ગાંધીજીનાં કેરીકેચર (ઠઠ્ઠાચિત્ર) – ૨

– બીરેન કોઠારી

ગાંધીજીનું રેખાચિત્ર કે ઠઠ્ઠાચિત્ર દોરવું સૌથી સરળ હોય છે, એવી સાચી માન્યતાને અનુરૂપ તેમનાં કેટલાંક કેરીકેચર અગાઉની કડીમાં જોયાં. એ જોયા પછી સવાલ એ થાય કે ગાંધીજીના ચહેરામાં ક્યાં કશી જટિલતા છે, કે જેને ઉજાગર કરીને ચીતરી શકાય? તેમનાં ગોળ રીમ ધરાવતાં ચશ્મા, કે મોટું નાક, કે મોટા કાનને અમુક હદે વધારીને બતાવી શકાય. પણ કેરીકેચરીસ્ટની એ ખાસિયત હોય છે કે તેઓ દોરવા માટે અઘરામાં અઘરો ગણાય એવા ચહેરાને સાવ સરળ બનાવીને દોરે, અને સાવ સહેલાઈથી દોરી શકાય એવા ચહેરામાં વધુ ને વધુ જટિલતા બતાવે. અહીં મૂકાયેલાં મોટા ભાગનાં કેરિકેચર વિદેશી કલાકારોએ બનાવેલાં છે. આવા ઘણા કલાકારનાં નામથી વધુ અન્ય માહિતી જાણી શકાઈ નથી.

નીચેના કેરીકેચરમાં ફક્ત ગાંધીજીનો ચહેરો જ દોર્યો છે, પણ તેમાં એ હદે ડીટેઈલીંગ છે કે તેને ઓળખવા માટે શ્રમ કરવો પડે. ગાંધીજીના ચહેરાની ઓળખ સમું તેમનું મોટું નાક, પહોળા કાન તેમજ ગોળ રીમવાળાં ચશ્મા હોવા છતાં આ કેરીકેચર એક નજરે ઓળખી શકાય નહીં. કેરીકેચરીસ્ટે અહીં તેમના બોખા મોંના સ્મિતને સૌથી વધુ પ્રાધ્યાન્ય આપેલું જણાય છે.

આ કેરીકેચર રાઉલ કૂર્વેલો/raul curbelo એ બનાવેલું છે, જે Darracu તરીકે સહી કરે છે. રાઉલ એક વ્યાવસાયિક કેરીકેચરિસ્ટ છે, જે પાર્ટીઓ માટે પણ કેરિકેચરના ઓર્ડર લે છે. આ બાબત આપણા દેશ માટે વિચારવી મુશ્કેલ છે. તેમનાં વધુ કેરીકેચર તેમના બ્લૉગ http://darracu.blogspot.in/ પર જોઈ શકાશે.

*** *** ***

બેલ્જિયન કેરિકેચરીસ્ટ જૅન ઓપ ડી બીક/ Jan Op de Beeck કેરિકેચર માટે અત્યંત જાણીતા છે. પેન્‍સિલ દ્વારા બનાવાતા કેરિકેચરમાં રેન્ડરીંગ દ્વારા તેઓ લાઈટ એન્ડ શેડની અદ્‍ભુત અસર નીપજાવે છે. સાથેસાથે જે તે વ્યક્તિના ચહેરાની બારીકીઓને પણ તેઓ ઉજાગર કરે છે. તેમની શૈલી તરત ઓળખી કઢાય એવી છે. પેન્‍સિલ ઉપરાંત વૉટર કલરમાં પણ તેઓ કેરિકેચર બનાવે છે. તેમણે ચીતરેલા ગાંધીજીના આ કેરિકેચરમાં નાક, કાન, કપાળ, ગરદન, હોઠ, ગાલ વગેરે ભાગ પર એકદમ ડીટેઈલમાં તેમણે કામ કરેલું જોઈ શકાય છે. તેમણે ગાંધીજીનાં ચશ્માને ખાસ પ્રાધાન્ય આપ્યું નથી. ગાંધીજીના ચહેરા પરનું નિર્દોષ સ્મિત પણ તેમણે જાળવી રાખ્યું છે. તેમણે દોરેલાં આ શૈલીનાં અન્ય લોકોનાં અનેક કેરીકેચર તેમની સાઈટ https://www.opdebeeck.com/ પર જોઈ શકાશે.

*** *** ***

ગાંધીજીનાં અત્યંત કદરૂપાં, બલ્કે બિહામણાં લાગી શકે એવાં કેટલાંક કેરીકેચરમાંનું આ એક ગણાવી શકાય. તેમના કપાળ પરની કરચલીઓ, સહેજ નમેલી ગરદન, હોઠ પર રમતું ખંધું હાસ્ય અને પગલું ભરવા માટે આગળ આવેલો પગ તેમને એક નકારાત્મક ચરિત્રની કક્ષાએ લાવી મૂકે છે. સ્પેનિશ કેરિકેચરીસ્ટ જોન વીઝકર્રા/ Joan Vizcarra દ્વારા તે બનાવાયું છે. આ કલાકારનાં અન્ય કેરીકેચર તેમની સાઈટ http://vizcarra.info/ પર જોઈ શકાશે.

આ કેરીકેચર અહીં મૂકવાનો ઉપક્રમ એ છે કે દુનિયાભરના કેરીકેચરીસ્ટો તેમને કેવી જુદી જુદી રીતે જુએ છે તેનો અંદાજ મળી રહે. ગાંધીજીની ધોતી અને ખેસની ગડીઓની ઝીણવટભરી રેખાઓ નોંધપાત્ર છે.

*** *** ***

બેંગ્લોરના કલાકાર નિશાંત રાવે દોરેલું ગાંધીજીનું આ કેરિકેચર પણ વિશિષ્ટ છે. માથું, કાન, આંગળીઓ વગેરેની જાડી રેખાઓ અને સામાન્ય રીતે ગોળ દેખાડાતા માથાના ભાગને બદલે એ ભાગ લંબચોરસ જેવો બતાવવા છતાં ગાંધીજીના ચહેરાની ખૂબીઓ ઉપસી શકી છે. તેમણે ગાંધીજીની આંખોમાં એક પ્રકારે ચંચળતાનો શરારતી ભાવ દર્શાવ્યો છે. આમ છતાં તેની નિર્દોષતા જાળવી રાખી છે. ગાંધીજીના ગાલ, ગરદન વગેરે ભાગ પર તેમણે બતાવેલું ડીટેઈલીંગ નોંધપાત્ર છે.

*** *** ***

બ્રાઝિલનાં કલાકાર સાન્‍ડ્રા મેલો/ Sandra Melo એ બનાવેલું ગાંધીજીનું કેરીકેચર સાવ અલગ તરી આવે છે. ગાંધીજીના ચહેરાને ચપ્પટ અને પહોળો થઈ ગયેલો બતાવ્યો હોવાથી તે કોઈ પક્ષી જેવો બની ગયો છે. ખાસ કરીને નાકનો ભાગ ચાંચ જેવો લાગે છે. આ ઉપરાંત કપાળ, કાન, ગાલ વગેરે ભાગ પર કરચલીઓ ચીતરીને તેમના માથાની ટોચ સિવાયનો કોઈ ભાગ ખાલી રાખવામાં આવ્યો નથી.

*** *** ***

બ્રાઝીલના કલાકાર ઉલિસીસ અરાહો/Ulisses Araujo એ આ કેરીકેચરમાં ગાંધીજીના શરીરને શાંતિદૂત કબૂતર તરીકે બતાવ્યું છે. ગાંધીજીએ ઓઢેલી ખાદી અને કબૂતરનો સફેદ રંગ એકસમાન હોવાથી આ ચિત્ર વિચિત્ર નથી જણાતું. અલબત્ત, અહીં આ કેરિકેચરની પસંદગી ગાંધીજીના ચહેરાની જટિલતાને કારણે કરી છે. તેમનું કપાળ અને માથું એક જેવા લાગે છે, જેમાં કરચલીઓ પડેલી છે. આ ઉપરાંત કાન આખેઆખો ચહેરા સાથે ચોંટેલો હોય તેને બદલે ડાળીની જેમ ઉગેલો બતાવ્યો છે. કબૂતર કદાચ ગાંધી નામના શાંતિવૃક્ષ પર બેઠું છે એમ દર્શાવવાનો પ્રયત્ન હોય તો પણ નવાઈ નહીં.

*** *** ***

હંગેરીના વતની, આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કેરીકેચરીસ્ટ ઝેડ/Zed દ્વારા બનાવાયેલું ગાંધીજીનું આ ઠઠ્ઠાચિત્ર છે. ઝેડે કપાળની રેખાઓ ઉપરાંત આંખના ખૂણે ખેંચાયેલી ત્રાંસી રેખાઓ તેમજ ગાલ પરની રેખાઓ પણ બતાવી છે. તેમના બન્ને હાથની આંગળીઓ, પગના પંજા, તેમના ખેસની ગડીઓ જેવી અનેક ઝીણવટભરી બાબતો પર તેમણે કામ કર્યું છે. એ રીતે કેવળ નાકને મોટું ચીતરીને તેમણે બીજા ભાગ છોડી નથી દીધા. આમ બધી વિગતોની સાથે તેમણે ગાંધીજીના ચહેરા પર સૌમ્ય હાસ્ય દેખાય તેની પણ કાળજી લીધી છે. તેઓ પોતે ગાંધીજીને કઈ રીતે જુએ છે એનો પણ અંદાજ કંઈક અંશે આપણને મળી રહે છે.

અહીં કેવળ નમૂનારૂપ કેરિકેચર બતાવ્યાં છે, જેમાં ગાંધીજીના ચહેરાને અત્યંત જટિલ રીતે ચીતરવામાં આવ્યો હોય. આ ઉપરાંત પણ અસંખ્ય કેરિકેચર એવાં છે કે જેમાં ગાંધીજીના ચહેરા પર અનેક જટિલતાઓ ચીતરવામાં આવી હોય. ચહેરો સરળતમ હોય કે જટિલ, એ હકીકત છે કે કેરિકેચરિસ્ટ-કાર્ટૂનિસ્ટો માટે ગાંધી સૌથી પ્રિય પાત્ર રહ્યા છે. આગામી કડીમાં વધુ એક નવા વિષય સાથે ગાંધીજીને દર્શાવતાં કાર્ટૂનોની વાત.

(ક્રમશ: )

**** **** ***

સ્પષ્ટતા:

૧. આ કાર્ટૂનો મારા અંગત સંગ્રહમાંથી છે. તેમાં ક્યાંય કૉપીરાઈટનો ભંગ થતો હશે અને તેની જાણ કરવામાં આવશે તો તે ચોક્કસપણે દૂર કરવામાં આવશે. જે તે કાર્ટૂનિસ્ટના નામ સાથે તે મૂકવામાં આવશે.

(Disclaimer: All the images and cartoons used or are going to be used here are either from personal collection or taken from net. Wherever it is taken from net, the source is mentioned. They are not intended for any commercial use. If there is a breach of copyright, please inform about it at bakothari@gmail.com and they will be removed. )


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્ર:
ઇ-મેલ : bakothari@gmail.com
બ્લૉગ : Palette – અનેક રંગોની અનાયાસ મેળવણી || The Nostalgic Neuron

Print Friendly
Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailFacebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather

7 Comments

 • Jagdish Patel says:

  bahu saras prayas. Abhinandan

 • Piyush Pandya says:

  નિશાંત રાવના ચિત્રમાં જે ‘નિર્દોષ ચંચળતા’ છે, એ તમારી ટિપ્પણી ન હોત તો નજરે ન ચડત. એવી જ રીતે, યુલિસિસના ચિત્રમાં કાનને ડાળ તરીકે એના ઉપર શાંતિદૂતે માળો કર્યો હોવાનું તમે કરેલું અર્થઘટન એકદમ ગળે ઉતરી જાય એવું છે. આ શ્રેણીને બને એટલી લંબાવશો.

 • મહેન્દ્ર શાહ says:

  Great!

 • મહેન્દ્ર શાહ says:

  મહેન્દ્ર શાહનું ગાંધીજીનું વ્યંગચિત્ર “વ્યંગ્યચિત્રોમાં ગાંધી” ના કોમેન્ટ્સની અનુસંધાનમાં હતું, કોમેન્ટ્સમાં ઇમેજ પોસ્ટ કરવાની સુવિધા નથી એટલે અલગ મોકલેલ. મને લાગે છે કે ભૂલથી મહેન્દ્ર શાહની ” રીયલ લાઇફ હ્યુમરસ સ્ટોરી ” સાથે પોસ્ટ થયેલ છે, સુધારો કરવા વિંતી.

 • પ્રતિભાવ આપનાર સૌ મિત્રોનો આભાર.

 • મકરંદ મુસળે says:

  બિરેનભાઇ મજા કરાવી.
  ગાંધીજીની વિવિધ ભાવ-મુદ્રાઓ વિદેશી ઠઠ્ઠાચિત્રકારોની દ્રષ્ટીએ જોવા મળી.
  આ દ્રષ્ટીએ આપણે ગાંધીજીને કદાચ ન જોઈ શકીએ. કારણકે આપણી જન્ત આગળ જાણે-અજાણે ગાંધીભક્તિનું આવરણ આવી શકે
  ક્યા બાત…

 • મકરંદ મુસળે says:

  ઉપરની કોમેન્ટમાં ટાઈપોગ્રાફીકલ ભૂલને સુધારીને મૂકું છું

  ….કારણકે આપણી આંખ આગળ જાણે-અજાણે ગાંધીભક્તિનું આવરણ આવી શકે
  ક્યા બાત…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered By Indic IME