આપણો વાંધો દુર્જન હોવા સામે નથી હોતો પરંતુ દુર્જન દેખાવા સામે હોય છે, તેવી જ રીતે લાગે છે કે આપણને વૃદ્ધત્વ સામે એટલો વાંધો નથી જેટલો વૃદ્ધ દેખાવા સામે છે. આથી લોકો ઘડપણનાં ચિહ્નો ના દેખાય તે માટે પ્રયત્નશીલ રહેતા હોય છે. સૌ પ્રથમ તેમના હુમલાનો ભોગ વાળનો ચાંદી જેવો રંગ બને છે. આ પ્રયાસ અપૂરતો લાગ્યા પછી બીજા અનેક ઉપાયો જેમ કે ચામડી પર જાત જાતના લેપ લગાવવા, ત્વચાની કરચલીઓ બહાર ડોકિયાં ના કાઢે એ પ્રકારે વેશ પરિધાન કરવા વગેરે અજમાવવામાં આવે છે, જેથી બને તેટલી ઉંમર ઓછી દેખાય.

પોતાની ઉંમર ઓછી બતાવવાના આક્ષેપો અને તેનાથી ઊભી કરાયેલી રમૂજોનો ભોગ મહિલાઓ જ બનતી હોય છે, પરંતુ “સમરથકો નહિ દોષ ગુંસાઈ” એ તુલસીદાસજીનું વચન સાચું પાડવાના હેતુથી પુરૂષોના આ બાબતના પ્રયાસોને નજરઅંદાજ કરવામાં આવે છે.

ઉંમરના અમુક પડાવે પહોંચ્યા પછી મને મારી ઉંમર પૂછવાના જવાબના પ્રતિભાવમાં આવતું વાક્ય “પણ એટલી લાગતી નથી” વારંવાર સાંભળવું ગમવા લાગ્યું. જો કે આવા પ્રતિભાવો મિત્રો કે સગાસબંધીઓ જેવા પરિચિતોના જ રહેતા. કેટલીક વખત એમ બનતું કે આવા મનપસંદ વચનો સાંભળ્યાં પછીથી ક્રૂર રિક્ષાવળો તો એમ જ પૂછતો કે ”કાકા, ક્યાં જવું છે?”. આ સાંભળતા મારા પર શી વીતતી હશે તેની વાચક કલ્પના કરી શકે છે.

બસ કે ટ્રેનમાં બેસવાની જગ્યા ન મળતાં આપણે ઊભા ઊભા મુસાફરી કરવી પડે છે અને પછીથી આતુર બનીએ છીએ કે ક્યારે કોઈ બેઠેલા મુસાફરની મંજિલ આવી જાય અને આપણને બેસવાની જગ્યા મળે. આમ છતાં કોઈ યુવક કે યુવતી જાતે ઊભા થઈને મને બેસવાનું કહે છે ત્યારે મને આનંદને બદલે આઘાત લાગે છે. તેઓ મારા ઘડપણ તરફ ઇશારો કરતાં હોય તેમ જ પ્રતીત થાય છે. ગમે તેટલો થાકેલો હોઉં તો પણ મારા મોંમાંથી “ના કોઈ જરૂર નથી” એવા શબ્દો જ નીકળે છે.

હકીકતનો સ્વીકાર કરવાની આનાકાની કરતા મારાં મનને એક લોકકલાકારે કરેલી વાર્તાએ સત્ય સમજાવ્યું. હવે એ વાર્તા જ અહીં મૂકીને મારો લેખ પૂરો કરું છું.

“સારી એવી તંદુરસ્તી ધરાવતા એક ભાઈ 60 વર્ષે ઘોડે ચડ્યા. પરણવા જતી વખતે પોતાની ઉંમર જણાઈ ના આવે તે માટેનો ચાંપતો બંદોબસ્ત તેમણે કરી રાખ્યો હતો. રિવાજ મુજબ તેમનું સામૈયું થયું. ગામડામાં જેમ હંમેશ બને છે તેમ કુતૂહલવશ ગામની યુવતીઓ મુરતિયાને જોવા આવી. વરરાજાને જોતાંની સાથે જ એક યુવતીના મોંમાથી શબ્દો સરી પડ્યા “અરે, વરરાજા તો ઘરડા લાગે છે!” આ સાંભળીને વરરાજા પાસે સમસમીને બેસી રહેવા સિવાય કોઈ ઉપાય ન હતો. પરંતુ પરણીને પાછા વળતાં રસ્તામાં એક સ્થળે ગાડી ઊભી રખાવીને તેઓ નીચે ઉતર્યા. રસ્તાની નજીક આવેલા મેદાનમાં તેઓ યુવાનની જેમ દોડ લગાવીને ફરી પાછા ગાડીમાં બેસી ગયા. પછી તેમણે નવોઢાને પ્રશ્ન કર્યો “બોલ, હવે હું તને ઘરડો લાગું છું?”

હવે સાંભળીએ નવોઢાનો જવાબ:

“આર્યપુત્ર, આપ વૃદ્ધ છો તેની તો મને જાણ હતી જ. પરંતુ આપ મૂર્ખ છો તેની પણ જાણ અત્યારે થઈ ચૂકી છે.”’

૦-૦-૦

શ્રી કિશોરચંદ્ર ઠાકરના સંપર્ક માટેનું વીજાણુ સરનામું: kishor_thaker@yahoo.in

Print Friendly
Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailFacebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather

3 Comments

 • pragnajuvyas says:

  મોજ કર મનવાવાળા શ્રી કિશોરચંદ્ર ઠાકરની વાતનો અંત-‘આર્યપુત્ર, તમે વૃદ્ધ તો છો જ…’
  મરક મરક કરાવતા પહેલાના યુગમા લઇ ગયો.
  ‘આર્યપુત્ર! બ્રશ કરી લીધું? ચા બનાવું?’ એવું પત્ની નમ્રતાથી પતિને કહેતી હોય !
  આર્યપુત્ર પગ લાંબા કરીને પડ્યાંપડ્યાં છાપું વાંચ્યા કરતા હોય તોય પત્ની છાપું ઝૂંટવી લઈ, નાહવા માટે આર્યપુત્રને ફરજ ન પાડતી હોય..અને ક્યાં આ સૃષ્ટિ વિશે ત્રણ પ્રકાનાં અસત્ય ? અસત્ય, હળવું અસત્ય અને આંકડા!
  સત્ય કોને કહેવાય એ હવે સમજવું મુશ્કેલ થઈ ગયું છે, પણ અસત્યના પ્રયોગો હવે બાળકો નાની ઉંમરથી કરતાં થઈ ગયાં છે. આંકડા એ અસત્યનો જાદુઈ પ્રકાર છે. આ અસત્ય પણ ઘણું રસપ્રદ છે.પણ તેની જાણ-‘આપ મૂર્ખ છો તેની પણ જાણ અત્યારે થઈ ચૂકી છે” કોઇ નવોઢા કહે ત્યારે થાય છે !

 • Ashwin Shah says:

  ઘડપણ વિશે કટાક્ષમય છતાં રમૂજી લેખ વાંચીને મજા આવી. ધન્યવાદ.

 • Neetin Vyas says:

  Very nice use of the punch line: “આર્યપુત્ર, આપ વૃદ્ધ છો તેની તો મને જાણ હતી જ. પરંતુ આપ મૂર્ખ છો તેની પણ જાણ અત્યારે થઈ ચૂકી છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered By Indic IME