દર્શા કીકાણી

મંજિલ મળી જશે તો ન રહેશે કશું પછી,

મુજને સતત પ્રવાસ એ ઠોકર વગર મળે,

ઈચ્છાઓ કેટલી મને ઈચ્છા વગર મળી,

કોણે કહ્યું ‘અમીન’ ન માગ્યા વગર મળે!

                                       ‘અમીન’ આઝાદ

માણસને એની મંજિલ સહેલાઈથી મળી જાય તો આગળ એ શું કરે? સંતોષનો ઓડકાર માણસને આળસુ બનાવી દે, નિષ્ક્રિય બનાવી દે, સુસ્ત બનાવી દે. કંઈક મેળવવાનું બાકી રહે તો જ તે સતત કાર્યરત રહે. માણસને આગળ વધવા એક આધ્યાત્મિક અસંતોષની જરૂર છે. દિલમાં કે શરીરમાં એક આગની (Fire in the belly) જરૂર છે જે હોય તો આગળ વધવામાં ગતિ રહે અને જીવનમાં પ્રગતિ રહે.

નાની ઉમરે મોટું નામ કમાતાં માણસોની પછીની જિંદગી ઘણું કરીને એકદમ સામાન્ય અથવા દુ:ખદ હોય છે. ઓલિમ્પિક ખેલાડીઓ (દા.ત. મશહૂર જીમ્નેસ્ટ અને પરફેક્ટ ૧૦ પોઈન્ટ લાવનાર નાદિઆ) હોય કે ફિલ્મનાં બાળ કલાકારો. બાળપણમાં કૌશલ્ય દેખાડનાર બાળ કલાકારો કે ખેલાડીઓમાંથી ભાગ્યે જ કોઈ યુવાનીમાં કે મોટી ઉમરે પોતાનાં કરતબ જારી રાખી શકે છે.

પણ માણસે મંજિલને જ મંજિલ માનવી જોઈએ કે ‘રાહ બની ખુદ મંજિલ’ ગણી રસ્તાને પણ એટલું જ (કે કદાચ વધારે?) મહત્વ આપવું જોઈએ? કારણ કે બલિહારી તો રસ્તાની જ ! રાહ વગર મંજિલ કેવી રીતે મળે? ગમતો હમસફર હોય અને રસ્તો સુંદર હોય તો ક્યારેક એમ પણ થાય કે મંજિલ આવે જ નહીં….. બસ ચાલતાં જ રહીએ! હા, એવું ચોક્કસ ઇચ્છીએ કે રસ્તા પર ખાડાટેકરા ના હોય, પથ્થરો કે અવરોધો ના હોય કે જેથી ઠોકર ના લાગે અને સફરમાં સફર (suffer) ના કરવું પડે!

જોયું તમે, આ મંજિલ છોડી આપણે રસ્તાને મહત્વ આપીએ તો રસ્તા માટે કંઈક ને કંઈક ઈચ્છા થઈ જાય! માણસનું મન એટલે ઈચ્છાઓનો ભંડાર અને વાસનાઓનો ખજાનો. ક્યારેક જાત માટે તો ક્યારેક મિત્રો માટે તો વળી ક્યારેક કુટુંબ માટે, સમાજ માટે, દેશ માટે …… કેટકેટલી ઇચ્છાઓ! માણસનું મન તો નિત્ય-યૌવના છે. જેમ યૌવના નિરંતર વિચારોમાં, સપનાંમાં કે આશાઓમાં ખોવાયેલી રહે તેમ માણસના મનમાં પણ નિરંતર ઈચ્છાઓ ઊભરાતી રહે છે. ઈચ્છા કર્યા વગર પણ કેટકેટલી ઈચ્છાઓ? માગ્યા વગર તો મા પણ ન પીરસે એવું ભલે કહેવાય પણ ઈચ્છાઓ તો સ્વયંભૂ છે! તમે માગો કે ન માગો, ઈચ્છાઓ તો આવતી જ રહેવાની. ઈચ્છા પર કાબૂ મેળવવો તો બહુ મુશ્કેલ કામ છે. જિંદગી માણી ચૂકેલ કોઈ અનુભવી કે કોઈ વિતરાગી યોગી જ તે કરી શકે.

સ્વ. ચિનુ મોદી, ‘ઈર્શાદ’ ની જેમ કોઈક જ કહી શકે :

કોઇ ઈચ્છાનું મને વળગણ ન હો,
એ જ ઈચ્છા છે, હવે એ પણ ન હો…


સુશ્રી દર્શા કીકાણીનો સંપર્ક darsha.rajesh@gmail.com સરનામે થઈ શકશે

Print Friendly
Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailFacebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather

20 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered By Indic IME